ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા એ પક્ષીની બે આંખો છે

24 February, 2024 09:21 AM IST  |  Mumbai | Rashmin Shah

એક નહીં બબ્બે સંન્યાસીઓ પાસેથી મળેલી આ શીખને જીવનમાં ઉતારીને બન્ને ક્ષેત્રમાં વૈશ્વિક નામના મેળવનારા અમેરિકાના કમલેશ પટેલને દુનિયા દાજીના હુલામણા નામે ઓળખે છે.

કમલેશ પટેલ

‘પશ્ચિમને ભારતની સંસ્કૃતિનો પરિચય જો કોઈએ આપ્યો હોય તો એ ભાઈ કમલેશે આપ્યો છે અને સૌથી સારી વાત એ છે કે એ પરિચય મેળવવાનું કામ આજના યંગસ્ટર્સ પણ એટલા જ હોંશભેર કરે છે, જે તેમને સ્વસ્થ મન અને સ્વસ્થ તન આપવાનું કામ બખૂબી કરે છે.’

આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અને તેમણે કહ્યું છે દશકાઓથી અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા દાજી તરીકે જગવિખ્યાતિ મેળવનારા કમલેશ પટેલ માટે. ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણાતા ધ્યાનમાં અમુક જરૂરી સુધારાઓ સાથે રામચંદ્ર મિશન દ્વારા હાર્ટફુલનેસ મેડિટેશનના પ્રચાર-પ્રસારમાં દાજીએ પોતાના જીવનનો મોટો હિસ્સો આપી દીધો છે એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. હાર્ટફુલનેસ મેડિટેશનનાં આજે જગતભરમાં સેન્ટરો છે તો દુનિયાભરમાં એના પંદર હજારથી પણ વધુ ટ્રેઇનર્સ છે. દાજી માટે મનમાં અહોભાવ ત્યારે વધી જાય જ્યારે તમને એ ખબર પડે કે આજે જ્યારે જગત આખું યોગ અને મેડિટેશનને ઇન્ડસ્ટ્રી બનાવી રૂપિયો રળવાનું સાધન બનાવીને કામે લાગી ગયું છે ત્યારે જીવન જીવવાની સર્વોચ્ચ રીત શીખવવાના આ સ્પિરિચ્યુઅલ માર્ગ પર શ્રી દાજી પાંચ પૈસા પણ ચાર્જ નથી લેતા.

વસુધૈવ કુટુમ્બકમ્

નિઃશુલ્કપણે શીખવવામાં આવતા અને પ્રાણાયામ સાથે જોડીને તૈયાર કરવામાં આવેલા હાર્ટફુલનેસ હીલિંગને કારણે સેંકડો લોકોનાં જીવન રોગમુક્ત થયાં છે તો સાથોસાથ સેંકડો લોકો સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીમાંથી બહાર આવ્યા છે. દાજી કહે છે, ‘ભારત સંસ્કૃતિસભર દેશ છે. મને આપણા સમૃદ્ધ ભારતીય વારસા પર ખૂબ ગર્વ છે. આપણા પૂર્વજોએ કહ્યું હતું ‘વસુધૈવ કુટુમ્બકમ્’ જેના અર્થ કરતાં એનો ભાવાર્થ સમજવાની જરૂર છે અને ભાવાર્થ છે - વિશ્વ આખું એક છે, એ મારું કુટુંબ છે. વ્યક્તિગત રીતે મારા માટે જીવનની સૌથી અમૂલ્ય ક્ષણ એ હશે જ્યારે જગતનો દરેક મનુષ્ય આત્મસાક્ષાત્કારના માર્ગે ચાલવા અને ઉચ્ચ ચેતના પ્રાપ્ત કરવા માટે પ્રેરિત થાય અને એની પાછળ ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા જોડાયેલી હોય.’

કરવો હતો સંસારત્યાગ...
ટીનેજ દરમ્યાન દાજી સ્વામી વિવેકાનંદથી ભારોભાર પ્રભાવિત હતા. કહો કે તે વિવેકાનંદજીના માર્ગે ચાલવા માટે તલપાપડ હતા. સાધુ બનવાની પ્રબળ ઇચ્છા સાથે કમલેશભાઈએ ઘર છોડી દીધું અને ભારત-ભ્રમણની ભાવના સાથે નીકળી પડ્યા. જોકે કહે છેને કે જીવનમાં આવતો બદલાવ ક્યારેય અલાર્મ વગાડીને નથી આવતો. નર્મદા પરિક્રમા દરમ્યાન નર્મદાના કિનારે કમલેશભાઈનો મેળાપ એક ભ્રમિત સાધુ સાથે થયો અને બન્ને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. સાધુ સાથેના એ વાર્તાલાપ દરમ્યાન કમલેશભાઈને એટલું સમજાયું કે સંસાર છોડીને નીકળી ચૂકેલા એ સાધુને પણ પોતે પસંદ કરેલા સંન્યાસના એ માર્ગ માટે અફસોસ હતો. પરિવારને છોડીને નીકળી જવાના પોતાના વિચાર અને આધ્યાત્મિક શોધમાં રહેલી અધૂરપને કારણે તે સાધુ પણ અંદરથી ખેદ અનુભવતા હતા. દાજી કહે છે, ‘એ સાધુ સાથે બધી વાત થયા પછી મેં તેમને મારા મનની વાત કરી ત્યારે તેમણે મને સાધુતાના માર્ગની વિરુદ્ધ કહેવાય એવી સલાહ આપતાં ઘરે પાછા જવાની વિનંતી કરી અને મારા જીવનનો નવો અધ્યાય શરૂ થયો.’

અમદાવાદની ફાર્મસીની એલ. એમ. કૉલેજમાં ગ્રૅજ્યુએટ થનારા કમલેશ પટેલે પોતાના કૉલેજકાળ દરમ્યાન જ મેડિટેશનની શરૂઆત કરી હતી, પણ થોડા જ સમયમાં તેમના એક દોસ્તે તેમને હાર્ટફુલનેસ મેડિટેશનનો અનુભવ કરાવ્યો. દાજી સ્વીકારતાં કહે છે, ‘શરૂઆતમાં મને થોડું ચૅલેન્જિંગ લાગ્યું, પણ પહેલા સેશન પછી મેં મારામાં એક ઊંડા બદલાવનો અનુભવ કર્યો અને મને સમજાયું કે સ્પિરિચ્યુઅલની દિશામાં આગળ

વધવાનો જે માર્ગ છે એ માર્ગ અને એની ચાવી બહાર ક્યાંય નહીં પણ તમારી અંદર જ રહેલી છે. સમય જતાં મેં પ્રૅક્ટિસ વધારી અને બીજાં સેશન્સ પણ જૉઇન કર્યાં, જેણે મને આ જ વાતનો વધારે સાક્ષાત્કાર કરાવ્યો અને હું કહીશ કે હાર્ટફુલનેસ ટ્રેઇનર્સમાં મને મારા આત્મીય જનોનો, મારી ફૅમિલીનો પણ 
અનુભવ થયો.’

અમેરિકાથી અધ્યાત્મ સુધી
અમદાવાદથી કમલેશભાઈ અમેરિકા આવ્યા અને તેમણે અમેરિકામાં પોતાનું પોસ્ટ-ગ્રૅજ્યુએશન પૂરું કરીને પોતાના ફાર્માસ્યુટિકલ બિઝનેસની શરૂઆત કરી અને એ બિઝનેસને ઊંચાઈઓ પણ આપી. ૨૦૦૩માં તેમણે નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે બિઝનેસ બાળકોને સોંપીને પોતે તેમની પાસે જે આવડત છે, જે ખૂબીઓ છે, જે પોતાના ગુરુ પાસેથી શીખ્યા છે એને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે. કમલેશ પટેલે પોતાના આ નિર્ણયને અમલમાં મૂક્યો. દાજી કહે છે, ‘મારા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય બાબુજી મહારાજ કહેતા કે આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ પક્ષીની બે પાંખ છે, બન્ને એકબીજા વિના રહી શકતા નથી. એક સમયે ભૌતિક જીવનથી દૂર રહેવા માગતો હું જીવનના સત્યની શોધમાં ઘર છોડીને લગભગ ભાગી ગયો અને નર્મદાના કિનારે એક સાધુ મળ્યા, જેમણે મને ભૌતિક જગતમાં પાછા જવાનું કહ્યું. અહીં જે વાત છે એ બૅલૅન્સની છે. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું ત્યારે હું એ સાધુનો પણ આભારી છું કે તેમણે મને જગતમાં પાછો મોકલ્યો. તમે જરા કલ્પના કરો કે આખું વિશ્વ જો ભૌતિક પાસાંઓનો ત્યાગ કરે તો દુનિયાનું શું થાય? કોઈ પ્રગતિ થશે નહીં અને વિશ્વ સ્થિર થઈ જશે. આપણે જીવનનાં ભૌતિક અને આધ્યાત્મિક પાસાંઓને સંતુલિત કરવાનું શીખવું જોઈએ. જેટલી આવશ્યકતા ભૌતિકતાની છે એટલી જ આવશ્યકતા આધ્યાત્મિકતાની પણ છે.’

દુનિયા આખી જ્યારે યોગ અને મેડિટેશનના ક્ષેત્રમાંથી કમાણી કરે છે ત્યારે તમે શું કામ નિઃશુલ્કના રસ્તે ચાલો છો? આ સવાલના જવાબ પછી શ્રી દાજીના ચહેરા પર સ્મિત આવી જાય છે. દાજી કહે છે, ‘મારા ગુરુજીએ વચન આપ્યું છે કે બ્રહ્મવિદ્યા પર કોઈ આવક ન હોઈ શકે. એ નિઃશુલ્ક હોય તો જ દરેક માટે સુલભ રહે. આજે આ હાર્ટફુલનેસ તરીકે જે ઑફર કરવામાં આવે છે એ આધુનિક જીવન અને આપણી વર્તમાન જીવનશૈલી માટે અનુકૂળ છે અને એટલી જ જરૂરી છે, કારણ કે એ બ્રહ્મવિદ્યા છે અને બ્રહ્મવિદ્યા પર ક્યારેય કોઈ આવક ન હોઈ શકે.’
૨૦૨૩માં ભારત સરકાર દ્વારા પદ્‍મભૂષણથી સન્માનિત થયેલા દાજી માત્ર મેડિટેશન કે હ્યુમન લાઇફના ક્ષેત્રમાં જ કાર્યરત હોય એવું નથી. પ્રકૃતિ માટે પણ તેઓ એટલું જ કામ કરે છે. અત્યાર સુધીમાં તેમણે ભારતમાં એક લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે, જે ત્રીસ લાખ વૃક્ષ સુધી પહોંચાડવાનું તેમનું લક્ષ છે. આ ઉપરાંત હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દાજી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની જવાબદારીઓ પણ ઉપાડે છે. દાજી કહે છે, ‘આપણે એવા તબક્કામાં છીએ જ્યાં ભારતે ટેક્નિકલ અને સાયન્સ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. દુનિયાની નજર આજે ભારત તરફ છે. હમણાં જ માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સમગ્ર બ્રહ્માંડના મિત્ર તરીકે ઓળખાય છે, જે દર્શાવે છે કે આપણે દુનિયાથી આગળ નીકળવાની સાથોસાથ એ બધાને 
પણ આગળ લઈ જવાનું કામ કરવાની દિશામાં પણ મક્કમ છીએ. જોકે આ એક નિરંતર પ્રક્રિયા છે જે દરેક ક્ષેત્રમાં સતત ચાલુ રહેવી જોઈએ.’

columnists narendra modi gujarati mid-day