‘અમારા બન્નેનું નામ એક જ છે’ એ પાસપોર્ટ-ઑફિસર કેમેય માનવા તૈયાર નહોતો

24 July, 2024 11:20 AM IST  |  Mumbai | Krupa Jani

હિરલભાઈ જ્યારે હિરલબહેનના પ્રેમમાં પડ્યા

હિરલભાઈ અને હિરલબહેન

કાંદિવલીમાં રહેતાં મિસ્ટર હિરલ અને મિસિસ હિરલે આ વાત તેમને સમજાવવામાં ‍ અડધો કલાક મહેનત કરવી પડી હતી.  સરખું નામ હોવાને કારણે પાર વગરના સારા-નરસા અનુભવો મેળવનારા આ કપલને તેમના કઝિન્સ મશ્કરીમાં કહેતા કે તમારા બાળકનું નામ પણ હિરલ જ રાખજો. સ્કૂલમાં સાથે ભણેલા આ કપલની પ્રેમકહાણી પણ તેમના રોજબરોજના રોમાંચક અનુભવો જેટલી જ મજેદાર છે.

શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે? પણ જો પતિ અને પત્ની બન્નેનું નામ એક જ હોય તો? તો ફર્ક પડતા હૈ બૉસ. આજે આપણે કાંદિવલી વેસ્ટમાં રહેતા એવા જ એક અનોખા કપલ હિરલ અને હિરલને આજે મળીએ. તેમની સ્ટોરી જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ ફિલ્મી પણ. બાળપણના મિત્રો પ્રેમમાં પડ્યા અને પછી બન્યાં પતિ-પત્ની. ૧૪ વર્ષનું લગ્નજીવન ધરાવતું આ કપલ આજે બે વર્ષના દીકરા ઇવાનના પ્રાઉડ પેરન્ટ્સ છે.

હિરલને મળી હિરલ

‘હિરલ અને હિરલની દુનિયામાં આપનું સ્વાગત છે’ મસ્તી સાથે વાતની શરૂઆત કરતાં મિસ્ટર હિરલ વસાણી પોતાની પહેલી મુલાકાતની વાત કરતાં કહે છે, ‘સંજોગવશાત્ મારે સાતમા ધોરણમાં સ્કૂલ બદલવી પડી અને મેં વિલે પાર્લેની સરલા સર્જન સ્કૂલમાં ઍડ‍્મિશન લીધું. અહીં પહેલી વાર હું મિસ હિરલ જાનીને મળ્યો. નવી સ્કૂલમાં જાઓ ત્યારે તમે મોટા ભાગે નર્વસ હો. એમાં પણ મિસ હિરલ તો પૉપ્યુલર હતી અને પોતાના વર્ગ અને ગ્રુપમાં ધાક ધરાવતી. ઇન ફૅક્ટ, તેણે તેના ગ્રુપ સાથે મળીને મારું રૅગિંગ પણ કર્યું હતું. જોકે મારે તેમના ગ્રુપનો હિસ્સો બનવું હતું, જે હું બની ગયો.’

વાતનો દોર પોતાના હાથમાં લેતાં મિસિસ હિરલ ઉમેરે છે, ‘મને જાણ હતી કે ઘણાં એવાં નામ હોય છે જે પુરુષ અને સ્ત્રી બન્ને માટે ઉપયોગમાં લઈ શકાય, પણ હું પહેલી વાર કોઈની સાથે સેમ નામ શૅર કરી રહી હતી, એ પણ મારી જ સ્કૂલના છોકરા સાથે. હું અને મારી સ્કૂલ ગૅન્ગ આ યોગાનુયોગથી થોડા અચંબિત હતા. જોકે હું સ્કૂલમાં ભારે મસ્તીખોર હતી અને તેથી મેં મારા બધા મિત્રોને મિસ્ટર હિરલને તેના નામને બદલે તેની સરનેમ ‘વસાણી’ દ્વારા સંબોધિત કરવાનું સૂચન કર્યું જે આજે અમારા કૉમન સર્કલમાં તેના નામની પર્યાય બની ગઈ છે. લોકો હવે તેને હિરલ નહીં પણ ‘વસાણી’ કહીને જ બોલાવે છે. અમે મીઠીબાઈ જુનિયર કૉલેજમાં પણ સાથે હતાં અને ત્યાં પણ આ જ પરંપરા ચાલુ રહી. અમે બન્નેએ કરીઅર ઑપ્શન તરીકે પણ માસમીડિયાને પસંદ કર્યું. જોકે ડિગ્રી માટે અમે અલગ-અલગ કૉલેજમાં ગયાં અને આ દરમિયાન અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી.’

કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન

સમાન નામને કારણે તમારી સામાન્ય દિનચર્યામાં કેવા ગોટાળા સર્જાય? આ પ્રશ્નનો જવાબ આપતાં મિસિસ હિરલ કહે છે, ‘થૅન્કફુલી વસાણીને અમારા કૉમન સર્કલમાં અને મારા પરિવારમાં સૌ વસાણી કહીને જ બોલાવે છે અને તેની તરફના પરિવારમાં સૌ તેને તેના નિકનેમ બિટ્ટુ તરીકે સંબોધે છે. આ કારણે અમારા રોજિંદા જીવનમાં કોઈ મોટી તકલીફ ઊભી થતી નથી, પણ કાયદાકીય કામોમાં ઘણી વાર મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.’

એક હાસ્યાસ્પદ પ્રસંગ યાદ કરીને મિસ્ટર હિરલ ઉમેરે છે, ‘મારું નામ મારી પત્નીના બૅન્ક- અકાઉન્ટમાં જૉઇન્ટ હોલ્ડર તરીકે ઉમેરવાનું હતું, પણ બૅન્ક-ઑફિસર અમારા બન્નેનાં નામ સરખાં હોવાને કારણે એકદમ કન્ફ્યુઝ થઈ ગઈ હતી. તેને આખી પરિસ્થિતિ સમજાવતાં મને ખાસ્સો સમય લાગ્યો હતો.’

અહીં મિસિસ હિરલ ઉમેરે છે, ‘મારી પ્રેગ્નન્સી દરમિયાન પહેલી વાર મને લાગ્યું કે સરખાં નામને કારણે મારું બાળક કેટલું કન્ફ્યુઝ રહેશે. મારા કઝિન મને ખીજવતા કે તમારા બાળકનું નામ પણ તમે હિરલ જ રાખજો.’

નેમ-ચેન્જ તો નહીં જ

આપણે ત્યાં ભાભી અને નણંદનાં નામ પણ જો સરખાં હોય તો નવી વહુનું નામ બદલી નાખવામાં આવે છે ત્યારે પતિ-પત્નીનાં નામ એકસરખાં હોય તો તમે નામ બદલવાનું કેમ વિચાર્યું નહીં? આ સંદર્ભે વાત કરતાં મિસ્ટર હિરલ કહે છે, ‘અમારા બન્નેના પાસપોર્ટ રિન્યુ કરાવવાના હતા. એ સમયે પાસપોર્ટ-ઑફિસર અમારા સેમ નામને કારણે ગૂંચવાડામાં પડી હતી. તે કોઈ કાળે માનવા તૈયાર નહોતી કે પતિ અને પત્ની બન્નેનું નામ એક હોઈ શકે. તેને ઘણું સમજાવ્યા બાદ તેણે મને કહ્યું હતું કે તમારે લગ્ન પછી તમારી પત્નીનું નામ બદલી નાખવું જોઈતું હતું. આ સાંભળી મને થોડો આઘાત લાગ્યો હતો કે તેણે મને મારું નામ બદલવાની સલાહ કેમ ન આપી? મેં તેને ગુસ્સામાં ચોખ્ખું સંભળાવી દીધેલું કે નામ સરખાં હોવાને કારણે હું તેની ત્રીસ વર્ષની ઓળખ બદલી નાખવાનું તેને ન કહી શકુંને?’

યુનિક પાસું

આ યોગાનુયોગ તમારા સંબંધને કોઈ રીતે અસર કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે, ‘અમારાં બન્નેનું સરખું નામ હોવું એક સુખદ યોગાનુયોગ છે જે અમારા દૈનિક જીવનમાં હાસ્યનો ડોઝ પૂરો પાડે છે. જ્યારે કોઈ અચાનક ‘હિરલ’ બોલે કે અમે બન્ને એકસાથે હોંકારો ભણીએ. નવા લોકો અચંબાથી અમારી સાથે વાતો કરે છે. લોકોને અમારી લવ-સ્ટોરી જાણવામાં પણ ભારે રસ હોય છે. તેથી તેઓ અમને સરળતાથી યાદ પણ રાખે છે, જેના કારણે અમે સારા મિત્રો સરળતાથી બનાવી શકીએ છીએ. અમારો બૉન્ડ સ્ટ્રૉન્ગ છે અને સરખાં નામ અમારા સંબંધોનું એક યુનિક પાસું છે, જેને અમે એન્જૉય કરીએ છીએ.’

ટોટલી ડિફરન્ટ

શું સરખાં નામ તમારી પર્સનાલિટી પર કોઈ અસર કરે છે? આ સવાલ સાંભળતાં જ બન્ને જોરથી હસી પડે છે અને કહે છે, ‘બિલકુલ નહીં.’ મિસિસ હિરલ કહે છે, ‘વસાણી નૉર્થ પોલ છે તો હું સાઉથ પોલ. અમે બન્ને તદ્દન વિભિન્ન પર્સનાલિટી ધરાવીએ છીએ. વસાણી પર્ફેક્શનિસ્ટ છે ને હું હૅપી-ગો-લકી છું. અમારી ફૂડ-હૅબિટ પણ ટોટલી અલગ છે.’

kandivli gujaratis of mumbai mumbai columnists