આવી મેળાની મોસમ

26 November, 2023 03:28 PM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાતમાં અત્યારે ગરવા ગઢ ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા ચાલી રહી છે તો સોમનાથ, સિદ્ધપુર અને વૌઠામાં કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો ચાલી રહ્યો છે ત્યારે કાર્તિકી પૂર્ણિમાના મેળા સાથે જોડાયેલી આધ્યાત્મિકતાની અને ઇતિહાસની વાતો, લોકવાયકા,દંતકથા ઉજાગર કરે છે

વૌઠામાં સપ્ત નદીઓના સંગમ તટે તંબુ બાંધીને લોકમેળાનો આનંદ.


સોરઠ ધરા ન સંચર્યો, જે ના ચઢ્યો ગઢ ગિરનાર, જે ના નાહ્યો દામો કે રેવતી એનો એળે ગયો અવતાર ગુજરાતી લોકસાહિત્યમાં ધાર્મિક સ્થાનો અને યાત્રાઓને લઈને એનાં ગુણગાન ગવાયાં છે ત્યારે ગુજરાતમાં અત્યારે જૂનાગઢમાં વિશ્વ વિખ્યાત ગરવા ગઢ ગિનારની ગોદમાં લીલી પરિક્રમા ચાલી રહી છે તો બીજી તરફ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ, સિદ્ધપુર અને વૌઠામાં કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો ચાલી રહ્યો છે. ભજન અને ભોજનના આસ્વાદની સાથે આ મેળામાં મહાલવા અને દેવદર્શન કરવા ઉપરાંત સાધુસંતોને પાયલાગણ કરી લોકમેળાનો આનંદ માણવા લાખો શ્રદ્ધાળુઓ ઊમટ્યા છે ત્યારે સંત-મહંત, ઇતિહાસવિદો કાર્તિકી પૂર્ણિમાના મેળા સાથે જોડાયેલી આધ્યાત્મિકતાની અને ઇતિહાસની વાતો, લોકવાયકા, દંતકથા ઉજાગર કરે છે.
જ્યાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાની લોકવાયકા છે એવા ગિરનારની ગોદમાં પર્વતાધિરાજને નમન કરી એમની પ્રદક્ષિણા કરીને દેવઊઠી એકાદશીએ જાગેલા દેવોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર એટલે લીલી પરિક્રમા. લીલી પરિક્રમા એ દેવી-દેવતાઓની સાથે ગિરનાર તીર્થનાં દર્શન તો ખરાં જ પરંતુ ગિરનાર પર્વતને ફરતે ૩૬ કિલોમીટરની પરિક્રમાની પદયાત્રામાં ધાર્મિકતાની સાથે-સાથે પ્રકૃતિને નજીકથી માણવાનો તેમ જ જંગલમાં ઊગતી ૧૮ ભારની વનસ્પતિઓ જડીબુટ્ટીઓને સાધુસંતો પાસેથી જાણવાનો અનેરો અવસર છે. ગુજરાતના ગૌરવસમા ક. મા. મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ફરી શરૂ કરાવ્યો હતો સોમનાથનો પૌરાણિક લોકમેળો તો મહાભારત કાળથી ચાલી આવતી લીલી પરિક્રમા જૂનાગઢના દીવાન અને બગડુગામના ભગતે ફરી ચાલુ કરાવી હતી. પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુર અસુરનો દેવાધિદેવ મહાદેવે સંહાર કર્યો અને લોકોએ આનંદ ઉત્સવ મનાવ્યો ત્યારથી મહાદેવજીની યાદમાં લોકમેળાની પરંપરા સોમનાથમાં ચાલી આવી રહી છે. પાંડવો પૂર્ણિમાના દિવસે જ્યાં સ્નાન કરવા આવ્યા હોવાની દંતકથા છે એવા વૌઠાની સપ્તનદીઓના સંગમ સ્થાનનું આધ્યાત્મિક મહત્ત્વ અનેરું છે તો કાર્તિકી પૂર્ણિમાના આ દિવસોમાં સોમનાથ, સિદ્ધપુર અને વૌઠામાં આવેલી નદીઓના સંગમમાં સ્નાનનો મહિમા અને એનું માહાત્મ્ય અનેરું છે. ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોની આવી તો અનેક આધ્યાત્મિક અને ઐતિહાસિક બાબતો કાર્તિકી પૂર્ણિમાના લોકમેળાઓ સાથે જોડાઈ છે ત્યારે આજે એનું મહિમાગાન કરીએ.

દેવતાઓના આશીર્વાદ માટેની યાત્રા એટલે લીલી પરિક્રમા 
ગિરનારની લીલી પરિક્રમાનું ધાર્મિક દૃષ્ટિએ શું મહત્ત્વ છે એની વાત કરતાં ગિરનાર પર્વત પર આવેલા શ્રી ગુરુ દત્તાત્રેય સંસ્થાનના મહંત મહેશગિરિજી ગુરુ શ્રી અમૃતગિરિજી કહે છે કે ‘ગિરનારની ઉત્પત્તિ જ્યારે થઈ ત્યારે ગિરનાર પર્વતે ભગવાન શંકરજી પાસે વરદાન માગ્યું કે મારા પર ૩૩ કોટી દેવતાઓના નિવાસ થાય. ભગવાને એમને વરદાન આપ્યા પછી અહીં ૩૩ કોટી દેવતાઓના નિવાસ છે. દેવઊઠી એકાદશી આ દેવતાઓના જાગવાનો સમય હોય છે. દેવતાઓના જાગવાનું પર્વ હોય છે એટલે એને દેવઊઠી એકાદશી કહે છે. અહીં ૩૩ કોટી દેવતાઓનો નિવાસ છે તો એ દેવતાઓ જ્યારે જાગે ત્યારે તેમના આશીર્વાદ પામવા માટેની યાત્રા એ લીલી પરિક્રમાની યાત્રા છે, જે આખા જંગલમાં ગિરનાર ડુંગરની ફરતે ૩૬ કિલોમીટરની પરિક્રમા કરવામાં આવે છે. પાંચ દિવસ આ પરિક્રમા હોય છે. જૂના વખતમાં તકલીફો હતી અને જોઈએ એવી વ્યવસ્થા નહોતી એટલે ચાર પડાવમાં એને પૂરી કરવામાં આવતી હતી અને પાંચમો પડાવ અહીં દત્તાત્રેય ગિરનાર પર દર્શન કરી એને પૂરી કરવામાં આવતી. હવે સમય સાથે વ્યવસ્થાઓ બદલાઈ ગઈ છે એટલે ઘણા લોકો બે–અઢી દિવસમાં પણ યાત્રા પૂરી કરી લે છે.’ 
આ પરિક્રમાને લીલી પરિક્રમા કેમ કહેવાય છે એની બીજી વાત પણ જણાવતાં તેઓ કહે છે, ‘લીલી પરિક્રમા એટલા માટે કહેવાય છે કે ચોમાસું પૂરું થયા પછી ગિરનાર પર્વત આખો લીલોછમ્મ હોય છે. વનસ્પતિઓ પણ તાજી હોય છે એટલે એના લીધે પણ એને લીલી પરિક્રમા કહેવામાં આવે છે. ગિરનાર જડીબુટ્ટીઓનો ભંડાર છે. ઘણા જાણકાર પહેલાં હતા, ઘણા સાધુસંતો પહેલાં હતા જેઓ જડીબુટ્ટીઓ વિશે ખૂબ જાણતા. યુગોથી જો જંગલનું કોઈએ રક્ષણ કર્યું હોય તો એ સાધુઓએ કર્યું છે. એનાં ઉદાહરણો, એનો ઇતિહાસ, એની કથાઓ જીવનભર સાંભળી હશે.’ 
દીવાને અને ભગતે લીલી પરિક્રમા ફરી ચાલુ કરાવી 

લીલી પરિક્રમાના ઇતિહાસની વાત કરતાં ઇતિહાસવિદ ડૉ. પ્રદ્યુમન ખાચર કહે છે, ‘પૌરાણિક કાળથી આ પરિક્રમા થતી આવી છે એવું કર્ણોપકર્ણ કહેવાઈ રહ્યું છે. પરંતુ વચ્ચેના કાળમાં મધ્ય યુગમાં લીલી પરિક્રમા બંધ થઈ ગઈ હતી. એ પછી ૧૮૧૪–૧૫ કે ૧૮૭૦ની સાલમાં જૂનાગઢના દીવાન અનંતજી અમરજી વસાવડાએ તેમ જ બગડુ ગામના અજા ભગતે આ પરિક્રમા ફરી ચાલુ કરાવી હતી જે એ સમયે ૧૦–૧૫ હજાર માણસો પરિક્રમામાં આવતા હતા. પરંતુ આઝાદી પછી વધારે રસ જાગ્યો અને દર વર્ષે વધુ ને વધુ માણસો એમાં જોડાતા ગયા અને આજે લાખો લોકો લીલી પરિક્રમા કરે છે. પહેલાંના સમયે પરિક્રમા શરૂ થાય ત્યારે બોરદેવી અને ભવનાથમાં જૂનાગઢ સ્ટેટ તરફથી રસોડું ખોલવામાં આવતું હતું. એ જમાનામાં લોકો આવતા હોવાથી નાટકો, ભવાઈ, ભજન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો થતા. ૧૯૪૭ સુધી જૂનાગઢ સ્ટેટ બધું કામકાજ સંભાળતું હતું, હવે વહીવટી તંત્ર સંભાળે છે.’ 

ભારતમાં પાંચેક પરિક્રમાઓમાં સ્થાન પામતી અને જંગલની વનસ્પતિઓની વાત કરતાં તેઓ કહે છે કે ‘નર્મદા નદી, કાશી સહિત ભારતમાં થતી પાંચેક પરિક્રમાઓમાં આ ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા સ્થાન પામે છે. હિન્દુ ધર્મના શાસ્ત્ર પ્રમાણે બધાં દેવીદેવતાઓની પરિક્રમા કરી ગણાય અને પરિક્રમા કરીને પુણ્યનું ભાથું બને છે. લીલી પરિક્રમા માત્ર ધાર્મિક નહીં પરંતુ એની પાછળ અન્ય કારણો પણ ખરાં, જેમાં ગિરનાર પર્વતની ગોદમાં પરિક્રમા દરમ્યાન પ્રકૃતિનો સંપર્ક થાય અને એનો આનંદ મળે, વનસ્પતિઓ વિશે જાણવા મળે, ગિરનાર તીર્થની પરિક્રમા અને એનાં દર્શનની સાથે-સાથે સાધુસંતોનાં પણ દર્શન થાય. ગિરનારમાં ૧૮ ભારની જુદી-જુદી વનસ્પતિઓ છે જેનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ છે. આ વનસ્પતિઓ જુદા-જુદા રોગોમાં અકસીર કામ આવતી. સાધુસંતો એ વનસ્પતિઓને જાણતા અને એની ઓળખ કરાવે. ૧૮ ભાર એટલે અગણિત, ૪૦૦–૫૦૦ પ્રકારની વનસ્પતિઓ ગિરનારમાં છે.’ 
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા લોકમેળાનું પૌરાણિક મહત્ત્વ 

અરબી સમુદ્ર કિનારે આવેલા સોમનાથમાં આધ્યાત્મ, લોકસંસ્કૃતિ અને મનોરંજનના ત્રિવેણી સંગમ જેવા સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ વિશે વાત છેડતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઇતિહાસકાર પ્રો. જીવણભાઈ પરમાર કે જેઓ જે. ડી. પરમારના હુલામણા નામથી ઓળખાય છે તેઓ કહે છે, ‘સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાનું પૌરાણિક મહત્ત્વ છે. આ મેળા સાથે ભગવાન શિવ સાથે મોટો પ્રસંગ જોડાયેલો છે. ત્રિપુરાસુર નામનો અસુર, જેણે દેવો પર વિજય મેળવી ત્રણ મોટાં નગરો બનાવ્યાં હતાં જેમાં એક લોઢાનું, બીજું ચાંદીનું અને ત્રીજું સોનાનું નગર હતું. . એને એવું વરદાન હતું કે આ ત્રણ નગરોનો એકસાથે જ કોઈ એક ક્ષણે કોઈ નાશ કરે તો એનો નાશ થાય. એટલે બધા ભગવાને શિવને પ્રાર્થના કરી કે આ કામ તમારા સિવાય કોઈ કરી શકે તેમ નથી. એટલે ભગવાન શિવે એ સ્વીકારીને એક જ ક્ષણમાં એકસાથે ત્રણેય નગરનો નાશ કર્યો અને એ અસુરનો સંહાર કરીને ત્રણેય લોકને તકલીફમાંથી ઉગાર્યાં એ દિવસે કાર્તિકી પૂર્ણિમા હતી. આ દિવસે શિવજીએ ત્રિપુરાસુરનો નાશ કર્યો હોવાથી એને ત્રિપુરારિ પૂર્ણિમા પણ કહેવાય છે. એ દિવસે આનંદ ઉત્સવ ઊજવાયો અને એ પ્રસંગની યાદમાં લોકમેળો યોજાય છે. શિવજી ભગવાનને ત્રિપુરારિ પણ કહેવાય છે. શિવજીએ અસુરનો સંહાર કર્યો ત્યારે કાર્તિકી પૂર્ણિમા હતી એટલે પ્રભુની યાદમાં આ મેળો યોજાય છે. આ બધા પ્રસંગો સતયુગના છે, પ્રાચીનકાળની વાત છે અને પરંપરાથી એ માનતા આવ્યા છીએ અને એટલે જ એને પુરાણ કહે છે.’ 

સરસ્વતી, હીરણિયા, કપીલા નદીના સંગમમાં સ્નાનનું મહત્ત્વ 
સોમનાથ, સિદ્ધપુર અને વૌઠામાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં નદીઓના સંગમ પર સ્નાનના મહિમા વિશે તેઓ કહે છે, ‘સોમનાથમાં ત્રિવેણી સંગમ નજીક મેદાનમાં મેળો યોજાય છે. સોમનાથ પાસે સરસ્વતી, હીરણિયા અને કપીલા નદીનો સંગમ થાય છે. સરસ્વતી નદી હોય ત્યાં કારતક મહિનામાં શ્રાદ્ધ થાય એનો પુરાણોમાં ઉલ્લેખ છે. કારતક મહિનામાં શ્રાદ્ધનો મહિમા છે અને આ પૌરાણિક વાત છે અને જ્યાં-જ્યાં સરસ્વતી નદી છે ત્યાં પહેલું પખવાડિયું શ્રાદ્ધનો મહિમા ગણાય છે, ત્યાં શ્રાદ્ધ કરવું ઉત્તમ ગણાય છે. સોમનાથમાં ત્રિવેણી ઘાટે બહુ લોકો શ્રાદ્ધ માટે ઊમટે છે અને ત્રિવેણી સંગમે નદીમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. પ્રભાસ (સોમનાથ) એ આદી તીર્થ છે. બધાં પુરાણોમાં એનો પ્રથમમ તીર્થમ તરીકે ઉલ્લેખ છે. ભારતમાં સૌપ્રથમ તીર્થ ગણાવવું હોય તો એ પ્રભાસનું નામ પહેલું લખે. જ્યોતિર્લિંગોમાં સોમનાથ જ્યોતિર્લિંગ આદી છે એમ બધાં તીર્થોમાં પ્રભાસનું તીર્થ આદી છે. એટલે અહીં આ પૌરાણિક – ધાર્મિક બે વસ્તુ ભેગી મળે એનાથી વધુ મહત્ત્વ કોઈ હોઈ શકે નહીં. ઋગ્વેદમાં પણ એનો ઉલ્લેખ છે.’ 

લોકમેળો ફરી શરૂ થયો 
સોમનાથનો લોકમેળો એક સમયે બંધ થઈ ગયો હતો અને પછી એ ગુજરાત સહિત ભારત જેમનું સદૈવ ગૌરવ લે છે તેવા શિરમોર સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ફરી શરૂ કરાવ્યો એ વિશે વાત કરતાં જે. ડી. પરમાર કહે છે, ‘વિધર્મીઓએ સોમનાથમાં પૂજા બંધ કરાવી હતી અને સોમનાથ ખંડેર થતાં અહીં થતા લોકમેળાની આપણી પ્રાચીન પરંપરા લુપ્ત થઈ હતી. પરંતુ સોમનાથ મંદિરનુ પુનઃ સ્થાપન થયું એ પછી જેમણે જય સોમનાથ નવલકથા લખી અને સોમનાથના પુનઃનિર્માણમાં જેમણે બહુ મોટો ભાગ લીધો તે કનૈયાલાલ માણેકલાલ મુનશી એ વખતે સોમનાથ ટ્રસ્ટના ચૅરમૅન હતા અને તેમણે ૧૯૫૫માં કાર્તિક પૂર્ણિમાનો લોકમેળો ફરી ચાલુ કરાવવા માટે દરખાસ્ત કરી હતી. આ લોકમેળો ૧૯૫૫થી ફરી શરૂ થયો છે.’ 

દેવો ત્રિવેણી સંગમમાં સ્નાન કરે એ સિદ્ધપુર 
ઉત્તર ગુજરાતના યાત્રાધામ સિદ્ધપુરમાં કાર્તિકી પૂનમનો મેળો જગવિખ્યાત છે. દિવાળી પછી કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી અહીં પિતૃતર્પણ માટે અને ગંગા, જમના, સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાનો લહાવો લેવા હજારોની સંખ્યામાં ભાવિકો ઊમટ્યા છે. સિદ્ધપુરમાં આ દિવસોમાં જ પિતૃતર્પણનું અને ત્રિવેણી સંગમમાં સ્નાનના મહત્ત્વની વાત જણાવતાં સિદ્ધપુર બ્રહ્મ સમાજના પ્રમુખ હિતેશ પંડ્યા (પાટીલ) કહે છે, ‘સિદ્ધપુરમાં અગિયારસથી પૂર્ણિમા સુધી દેવોની પૂનમનો મેળો ભરાય છે. આ દિવસોમાં અહીં ગંગા, જમના અને સરસ્વતી નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે. ત્રિવેણી સંગમમાં દેવો પણ સ્નાન કરવા આવતા તેવો પુરાણોમાં ઉલ્લેખ છે. અહીં તર્પણનું વિશેષ મહત્ત્વ છે. અગિયારસથી પૂનમ દરમ્યાન સમસ્ત પિતૃતર્પણ થાય છે. તર્પણ કરે તો મોક્ષ મળે, મુક્તિ મળે એવી માન્યતા છે. હિન્દુ સનાતન ધર્મની પરંપરા પ્રમાણે મૃત્યુ પામ્યા હોય તેવા પૂર્વજોનાં અસ્થિ સરાવવા, તેમની મુક્તિ માટે શ્રાદ્ધ કરવા અને દીપદાન કરવા હજારોની સંખ્યામાં લોકો આવે છે.’ 

ત્રિવેણી સંગમ પર સ્નાનનો મહિમા અને તર્પણ વિધિના મહત્ત્વ ઉપરાંતના મેળાની અન્ય બાબતો વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘આ સમયમાં અહીં સંતોનો અખાડો પણ ભરાય છે અને સાધુસંતોનો મેળો જામે છે. આ ઉપરાંત અહીં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ઊંટ અને ઘોડાનો વિશેષ મેળો ભરાય છે અને મોટા પ્રમાણમાં વેપાર થાય છે. કાઠિયાવાડ સહિત સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ સહિતના પ્રદેશોમાંથી પણ વેપારીઓ તેમના ઘોડા, ઊંટ લઈને ખરીદવેચાણ માટે આવે છે.’
પાંડવોનું સપ્તનદીના સંગમમાં સ્નાન 

અમદાવાદ જિલ્લામાં જ્યાં સપ્તનદીઓના સંગમ સાથે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા, ભક્તિ અને ભાવનાનો પણ ત્રિવેણી સંગમ જ્યાં થાય છે એ વૌઠાના લોકમેળાની સુવાસ ચોતરફ પ્રસરી છે. સપ્તનદીઓના સંગમ પર સ્નાનનો મહિમા તેમ જ આ લોકમેળાની દંતકથા અને લોકવાયકા વિશે વાત કરતાં ગામના ઉપસરપંચ મહેન્દ્રસિંહ ડોડિયા અને પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ મંડોરા કહે છે, ‘અમારા ગામ વૌઠામાં સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, શેઢી, મેશ્વો અને માઝુમ નદીઓનો સંગમ થાય છે. અમારા વડવાઓ એવું કહેતા હતા કે કારતક સુદ પૂનમે આ સપ્તનદીઓના સંગમમાં પાંડવોએ સ્નાન કર્યું હતું. આ સંગમ સ્થળે દૂધ અને ઘીની હેરો વહેતી. પાંડવો અજ્ઞાતવાસ પૂર્ણ કરીને નીકળ્યા ત્યારે અહીં નદીના તટે શિવલિંગ બનાવીને પૂજા કરી હતી. કારતક પૂનમે હવન કરવામાં આવ્યો ત્યારે ઘી ખૂટ્યું તો નદીમાંથી ઘી લઈને આવવા માટે સંતો અને બ્રાહ્મણોએ પાંડવોને કહ્યું તો પાંડવોએ કહ્યું કે નદીમાં ઘી થોડું હોય? ત્યારે સંતોએ કહ્યું કે જાઓ તો ખરા, તમને મળશે. પાંડવોએ નદીમાં જઈને જોયું તો નદીમાં ઘી અને દૂધની એક હેર વહેતી દેખાઈ હતી. અને ત્યારથી આ મેળામાં સ્નાન કરવાનો મહિમા થયો. વર્ષો પહેલાં આ મેળાની શરૂઆત ગામના વડીલોએ શરૂ કરી હતી.’

ગિરનાર પર્વતની ફરતે લીલી પરિક્રમા કરી રહેલા પદયાત્રીઓ.

વૌઠા તટે ગધેડા અને ઊંટ ફેરવી ધંધો કરે છે વેપારીઓ 
સપ્તનદીના સંગમ તટ એવા વૌઠામાં કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી લોકમેળો યોજાયો છે. અહીં શ્રદ્ધાળુઓ સપ્તનદીના સંગમ સ્થાને સ્નાન કરીને ચકલેશ્વર મહાદેવ તેમ જ સિદ્ધનાથ મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ લોકમેળો સતત દિવસરાત ચાલુ રહે છે. આસપાસના ગામના લોકો પાંચ દિવસ દરમ્યાન નદીતટે આવીને તંબુ બાંધીને રહે છે. મેળાના વિશેષ આકર્ષણમાં ગધેડા અને ઊંટનો વેપાર પણ થાય છે. વૌઠાનો મેળો ગધેડાઓના ખરીદ વેચાણ માટે પણ જાણીતો છે ત્યારે તે વિશે ગામના પૂર્વ ઉપસરપંચ પ્રવીણસિંહ મંડોરા કહે છે, ‘વર્ષોથી આ મેળામાં ગધેડા અને ઊંટના વેચાણ અને ખરીદી માટે વેપારીઓ આવે છે. એવી માન્યતા છે કે વૌઠામાં જ્યાં મેળો યોજાય છે એ ધરતી પર ગધેડા અને ઊંટને આંટો મરાવીને ફેરવીને પછી ધંધો કરે તો આખું વર્ષ ધંધો સારો ચાલે છે. ગુજરાત અને દેશનાં અન્ય રાજ્યોમાંથી લોકો ગધેડા અને ઊંટના ખરીદવેચાણ માટે અહીં આવે છે.’ 

સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ.

columnists sunday mid-day gujarati mid-day gujarat