05 November, 2024 04:31 PM IST | Mumbai | Sharmishta Shah
૧૦૧ વર્ષનાં લાભુબહેન
આજના જમાનામાં લોકો ફિટનેસ મેળવવા શું-શું નથી કરતા? ડાયટ, એક્સરસાઇઝ, યોગ કરે છે તેમ જ જિમમાં જઈને પસીનો પાડે છે ત્યારે માંડ ફિટનેસ મેળવી શકે છે ત્યારે કાંદિવલીમાં રહેતાં ૧૦૧ વર્ષનાં લાભુબહેન ન કોઈ ડાયટ કરે છે અને ન એક્સરસાઇઝ કરે છે. ગાંઠિયા, ભજિયાં ને પાણીપૂરીનાં શોખીન આ બા ૧૦૧ વર્ષની ઉંમરે પણ સડસડાટ દાદરા ચડી જાય છે.
ગોંડલ પાસેના નાનકડા ગામ હરદોઈમાં જન્મીને મોટાં થયેલાં લાભુબહેન દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન જ્ઞાતિના નંદલાલભાઈને પરણીને ઘાટકોપર આવ્યાં ત્યારે તેમની ઉંમર ફક્ત ૧૬ વર્ષની હતી. ચાર દીકરા અને બે દીકરી સહિતના મોટા પરિવારની જવાબદારી તેમણે સુપેરે નિભાવી હતી. ૪૦ વર્ષ અગાઉ તેમના પતિનું મૃત્યુ થયું ત્યાર બાદ તેમણે ઘરના વડીલ તરીકેની ધુરા સંભાળી લીધી હતી. તેમણે દીકરાના દીકરાના દીકરા સહિત ચાર પેઢી જોઈ છે અને તાજેતરમાં જ તેમનાં ૧૦૧મી વર્ષગાંઠની ઉજવણી સમસ્ત પરિવારે મળીને ધામધૂમથી કરી હતી.
લાભુબહેન અત્યારે પોતાના સૌથી મોટા પુત્ર મહેશભાઈ તથા નાના પુત્ર દીપકભાઈ સાથે રહે છે. તેમનાં મોટાં પુત્રવધૂ રંજનબહેનનું અવસાન થઈ ગયું છે અને નાના પુત્રનાં લગ્ન નથી થયાં. તેમના ત્રીજા નંબરના પુત્ર હસમુખભાઈ પુણે રહે છે અને એક પુત્ર હરીશભાઈ તેમ જ પુત્રી વાસંતીબહેન ગુજરી ગયાં છે અને એક પુત્રી કનકબહેન ડોમ્બિવલીમાં રહે છે.
હંમેશાં ઍક્ટિવ રહેવું ગમે
લાભુબહેન એવાં છે જેમ ક્યારેય પગ વાળીને બેસવું ન ગમે. ઘરમાં પુત્રવધૂનું અવસાન થઈ ગયું હોવાથી અત્યારે પણ લાભુબહેન આખું ઘર મૅનેજ કરી લે છે. ઘરે રસોઈ બનાવવા માટે બહેન ન આવે ત્યારે તો લાભુબહેન પોતાની પસંદગીની બે વાનગીઓ વધારે બનાવીને જમે અને પુત્રોને પણ જમાડે છે. તેઓ અવારનવાર ઉપવાસ, પૌષધ આદિ વ્રત પણ કરે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તાજેતરમાં જ તેમના ડેન્ટિસ્ટે કહ્યું છે કે બાને બે નવા દાંત ફૂટશે. લંડન, સ્કૉટલૅન્ડ તેમ જ ભારતમાં લગભગ બધાં જ સ્થળોએ ફરી આવેલાં બા હજી પણ સમેતશિખરજી તીર્થ કે પાલિતાણા તીર્થની જાત્રા કરવા જવા માટે તૈયાર જ હોય છે. લાભુબહેન એક વાર પડી ગયાં હતાં ત્યારે તેમનું બૉલનું ઑપરેશન થયું છે, એ સિવાય ક્યારેય હૉસ્પિટલમાં ઍડ્મિટ નથી થયાં. તેમને બ્લડ-પ્રેશર કે શુગરની કોઈ સમસ્યા નથી. લાભુબહેનને તેમની આ ફિટનેસનું રહસ્ય પૂછતાં તેઓ કહે છે, ‘શરીરમાં જરાક અસુખ જેવું લાગે કે કોઈ પણ તકલીફ થાય ત્યારે ઉપવાસ કરી લેવો જેથી શરીરનો રોગ નીકળી જાય, ગમશે અને ફાવશેની નીતિ અપનાવીએ તો સદા સુખી રહીએ.’
ફેવરિટ ટાઇમપાસ
માત્ર ચાર ચોપડી ભણેલાં લાભુબહેને જૈન ધર્મનું ઘણું ધાર્મિક જ્ઞાન મેળવ્યું છે. તેઓ રોજ સામાયિક, પ્રતિક્રમણ કરે છે તેમ જ માળા પણ ફેરવે છે એટલું જ નહીં, રોજ સવારે ઉપાશ્રય પણ એકલાં જાય. તેમણે ઉપાશ્રય તેમ જ મહિલા મંડળમાં પણ ઘણી સેવા આપી છે. આ બધામાંથી ફુરસદ મળે ત્યારે કલર્સ ગુજરાતી ચૅનલ પર આવતી સિરિયલો જોવી તેમને ખૂબ ગમે. લાભુબહેન પાસે સમય પસાર કરવા માટે અનેક ઑપ્શન છે. ક્યારેક તેઓ લંડનમાં રહેતા પૌત્ર પ્રશાંત સાથે વિડિયો-કૉલ પર વાત પણ કરી લે છે. તેઓ મીઠાઈ ખાવાનાં શોખીન છે એટલે ક્યારેક પોતાને મનગમતી મીઠાઈ જેવી કે શ્રીખંડ, ખીર, શીરો વગેરે પણ બનાવી લે છે.
લાભુબહેનને બધા પ્રકારનું ભોજન ભાવે છે. એમાંય પાણીપૂરી, ગાંઠિયા ને ભજિયાં તેમનાં ફેવરિટ છે. છાશ તેમને રોજ પીવા જોઈએ જ. તેઓ બહાર જમવા ન જાય, પરંતુ પરિવારજનો એકઠા થાય ત્યારે નાનકડાં પૌત્રપૌત્રીઓને ભાવતી ચીજો મગાવે તો તેઓ દાલફ્રાય, જીરા રાઇસ, દાલખીચડી જેવી ચીજો પણ ખાય.
સ્વભાવે કડક, પણ સેવાભાવી
લાભુબહેનની પૌત્રી ઉર્વી ગાંધી બાનાં વખાણ કરતાં થાકતી નથી. બા કડક સ્વભાવનાં હોવા છતાં પણ માયાળુ અને સેવાભાવી છે એમ જણાવતાં ઉર્વી કહે છે, ‘મારી મમ્મી એટલે કે લાભુબાની સૌથી મોટી વહુ રંજનબહેનને કૅન્સર હતું ત્યારે બાએ સાત વર્ષ સુધી તેમની સેવા કરી હતી. બા મારી મમ્મીની પાટાપિંડી કરે, માથું ઓળી આપે, ધર્મ સંભળાવે અને તેમને માફક આવે એવી રસોઈ બનાવીને ખવડાવે. મમ્મીને કેરી ખાવાની મનાઈ હતી તો બા ઘરમાં કેરી જ ન લાવ્યાં. તેમણે કહ્યું હતું કે મારી વહુનું મન ન દુભાવું જોઈએ. આ ઉપરાંત મારાં કાકી રેખાબહેન જ્યારે હૃદયની તકલીફથી પીડાતાં હતાં ત્યારે પણ બાએ તેમની સંભાળ લીધી હતી. બાએ પોતાના જીવનકાળમાં પતિ, પુત્ર, પુત્રી, બે વહુઓ અને જમાઈ ગુમાવી દીધાં પછી પણ હિંમત નથી ખોઈ. તેમની હિંમતે જ મને બચાવી લીધી છે. કોરોનાકાળમાં હું હૉસ્પિટલમાં એકલી હતી અને ખૂબ રડતી હતી ત્યારે બા મને ફોન પર હિંમત આપતાં હતાં એટલે જ હું મૃત્યુના મુખમાંથી પાછી આવી છું.’
જીવનની કમાણી
બાનાં બે પૌત્ર, બે પૌત્રી, ત્રણ દોહિત્ર અને એક દોહિત્રી અને તેમનાં પણ સંતાનો બાના એક બોલ પર ભેગાં થઈ જાય છે ત્યારે બા એ બહોળા પરિવારને જોઈને સંતોષ અનુભવે છે. બાના પુત્ર મહેશભાઈ કહે છે, ‘બા બહુ પ્રૅક્ટિકલ છે અને તેમને ધર્મ પર અતૂટ શ્રદ્ધા છે અને તેઓ જીવનમાં જે પણ થાય એનો સહજતાથી સ્વીકાર કરી લે છે. બા અમારો હેતનો વડલો છે જેમની છત્રછાયામાં અમે સહુ સુખેથી રહીએ છીએ.’