‘મમ્મીના મૃત્યુથી હું રાજી છું’ એવું કોઈ શું કામ કહે?

12 May, 2024 01:48 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

પોતાની અધૂરી ઇચ્છાઓ કે સપનું પૂરું કરવા માટે બાળકનો હથિયાર તરીકે ઉપયોગ કરીને એક મમ્મી જ્યારે પ્રસિદ્ધિ, પૈસો અને પ્રશંસા માટેની દોટ મૂકે છે ત્યારે જેનેટ મૅકર્ડી જેવા સ્ટારની કથાઓ જન્મે છે

પુસ્તક ‘I’m Glad My Mom Died’

એ પુસ્તકનું નામ વાંચીને મને આઘાત લાગેલો. જે પુસ્તકમાં પોતાનાં ભૂતકાળ, સ્મરણો અને આત્મકથાનો સમાવેશ થતો હોય એ પુસ્તકના ટાઇટલમાં આવી વિચિત્ર કબૂલાત કોણ કરે? જગતની કઈ એવી વ્યક્તિ હોય જે પોતાના મમ્મીના મૃત્યુને એક સુખદ ઘટના ગણાવે? હું વાત કરી રહ્યો છું એક વિચિત્ર પરંતુ અર્થસભર પુસ્તકની, જેનું નામ છે ‘I’m Glad My Mom Died’. 
‘મમ્મીના મૃત્યુથી હું રાજી છું’ એવું જાહેરમાં કહેનાર વ્યક્તિને તમાચો મારવાનું મન થાયને? એના પર ગુસ્સો આવેને? પણ જો તમે એ લેખિકાની કથની અને કબૂલાત સાંભળશો તો કદાચ તમને તેમના પર દયા આવશે. વાત થઈ રહી છે ભૂતપૂર્વ બાળ કલાકાર જેનેટ મૅકર્ડીની. ટીવી-ચૅનલ પર આવતી એક અમેરિકન સિરિયલમાં તેમણે બાળકલાકાર તરીકે ખૂબ ખ્યાતિ મેળવેલી. પણ પછી શું થયું એની વાત તેઓ આ પુસ્તકમાં કરે છે.

અભિનય માટે જ્યારે સૌથી પહેલું ઑડિશન આપેલું ત્યારે જેનેટ ફક્ત છ વર્ષનાં હતા. દીકરીને સ્ટાર બનાવવાનું સપનું તેમનાં મમ્મીએ જોયેલું અને મમ્મીનું સપનું પૂરું કરવા માટે જેનેટ બધું જ કરવા તૈયાર હતી. એટલે મમ્મીની સૂચના પ્રમાણે જેનેટ બાળપણથી જ વજન અને દેખાવની બાબતમાં સભાન બનતી ગઈ. મમ્મીને કારણે તે કૅલરી-કૉન્શિયસ બનતી ગઈ. દિવસમાં પાંચ વાર તે પોતાનું વજન કરતી અને ૨૦૦ ગ્રામ વજન પણ વધે તો ખાવાનું બંધ કરી દેતી. સ્ક્રીન પર આકર્ષક અને સ્વરૂપવાન દેખાવા માટે જાતભાતના મેકઅપ કરતી. દરરોજ કસરત કરતી. 
મમ્મીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી જેનેટની આ તાલીમ અને શિસ્ત રંગ લાવતી ગઈ. એક બાળકલાકાર તરીકે જેનેટને ઓળખ, પ્રસિદ્ધિ, લોકપ્રિયતા અને પુષ્કળ પૈસો મળતો ગયો. તે સ્ટાર બનતી ગઈ. સતત મળી રહેલા પ્રોજેક્ટ્સ, ખ્યાતિ અને મોટી અમાઉન્ટના ચેકથી મમ્મી તો ખૂબ રાજી થતાં પણ ધીમે-ધીમે જેનેટ કરમાતી ગઈ. તે ઉદાસ રહેવા લાગી. આટલી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મળવા છતાં તે એક ખાલીપો અનુભવ્યા કરતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે જેનેટનું બાળકલાકાર તરીકેનું કામ ચાલુ રહે એ માટે મમ્મીએ તેને એક શરમજનક અને ભદ્દી સલાહ આપેલી. તરુણાવસ્થામાં પ્રવેશેલી જેનેટનો સ્તન-વિકાસ અટકાવવા માટે મમ્મીએ તેને કૅલરી રિસ્ટ્રિક્શન ડાયટ પર ઉતારી દીધી. અને આ જ કારણથી તેનામાં Eating Disorders શરૂ થવા લાગ્યા. તે કલાકો સુધી ભૂખી રહેતી, પછી અચાનક ખૂબ બધું ખાઈ લેતી. એ Binge-Eating કર્યાની ગિલ્ટ થતાં તે મોઢામાં આંગળી નાખીને ખાધેલું બધું જ ઊલટી કરી નાખતી. તે એટલી
કૅલરી-કૉન્શિયસ બની ગઈ કે સાવ સાદું ભોજન કર્યા પછી પણ અપરાધભાવ અનુભવવા લાગતી. તેને સતત એવો ડર રહ્યા કરતો કે મારું વજન વધી જશે તો! તેને દારૂ અને ડ્રગ્સની લત લાગી ગઈ. ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીના એપિસોડ્સ આવવા લાગ્યા. જેનેટના આ તમામ ઍબ્નૉર્મલ બિહેવિયર માટે તેની મમ્મી જવાબદાર હતી એ વાત જેનેટને બહુ મોડી સમજાઈ.

બ્રેસ્ટ-કૅન્સરને કારણે જ્યારે મમ્મીનું અવસાન થયું ત્યારે જેનેટ ૨૧ વર્ષનાં હતાં. ત્યાર પછી તેમને રિયલાઇઝ થયું કે તેઓ એક ભયંકર માનસિક બીમારીથી પીડાઈ રહ્યાં છે. તેમણે મનોચિકિત્સકની સારવાર શરૂ કરી. થોડા સમય માટે ઍક્ટિંગ છોડી દીધી અને માત્ર પોતાના હીલિંગ પર ધ્યાન આપ્યું. એ દરમિયાન તેમને સમજાયું કે હકીકતમાં જે કામ તેઓ બાળપણથી કરતાં આવ્યાં છે એ કામ તેમને ક્યારેય ગમ્યું જ નથી. અભિનય કરવો એ ક્યારેય તેમની પસંદગી હતી જ નહીં. ફક્ત મમ્મીનું સપનું પૂરું કરવા માટે અને મમ્મીને ખુશ જોવા માટે તેઓ ઍક્ટિંગ તરફ વળેલાં. ચિંતનની એ ક્ષણે તેમને પહેલી વાર સમજાયું કે હકીકતમાં તેઓ પોતે શું ઇચ્છે છે! તેમને શું કરવું ગમશે! આ સાથે જ તેમણે ઍક્ટિંગ છોડી દેવાનો નિર્ણય લીધો અને ગમતું કામ શરૂ કર્યું, લેખન અને દિગ્દર્શન. તેમણે પોતાનો એક પૉડકાસ્ટ શરૂ કર્યો, જેનું નામ હતું ‘Empty Inside’.

આ ભીતરનો ખાલીપો તેમને શું કામ લાગ્યો એ ખબર છે? કારણ કે તેમનો ઉછેર એક સાધન તરીકે થયેલો, એક બાળક તરીકે નહીં. પોતાની અધૂરી ઇચ્છાઓ કે સપનું પૂરું કરવા માટે મા-બાપ જ્યારે એક બાળકનો સાધન તરીકે ઉપયોગ કરે છે ત્યારે પરિણામરૂપે આવી આત્મકથાઓ જન્મે છે. બાળકનો હથિયાર તરીકે ઉપયોગ કરીને એક મમ્મી જ્યારે પ્રસિદ્ધિ, પૈસા અને પ્રશંસા માટેની દોટ મૂકે છે ત્યારે આવી કથાઓ જન્મે છે. જેનેટની મમ્મી જેવા કેટલાય વાલીઓ બાળકને પોતાનું એક્સ્ટેન્શન સમજે છે. આવક, આદર અને પ્રતિષ્ઠા માટેનું સાધન સમજે છે. એ બાળકો સૌથી બદનસીબ હોય છે જેમનો ઉપયોગ કરીને વાલીઓ પોતાની સુષુપ્ત ઇચ્છાઓ પૂરી કરતા હોય છે. ‘એના ઉજ્જવળ ભવિષ્ય માટે’ જેવું રૂપકડું નામ આપીને બાળકને અત્યારથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરીકે ટ્રીટ કરે છે. એક વાર તેમને તો પૂછો કે તેમને શું ગમે છે? જે પ્રવૃત્તિ તમે તેની પાસે પરાણે કરાવી રહ્યા છો એનાથી તેનું માનસ ક્યાંક ઈજાગ્રસ્ત તો નથી થતુંને? તમે ભલે તેની ઉપલબ્ધિઓ પર ગુમાન લઈ રહ્યા હો, એ બાળક મનમાં ક્યાંક મૂંઝાતું નથીને? જો આ સવાલના જવાબો સમયસર શોધવામાં નહીં આવે તો આવી વિચિત્ર કથાઓ લખાતી રહેશે.

columnists life and style sex and relationships gujarati mid-day mothers day