ઇન્સાન અપના ખુદ કા ઇતિહાસ બના સકતા હૈ લેકિન વહ જૈસા ચાહતા હૈ ઉસે વૈસા નહીં બના સકતા હૈ

12 May, 2024 02:10 PM IST  |  Mumbai | Pravin Solanki

ભારત આઝાદ થયા પછી સમાજવાદની ચર્ચા જોરશોરથી ચાલતી હતી

કાર્લ માર્ક્સ

કાર્લ માર્ક્સે આ વાક્ય પોતાના અનુભવને આધારે જ લખ્યું હતું. તેનું સપનું હતું પોતાની માન્યતાઓને આધારે એક ઇતિહાસ સર્જવાનું પણ ન સર્જી શક્યો. જોકે એ ઇતિહાસનાં કેટલાંક પાનાંએ દુનિયાને દંગ તો જરૂર કરી દીધી હતી.

તારીખ હતી ૧ મે, રજાનો દિવસ હતો. હું બાજુમાં આવેલા ગાર્ડનમાં બેઠો હતો. લગભગ ૧૮-૧૯ વર્ષના બે યુવાનો મારી બાજુમાં આવીને બેઠા. તે લોકોની વાતચીત પરથી મને લાગ્યું કે તેમને ખબર ન હતી કે આજે બૅન્ક બંધ છે. મારાથી પુછાઈ ગયું તો ખરેખર હું હેરાન થઈ ગયો. તેમાંના એક યુવાને પૂછ્યું, ‘વૉટ ઇઝ મે ડે?’ હું અચકાયો. યુવાન પેઢીને આજે મે ડે શું છે એ સમજાવવું પડે એ કેવી વિટંબણા?

કહેવાય છે કે દુનિયામાં વિકાસની ક્રા​ન્તિનાં મુખ્યત્વે ત્રણ પરિબળો ગણાય છે : આગ, પૈડું અને લોખંડ. એ જ રીતે દુનિયાભરમાં વિકાસની ક્રા​ન્તિમાં ત્રણ વ્યક્તિઓનાં નામ અગ્રેસર છે. 
માનવ-સભ્યતાની ત્રિમૂર્તિનાં નામ છે ચાર્લ્સ ડાર્વિન, કાર્લ માર્ક્સ અને સિગમંડ ફ્રૉઇડ. ડાર્વિને જીવવિજ્ઞાનના સહારે માનવક્રા​ન્તિનો ઇતિહાસ આલેખ્યો, ફ્રૉઇડે મનોવિજ્ઞાનના સહારે 
માનવ-સભ્યતાને આલેખ્યું અને માર્ક્સે સામાજિક, આર્થિક અને રાજકીય રીતે જઈને માનવ-સભ્યતાનો અભ્યાસ કર્યો એટલું જ નહીં, અભ્યાસ કરી એના તારણ અને મારણ માટે પણ એક નોખો અને અનોખો પ્રયત્ન કરી દુનિયાભરમાં એનું નામ રોશન કર્યું. કાર્લ માર્ક્સ વિચારક, દર્શનશાસ્ત્રી, ઇતિહાસકાર, ક્રા​ન્તિકારક વ્યક્તિ હતી.

કાર્લ માર્ક્સ મારી સૌથી વધુ પ્રિય વ્યક્તિ છે. તેણે જે કામ કર્યું છે એ એટલું અદ્ભુત અને અનોખું કામ હતું જે ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવી શકે. બગીચામાં સફરજન પડતું આપણે અસંખ્ય વાર જોયું હશે પણ ન્યુટન જ એક એવી વ્યક્તિ હતી જેને સૌથી પહેલો વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું? ઉપર કેમ ન ગયું? બસ આ જ વિચારે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો.

કાર્લ માર્ક્સે સૌથી પહેલું એવું તે શું જોયું હતું? 
કાર્લ માર્ક્સના વિચારો અને થિયરી સમજવા માટે બહુ મોટા ગજાનું જ્ઞાન અને બુદ્ધિ જોઈએ. હું અહીં તેના વિચારને ખૂબ જ સરળ રીતે રજૂ કરું છું. કાર્લ માર્ક્સે સૌથી પહેલો ‘મજૂર’ જોયો હશે. મજૂર જોઈને તેના મનમાં ક્રા​ન્તિકારી વિચાર આવ્યો હશે. કાર્લ માર્ક્સ બહુ સરળ રીતે સમજાવે છે કે દુનિયામાં બે જ વર્ગ છે. એક વર્ગ એવો છે જેની પાસે બધું છે અને બીજો વર્ગ એવો છે જેની પાસે કંઈ નથી. જેની પાસે છે એ વર્ગ જેની પાસે નથી એનું શોષણ કરે છે અને દુનિયામાં અસમાનતા સર્જે છે. આ અસમાનતા દૂર કરવા માટે જ કાર્લ માર્ક્સે હંમેશાં પ્રયત્ન કર્યા છે. મિત્રો, કાર્લ માર્ક્સ એટલું વિરાટ વ્યક્તિત્વ છે કે તેની થિયરી, તેનું કામ ટૂંકમાં સમજાવવું બહુ જ અઘરું છે, પણ સામે પક્ષે એને સરળતાથી સમજાવવું એટલું જ આસાન છે.

કાર્લ માર્ક્સ એટલે ગરીબોનો બેલી, શ્રમિકોનો ઉદ્ધારક, મજૂરોનો મસીહા, દરિદ્રનારાયણનો દરવાન. રાજકીય રીતે કહો તો સામ્યવાદનો પ્રસારક. પ્રશ્ન થશે કે સામ્યવાદ એટલે શું? મિત્રો, ભારત આઝાદ થયા પછી સમાજવાદની ચર્ચા જોરશોરથી ચાલતી હતી. સમાજવાદ અને સામ્યવાદમાં ફરક શું છે? સામ્યવાદ એ સમાજમાં સમાનતાની વાત આગળ ધરે છે. સામ્યવાદ એ મૂડીવાદનો દુશ્મન છે. સામ્યવાદીઓ માને છે કે મૂડીવાદે-પૂંજીપતિઓએ સમાજનું શોષણ કર્યું છે, ગરીબને વધુ ગરીબ બનાવ્યા છે ને અમીરોને વધુ અમીર બનાવ્યા છે, પૂંજીપતિઓના હાથમાં ઉત્પાદનનાં સાધનો છે અને ઉત્પાદનનો લાભ મજૂરોને-ગરીબોને સરખો મળતો નથી, નફાની વહેંચણીમાં ખૂબ જ અસમાનતા છે, એ અસમાનતા માટે મજૂરોએ ક્રા​ન્તિ કરવી જોઈએ, લડવું જોઈએ. 
ટૂંકમાં કાર્લ માર્ક્સે પ્રજાને પોતાના હક માટે લડવાની પ્રેરણા આપી. કાર્લ માર્ક્સે ત્યાં સુધી કહ્યું કે દુનિયાના મજૂરો એક થઈ જાઓ, તમારા હક માટે અવાજ ઉઠાવો, યાદ રાખો કે તમારી પાસે ગુમાવવા જેવું કશું છે જ નહીં, સિવાય કે તમારી ગુલામીની બેડી. સામ્યવાદી ઉગ્રવાદીઓની નીતિને અનુસરે છે. તેને મન રાજ્ય, ધર્મ, વર્ગની કોઈ કિંમત નથી. સામ્યવાદી માને છે કે દુનિયામાં જેની પાસે છે એ જેની પાસે નથી એનું શોષણ કરે છે એ આજે શોષિત વર્ગ છે. એને કાર્લ માર્ક્સે સર્વહારા કહ્યો છે. આ બહુ સૂચક શબ્દ છે. સર્વહારા જે બધું જ પોતાનું હારી ચૂક્યો છે. એક નાટકમાં મેં યુધિષ્ઠિરને સર્વહારા તરીકે સરખાવ્યો હતો જેણે દ્રૌપદી સહિત પોતાનું બધું જ હોડમાં મૂકી દીધું હતું. ‘મહાભારત’ એ સર્વહારાએ કરેલી ક્રા​ન્તિનું પરિણામ પણ ગણાય.

કાર્લ માર્ક્સે સર્વહારા સાથે એક બીજો શબ્દ પ્રચલિત કર્યો, બુઝરવા; એટલે કે શોષણ કરનાર. ઔદ્યોગિક ક્રા​ન્તિ પછી મજૂરોનું શોષણ વધી ગયું હતું. પૂંજીવાદીઓ પાસે સંશોધનનાં સાધનો હતાં, ઉત્પાદન અને નફાની વહેંચણીમાં અસમાનતા વધવા લાગી. કાર્લ માર્ક્સે આ સામે જેહાદ જગાવી, ક્રા​ન્તિનું રણશિંગું ફૂંક્યું. ક્રા​ન્તિનો લાલ રંગ લોકોની નજરે ચડ્યો અને સામ્યવાદ પ્રચલિત થવા લાગ્યો અને આ સાથે જગતને એક નવો શબ્દ મળ્યો : કૉમરેડ.

અમારા જમાનામાં બુદ્ધિજીવીઓ પોતાને કૉમરેડ તરીકે ઓળખાવતા. સામ્યવાદ વિચારશ્રેણી ધરાવતા બુદ્ધિજીવીઓ કૉમરેડ ગણાતા. આપણા ઘણા સાહિત્યકારો, કલાકારો પોતાની જાતને કૉમરેડ તરીકે ઓળખાવતા. દા. ત. બલરાજ સાહની, શાંતા ગાંધી, રાજ કપૂરના લેખક કે. અબ્બાસ. આ બધા કલાકારોને કલામાં સામ્યવાદની છાંટ દેખાતી.

સમાજવાદ અને સામ્યવાદની સરખામણી કરવી મુશ્કેલ હતી. સમાજવાદ એ રાજ્ય-ધર્મને આધીન હતો. સામ્યવાદીઓ તો ધર્મને અફીણ ગણાવતા. રાજ્યની સત્તા કે મહત્તા તેમને માન્ય નહોતી. સામ્યવાદીઓ વર્ગ-વિગ્રહની ખિલાફ હતા.

કાર્લ માર્ક્સની સામ્યવાદી સમાજરચના જગતમાં નિષ્ફળ નીવડી જેનું મુખ્ય કારણ તેની વિચારશ્રેણી છે. દા. ત. : સામ્યવાદી ૧૦ કલાક પરિશ્રમ કરે તો તેને મહેનતાણું ૧૦ કલાકનું ન મળે, એની જરૂરિયાત આઠ કલાકના પરિશ્રમ પૂરતી હોય તો એટલું જ મળે. આ એક આદર્શ સમાજરચના હતી, પણ લોકોને પલ્લે ન પડી.

સામ્યવાદના પતનનું બીજું મુખ્ય કારણ એ છે કે એ માત્ર ને માત્ર આર્થિક સમાનતાને વળગી રહ્યું. ભારત જેવા અનેક દેશોમાં બીજી અનેક વિષમતાઓ હતી. દા. ત. જાતિવાદ. ઉચ્ચ જાતિ નીચલી જાતિના શોષણનું કારણ હતી એ જ રીતે સ્ત્રી-પુરુષના ભેદભાવો પણ કારણ 
બન્યા. સામ્યવાદ સ્ત્રીનું શોષણ અટકાવવામાં નિષ્ફળ રહ્યો. 

columnists gujarati mid-day