26 July, 2024 12:10 PM IST | Mumbai | Ruchita Shah
તોષ ગ્રુપ
કારગિલ યુદ્ધમાં આપણી જીતનું સેલિબ્રેશન સાચી રીતે તો એમાં શહીદી વહોરનારા જવાનોને યાદ કરીને જ થઈ શકે. લગભગ ત્રણ મહિના ચાલેલા આ જંગે આપણા ૫૨૭ જવાનોનો ભોગ લીધો. દુશ્મન સામે લડતાં-લડતાં વીરગતિને વરેલા આ ૫૨૭ જવાનોની વીરતાને યાદ કરવા ૨૬ જુલાઈના દિવસે જ કારગિલ પહોંચાય અને જવાનોની શહાદતને ઉચિત સન્માન આપવામાં પોતે પણ સામેલ થઈ શકે એ માટે કેટલાક મુંબઈકરો રોડ-ટ્રિપ કરીને આજના દિવસે કારગિલ પહોંચવાના છે. ત્યાં સુધી જવાનું તેમનું ધ્યેય શું છે અને કઈ પ્રવૃત્તિઓ તેઓ કરશે એ વિશે તેમની જ સાથે વાત કરીએ.
કારગિલમાં દેશની રક્ષા કરતા જવાનોને ૨૫૦૦ જેટલી રાખડીઓ અને સ્કૂલનાં બાળકોએ લખેલા પત્રો આપશે આ ગ્રુપ
૨૦૧૬માં કારગિલ વિજય દિવસ નિમિત્તે પહેલી વાર મુંબઈનો તોષ ઠક્કર કારગિલના વૉર મેમોરિયલમાં પહોંચ્યો હતો. પહાડી વિસ્તારમાં ફરતી વ્યક્તિને ત્યાંની વિકટ ભૌગોલિક સ્થિતિ વચ્ચે પણ દેશની રક્ષા માટે ખડેપગે રહેતા આપણા જવાનો પ્રત્યે સંવેદનાઓ જાગ્યા વિના રહે જ નહીં. એમાંય આવી ઊંચાઈ પર છેડાયેલા જંગમાં જે રીતે આપણા જવાનો ડટ્યા રહ્યા અને લડતા રહ્યા એ બાબત રૂંવાડાં ઊભાં કરનારી હતી અને એટલે જ તોષે ૨૬ જુલાઈએ દ્રાસ વૉર મેમોરિયલ જવાનું શરૂ કર્યું અને ત્યાંનો માહોલ જોઈને લોકોને પણ દેશભક્તિના એ જોશનો રંગ લગાડવા તેણે ગ્રુપ-ટૂર શરૂ કરી. પહાડોના પ્રેમમાં પડેલો આ યુવાન લોકોને પહાડના સૌંદર્ય સાથે ત્યાંની ગ્રાઉન્ડ રિયલિટીથી પરિચિત કરાવવા ‘ટેરાવેલર’ નામની ટ્રાવેલ કંપની ચલાવે છે. ખાસ કારગિલ વિજય દિવસની ટ્રિપ વિશે વાત કરતાં તે કહે છે, ‘કારગિલ વૉર મેમોરિયલમાં ૨૬ જુલાઈએ જાઓ ત્યારે ત્યાં એક જુદો જ માહોલ હોય છે. એનું વર્ણન શબ્દોમાં ન કરી શકાય. આપણી સેનાના જવાનોને સૅલ્યુટ કરીએ એટલી ઓછી છે એની અનુભૂતિ થયા વિના ન રહે. એટલે જ આ દિવસને ધ્યાનમાં રાખીને ખાસ ટૂર ઑર્ગેનાઇઝ કરવાનું નક્કી કર્યું અને સાથે જવાનો માટે રાખડીઓ લઈ જવાનું કૅમ્પેન પણ શરૂ કર્યું. એનો આઇડિયા મને જિપ્સી મૅગેઝિનના ફાઉન્ડર અને આર્મીમેન સાથે સારોએવો સમય વિતાવીને તેમના માટે ભારોભાર આદર ધરાવતા હર્ષલ પુષ્કર્ણા પાસેથી આવ્યો હતો. અમે અત્યાર સુધીમાં હજારો રાખડીઓ જવાનોને તેમની પાસે જઈને પહોંચાડી ચૂક્યા છીએ.’
આ વખતે તોષ દ્વારા ૧૪ જણના એક ગ્રુપ માટે ટૂર ઑર્ગેનાઇઝ કરવામાં આવી છે. ચાર ગાડીઓ સાથે મુંબઈથી નીકળેલા આ ગ્રુપના નિરંજન નિમકર શ્રીનગર પહોંચી ગયા હતા અને આજે સવારે તેઓ કારગિલ પહોંચ્યા છે. મુંબઈમાં કેટરિંગનું કામ કરતા નિરંજનભાઈ કહે છે, ‘આ રીતે બીજી વાર હું રાખડીઓ સાથે જવાનોને વધાવવા ખાસ કારગિલ વિજય દિવસ નિમિત્તે અહીં છું. બધા જ કઝિન્સ મળીને અમે ૧૪ જણનું ગ્રુપ છીએ. અત્યારે કેટલી ખુશી થાય છે એ શબ્દોમાં વર્ણવવી અઘરી છે. કેટલી કટોકટીભરી સ્થિતિમાં જવાનો હોય છે. અમારી પાસે અઢી હજાર રાખડીઓ છે. અમારા ગ્રુપ સાથે અમે ત્યાં આવેલા બીજા ટૂરિસ્ટોને પણ આ રાખડીઓ ત્યાં મળતા જવાનોને બાંધવાનું કહેવાના છીએ. કારગિલ વૉર મેમોરિયલ ઉપરાંત સરહદના અંતરિયાળ વિસ્તારોમાં પણ અમે જઈશું અને આર્મી પોસ્ટ પર પહોંચીને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારની સ્કૂલોનાં બાળકોએ તૈયાર કરેલા પત્રો, ગ્રીટિંગ-કાર્ડ્સ અને રાખડીઓ જવાનો સુધી પહોંચાડીશું. ઠેર-ઠેરથી રાખડીઓ અમને મળી છે. પત્રો વાંચીને આર્મીના ઘણા જવાનો એમાં લખેલા નંબરો પર ફોન કરીને અભિવાદન પણ કરતા હોય છે. આવો ફોન જ્યારે સ્કૂલના તે બાળકના પેરન્ટ્સના નંબર પર જાય ત્યારે તેમના આનંદનો પાર નથી હોતો. કારગિલ વૉર દિવસ અમારા હૃદયની ખરેખર નજીક છે, કારણ કે ૨૦૧૯માં હું ગયો અને મુંબઈ પાછો ફર્યો એના બીજા જ દિવસે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટ્યો હતો. આ વખતે કારગિલ વૉરની સિલ્વર જ્યુબલી નિમિત્તે હું અહીં પહોંચ્યો છું.’ અહીં ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ ૧૯ જૂને મુંબઈથી નીકળ્યું હતું અને ૯ ઑગસ્ટે મુંબઈ પહોંચશે.
વૉરમાં બૅક-સપોર્ટમાં આ ગુજરાતી આર્મી ઑફિસરે પણ પોતાનું યોગદાન આપેલું
ચોવીસ વર્ષની આર્મી ઑફિસર તરીકેની કારકિર્દીમાંથી ૧૪ વર્ષ મુંબઈના મનીષ કચ્છીએ જમ્મુ-કાશમીરમાં મિલિટરી ઇન્ટેલિજન્સમાં વિતાવ્યાં છે. ૧૯૯૯ના મે મહિનામાં કારગિલ યુદ્ધની ઑફિશ્યલ જાહેરાત થઈ એના એક મહિના પહેલાંથી જ આર્મીની હલચલ શરૂ થઈ ચૂકી હતી અને ત્યારે મનીષભાઈનું પોસ્ટિંગ તામિલનાડુના આર્મી ટ્રેઇનિંગ કૅમ્પમાં હતું. તેમની જવાબદારી હતી આર્મીમાં જોડાયેલા જવાનોને ટ્રેઇન કરીને સોલ્જર તરીકે તૈયાર કરવા. તેઓ કહે છે, ‘જંગમાં જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા માટેની એક બૅક-ઑફિસ જેવી ટીમ હોય. હું એ ટીમના મેકૅનિઝમનો હિસ્સો હતો. આટલાં વર્ષ જમ્મુ-કાશ્મીરમાં વિતાવ્યાં હોવા છતાં એ સમયે હું ત્યાં હાજર નહોતો એનો અફસોસ છે, પરંતુ દૂર રહીને પણ આર્મી ઑફિસર્સની અન્ય ટુકડીઓ સાથે મળીને જરૂરિયાતનો મેનપાવર અને બીજી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની જવાબદારીઓ મારા ભાગે પણ આવી હતી. આ યુદ્ધ ઘણી રીતે ઐતિહાસિક હતું જ એમાં કોઈ બેમત નથી. દુશ્મને જે રીતે જંગ છેડ્યો, એક તરફ શાંતિની વાટાઘાટ અને બીજી બાજુ મુજાહિદ્દીનના નામે સૈનિકો દ્વારા સરહદ ક્રૉસ કરાવીને વિવિધ પહાડો પરની આપણી આર્મી પોસ્ટ પર કબજો કરીને જંગનું આ એલાન આપણા માટે આકસ્મિક હતું. આપણે ઊંઘતા ઝડપાયા અને છતાં મોંતોડ જવાબ આપ્યો એ પણ એટલું જ સાચું છે. ચાર ફ્રન્ટ પર થયેલા કલેક્ટિવ પ્રયાસોએ યુદ્ધમાં આપણને સરપ્રાઇઝ કરવા નીકળેલા દુશ્મનને હરાવીને આપણે સામી સરપ્રાઇઝ આપી શક્યા. એને હું DIME કહેતો હોઉં છું એટલે કે ડિપ્લોમસી, ઇન્ફર્મેશન, મિલિટરી અને ઇકૉનૉમી. ડિપ્લોમસી એટલે ભરપૂર આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પણ પાકિસ્તાનની બદદાનતને ઉઘાડી પાડવામાં આપણા નેતાઓની સફળતા, ઇન્ફર્મેશન એટલે આપણા મીડિયાનો પ્રો-ઍક્ટિવ રોલ, મિલિટરીએ દરેક ફ્રન્ટ પર એકબીજા સાથે તાલ મિલાવીને આવી પડેલા સંકટનો જે રીતે દૃઢતાપૂર્વક સામનો કર્યો અને ઇકૉનૉમિકલી પણ આપણી એ સમયની સ્થિતિ નબળી હોવા છતાં આપણે ડટ્યા રહ્યા એ જ આ જીતનું કારણ છે.’
કારગિલથી આપણે કેવા બદલાયા એનો જવાબ આપતાં કર્નલના પદે નિવૃત્ત થયેલા મનીષભાઈ કહે છે, ‘આ વૉર પછી આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓને અપગ્રેડ કરવાનું કામ બહુ જ નિષ્ઠાપૂર્વક થયું અને સાથે જ ઇન્ટિગ્રેશન સાથે કામ કરવાની પ્રણાલી અમલમાં મુકાઈ. એટલે આજે ઇન્ટેલિજન્સ એજન્સીઓ આર્મી, ઍર ફોર્સ, નેવી એમ દરેક સાથે સિનર્જી સાથે એટલે કે એકરૂપતા સાથે કામ કરે છે. આપણે ડિફેન્સ ટેક્નૉલૉજીની બાબતમાં વધુ ઍડ્વાન્સ થઈ ગયા. સૅટેલાઇટ, ડ્રોન્સ જેવાં અઢળક સાધનો આપણી ડિફેન્સ સિસ્ટમ વાપરતી થઈ ગઈ. ધારો કે આપણો દેશ એ શરીર છે તો ઇન્ટેલિજન્સ એજન્સીઓ એનાં આંખ, કાન, નાક છે. આ પ્રકારની ઍડ્વાન્સ ટેક્નૉલૉજીને કારણે આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓની જોવાની, પારખવાની, સૂંઘવાની અને સાંભળવાની ક્ષમતાઓ વધુ શાર્પ થઈ છે. એનું જ તો પરિણામ છે કે ૧૯૯૯ પછી આપણે ઊંઘતા ઝડપાયા હોઈએ એ પ્રકારનો જંગ નથી થયો.’
દિલ્હીથી કારગિલ રોડ-ટ્રિપ કરીને શહીદોને ખાસ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યાં છે મુંબઈનાં આ ડૉક્ટર
વર્ષોથી વિજય દિવસ નિમિત્તે લદ્દાખ જવાની ઇચ્છા આ વર્ષે પૂરી થઈ એવો ઉમળકો વ્યક્ત કરતાં કાંદિવલીનાં જનરલ સર્જ્યન અને લેપ્રોસ્કોપિક નિષ્ણાત ડૉ. નમિતા ચૌધરી આજે કારગિલ પહોંચશે. કઈ રીતે આ ડ્રીમ પૂરું થયું એની વાત કરતાં ડૉ. નમિતા કહે છે, ‘દર વર્ષે વિજય દિવસ નિમિત્તે આર્મી ઍડ્વેન્ચર ક્લબ દ્વારા મોટર ડ્રાઇવ રૅલી ઑર્ગેનાઇઝ થાય છે જેમાં દેશભરમાંથી પચીસ લોકોનું સિલેક્શન થાય છે. મુંબઈથી અમે બે જણ છીએ. કુલ વીસ ગાડીઓનો કાફલો ૨૧ જુલાઈએ નીકળ્યો છે અને ૨૬ જુલાઈએ અમે દ્રાસ પહોંચીશું. મેડિકલી ફિટ હોવું સિલેક્શન ક્રાઇટેરિયામાં મહત્ત્વનું છે. દિલ્હીથી દિલ્હીની બાર દિવસની આ રોડ-ટ્રિપ મારા માટે જીવનભરનું સંભારણું બની રહેવાની છે, કારણ કે ભારતીય ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વનું કહેવાય એવું યુદ્ધ જ્યાં લડાયું એની પચ્ચીસમી વર્ષગાંઠ નિમિત્તે હું ત્યાં હાજર હોઈશ. અત્યારે પણ રોડ-ટ્રિપ દરમ્યાન ઘણા જવાનોને મળવાનું થયું છે, તેમની સાથે ઇન્ટરૅક્શન થયું છે. એક જુદો જ અનુભવ રહ્યો છે મારા માટે આ. એટલું ડિસ્ટન્સ. ફૅન્ટૅસ્ટિક અનુભવ રહ્યો છે. અત્યાર સુધીનું જે ડિસ્ટન્સ કવર કર્યું છે એ જોતાં હું કહીશ કે ખરેખર ભારત ખૂબ જ સુંદર દેશ છે.’