ક્યારેક હું પણ આવી પૉશ ગાડી લઈશ

19 June, 2024 09:33 AM IST  |  Mumbai | Heena Patel

એક અમેરિકન ઍવરેજ અઢી કલાકનો સમય પોતાના વિશ લિસ્ટમાં રહેલી વસ્તુઓને ઇન્ટરનેટ પર સ્ક્રૉલ કરવામાં વિતાવી દે છે.

પ્રતીકાત્મક તસવીર

શું તમને પણ એવી આદત છે કે જે વસ્તુ ભવિષ્યમાં વસાવવાની ઇચ્છા હોય એને દરરોજ ઇન્ટરનેટ પર જોવામાં કલાકો પસાર કરો છો? આને જ ડ્રીમ-સ્ક્રૉલિંગ કહેવાય છે. એક સર્વે મુજબ એક અમેરિકન ઘર અને કારથી લઈને ક્લોધિંગ-ઍક્સેસરીઝનું ડ્રીમ-સ્ક્રૉલિંગ કરવા પાછળ દિવસના સરેરાશ અઢી કલાક વેડફે છે. તેમનું કહેવું છે કે ડ્રીમ-સ્ક્રૉલિંગથી તેમનું ફાઇનૅન્શિયલ પ્લાનિંગ સુધર્યું છે, કારણ કે તેઓ એ વસ્તુ ખરીદવા માટે પૈસાની બચત કરતાં શીખે છે. જોકે ફાઇનૅન્શિયલ એક્સપર્ટના મતે ડ્રીમ-સ્ક્રૉલિંગના ફાયદા કરતાં નુકસાન વધુ છે, કારણ કે એ તમને એકની જગ્યાએ બીજી દસ વસ્તુઓ ખરીદવા માટે ડિસ્ટ્રૅક્ટ કરી શકે છે જે તેમનું ફાઇનૅન્સ મૅનેજમેન્ટ બગાડી શકે છે.

એક ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપનીના સર્વે મુજબ અમેરિકામાં વ્યક્તિ એક દિવસમાં અંદાજે અઢી કલાક ડ્રીમ-સ્ક્રૉલિંગ પાછળ ખર્ચ કરે છે. એ હિસાબે વર્ષના ૩૬.૪ દિવસ ડ્રીમ-સ્ક્રૉલિંગ પર ખર્ચ થાય છે. ડ્રીમ-સ્ક્રૉલિંગ એટલે ​ઇન્ટરનેટ પર એ વસ્તુ જોયા કરવી જેને પૈસાની સગવડ થાય ત્યારે ભવિષ્યમાં લેવાની ઇચ્છા છે. સર્વેમાં જણાવાયા મુજબ લોકો અપાર્ટમેન્ટ, કાર, જ્વેલરી, ફર્નિચર, ગૅજેટ્સ, ક્લોધિંગ અને ઍક્સેસરીઝ, બ્યુટી પ્રોડક્ટ્સ, વેકેશન ડેસ્ટિનેશન, આઇડિયલ રિટાયરમેન્ટ પ્લાન જેવી અઢળક બાબતો માટે ડ્રીમ-સ્ક્રૉલિંગ કરે છે. એમાં પણ સૌથી વધુ એટલે કે ૪૯ ટકા ડ્રીમ-સ્ક્રૉલિંગ ક્લોધિંગ, શૂઝ અને ઍક્સેસરીઝ માટે થાય છે. ડ્રીમ-સ્ક્રૉલિંગ ઘણા લોકોને સમયની બરબાદી લાગી શકે છે પણ સર્વે મુજબ ૩૦ ટકા લોકોનું કહેવું છે કે ડ્રીમ-સ્ક્રૉલિંગ તેમને બીજી વસ્તુઓ પાછળ ખોટા ખર્ચા કરતાં રોકે છે, જ્યારે ૨૬ ટકા લોકોનું કહેવું છે કે આનાથી ભવિષ્ય માટે તેઓ બેટર પ્લાન બનાવી શકે છે.  

આ રીતે કરે મદદ

ડ્રીમ-સ્ક્રૉલિંગ પાછળનું લૉજિક અને આપણા ગોલ નજીક એ આપણને કઈ રીતે લઈ જવાનું કામ કરે છે એ ઉદાહરણ સાથે સમજાવતાં ફાઇનૅન્શિયલ એક્સપર્ટ પ્રિયંકા આચાર્ય કહે છે,  ‘ક્યારેક આપણને એવું લાગે કે આપણાં જૂનાં કપડાં આપણને ફિટ નથી થતાં. એટલે આપણે એમાં ફિટ થવા માટે વેઇટલૉસનો ટાર્ગેટ રાખીને એના પર કામ શરૂ કરીએ. આપણે કબાટમાં પણ એ કપડાંઓ આપણી નજર સામે રાખીએ જેમાં આપણે ફિટ નથી થઈ રહ્યા. ક્યાંક ને ક્યાંક એ તમને વેઇટલૉસના તમારા ગોલની નજીક પહોંચાડવા માટે મોટિવેટ કરવાનું કામ કરે છે. સેમ એવી જ રીતે તમે જો ​ડ્રીમ-સ્ક્રૉલિંગ કર્યા કરો તો તમારી અંદર એક ફીલ ગુડ ફૅક્ટર જનરેટ થાય, જે તમને તમારા ગોલની નજીક પહોંચવા માટે કઈ રીતે ફાઇનૅન્સ મૅનેજમેન્ટ કરવું એની ક્લૅરિટી આપે છે. ડ્રીમ-સ્ક્રૉલિંગ કરીએ તો ખયાલ આવે કે મારે આ વસ્તુની જરૂર છે અથવા તો મને આ વસ્તુ ગમે છે તો એ માટે મારે પૈસા ભેગા કરવાના છે. એટલે એ પૈસા ભેગા કરવા માટે તમે તમારું ફાઇનૅન્સ મૅનેજ કરવાનું શરૂ કરી દો.’

સાવચેતી ન રાખો તો પડે ભારે
સર્વેમાં ડ્રીમ-સ્ક્રૉલિંગના ફાયદાઓ વિશે વાત કરવામાં આવી છે, પણ પ્રિયંકા આચાર્યનું માનવું છે કે આના ગેરફાયદા પણ છે. આ વિશે સમજાવતાં તેઓ કહે છે, ‘ઘણી વાર એવું થાય કે આપણે જે કપડાંમાં ફિટ થવાનું વિચાર્યું હોય અને એ માટે એક્સરસાઇઝ અને ડાયટિંગ કરવાનું શરૂ કરી દીધું હોય એમાં બે-ત્રણ વર્ષના પ્રયત્ન છતાં જોઈએ એવું પરિણામ ન મળ્યું હોય તો આપણે વજન ઘટાડવાનું માંડી વાળીએ. આપણે જે જૂનાં કપડાં સાચવીને રાખ્યાં હોય એનો પણ પછી કોઈ ફાયદો ન થાય. સેમ એવી જ રીતે ડ્રીમ-સ્ક્રૉલિંગ દર વખતે તમને તમારો ગોલ પૂરો કરવામાં મદદરૂપ જ બને એવું નથી. તમે ફક્ત સ્ક્રૉલ જ કર્યા કરો, પણ એ ગોલ પૂરો કરવા માટે કન્સિસ્ટન્ટ્લી તમે કોઈ પ્રયત્ન ન કરો તો અંતે તમારો ટાઇમ વેસ્ટ જ થવાનો છે. ઘણી વાર કેટલાક લોકો ફક્ત પ્લેઝર માટે ડ્રીમ-સ્ક્રૉલિંગ કરતા હોય છે, કારણ કે એનાથી તેમને એક આનંદ મળે છે. સર્વે મુજબ લોકો જે વસ્તુ માટે ડ્રીમ-સ્ક્રૉલિંગ કરી રહ્યા છે એમાં મોટા ભાગની લાઇફસ્ટાઇલ-રિલેટેડ વસ્તુ છે જેની કોઈ રીસેલ વૅલ્યુ નથી. આજે તમે કોઈ એક વસ્તુ સર્ચ મારો તો એ સંબંધિત બીજી દસ ઍડ્વર્ટાઇઝમેન્ટ તમારી સામે આવીને ઊભી રહી જાય. એને ખરીદવાના ચક્કરમાં એવું બની શકે કે તમારું ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટ બગડી જાય. આ બધી વસ્તુ ખરીદવા માટે તમે તમારું ફ્લેક્સિબલ ઇન્વેસ્ટમેન્ટ તોડી દો અથવા ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સને સાઇડલાઇન કરી દો એવું પણ બને. આજકાલ પર્સનલ લોન, ટ્રાવેલ લોન, મોબાઇલ ઑન EMI જેવી વસ્તુ ઈઝીલી અવેલેબલ છે. આ બધી ફૅસિલિટી મેળવવી ખૂબ ઈઝી છે, પણ એનું રીપેમેન્ટ કરવાનું અઘરું છે. તમારી ડ્રીમ-સ્ક્રૉલિંગ કરવાની આદત ઘણી વાર તમને આ બધી વસ્તુ તરફ ખેંચીને લઈ જાય છે.’

રોજ એક કલાક ઑનલાઇન સાડીઓ જોઉં છું: મિત્તલ વેગડ

ક્લોધિંગ અને ઍક્સેસરીઝનો શોખ ધરાવતાં થાણેમાં રહેતાં ૨૯ વર્ષનાં મિત્તલ વેગડ કહે છે, ‘મારા ભાઈના વેડિંગ નજીક છે તો એ માટે હું ​વિન્ટેજ સાડીના ઑપ્શન્સ ઑનલાઇન એક્સપ્લોર કરી રહી છું. એક વાર ગૂગલ પર તમે એ વસ્તુ સર્ચ કરો તો તમને સોશ્યલ મીડિયા પર પણ એની જ પોસ્ટ દેખાય. અત્યારે મારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની ફીડ પર મોટા ભાગની પોસ્ટ સાડીઓની જ આવે છે. સાડીમાં બીજી કઈ ડિઝાઇન અવેલેબલ છે કે એની પ્રાઇસ શું છે એ જોવા એમના અકાઉન્ટમાં જઈને બીજી પોસ્ટ જોઈએ. એનાથી આઇડિયા આવે છે કે સાડીની કેવી-કેવી ડિઝાઇન માર્કેટમાં છે અને એની રેન્જ શું છે. અત્યારે મારો રોજનો અડધો-એક કલાક તો સાડીઓ જોવા પાછળ ખર્ચ થાય જ છે. હજી લગ્નને વાર છે, પણ પછી ફક્ત એક-બે મહિના આડા હશે ત્યારે મારો સ્ક્રૉ​લિંગ ટાઇમ પણ વધી જશે. ડ્રીમ-સ્ક્રૉલિંગનું રીઝન એ પણ છે કે મારે જે પ્રાઇસ રેન્જમાં એ વસ્તુ જોઈતી હોય એ મળી રહે. આમાં ઘણી વાર એવું થાય કે આપણને જે જોઈએ છે એ વસ્તુની સાથે બીજી વસ્તુ પણ ગમી જાય. જેમ કે અત્યારે મને વિન્ટેજ સાડી લેવી છે, પણ એ સિવાય બીજી સાડીના ઑપ્શન્સ પણ મારી ફીડ પર આવી રહ્યા છે. મારે વિન્ટેજ સાડી જ ખરીદવી છે, પણ બાંધણી જોઈને એમ લાગે કે એ પણ સંગીત માટે ખરીદી લેવી જોઈએ. જોકે મેં વેડિંગ માટેના આઉટફિટનું એક ફિક્સ બજેટ નક્કી કરીને રાખ્યું છે તો હું એ હિસાબે જ ખર્ચ કરીશ.’

આ ટ્રાય કરો

ડ્રીમ-સ્ક્રૉલિંગ કરવું જોઈએ કે નહીં એ વિશે વાત કરતાં પ્રિયંકા આચાર્ય કહે છે કે ‘ડ્રીમ-સ્ક્રૉલિંગનો ફાયદો તમને તો જ થઈ શકે જ્યારે તમારું ધ્યાન ફકત એક જ વસ્તુ પર હોય અને આજુબાજુની દસ વસ્તુ પર ન ભટકે. તમને ખબર હોવી જોઈએ કે તમે જે વસ્તુ ખરીદવા ઇચ્છો છો એની પાછળ પૈસા ખર્ચ કરવો કેટલો યોગ્ય છે? શું મારે એની ખરેખર જરૂર છે? ડ્રીમ-સ્ક્રૉલિંગ પાછળ દિવસના કલાકો વેડફવા કરતાં તમે એમ કરી શકો કે રાત્રે સૂતાં પહેલાં ડાયરીમાં કે વિશ લિસ્ટમાં લખી નાખો કે તમને શું જોઈએ છે. એ પણ તમને એક રીતે તમારા ગોલ નજીક લઈ જવાની સાથે ટાઇમ પણ સેવ કરશે. બીજું ડાયરીમાં આપણે જોઈએ એ વસ્તુ લખી નાખીએ તો એ વસ્તુને જ ખરીદવા પાછળ આપણું ફોકસ રહે અને મન બીજી દસ વસ્તુઓ પાછળ ન ભાગે અને આપણે ફાઇનૅન્સ પણ સારી રીતે મૅનેજ કરી શકીએ.’

 

columnists gujarati mid-day social media