25 May, 2023 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા અને એમએસ ધોની આઇપીએલ 2023ની ટ્રોફી સાથે
ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે ચેન્નઈના ચેપૉકમાં ગુજરાતને હરાવીને ૧૦મી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને મુંબઈની જેમ વિક્રમજનક પાંચમી વખત ટાઇટલ જીતવાનો દાવો કર્યો ત્યાર બાદ ચેન્નઈના ભૂતપૂર્વ ખેલાડી અને જિયોસિનેમા એક્સપર્ટ પૅનલના સુરેશ રૈનાએ કહ્યું કે ‘ચેન્નઈની સફળતા તો જુઓ! ૧૪ સીઝન અને એમાં ૧૦ વખત ફાઇનલમાં. સીએસકેની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને એનો જશ એમએસ ધોનીને જાય છે. તેણે ખૂબ સહજતાથી કૅપ્ટન્સી સંભાળીને ચેન્નઈને ફરી ફાઇનલમાં પહોંચાડ્યું. ઋતુરાજ ગાયકવાડે મને કહેલું કે સીએસકેની ટીમ ધોની માટે ટાઇટલ જીતવા મક્કમ છે.’
રૈનાએ પૅનલ પરની ચર્ચામાં એવું પણ કહ્યું કે ‘આખું ભારત ઇચ્છે છે કે ધોની જ આ વખતે ટાઇટલ જીતે. ચેન્નઈને ચેપૉકના ગ્રાઉન્ડ પર હરાવવું બહુ મોટો પડકાર હતો. ધોની જેને પણ હાથ અડાડે છે એ સોનામાં ફેરવાઈ જાય છે.’ ધોનીએ હાર્દિકને આઉટ કરાવવા છ ફીલ્ડર્સની જાળ બિછાવી હતી અને તે થીકશાનાના બૉલમાં પૉઇન્ટ પર રવીન્દ્ર જાડેજાને કૅચ આપી બેઠો હતો.