સત્ય મહત્ત્વનું કે દલીલ કે વાક્પટુતા?

19 March, 2023 12:13 PM IST  |  Mumbai | Kana Bantwa

સત્ય હંમેશાં તાવણી પર જ રહ્યું છે, પણ અત્યારે એ યુગ ફરી આવ્યો છે જ્યારે સત્ય નહીં, નરેટિવનું મહત્ત્વ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રાચીન ગ્રીસમાં ઈસુ પહેલાં ચોથી-પાંચમી સદીમાં સૉફિસ્ટ્રી નામની દલીલબાજીની એક કળા વિકસિત થઈ હતી. સૉફિસ્ટ વિદ્વાનો કોઈ પણ બાબતને તર્કયુકત દલીલોથી સાબિત કરી દેવાના નિષ્ણાત હતા. વાતમાં સત્ય હોય કે ન હોય, તેમને કશો ફરક પડતો નહીં. વાતને શબ્દોથી, વાક્ચાતુર્યથી, વાદ-પ્રતિવાદથી સાબિત કરી દેવી એ જ તેઓ માટે મહત્ત્વનું હતું. આ સૉફિસ્ટ વિદ્વાનો ગ્રીકના તવંગર અમીર ઉમરાવોનાં સંતાનોને જ સૉફિસ્ટ્રી ભણાવતા અને એ માટે તગડી ફી વસૂલતા. કોઈ વાત સાબિત કરી દેવા માટે કોઈ પૈસા આપે તો તેઓ એ પણ સાબિત કરી દેતા; ભલે એ વાત વાસ્તવમાં સાવ ખોટી હોય, વ્યર્થ હોય. નાનું બાળક પણ કહી શકે કે આમ ન જ હોય એવી વાતને પણ તેઓ શબ્દાડંબર, તર્કથી સાબિત કરી દેતા. એ સૉફિસ્ટ વિદ્વાનોમાં શિરમોર હતો ઝીનો. ઝીનો ઑફ એલિયા. આ ઝીનોએ રચેલા પૅરાડોક્સ, વિરોધાભાસી કોયડા હજી આજે પણ ઉકેલાયા નથી. પ્રથમ નજરે જોતાં જ એ સમજાઈ જાય કે આ પેરાડોક્સ મુજબ બનવું સંભવ નથી, પણ ઝીનોએ જે તર્ક લડાવ્યા એને અનુસરો તો ઝીનો જ સાચો સાબિત થાય. ભલે આપણી સામાન્ય બુદ્ધિ કહેતી હોય કે આ વાસ્તવિકતા નથી છતાં તર્ક પ્રમાણે તો એ કોયડો ઉકેલી શકાય જ નહીં. ધનુષમાંથી એક તીર છોડવામાં આવે અને એ તીર પક્ષી તરફ બરાબર નિશાન પર જ જાય છતાં એ પક્ષીને વીંધી ન નાખે એવું બને ખરું? કોઈ દોડવીર કાચબા સાથે દોડ લગાવે અને કાચબાને ઓવરટેક ન જ કરી શકે એ સંભવ છે? કોઈ પણ માણસ ના જ પડે પણ ઝીનો કહે છે કે સંભવ છે. તીર ભલે નિશાન પર જ હોય, એ પક્ષીને વીંધી શકે નહીં અને એકિલિસ જેવો મહાન દોડવીર પણ જો કાચબા સાથે દોડ લગાવે તો કાચબાને ક્યારેય ઓવરટેક કરી શકે નહીં. તમે કહેશો કે સાવ બાલિશ વાત છે, પણ ઝીનોએ આ સહિતના અનેક આવા પૅરાડોક્સ સાબિત કરી બતાવ્યા છે. હજી પણ એકિલિસ ઍન્ડ ટર્ટલ તથા ઍરો ઍન્ડ બર્ડ નામના એના પૅરાડોક્સ તર્કશાસ્ત્રીઓમાં લોકપ્રિય છે અને ઉકેલી શકાયા નથી. ઝીનોનો તર્ક એવો છે કે કાચબો ધીમો છે એટલે એકિલિસ એને થોડો આગળ રાખીને દોડવાની શરૂઆત કરી છે. ધારો કે સો મીટર આગળ છે કાચબો. એકિલિસ અડધું અંતર કાપે ત્યાં કાચબો થોડો આગળ નીકળી જ ગયો હોય. એ નવા અંતર, ૫૦ મીટર કરતાં થોડું વધુનું અંતર કાપે ત્યાં કાચબો થોડો આગળ નીકળ્યો જ હોય. એનાથી અડધું, એનાથી અડધું, એનાથી અડધું, કાચબો પોતાની મૂળ સ્થિતિથી થોડો આગળ તો નીકળ્યો જ હોય એટલે અનંતકાળ સુધી દોડ્યા કરે તો પણ કાચબાને ઓવરટેક કરી શકે નહીં. તર્ક મુજબ આ સાચું છે, વાસ્તવિકતા એ છે કે કાચબાની નજીક પહોંચ્યા પછી અડધું અંતર કાપવાનો સવાલ જ નથી, એકિલિસ એક લાંબી ડાંફ ભરીને કાચબાને ઓળંગી જ જાય. પણ તર્ક આવું ન કહે.

સૉફિસ્ટ્રીએ એ જમાનામાં ગ્રીસમાં એવી પકડ જમાવી હતી કે સત્યની કોઈ પરવા રહી નહોતી. સૉફિસ્ટો એવું કહેતા કે સત્ય જેવું કશું છે જ નહીં, બધું જ ભ્રમણા છે. સંસારમાં કશું જ બદલાતું નથી, જે બદલાય છે એ પણ ભ્રમ માત્ર જ છે એવું સૉફિસ્ટો માનતા. એ પછી આવ્યા સૉક્રેટિસ. સૉક્રેટિસે ગ્રીક ફિલોસૉફીની અનેક માન્યતાઓને નિર્મમ રીતે તોડી પાડી હતી. એમાં એક આ સૉફિસ્ટ્રી હતી. એ પહેલાં પાઇથાગોરસે સૉફિસ્ટ્રીની વ્યર્થતા સાબિત કરી જ દીધી હતી. અત્યારે સૉફિસ્ટ્રી યાદ આવવા પાછળનું કારણ આજની પરિસ્થિતિ છે. સૉફિસ્ટ્રી મરી નથી, એના સૉફિસ્ટિકેટેડ સ્વરૂપમાં હવે નવેસરથી પેદા થઈ છે (બાય ધ વે, સૉફિસ્ટ્રી અને સૉફિસ્ટિકેટેડ શબ્દોના મજાના સંબંધ વિશે થોડી વાર પછી વાત કરીશું). આજે સત્યને નહીં, સાબિત થનાર બાબતને સ્વીકારવામાં આવે છે અને જે સત્ય નથી એ સાબિત કરી દેવાનો ઉદ્યમ અત્યારે છે એટલો કયારેય નહોતો. શુદ્ધ તર્ક દ્વારા કોઈ બાબત પ્રસ્થાપિત કરી દેવામાં આવે એની સામે કોઈને વાંધો ન હોય; પણ સત્યને નકારવા માટે; અસત્ય, અર્ધસત્યને સાબિત કરવા માટે જે કુતર્ક અને અતિતર્ક આપવામાં આવે છે એ ભયંકર હોય છે. તમે ટીવી ચૅનલો પરની ડિબેટ જોતા હશો. શું સાચું છે અને શું ખોટું છે એ તમને સરળતાથી સમજાઈ જતું હશે, પણ એ જ ડિબેટમાં જેના પક્ષે સત્ય નથી તે ચિત્ર-વિચિત્ર તર્ક દ્વારા એવું સ્થાપિત કરી દે છે કે જે કહેવામાં આવે છે એ ભલે બીજું ગમે તે હોય, એ સત્ય તો નથી જ. માત્ર રાજકીય મુદ્દાઓ બાબતે જ આવું થાય છે એવું નથી. (રાજકીય મુદામાં તો સત્ય ક્યાંય હોતું જ નથી એટલે એમાં તો બંને બાજુ કુતર્ક જ હોય છે.) ધર્મ, પુરાતત્ત્વ, સાહિત્ય કળા ગમે તે વિષયની વાત હોય, સત્યનો ભોગ લેનાર દલીલો જ ટકે છે. વાક્પટુતા અહીં મહત્ત્વની છે. રેટોરિક, યુ નો. શણગારીને વાણી બોલતાં આવડવું જોઈએ. ભલે મુદ્દો ખોટો હોય. માત્ર ડિબેટની જ વાત નથી, દરેક જગ્યાએ આવું જ છે. બોલ બચ્ચનની ગાડી અહીં ચાલી જાય છે. પાંચ-પંદર વાર્તાઓ અને થોડા શબ્દોનાં ઝૂમખાંનો ઘૂઘરો બનાવીને અહીં મોટિવેશનલ સ્પીકર બની જવાય છે. શબ્દોની રમત અને મીઠી વાણીથી અહીં રાજ કરી શકાય છે. સત્ય હંમેશાં તાવણી પર જ રહ્યું છે પણ અત્યારે એ યુગ ફરી આવ્યો છે જ્યારે સત્ય નહીં, નરેટિવ મહત્ત્વનું બની જાય છે. સત્ય નહીં, સંખ્યા મહત્ત્વની બની જાય છે. હવે પોતાનું સત્ય બનાવીને વેચી શકાય છે અને કોઈના માટે ટેલરમેડ સત્ય બનાવી આપાય છે. તમે હવે તમારી આજુબાજુ સૉફિસ્ટ્રી શોધજો. તમને લાગશે કે તમે સૉફિસ્ટ્રીથી જ વીંટળાયેલા છો. જ્યાં જ્યાં નજર મારી ફરે....

સૉફિસ્ટ્રી અને સૉફિસ્ટિકેટેડ બંને શબ્દો સહોદર છે પણ બંનેના અર્થ આટલા વિરોધાભાસી કેમ? શબ્દોની ઉત્પત્તિની રમત ખૂબ જ મજાની હોય છે. મૂળ ગ્રીક શબ્દ સોફોસ અર્થાત ડાહ્યો માણસ એના પરથી સોફિયા શબ્દ આવ્યો જેનો અર્થ થાય છે ડહાપણ, જ્ઞાન. એના પરથી કોઈ એક વિષયના નિષ્ણાત માટે સૉફિસ્ટ શબ્દ વપરાવા માંડ્યો. શરૂઆતમાં, હોમર સુધી સૉફિસ્ટનો અર્થ પૉઝિટિવ હતો. એની સાથે જોડીને વિવિધ શબ્દો પણ બનાવવામાં આવ્યા. મિટિયરોસૉફિસ્ટ એટલે અવકાશી નિષ્ણાત. એક શબ્દ બન્યો હતો, નેકેડ સૉફિસ્ટ. નગ્ન વિદ્વાન. એનો અર્થ થતો ભારતીય વિદ્વાન. ભારતીય સાધુઓ નગ્ન અથવા ઓછાં કપડાંમાં રહેતા એટલે આવો શબ્દપ્રયોગ થતો હશે. પછી આવ્યા એ દંભી સૉફિસ્ટ શિક્ષકો, જે પૈસા લઈને વાક્પટુતા ભણાવતા હતા. જે સત્યને નહીં, દલીલને માનતા હતા. એ સૉફિસ્ટોના યુગ પછી આ શબ્દ નેગેટિવ અર્થમાં વપરાવા માંડ્યો. મધ્યકાલીન સમયમાં એક લૅટિન શબ્દ શોધવામાં આવ્યો, સૉફિસ્ટિકેટેડનો અર્થ કોઈ શુદ્ધ વસ્તુમાં ભેળસેળ એવો થતો હતો. એ સમયે ભારતીય મરી મસાલા યુરોપમાં ખૂબ કીમતી ગણાતા એટલે એમાં થતી ભેળસેળ માટે વપરાતો. એ પછી અઢારમી સદીમાં સૉફિસ્ટિકેટેડ શબ્દનો અર્થ થોડો બદલ્યો. જે વસ્તુ ભેળસેળને કારણે પોતાનું મૂળ સ્વરૂપ ગુમાવી ચૂકી હોય એને માટે આ શબ્દ વપરાવા માંડ્યો. મજા તો એ પછી છે. એ પછી અનસૉફિસ્ટિકેટેડ શબ્દ એવી વસ્તુઓ માટે વપરાવા માંડ્યો જે ઓરિજિનલ હોય, પ્રાકૃતિક હોય, રૉ હોય, બગડેલું ન હોય, નવી સંસ્કૃતિથી અભડાયેલું ન હોય. ઓગણીસમી સદીના અંતમાં આ અનસૉફિસ્ટિકેટેડ શબ્દના વિરુદ્ધાર્થી તરીકે સુધરેલું નવી સંસ્કૃતિવાળું હોય તેને સૉફિસ્ટિકેટેડ કહેવાની શરૂઆત થઈ.

columnists kana bantwa