02 November, 2023 04:41 PM IST | Mumbai | JD Majethia
આ ક્રેઝી ફૅમિલી લૅન્ડ થવાની તૈયારીમાં લાગી ગઈ છે, તમે એને ઝીલવા તૈયાર છોને?
મારા પ્રિય વાચકો, તમે મારા જીવનની લગભગ દરેક ઘટનાથી વાકેફ છો. મારા પરિવાર, મારા કુટુંબ, મારા મિત્રો, મારા કામની વાતો તમારી સાથે મેં હંમેશાં ખુલ્લા મને શૅર કરી છે. ઉપરના દરેક સંબંધો જેવો જ એક મહત્ત્વનો સંબંધ મારો તમારી સાથે બંધાયો છે. ભલે આપણે ગુરુવારથી ગુરુવાર મળતા હોઈએ, પણ સતત મારી આસપાસ તમે રહેતા હો છો. ક્યાંક સારો અનુભવ થાય, ક્યાંક કોઈ મહત્ત્વની વાતની જાણ થાય એટલે તમારી સાથે કેવી રીતે શૅર કરીશ એનો વિચાર મનમાં શરૂ થઈ જાય. કશું ક્યાંય સારું થાય અને તમારો પણ એમાં વિકાસ થવાનો હોય કે ફાયદો થવાનો હોય તો તમારી સાથે મારી એ વાત, મારા એ વિચારોની આપ-લે કરું જ કરું. એવું જ અત્યારે પણ મનમાં થાય છે.
ઉપર જે મથાળું છે એની વાત કરવાનું અને તમને મારા જીવનની એક શ્રેષ્ઠ યાત્રા કહી શકાય એમાં સહભાગી કરવાનું મન થાય છે. ભાવુક થઈ જાઉં એ પહેલાં હસવાની વાત પર આવી જઈએ. આ ખબર તમારામાંથી ઘણાને બહારથી મળી હશે પણ મને, મારા મોઢે એ વાત કહેતાં બહુ આનંદ થાય છે. દસમા ધોરણમાં પરિવારે ધાર્યા હોય એના કરતાં વધારે ટકા બોર્ડમાં લાવી, પોતાના બચાવેલા પૈસાથી પેંડાનું પૅકેટ લઈ દોડીને ઘરે પહોંચીએ અને બા-માબાપને માર્કશીટ દેખાડતાં પહેલાં પેંડાના બૉક્સનું ઢાંકણું ખોલી પેંડા ધરો એ સમયે આપણી આંખમાં સવાલ અને જવાબ સાથે હર્ષનું એક આંસુ પહેલાં દેખાય અને પછી માબાપ બન્ને સાથે બોલી પડે, ‘કેટલા ટકા?’
અને જવાબમાં, ‘આટલા ટકા...’
આ સવાલ-જવાબ અને હર્ષની જે લાગણી થાય એવી જ લાગણી અત્યારે મને થાય છે. અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવી હાસ્યકૃતિ ‘ખીચડી’ ફરી પાછી તમને દિવાળીની રજાના દિવસોમાં એટલે કે ૧૭ નવેમ્બરે સિનેમાઘરમાં ખેંચી લાવશે.
આ વખતની ‘ખીચડી-ટૂ’ પહેલાંની બધી ‘ખીચડી’ એટલે કે ટીવી-સિરિયલ, વેબ-સિરીઝ કે પછી ‘ખીચડી - ધ મૂવી’ કરતાં ચાર ચાસણી વધારે છે, જેનું ટ્રેલર અમે ગઈ કાલે જ લૉન્ચ કર્યું છે. તમે જો હજી સુધી ન જોયું હોય તો યુટ્યુબ પર જઈને જોઈ લેજો અને માત્ર જોવાનું નથી, ‘હસો અને હસાવો’નો અર્થ પણ સાર્થક કરી, તમે જે કોઈ વૉટ્સઍપ ગ્રુપમાં હો, જેને પણ તમે કવિતા કે ધાર્મિક સંદેશના મેસેજ મોકલતા હો તેને ફૉર્વર્ડ પણ કરો. કેમ કે આપણે જે પણ ગ્રુપમાં છીએ એ ગ્રુપ સાથે આપણો એક એવો સંબંધ છે જે આપણને, તેમને ખુશ કરે છે, તો આપણી પણ જવાબદારી છે કે આપણે પણ ખુશ કરીએ અને બધાને ખુશ રાખવા પ્રેરે છે ‘ખીચડી’નું ટ્રેલર.
દિવાળીએ અમે એક નવી કૅપ્શન બનાવી છે, ‘Gift a laughter this diwali.’ એટલે કે આ દિવાળીએ હાસ્યની ભેટ આપો. જો તમારે અત્યારથી દિવાળીની ગિફ્ટ આપવાની તૈયારી કરવી હોય તો મીઠાઈ કે પછી કોઈ કૅન્ડલ આપે એવી રીતે તમે ઇચ્છો તો આ વખતે એ બધી ગિફ્ટ સાથે ‘ખીચડી’ની ચાર ટિકિટ ગિફ્ટ આપી શકો છો અને હું તો કહીશ કે દિવાળીએ લોકોને ખુશીની ગિફ્ટ આપવી, લોકોના ચહેરા પર સ્માઇલ મૂકવી, તેમને ખડખડાટ હસાવવા એનાથી બીજી મોટી કોઈ ગિફ્ટ નથી.
મારે તમને એક ખાસ વાત કહેવાની છે કે મેં અત્યાર સુધી મારી આ કૉલમમાં બેથી ત્રણ જ રિવ્યુ લખ્યા છે; ગુજરાતી પિક્ચર ‘ચાલ મન જીતવા જઈએ’, હંસલ મહેતાવાળી પ્રતીક ગાંધીવાળી વેબ-સિરીઝ ‘સ્કૅમ-૧૯૯૨’ અને નૅશનલ અવૉર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’. મને કેટલીયે વાર લોકોએ કહ્યું કે અમારું પિક્ચર સારું આવ્યું છે, તમે એના વિશે લખોને, પણ હું બધા વિશે નથી લખતો. મારું પણ કેટલું કામ આવ્યું છે જે બધા વિશે નથી લખતો. હા, ‘વાગલે કી દુનિયા’ અને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં તમને મજા પડે છે એટલે ક્યારેક હું એના વિશે તમારી સાથે વાત કરું છું અને મને જે સારું લાગે, મારા જીવનની યાત્રા વિશે જ લખું છું. કારણ કે તમને, મારા વાચકોને હું કશું કાચું ન આપી શકું અને એટલે જ જ્યારે બરાબર પાકી ત્યારે ‘ખિચડી’ની વાત શરૂ કરી. મને આપણા ‘મિડ-ડે’ના રશ્મિન શાહ બહુ કહેતા હતા કે આપણે એની વાત શરૂ કરીએ, તમે લખો, પણ જ્યારે બરાબર પાકી ત્યારે વાત શરૂ કરી.
તમે તમારા પરિવારને, મિત્રોને અને તમારા ગ્રુપમાં આ ટ્રેલર દેખાડજો એવી હું વિનંતી કરું છું અને સાથોસાથ પ્રૉમિસ પણ કરું છું કે એ લોકોને મજા પડી જશે. કોઈ તમને એવું નહીં કહે કે શું આવું દેખાડે છે! ૧૭ નવેમ્બરથી શરૂ થનારી આ હસવાની સફરમાં તેમને પણ સાથે લઈને જોડાજો. તમને એક મજાની વાત કહું. તમને ખબર છે કે સિરિયલમાં કૉમેડી ટ્રૅકની શરૂઆત કેમ થઈ?
કારણ કે ઘરે સાથે બેસીને હસનારા ઘણા છે અને હસવાની સાચી મજા તો બધા સાથે હોય ત્યારે જ આવે તો તમે પણ આ પ્લાન બનાવજો કે ગ્રુપમાં આ પિક્ચર જોવા જજો, વધારે મજા આવશે. આપણે જેમ દાંડિયા રમવા જઈએ તો બે જણમાં મજા ન આવે, ગ્રુપ હોય તો વધારે મજા આવે. પિકનિક પર જઈએ તો જેમ વધારે લોકો હોય એમ વધારે મજા આવે. તો મજામાં જેટલા વધારે લોકો એટલી વધારે ખુશી થાય. હસવામાં તમે જોયું હશે કે ત્રણસો-ચારસો જણ સાથે હસે તો કેટલી મજા આવે. ગુજરાતી નાટકો જોતાં તમે આ અનુભવ્યું જ હશે કે બધા સાથે હસતા હોય ત્યારે કેટલો આનંદ આવે. અહીં હું તમને એક બીજી વાત પણ કહીશ.
તમે મારા ફૅમિલી-મેમ્બર છો એટલે જો તમારી સંસ્થા કે ગ્રુપ કે પછી તમારા મંડળને ફિલ્મના શોની વ્યવસ્થા કરવી હોય કે ગ્રુપ-બુકિંગમાં કે બીજી કોઈ પ્રકારની તમને હેલ્પ જોઈતી હોય તો તમે મારા તરફથી મારી ઑફિસમાં રીનાબહેન શેઠ કે મયૂર કોટકનો સંપર્ક કરી શકો છો. તેઓ તમને આ બધામાં મદદ કરશે અને આવું કહેવા પાછળનું કારણ પણ માત્ર એટલું જ છે કે મારો-તમારો સંબંધ છે અને હું ઇચ્છું છું કે ભારતનો દરેકેદરેક પ્રેક્ષક આ ફિલ્મ જુએ અને પેટ ભરીને હસે. કારણ કે આ વખતે ‘ખિચડી’ બની છે એ અત્યાર સુધી આવેલી તમામ વર્ઝનમાં સૌથી મોટામાં મોટા બજેટની કૃતિ છે. તમને એક વાત કહું, ‘ખિચડી’એ દુનિયામાં એક અલગ જ પ્રકારનો રેકૉર્ડ બનાવ્યો છે.
‘લાડકવાયા’ નામના નાટકથી શરૂ થયેલો આ પરિવાર ત્યાર પછી સિરિયલ, એ પછી ‘ઇન્સ્ટન્ટ ખિચડી’, એ પછી ફિલ્મ ‘ખિચડી - ધ મૂવી’, વેબ-સિરીઝ અને એ પછી મૂવીની સીક્વલ. આવું આખા વર્લ્ડમાં એક પણ કૃતિ સાથે નથી થયું અને એટલે જ હું તમને આ બધું કહેવા માટે જબરદસ્ત એક્સાઇટેડ છું. આ પાત્રો આપણી બધાની આસપાસથી આવ્યાં છે અને એ આજુબાજુમાં હોય જ છે. પ્રફુલ, હંસા, હિમાંશુ, જયશ્રી, બાબુજી જેવાં અમર પાત્રો આપણા જીવનની દુખી ક્ષણોમાં હાસ્ય ભરી અને સુખમાં પલટાવી શકે છે અને એટલે જ કહું છું કે દુનિયાની લૉન્ગેસ્ટ રનિંગ કૉમેડી જોવા માટે થોડી વહેલી તૈયારી કરજો. અમે બહુ સાચવીને તારીખ લીધી છે, ૧૭ નવેમ્બર. પહેલાં અમે ૧૦ નવેમ્બરનું પ્લાનિંગ કરતા હતા, પણ પછી થયું કે બધાને ધનતેરસ, રૂપચૌદશ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ જેવા દિવસોમાં કામ હોય તો એ પતાવીને ૧૭ તારીખે સિનેમાઘરમાં આવી શકો અને એ પહેલાં વર્લ્ડ કપની બે સેમી ફાઇનલ પણ પૂરી થઈ જાય એટલે સાવ નિરાંતના સમયમાં તમે આવો, હું તમારી રાહ જોઈશ અને હા, હું અને અમારી ટીમ પણ તમને મળવા અમુક થિયેટર્સમાં આવશે એ પણ નક્કી છે, પણ એ પહેલાં આપણે ફરીથી મળીશું અહીં, ‘ખિચડી’ની જ નવી વાતો સાથે.
બસ, એ જ તમારો પ્રિય
હિમાંશુ ઉર્ફે જેડી...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)