અખંડ અમેરિકાનું ડોનલ્ડ ટ્રમ્પનું સપનું કૅનેડા માટે દુઃસ્વપ્ન બની જશે

12 January, 2025 05:05 PM IST  |  Washington | Raj Goswami

ટ્રમ્પને લાગે છે કે અમેરિકામાં ઘૂસણખોરી માત્ર મેક્સિકોની સરહદથી જ નહીં, એની ઉત્તરીય સરહદથી એટલે કે કૅનેડાથી પણ થાય છે; આને રોકવાની જરૂર છે. હકીકતમાં કૅનેડા મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓ સહિત સમગ્ર વિશ્વના લોકોને રાજકીય આશ્રય આપે છે

ડોનલ્ડ ટ્રમ્પ

કૅનેડા અને અમેરિકાને સંડોવતા બે સમાચારો ભારત માટે રસપ્રદ છે. કૅનેડાના વડા પ્રધાન તરીકે નવ વર્ષના ત્રણ કાર્યકાળ પછી જસ્ટિન ટ્રુડોએ ૬ જાન્યુઆરીએ વિદાય લીધી છે. ૨૦૧૫ની ચૂંટણીમાં લિબરલ પાર્ટીને પ્રચંડ વિજય અપાવીને કૅનેડાના રાજકારણના કેન્દ્ર તરીકે ઊભરી આવેલા ટ્રુડોની શરૂઆત તો શાનદાર હતી, પરંતુ દેશના લોકોના મૂડની તેમની સમજ અત્યંત નબળી સાબિત થઈ હતી અને અંતે બદનામ થઈને ગયા હતા.

ટ્રુડો કૅનેડા માટે બોજ બની ગયા હતા. કૅનેડાના ત્રણચતુર્થાંશ લોકો ઇચ્છતા હતા કે ટ્રુડો સત્તા છોડી દે જેથી તેમનો દેશ ફરી પાટા પર આવી શકે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં કૅનેડાએ પોતાને શિક્ષણના સ્થળ તરીકે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું એટલે હજારો એશિયન અને આફ્રિકન વિદ્યાર્થીઓ ત્યાં ઊમટી પડ્યા. એ દેશના સૌથી યુવાન વડા પ્રધાન ટ્રુડોની દેણ હતી, પણ પછી વૈશ્વિક નાણાકીય મંદીમાં લોકો તેમનાથી નિરાશ થવા લાગ્યા.

ઓછી બહુમતી સાથે ટકી રહેવા માટે તેમણે કટ્ટરપંથી સિખ અને ઇસ્લામિક પક્ષો પર આધાર રાખવો પડ્યો. મોંઘવારીએ ઘરગથ્થુ બજેટને સાફ કરી નાખ્યું, બેરોજગારીમાં વધારો થયો, તમામ પ્રકારના શંકાસ્પદ અને હિંસક લોકો જેઓ પોતાના જ દેશમાં અનિચ્છનીય હતા તેઓ કૅનેડા આવ્યા. આ કારણે તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો.

સવાલ એ છે કે શું ટ્રુડોની વિદાય ભારત-કૅનેડા સંબંધોમાં પુનઃ સ્થાપન તરફ દોરી જશે? લાગતું નથી કે એ રાતોરાત બદલાશે. દ્વિપક્ષીય સંબંધો બાંધવામાં દાયકાઓ લાગે છે, પરંતુ બગડવામાં માત્ર થોડાં અઠવાડિયાં જ લાગે છે. ભારતે એના માટે  ઘણી રાહ જોવી પડશે અને નવા શાસક સામે દોસ્તીની પહેલ કરવી પડશે.

કૅનેડાની ચિંતા એકલું ભારત નથી. પાડોશી અમેરિકા અને ખાસ તો અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ પણ છે. ટ્રુડોએ રાજીનામું આપ્યાના એક દિવસ પછી બુધવારે ટ્રમ્પે કૅનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે કૅનેડા પર બે નકશા શૅર કર્યા છે. કૅનેડા યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ છે. ટ્રમ્પની આવી હરકતો કૅનેડાને સતત પરેશાન કરી રહી છે.

જોકે કૅનેડાના નેતાઓ ટ્રમ્પની ટિપ્પણીઓ પર ભડક્યા છે. જસ્ટિન ટ્રુડોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને યોગ્ય જવાબ આપ્યો અને કહ્યું કે આવી કોઈ દૂર-દૂર શક્યતા નથી. ટ્રુડોએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર લખ્યું છે, ‘કૅનેડા ક્યારેય યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ નહીં બને. એના કરતાં બરફમાં પણ આગ લાગવાની શક્યતા વધુ છે. આપણા બન્ને દેશોના કર્મચારીઓ અને સમુદાયોને એકબીજાના સૌથી મોટા વેપાર અને સુરક્ષા-ભાગીદાર બનવાનો લાભ મળે છે.’

કૅનેડા તેલ, ગૅસ અને લાકડાં સહિતનાં કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. જો કૅનેડા અમેરિકાનું રાજ્ય બને તો આ સંસાધનો પર સીધું નિયંત્રણ આવી જાય. જો બન્ને દેશોની વેપાર અને કરવેરાની વ્યવસ્થા એક થઈ જાય તો વેપાર સરળ બને અને કરવેરામાં રાહત મળે, એનાથી અમેરિકાનો આર્થિક પ્રભાવ વધે. ટ્રમ્પનું સૂત્ર હતું, ‘અમેરિકા ફર્સ્ટ ઍન્ડ મેક અમેરિકા ગ્રેટ અગેઇન’. આવી સ્થિતિમાં કૅનેડાને અમેરિકન રાજ્ય બનાવવાના વિચારથી લોકોમાં તેમનું સમર્થન અને શક્તિ વધી શકે છે.

મેક્સિકો પછી કૅનેડા અમેરિકાનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. વેપાર ઉપરાંત બન્ને દેશો વચ્ચે ઘણું સામ્ય છે જે એકબીજાને નજીક લાવે છે અને સંબંધોને મજબૂત બનાવે છે. કૅનેડા સાથે ટ્રમ્પની સૌથી મોટી સમસ્યા ટૅરિફ અને ત્યાંથી ઘૂસણખોરીની છે. ટ્રમ્પને લાગે છે કે કૅનેડાની ચીજવસ્તુઓ પર ટૅરિફ ખૂબ ઓછી છે. માલસામાન પરની ઓછી ટૅરિફ કૅનેડાને લાભ આપે છે અને યુનાઇટેડ સ્ટેટ્સને નુકસાન પહોંચાડે છે. તેઓ આ વસ્તુઓ પર પચીસ ટકા ટૅરિફ વધારવા માગે છે.

ટ્રમ્પને લાગે છે કે અમેરિકામાં ઘૂસણખોરી માત્ર મેક્સિકોની સરહદથી જ નહીં પરંતુ એની ઉત્તરીય સરહદ એટલે કે કૅનેડાથી પણ થાય છે એટલે એને રોકવાની જરૂર છે. હકીકતમાં કૅનેડા મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓ સહિત સમગ્ર વિશ્વના લોકોને રાજકીય આશ્રય આપે છે. વિશ્વભરના લોકો પહેલાં કૅનેડા આવે છે અને પછી ધીમે-ધીમે કેટલાક કાયદેસર અને કેટલાક ગેરકાયદે માર્ગે યુ.એસ.માં પ્રવેશવાનું શરૂ કરે છે. ટ્રમ્પ એને રોકવા માગે છે.

ટ્રમ્પનો એજન્ડા ઘણો વિવાદાસ્પદ છે. મંગળવારે તેમણે મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત રાખવાની વાત કરી હતી. તેમણે ગ્રીનલૅન્ડની ખરીદી અને પનામા નહેરનું નિયંત્રણ પાછું લેવા માટે હાકલ કરી છે. આ દર્શાવે છે કે તેઓ રાષ્ટ્રપતિ બનતાં જ આ ત્રણ મુદ્દાઓ પર મોટો નિર્ણય લઈ શકે છે. એક રીતે ટ્રમ્પે ગ્રીનલૅન્ડ, કૅનેડા અને પનામા કનૅલ પર પોતાનો એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે. ટ્રમ્પ કહે છે કે અમેરિકાએ ગ્રીનલૅન્ડ અને પનામા કનૅલ પર નિયંત્રણ કરવું જોઈએ કારણ કે એ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે.

ગ્રીનલૅન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે અને ઉત્તર અમેરિકાથી યુરોપ સુધીનો સૌથી ટૂંકો માર્ગ છે. એ અમેરિકાની સૌથી મોટી અવકાશ-સુવિધાનું કેન્દ્ર પણ છે. ટ્રમ્પનો આરોપ છે કે પનામા નહેરના ઉપયોગ માટે પનામા તેમની પાસેથી ખૂબ વધારે રકમ વસૂલ કરી રહ્યું છે એટલે એને પાછી લેવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેઓ કહે છે કે નહેર તેમના દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ગ્રીનલૅન્ડ, કૅનેડા અને પનામા નહેર અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. તાજેતરના સમયમાં રશિયા અને ચીનની વધતી રુચિને કારણે ડોનલ્ડ ટ્રમ્પ એમને અંકે કરવા માગે છે. આનું કારણ અમેરિકાનું વર્ચસ બતાવવાની સાથે-સાથે રશિયા અને ચીનને પાઠ ભણાવવાનું પણ છે. લાગે છે કે ટ્રમ્પ અખંડ અમેરિકાની દિશામાં બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે. એનાથી અમેરિકા કેટલું સમૃદ્ધ થશે અને દુનિયા કેટલી અસ્થિર એ તો સમય બતાવશે.

ચીનની લદ્દાખમાં ઘૂસપેઠ 

ચીને ભારતમાં ઘૂસપેઠ કરી છે કે નહીં એના વિરોધાભાસી દાવાઓ વચ્ચે વિદેશ મંત્રાલયે પહેલી વાર સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે કે ચીને લદ્દાખમાં બે નવી કાઉન્ટી બનાવી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે તાજેતરમાં કહ્યું હતું કે ભારતે ક્યારેય આ ક્ષેત્રમાં ભારતીય ક્ષેત્ર પર ચીનના ગેરકાયદે કબજાને સ્વીકાર્યો નથી. તેમણે કહ્યું હતું કે ‘અમે ચીનના હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટીઓની સ્થાપના અંગેની જાહેરાત જોઈ છે. આ કહેવાતી કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના ભાગો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવે છે. અમે રાજદ્વારી માધ્યમો દ્વારા ચીની પક્ષ સમક્ષ ગંભીર વિરોધ નોંધાવ્યો છે.’

હોટનના કેટલાક વિસ્તારો લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળ આવે છે.

શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત પ્રદેશની પીપલ્સ સરકારે બે નવી કાઉન્ટીઓ હૈઆન અને હેકાંગની રચનાની જાહેરાત કરી છે એમ રાજ્ય સંચાલિત ઝિન્હુઆ સમાચાર એજન્સીએ આ અઠવાડિયે અહેવાલ આપ્યો હતો. હોટન પ્રીફેક્ચર દ્વારા સંચાલિત બન્ને કાઉન્ટીઓને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિ અને રાજ્ય પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હોંગલિઉ અને ઝેડુલા ટાઉનશિપને અનુક્રમે હેયાન અને હેકાંગનાં વહીવટી મુખ્ય મથકો તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

આ પહેલી વાર નથી જ્યારે બીજિંગે એના નકશામાં ભારતીય પ્રદેશો પર દાવો કર્યો હોય. ૨૦૧૭માં ચીને અરુણાચલ પ્રદેશનાં છ સ્થળો માટે પ્રમાણિત નામોની પ્રારંભિક યાદી બહાર પાડી હતી, ૨૦૨૧માં એણે ૧૫ સ્થળોની બીજી યાદી બહાર પાડી હતી; જ્યારે ૨૦૨૩માં ૧૧ વધારાનાં સ્થળોની યાદી બહાર પાડવામાં આવી હતી.

સંરક્ષણનિષ્ણાતોનું માનવું છે કે ભારત-ચીન સરહદ વિવાદમાં આ નવી ઘટનાઓ આ ક્ષેત્રમાં તનાવ વધારી શકે છે. ચીન જ્યાં સુધી પોતાની સ્થિતિ અંગે ચોક્કસ ન હોય ત્યાં સુધી આવું પગલું ન ભરે. મતલબ કે એની આ હરકત પાછળ નિશ્ચિત ગણતરી છે અને એને ભારતના વિરોધની પડી નથી. આ તાજા વિવાદથી ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા-સંવાદ પર શું અસર પડે છે એ જોવાનું રહેશે.

માહિતી અધિકાર કાયદો મરણપથારીએ છે

વર્તમાન સરકારમાં માહિતી અધિકાર કાયદો (RTI)ની હાલત કેટલી ખરાબ છે એનો પુરાવો સુપ્રીમ કોર્ટની એ ટિપ્પણી પરથી મળે છે જેમાં એણે લાગલું જ પૂછ્યું છે કે ‘એનો કારભાર કરવા માટે તમારી પાસે જો માણસો ન હોય તો પછી આ સંસ્થાને રાખવાનો શો અર્થ છે?’

જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે તાજેતરમાં જે જણાવ્યું હતું એ RTI બાબતે ચિંતાજનક છે. કેન્દ્રીય માહિતી પંચમાં માહિતી કમિશનરની આઠ જગ્યા ખાલી છે અને લગભગ ૨૩,૦૦૦ અપીલ પેન્ડિંગ છે. ઘણા રાજ્ય માહિતી આયોગો ૨૦૨૦થી નિષ્ક્રિય છે અને અમુક રાજ્યોએ તો માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ અરજીઓ સ્વીકારવાનું બંધ પણ કરી દીધું છે.

અરજદાર અંજલિ ભારદ્વાજ વતી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ૨૦૨૩ અને ૨૦૨૪માં પસાર કરાયેલા આદેશો છતાં નિમણૂકો સમયસર અને પારદર્શક રીતે કરવામાં આવી રહી નથી. ‘કાયદાને નાબૂદ કરવાનો સૌથી સરળ રસ્તો માહિતી આયોગોને નિષ્ક્રિય કરવાનો છે,’ એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્રએ જવાબમાં કહ્યું હતું કે ઑગસ્ટ ૨૦૨૪માં માહિતી કમિશનર માટે અરજીઓ મગાવવામાં આવી હતી, જેના પર ૧૬૧ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. જોકે હજી પસંદગી-પ્રક્રિયા ચાલી રહી છે.

ગયા વર્ષે ઑક્ટોબરમાં અંજલિ ભારદ્વાજની સંસ્થા સતર્ક નાગરિક સંગઠને એ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ‘માહિતી આયોગોમાં ચાર લાખથી વધુ ફરિયાદો અને અપીલ પેન્ડિંગ છે, માહિતી કમિશનરોની જગ્યાઓ ખાલી પડી છે, ઘણી સમિતિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, ઘણાં કમિશનો જવાબ આપ્યા વિના અરજીઓ પરત કરી રહ્યાં છે. દરેક આયોગે એના અમલીકરણનો વાર્ષિક અહેવાલ તૈયાર કરવો પડે છે. મોટા ભાગના આ કામ નથી કરતા.’

સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં પોતાના આદેશમાં મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણૂક માટે વિગતવાર સમયપત્રક નક્કી કર્યું હતું. એણે નિમણૂકની પારદર્શક પ્રક્રિયા પણ સુનિશ્ચિત કરી હતી. જોકે પાંચ વર્ષ પસાર થઈ ગયાં છે, સરકારોએ એ સમયપત્રક અથવા નિમણૂક-પ્રક્રિયાને અટકાવી દીધી છે.

હવે ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ એન. કે. સિંહની ખંડપીઠે કેન્દ્રને બે અઠવાડિયાંમાં એ સ્પષ્ટતા કરવા કહ્યું છે કે એણે માહિતી કમિશનરની નિમણૂક માટે મહત્તમ સમયગાળો શું નક્કી કર્યો છે? સવાલ એ છે કે શું કેન્દ્ર આ નોટિસને ગંભીરતાથી લેશે અને એનો તાત્કાલિક જવાબ આપશે?

છેલ્લા દાયકાઓમાં ભારતીય લોકશાહીને મજબૂત કરવા માટે RTI અધિનિયમનો અમલ સૌથી અસરકારક પગલું સાબિત થયો છે. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે માહિતીના અધિકાર અધિનિયમના અમલીકરણ સાથે પારદર્શિતા, જવાબદારી અને લોકશાહી સશક્તીકરણના યુગની શરૂઆત કરી હતી. તેમણે ૨૦૦૫માં RTI કાયદો રજૂ કર્યો હતો.

આનાથી સરકારો અને વહીવટી તંત્રને નિર્ણય અને અમલીકરણની પ્રક્રિયામાં પારદર્શક રહેવા માટે દબાણ કરવા માટે નાગરિકોના હાથમાં હથિયાર આવ્યું હતું. સ્વાભાવિક છે કે એને નષ્ટ કરવાનો પ્રયાસ શરૂઆતથી જ કરવામાં આવ્યો હતો, જેમાં હવે ઘણી સફળતા મળી છે. હવે એ જોવાનું બાકી છે કે શું સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ આ હથિયાર ફરીથી સક્રિય કરે છે કે નહીં.

donald trump united states of america canada justin trudeau political news international news news world news columnists raj goswami gujarati mid-day