આ ગાંધીને તો ખતમ જ કરી નાખવો જોઈએ

01 October, 2023 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાંધીને કોઈની વકીલાતની જરૂર નથી. વિરોધીઓએ પણ ગાંધીના આશરે જવું પડે ત્યારે એ બોખા ડોસાનું અટ્ટહાસ્ય સંભળાય છે, સંભળાતું રહેશે

મહાત્મા ગાંધી

એક આખો વર્ગ છે જે માને છે કે ગાંધીએ સ્વરાજ અપાવ્યું નથી, ગાંધીએ જ પાકિસ્તાન બનવા દીધું, ગાંધીએ પાકિસ્તાનને મદદ કરવા ભારતના તત્કાલીન નેતૃત્વને ફરજ પાડી, ગાંધીએ ભેદભાવ રાખ્યો, ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને વડા પ્રધાન બનવા ન દીધા અને નેહરુને ધરાર વડા પ્રધાન બનાવ્યા, ગાંધીએ શહીદ ભગત સિંહને ફાંસીએ ચડતા બચાવ્યા નહીં, ગાંધીએ પોતાના બ્રહ્મચર્યના પ્રયોગ માટે એક યુવતીની આબરૂ જોખમમાં મૂકી. 

આવા અસંખ્ય મુદ્દાઓ છે જેમને એક વર્ગ વળગી રહ્યો છે અને તે માને છે કે ગાંધીને અમથો જ મહાન બનાવી દેવામાં આવ્યો છે. એ વર્ગ માને છે કે એ ડોસલાને તો ખતમ જ કરી નાખવો જોઈએ, ભારતના માનસપટ પરથી. એ વર્ગને સમજાવવા માટે આ આર્ટિકલ નથી અને ગાંધીના સમર્થકોને ખુશ કરવા માટે પણ આ લખાઈ રહ્યું નથી. ગાંધીનો વિરોધી વર્ગ અને તરફદાર વર્ગ બંનેની એક જ સમસ્યા છે, ગાંધીને તેમણે જાણ્યો નથી. ગાંધીવિરોધીઓને પાંચ-પંદર બાબતો ગોખાવી દેવામાં આવી છે. એનાથી આગળ ગાંધી વિશે તેઓ કશું જાણતા નથી. વિરોધીઓને વધુ વિગતોનો ખ્યાલ ન હોય એ સમજી શકાય એવું છે, પણ ગાંધીને સમજનારા અમુક આંગળીના વેઢે ગણાય એવા નિષ્ઠાવાન ગાંધીપ્રેમીઓને જો બાદ કરવામાં આવે તો બાકીના ગાંધીતરફીઓને પણ એમના બાબતે બહુ જ ઓછી સમજ છે. હા, તેઓ ગાંધીને પૂજ્ય માને છે, ગાંધીને આદર્શ માને છે, ગાંધીને મહાત્મા માને છે એમાં કોઈ શક નથી. ગાંધી પ્રત્યેનો તેમનો આદર શંકાથી પર છે; પણ એ આદર થોડીઘણી વાતો, થોડી વાર્તાઓ, થોડા ક્વોટ, થોડા પ્રસંગો અને બાળપણમાં પાઠ્યપુસ્તકમાં વાંચેલા પાઠથી જ પેદા થયો છે. એ આદર ઉપયોગી નથી.
 આટલા ખુલાસા પછી ગાંધીની વાત માંડીએ. ખુલાસો એટલા માટે શરૂઆતમાં જ કરવો પડ્યો છે કે અત્યારે ભારતમાં ગાંધીવિરોધી, ગાંધીતરફી અને ગાંધીથી અજાણ એવા ત્રણ વર્ગો છે જે ગાંધી વિશે લખાતી કોઈ પણ બાબતનો પોતપોતાની રીતે અર્થ કાઢી લે છે.
 

ગાંધી જ્યારે ભારતમાં સત્યાગ્રહ, નિ:શસ્ત્ર પ્રતિકાર અને અહિંસાની લડત લડી રહ્યા હતા ત્યારે પૃથ્વીના બીજા છેડે અમેરિકામાં જનરલ ડગ્લસ મૅકઆર્થર નામના એક સેનાપતિ યુદ્ધકળામાં નામના બનાવી રહ્યા હતા. ગાંધીની જ્યારે હત્યા થઈ ત્યારે મૅકઆર્થર વિશ્વના સૌથી કાબેલ સેનાપતિ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા અને જપાનને નમાવી ચૂક્યા હતા. ગાંધી અને મૅકઆર્થર વિશ્વના બે છેડે, એકબીજાથી તદ્દન ભિન્ન એવી માનસિકતા સાથે ઊભા હતા. એક તરફ અહિંસક રસ્તે શત્રુને જીતવાની વાત હતી, બીજી તરફ હિંસાના માર્ગે દુશ્મનને પરાસ્ત કરવાની નેમ હતી. ગાંધીની જ્યારે હત્યા થઈ ત્યારે વિશ્વભરમાંથી સંદેશા આવ્યા. એમાં મૅકઆર્થરનો સંદેશો હતો, ‘દુનિયાએ જો બચવું હશે તો ક્યારેક તો ગાંધીના માર્ગે ચાલવું પડશે.’ આ એવી વ્યક્તિના શબ્દો છે જે હિંસક માર્ગે સફળતા મેળવનાર હતી, લાખો જપાનીઓનાં મોત માટે જવાબદાર હતી.
 

ગાંધીની મજા એ છે કે તેમની વિચારધારાની તદ્દન સામા છેડે બેઠેલાએ પણ ગાંધીની પાસે જ જવું પડે છે, મને-કમને પણ ગાંધીનો જ આશરો લેવો પડે છે. આ ગાંધીની તાકાત છે. થોડાં વર્ષો પહેલાં જ્યારે ભારતનો રાજવટ બદલાયો ત્યારે અનેક ગાંધીવિરોધીઓને એવું લાગવા માંડ્યું હતું કે હવે તો આપણી સત્તા આવી, હવે આપણે ગાંધીને દફનાવી દઈ શકીશું. એ માટેના ઉધામા પણ થયા. ગોડસેનાં મંદિર બાંધવાના પ્રયાસ થયા અને ગાંધીનાં ચિત્રોને ગોળીઓ મારવાનાં નાટક પણ થયાં. ગાંધીને ગાળો ભાંડવી એ તો દાયકાઓથી ચાલતું આવે છે એટલે એમાં નવાઈ નથી, પણ એ ગાળોમાં વધારો થયો. સોશ્યલ મીડિયા પર ગાંધીને ડિફેમ કરવા માટે, તેની પ્રતિષ્ઠાના હનન માટે જબરદસ્ત પ્રયત્નો થયા, પણ આ વિરોધીઓનું શિર્ષ નેતૃત્વ સમજદાર છે. તેમણે જોયું કે ગાંધી ઉપયોગી છે એટલે ગાંધીને પકડી રાખ્યા. પેલા વિરોધીઓ પણ પછી થોડા શાંત થયા. ગાંધીની આ તાકાત છે.
 

આ લખનાર જ્યારે સાત-આઠ વર્ષનો હશે ત્યારે ક્યાંક એક વાક્ય વાંચ્યું હતું, ‘છેલ્લું અટ્ટહાસ્ય ગાંધીનું હશે.’ ત્યારે આ વાક્ય બહુ સમજાયું નહીં, પણ ધીમે-ધીમે એ વાક્ય સાચું પડતું ગયું. જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માણસોએ ગાંધીનો સતત વિરોધ કર્યો એ જ સંઘની રાજકીય પાંખ ભાજપની બહુમતી સત્તા કેન્દ્રમાં આવે અને એના વડા પ્રધાન મોદી ગાંધીરસ્તે ચાલીને સ્વચ્છ ભારતનો નારો આપે, ગાંધી જયંતીએ સ્વચ્છતાના સોગંદ લેવડાવે ત્યારે સમજાય કે છેલ્લું અટ્ટહાસ્ય તો ગાંધીનું જ.
 

આવું થવા પાછળનું કારણ બહુ સાદું છે, પણ જલદી સમજાય એવું નથી. ગાંધી એક વ્યક્તિ નથી, ગાંધી એ એક વિચાર છે. તમે વ્યક્તિને મારી શકો, વ્યક્તિની આબરૂ ધૂળધાણી કરી શકો, વ્યક્તિને બરબાદ કરી શકો, વ્યક્તિના મોત પછી તેના પર સમાજ થૂંકે એવું આયોજન પણ તમારી પાસે તાકાત હોય તો કરી શકો, વ્યક્તિનું નામનિશાન તમે ઇતિહાસમાંથી મિટાવી દઈ શકો, તમે નવી પેઢીને એ વ્યક્તિની વિરુદ્ધ ઊભી કરી દઈ શકો; પણ વિચારની તમે હત્યા કરી શકો નહીં, એને મિટાવી શકો નહીં.
 

સાચો ગાંધીપ્રેમી માણસ એ છે જે ભૂલો અને નબળાઈઓ બાબતે ગાંધીની ટીકા કરે છે અને સદગુણો બદલ પ્રશંસા પણ. આઝાદી પછી ગાંધીને મહાન અને માત્ર મહાન જ ચીતરી દેવાના એટલા પ્રયત્નો થયા કે તેમની નબળાઈઓને ઢાંકી દેવાનો ઉપક્રમ ચાલ્યો. કેટલાકે એ નબળાઈઓને પણ સબળાઈ ગણાવવાનો પ્રયત્ન કર્યો. એના પ્રતિકારરૂપે ગાંધીવિરોધીઓની સંખ્યા અને તીવ્રતા પણ વધી. ગાંધીને મહાન જ ગણાવવાવાળા ભક્તો આંધળા હતા. જોકે વિનોબા ભાવે જેવા કેટલાક વિરલા પણ પાક્યા જેમણે ગાંધીની ભક્તિ કરી, પણ આંધળી નહીં. જ્યાં ગાંધીની ભૂલ દેખાઈ ત્યાં અત્યંત નમ્રતાથી આંગળી ચીંધી. ગાંધીની વિદાય પછી જ્યારે દંભી ગાંધીવાદીઓ પેદા થયા ત્યારે વિનોબા એ જમાતમાં ભળ્યા નહીં. તે પોતાને ગાંધીવાદી કહેવડાવવાથી દૂર રહ્યા. ગાંધીની નિષ્ફળતાઓની પણ વિનોબાએ ચર્ચા કરી. ગાંધી પ્રત્યે અનન્ય આદર છતાં તેમના વિચારોમાંની ઊણપ વિશે વિનોબાએ જરા પણ અચકાયા વગર વાત કરી. ગાંધીને તેમના અનુયાયીઓમાં જો કોઈ સૌથી વધુ સમજી શક્યા હોય તો તે વિનોબા હતા. ગાંધી અનેક પાસા ધરાવતો હીરો હતો અને દરેક પાસાની આગવી ચમક હતી; પણ તેને જો માત્ર બે જ ભાગમાં વહેંચવો હોય, અને એ વહેંચણી ખૂબ જ મુશ્કેલ છે, તો તેને આધ્યાત્મિક ગાંધી અને આધીભૌતિક ગાંધી એમ બે ભાગમાં વહેંચી શકાય. ગાંધીની આજુબાજુના લોકોમાંથી ઘણા આધીભૌતિક ગાંધીને જાણી શક્યા. બહુ જૂજ અધ્યાત્મિક ગાંધીને સમજી શક્યા, કારણ કે એટલી આધ્યાત્મિક સજ્જતા ધરાવનારા બહુ ઓછા હતા. ગાંધીની આસપાસના લોકોમાં વિનોબા જ એકમાત્ર એવા હતા જે આ બંને પાસાંમાં સમાન સજ્જતા ધરાવતા હતા. ગાંધીની એક નબળાઈ એ હતી કે તેમણે તેમની સાથે જોડાયેલા લોકોના વર્તન અને વ્યવહાર પર જેટલો ભાર મૂક્યો એટલો તેમના અધ્યયન અને અભ્યાસ પર ન મૂક્યો. કદાચ એ સમય જ એવો હતો કે ગાંધીને આ કરવાનો મોકો નહીં મળ્યો હોય, પણ એને કારણે ગાંધી ગયા પછી ગાંધીવાદીઓ તેમના વિચારને જાળવી શક્યા નહીં. ગાંધી નામનો વિચાર જળવાયો નહીં એના પરિણામે આજે ગાંધીને યથાતથ સમજનારાઓ ઓછા છે. વિનોબામાં ગાંધી વિચાર તરીકે જીવતો રહ્યો હતો.
 

ગાંધી જેટલો ક્રીએટિવ અને ઇનોવેટિવ નેતા ભાગ્યે જ ભારતે જોયો છે. અહિંસા તો ગાંધી પહેલાંથી જ ભારતમાં હતી. ગાંધીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સૈનિક ભરતીનું કામ હાથમાં લીધું. તેમનું માનવું હતું કે પ્રજા શસ્ત્ર હાથમાં લેશે તો હિંમતવાન બનશે. દેશ આખામાં ફરીને રંગરૂટ ભરતી કરી. ગુજરાતમાં આવ્યા ત્યારે મહેનત છતાં કોઈ રંગરૂટ ન મળ્યા ત્યારે ગાંધીએ ચિડાઈને કહ્યું હતું કે ‘અહીં વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મ એ બંનેએ મળીને ગુજરાતને બરબાદ કરી દીધું. એકે ભક્તિ શીખવી, બીજાએ અહિંસા શીખવી.’ ગાંધીને આવી વાંઝણી અહિંસા ખપતી નહોતી એટલે તેમણે અહિંસાનું પણ સ્વરૂપ બદલી નાખ્યું. નિર્વેર રહેવું, નિ:શસ્ત્ર રહેવું અને પ્રતિકાર કરવો. પ્રતિકાર અને નિર્વેર બે એકબીજાથી સાવ ભિન્ન ચીજોને તેમણે સાથે જોડી અને એક અલગ જ સ્વરૂપ અહિંસાનું પેદા થયું. સત્યાગ્રહનો સાવ નવતર વિચાર આપનાર ગાંધીએ સર્વોદયનો પણ વિચાર આપ્યો, ગ્રામસ્વરાજનો વિચાર આપ્યો, દરિદ્રનારાયણની સેવાનો વિચાર આપ્યો (દરિદ્રનારાયણ શબ્દ મૂળ તો વિવેકાનંદે આપેલો છે), રેંટિયો આપ્યો (એ રેંટિયાએ આખા દેશને એક તાંતણે બાંધ્યો). એ પ્રયોગશીલ માણસે પોતાના પર પ્રયોગો કર્યા, સ્વજનો પર પ્રયોગો કર્યા, અનુયાયીઓ પર પ્રયોગો કર્યા. ભોજનમાં, વસ્ત્રોમાં, રહેણીકરણીમાં, રાજનીતિમાં, અર્થકારણમાં બધે જ નવા પ્રયોગો કર્યા. વિનોબાએ નોંધ્યું છે કે ગાંધી તેના અંતિમ સમયમાં સમગ્ર ચિંતનની વાત બહુ કરવા માંડ્યા હતા. અત્યારે તે માણસને ગોળીઓ ધરબી દીધાને પોણી સદી થઈ ગયા પછી પણ દેશ ગાંધીને સમગ્રપણે સમજી શક્યો છે ખરો?
 ગાંધીએ કહ્યું હતું કે ‘સત્યને માપવા માટેનો ગજ કદી ટૂંકો ન બનો.’ આજે સૌ પોતપોતાના માપની ફુટપટ્ટીઓથી ગાંધીને માપે છે. વામણાની ફુટપટ્ટી વામણી હોય એ ટૂંકો માપે એમાં તેનો શો દોષ? આ લખનાર માટે ગાંધી એ મહાત્મા પણ છે અને ગાંધીજી પણ. વિનોબાને કોઈએ પૂછ્યું કે ગાંધી કહેવાય કે ગાંધીજી? ગાંધીના કટ્ટર અનુયાયી વિનોબાએ જવાબ આપ્યો કે ‘જો તેમને વ્યક્તિ માનતા હો તો ગાંધીજી કહેવા અને તેમને વિચાર માનતા હો તો ગાંધી કહેવા.’

columnists mahatma gandhi gujarati mid-day