મારા હસબન્ડ રસિક ઘણી વાર મજાક કરતા કે રતન તાતા એક દિવસ તારું સન્માન કરશે

11 October, 2024 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુધવારે રાતે રતન તાતાના અવસાનના ન્યુઝ મળ્યા અને અચાનક જ તેમના સોશ્યલ મીડિયાના અકાઉન્ટ પર હું ગઈ. મેં તેમની લાસ્ટ ટ્વીટ જોઈ અને ખબર નહીં પણ પહેલી વાર મને એવું લાગ્યું કે આપણે એક એવી વ્યક્તિ ગુમાવી જેને માટે આપણે એટલે કન્ઝ્યુમર બહુ અગત્યના હતા.

રતન તાતા

બુધવારે રાતે રતન તાતાના અવસાનના ન્યુઝ મળ્યા અને અચાનક જ તેમના સોશ્યલ મીડિયાના અકાઉન્ટ પર હું ગઈ. મેં તેમની લાસ્ટ ટ્વીટ જોઈ અને ખબર નહીં પણ પહેલી વાર મને એવું લાગ્યું કે આપણે એક એવી વ્યક્તિ ગુમાવી જેને માટે આપણે એટલે કન્ઝ્યુમર બહુ અગત્યના હતા. ગઈ કાલે સવારે હું કિચનમાં ગઈ અને અનાયાસ જ મારી આંખ સામે રતન તાતા ફરી આવી ગયા. તાતા સૉલ્ટ પર મારી પહેલી નજર પડી અને પછી તો મને ડગલે ને પગલે બધું યાદ આવવા માંડ્યું. વેસ્ટસાઇડ સ્ટોર પણ યાદ આવી ગયો અને ઇન્ડિયન ઍરલાઇન્સ પણ યાદ આવી ગઈ અને સબ્ઝી ડિલિવરી કરવા આવેલા ડિલિવરીમૅનના ટીશર્ટ પર બિગ બાસ્કેટનો લોગો જોઈને પણ રતન તાતા યાદ આવી ગયા. નવી ફિલ્મના વર્કશૉપની ડેટ્સ પણ ગઈ કાલે જ મળી, જે તાજમાં છે. અગેઇન રતન તાતા. હું ઝુડિયો (Zudio)માં બહુ નથી જતી, પણ મારો દીકરો અને દીકરી નિયમિત જાય છે. અગેઇન તાતા. તમે રસ્તા પર નજર કરો તો તમને દસમાંથી ચાર કાર તાતા ગ્રુપે બનાવેલી જોવા મળી જાય. હાઇવે પર ટ્રક પણ તાતાની જોવા મળી જાય અને આવી તો કેટકેટલી જગ્યાએ રતન તાતા તમને જોવા મળે.

હું નાનપણથી સ્વદેશી રહી છું અને મારા વપરાશની મોટા ભાગની પ્રોડક્ટ ઇન્ડિયન જ હોય. હું પર્સનલી માનું છું કે સ્વદેશી ચીજવસ્તુઓનો વપરાશ જ તમારા દેશની ઇકૉનૉમીને વધારે મજબૂત બનાવી શકે અને એટલે જ આપણે ત્યાં તૈયાર થયેલી ચીજવસ્તુ વાપરવી એ અલ્ટિમેટલી આપણા જ હિતમાં છે. પણ હા, મારે એ પણ કહેવું છે કે સ્વદેશીનો આગ્રહ હોવો જોઈએ, દુરાગ્રહ નહીં અને રતન તાતામાં પણ લિટરલી મને આ જ વાત જોવા મળી છે. તમે જુઓ, તેઓ કેવા ડાઉન ટુ અર્થ હતા અને કેવી સિમ્પલ તેમની લિવિંગ સ્ટાઇલ હતી. તેમને જોઈને ક્યારેય ‘આઇ ઍમ ધ તાતા’ની ફીલ આવે જ નહીં, એવું જ લાગે કે તેઓ આપણી વચ્ચેના જ એક છે.

આજે જ્યારે ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા બહુ નાની થઈ ગઈ છે ત્યારે આપણે એ પણ સમજવું રહ્યું કે સ્વદેશી ચીજવસ્તુ જ તમારા દેશને પગભર બનાવશે અને રતન તાતાએ એ જ કર્યું. એવી-એવી ચીજવસ્તુઓ તેમણે આપણને આપી કે આપણને યાદ પણ ન હોય કે આ પ્રોડક્ટ તો ઇન્ડિયન છે અને યાદ ન હોય એટલે પેલો ફૉરેનની ચીજવસ્તુ વાપરવાનો છોછ પણ ન હોય. તમે માનશો નહીં, પણ હમણાંની જ વાત કહું. એક ટીવી-ઍક્ટ્રેસ સાથે વાત થતી હતી ત્યારે તેને પહેલી વાર ખબર પડી કે વેસ્ટસાઇડ એ તાતાની કંપની છે અને તેનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો હતો.

કહ્યું એમ, હું નાનપણથી સ્વદેશી રહી છું, પણ એવું જ રહેવું એને માટે મારો કોઈ ભેખ નહોતો. મારી વાત ક્લિયર છે કે સ્વેદશીમાં જો મને ક્વૉલિટી પ્રોડક્ટ્સ મળે તો મારે એ જ વાપરવી અને સ્વાનુભાવે ધીમે-ધીમે મને સમજાતું ગયું કે તાતાની પ્રોડક્ટ સારી હોય છે એટલે એનો વપરાશ મારા ઘરમાં વધી ગયો. બન્યું એવું કે મારે કારણે ફૅમિલીને પણ બધી એ જ ચીજવસ્તુઓ વાપરવાની આદત પડી ગઈ. મારા હસબન્ડ રસિક (દવે) હતા ત્યારે તો તેઓ ઘણી વાર મજાક પણ કરતા કે એક દિવસ આ રતન તાતા તારું સન્માન કરશે. 

સન્માન પહેલાં જ રતન તાતાએ વિદાય લઈ લીધી, પણ સ્વદેશી પ્રોડક્ટનો તેમણે શરૂ કરાવેલો મારો આગ્રહ હંમેશાં મારી સાથે રહેશે. બહુ વર્ષો પહેલાં મેં રતન તાતાના એક ઇન્ટરવ્યુમાં વાંચ્યું હતું કે તેઓ પર્સનલ ઉપયોગમાં તાતા ગ્રુપની જ આઇટમ વાપરે છે. એ ઇન્ટરવ્યુમાં તેમણે પોતાનો પૉઇન્ટ ઑફ વ્યુ મૂકતાં કહ્યું હતું કે મને મારી પ્રોડક્ટ પર જો એટલો વિશ્વાસ ન હોય કે હું એ વાપરું તો પછી મને એ પ્રોડક્ટ બનાવવાનો હક નથી.

જે દિવસે દેશના ઉદ્યોગપતિઓ તેમની આ વાતને સમજી જશે, તેઓ જે રસ્તે ચાલ્યા એ રસ્તે ચાલવાનું નક્કી કરી લેશે એ દિવસે આ દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ વેચવા માટે કોઈ પ્રયાસ નહીં કરવો પડે. બધું આપમેળે જ વેચાશે અને લોકો હોંશભેર વાપરશે. રતન તાતાએ ક્યારેય સ્વદેશી પ્રોડક્ટની ઇમોશનલ માર્કેટિંગ સ્ટ્રૅટેજી નહોતી બનાવી અને એ પછી પણ તેમણે સ્વદેશી પ્રોડક્ટની બોલબાલા ઊભી કરી દીધી.

તાતા સોલ્ટ સાથે જોડાયેલી ટૅગલાઇન ‘દેશ કા નમક’ આજે જ વાંચી અને મનમાં થઈ ગયું કે રતન તાતા સાચા અર્થમાં ‘દેશના ઉદ્યોગપતિ’ હતા. તેમનો વારસો જાળવવાની જવાબદારી હવે માત્ર તાતા ગ્રુપની જ નથી, દેશના એ તમામ ઉદ્યોગપતિઓની પણ છે જેઓ રતન તાતાને શ્રદ્ધાંજલિ આપે છે. સ્વદેશી પ્રોડક્ટને સન્માનનીય નજરે જોવાની કુનેહ જો શીખવી હોય તો એનું બેસ્ટ એક્ઝામ્પલ રતન તાતા છે અને આઇ મીન ઇટ. 

- કેતકી દવે

વિખ્યાત ઍક્ટ્રેસ કેતકી દવે જેવો સ્વદેશીનો આગ્રહ આપણે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે.

ratan tata tata group tata trusts tata columnists