17 November, 2024 03:13 PM IST | Mumbai | Raj Goswami
જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ
દેશના સૌથી પ્રભાવશાળી અને બે વર્ષના સૌથી લાંબા સમયગાળા માટે દેશના ચીફ જસ્ટિસ રહેલા જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ ૧૦ નવેમ્બરે નિવૃત્ત થયા. તેમના સ્થાને જસ્ટિસ સંજીવ ખન્ના ૫૧મા ચીફ જસ્ટિસ બન્યા છે. તેમનો કાર્યકાળ માત્ર છ મહિના અને એક દિવસનો રહેશે, કારણ કે આગામી વર્ષે ૧૩ મેએ તેઓ નિવૃત્ત થવાના છે.
બરાબર એક મહિના પહેલાં ભૂતાનની લૉ સ્કૂલના એક વાર્ષિક સમારોહમાં બોલતાં જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘બે વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી હું નવેમ્બરમાં હોદ્દો છોડું છું. જેમ-જેમ મારો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમ-તેમ મારું મન ભવિષ્ય અને ભૂતકાળ વિશેનાં ભય અને ચિંતાઓથી ઘેરાયેલું છે. હું વિચાર કરતો રહું છું કે મેં જે કરવાનું નક્કી કર્યું હતું એ બધું હાંસલ કર્યું છે? ઇતિહાસ મારા કાર્યકાળનો ન્યાય કેવી રીતે કરશે? શું હું કંઈક અલગ રીતે કામ કરી શક્યો હોત? હું ન્યાયાધીશો અને કાયદાકીય વ્યાવસાયિકોની ભાવિ પેઢીઓ માટે શું વારસો છોડીને જઈશ?’
જસ્ટિસ ચંદ્રચૂડની ચિંતા વાજબી ઠરી છે. તેમના કાર્યકાળની ઘણાં કારણોસર ટીકા થઈ રહી છે. જેમના પિતા વાય. વી. ચંદ્રચૂડ પણ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા હતા તેમના પુત્ર તરીકે અને તેમની પાસે બે વર્ષનો લાંબો સમય હોવાથી લોકો અપેક્ષા રાખતા હતા કે તેઓ સુપ્રીમ કોર્ટની કામગીરી બદલશે, સામાન્ય નાગરિકો માટે ન્યાય મેળવવાનું સરળ બનાવશે અને સરકારને બંધારણીય નિયંત્રણમાં રાખશે. કદાચ એ વધુપડતી અપેક્ષાઓના કારણે જ ન્યાયતંત્ર પર ધ્યાન રાખતા લોકો જસ્ટિસ ચંદ્રચૂડ માટે નિરાશા અનુભવી રહ્યા છે.
તેઓ ખુદ એનાથી વાકેફ છે. સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશન દ્વારા વિદાય-સમારોહમાં તેમણે કહ્યું હતું, મેં મારા અંગત જીવનને લોકો સમક્ષ કઈ રીતે રજૂ કર્યું છે એ હું જાણું છું. જ્યારે તમે તમારા જીવનને લોકો સમક્ષ ઉજાગર કરો છો ત્યારે તમે ટીકાનો પણ સામનો કરો છો, ખાસ કરીને આજના સોશ્યલ મીડિયાના યુગમાં. પણ એવું જ થવું જોઈએ. મારામાં એટલી હિંમત છે કે હું એ તમામ ટીકાઓનો સામનો કરી શકું.’
ન્યાયતંત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન અને સશક્ત વિચારોથી આગવી છાપ છોડનારા જસ્ટિસ ચંદ્રચૂડે તેમના કાર્યકાળમાં અયોધ્યા જમીન વિવાદ, કલમ 370 અને સમલૈંગિકતાને અપરાધમુક્ત કરવા સહિત અનેક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આપ્યા હતા. હંમેશાં પોતાના મનની વાત કહેતા જસ્ટિસ ચંદ્રચૂડે ૫૦૦થી વધુ ચુકાદાઓ લખ્યા હતા, જેમાંથી કેટલાકની ટીકા થઈ હતી અને ઘણાની પ્રશંસા થઈ હતી.
ખાસ તો અયોધ્યા મામલે તેમની ઘણી ટીકા થઈ હતી. બહુ બધા લોકોના આશ્ચર્ય વચ્ચે તેમણે આ ચુકાદાને યાદ કરીને એવું કહ્યું હતું કે આ કેસની સુનાવણી થઈ રહી હતી ત્યારે એનો ફેંસલો કેવી રીતે કરવો એ માટે ‘ભગવાનની સામે બેસીને મદદ માટે વિનંતી કરી હતી.’ ભારતના ચીફ જસ્ટિસ કોઈ ફેંસલો કરતી વખતે ભગવાનની મદદ લે એ વાત ઘણા લોકો માટે આઘાતજનક હતી.
બીજો વિવાદ ત્યારે થયો જ્યારે તેમણે તેમના ઘરે ગણેશ પૂજા માટે વડા પ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું અને એ વિડિયો વાઇરલ થયો હતો. મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થયા પછી તરત જ યોજાયેલો આ પૂજા કાર્યકમ ઘણી ચર્ચાનો વિષય બન્યો હતો.
આ બન્ને એવી બાબતો એવી હતી જેની ન્યાયાધીશો પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. એકમાં તેમણે પોતાના ફેંસલાનો જાહેરમાં બચાવ કર્યો હતો. જો કેસનો ફેંસલો ન્યાય અને બંધારણને આધીન હોય તો એના વિશે તેમણે કશું કહેવાનું ન હોય, પરંતુ તેમના ખુલસામાં પણ વિવાદાસ્પદ વાત એ હતી કે જે કેસમાં ભગવાન ખુદ પાર્ટી હોય એના ઉકેલ માટે તેમણે ભગવાનની જ મદદ માગી હતી. તેમણે આવું કેમ કર્યું એ તો તે જ જાણે.
બીજું, ન્યાયાધીશો અને રાજકીય માણસો અંગત રીતે મળવાનું ટાળે છે. ન્યાયાધીશો પાસે રાજકારણીઓને લગતા સંવેદનશીલ કેસો આવતા રહે છે અને એ વખતે તટસ્થતા જળવાઈ રહે એ માટે ન્યાયતંત્ર અને રાજકારણ વચ્ચે એક લક્ષ્મણરેખા દોરવામાં આવેલી છે. આવી પરંપરા છતાં ચીફ જસ્ટિસના ઘરે એક પૂજામાં વડા પ્રધાનની ઉપસ્થિતિ ચર્ચાનો વિષય બની હતી.
પાછળથી એક ઇન્ટરવ્યુમાં જસ્ટિસ ચંદ્રચૂડે ગણેશ પૂજાને ‘ખાનગી પ્રસંગ’ ગણાવીને કહ્યું હતું કે ‘એમાં કંઈ ખોટું નથી. અદાલતની કામગીરી માટે ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચે સંવાદ સામાન્ય છે. લોકોએ સમજવું જોઈએ કે આવી રીતે સોદાઓ નથી થતા. એટલે અમારા પર વિશ્વાસ કરો. અમે સોદો કરવા માટે ત્યાં નહોતા ભેગા થયા.’
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ એક મીડિયા સાથે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘જસ્ટિસ ચંદ્રચૂડનો કાર્યકાળ નુકસાનકારક રહ્યો છે અને તેઓ એક ખરાબ વિરાસત પાછળ છોડીને જઈ રહ્યા છે જેણે ઘણા લોકોને નારાજ કર્યા છે.’
જોકે ઘણા લોકો એવું પણ માને છે કે ચંદ્રચૂડનો કાર્યકાળ મિશ્ર રહ્યો છે. ન્યાય વ્યવસ્થામાં ટેક્નૉલૉજિકલ સુધારાઓ અને જનતાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચની વાત છે ત્યાં સુધી તેમણે સારું કામ કર્યું હતું, નૈતિક વર્ચસ્વ આગળ કરવામાં સુપ્રીમ કોર્ટ ખાસ કરી શકી નહોતી.
ટ્રમ્પ ભારત-કૅનેડાના બુચ્ચા કરાવશે?
જેનો ડર હતો એવું જ થયું છે. ભારત અને કૅનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદે બન્ને દેશો વચ્ચેના સંબંધોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને હવે બન્ને દેશો સાથે સંબંધ ધરાવતા લોકોને એની અસર થવા લાગી છે. કૅનેડામાં તનાવ વધ્યો છે. કૅનેડા જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વીઝાના નિયમોમાં ફેરફાર, નોકરીઓનો અભાવ અને ઊંચી ફી જેવા મુદ્દાઓએ વિદ્યાર્થીઓને અન્ય દેશો તરફ વળવા મજબૂર કર્યા છે. કૅનેડાએ ફાસ્ટ-ટ્રૅક અભ્યાસ વીઝા કાર્યક્રમ સમાપ્ત કર્યો છે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસર કરી શકે છે.
તાજેતરના દિવસોમાં કૅનેડાએ એની ઇમિગ્રેશન નીતિમાં મોટા ફેરફારો કર્યા છે અને આગામી ત્રણ વર્ષમાં કાયમી નાગરિકતા આપવાના એના લક્ષ્યાંકોમાં પણ ભારે ઘટાડો કર્યો છે. ઑક્ટોબરના અંતમાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી હતી કે ‘અમે કૅનેડા આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ભારે ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. અમે અમુક સમય માટે વસ્તી વૃદ્ધિને રોકવા માગીએ છીએ જેથી અમારી અર્થવ્યવસ્થા પાટા પર આવી શકે.’
આ મહિને કૅનેડાના બહુવિધ વીઝા પ્રવેશ નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આનાથી કૅનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પરવાનગી અને કામચલાઉ કામદારોની સંખ્યા મર્યાદિત થઈ ગઈ છે. કૅનેડામાં અંદાજે ૧૯ લાખ લોકો (કૅનેડાની વસ્તીના લગભગ ૪ ટકા) ભારતીય મૂળના છે.
૨૦૨૩માં ખાલિસ્તાની કાર્યકર્તા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓ ક્યાંક સંડોવાયેલા હોવાના કૅનેડાએ કરેલા આરોપ પછી, દ્વિપક્ષીય સંબંધો પાટા પરથી ઊતરી ગયા છે. અન્ય એક ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુ સામેના કાવતરાના સંબંધમાં વૉશિંગ્ટનના આરોપોએ આ બાબતને વધુ જટિલ બનાવી
દીધી છે.
૩ નવેમ્બરે કૅનેડાના બ્રૅમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિર સંકુલમાં ભારતીય મિશને કૉન્સ્યુલર સેવાઓ પૂરી પાડવા માટે એક શિબિરનું આયોજન કર્યું હતું જેમાં ખાલિસ્તાની કાર્યકર્તાઓએ હિંસક રીતે વિક્ષેપ પાડ્યો હતો. બાદમાં હિન્દુ જૂથોના વિરોધને કારણે પણ હિંસા થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં થયેલી હિંસાને ‘આયોજિત’ અને ભારતીય રાજદ્વારીઓને ડરાવવાના પ્રયાસોને ‘કાયરતાપૂર્ણ’ ગણાવ્યા હતા. કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી હતી.
કૅનેડામાં ખાલિસ્તાની તરફી તત્ત્વો ભારતીય સમુદાયના સભ્યોને નિશાન બનાવી રહ્યા છે. વૉટ્સઍપ જેવી સોશ્યલ મીડિયા ઍપ્સ પર જૂથો બનાવવાથી માંડીને ભારતીય સમુદાયના સભ્યોનો નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યાં રહેતા ભારતીયોનો વિરોધ કરવો અને ધમકી આપવી એ ખાલિસ્તાનીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાં રહેતા ઘણા વ્યાવસાયિકો અને વેપારીઓ તેમની મિલકત વેચીને ભારત પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે.
દરમિયાનમાં અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પની વાપસીથી એવી આશા ઊભી થઈ છે કે અમેરિકા ભારત-કૅનેડાના સંબંધને પાટે ચડાવવાની કોશિશ કરશે. ‘ઇન્ડિયન-અમેરિકન્સ ફૉર ટ્રમ્પ 2016’ સમિતિના સભ્ય ડૉ. સુધીર પરીખે કહ્યું છે કે ‘અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી અને તેમણે વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો કૅનેડા સરકાર અને ભારત સરકાર વચ્ચેના આ સંકટને ઉકેલવામાં અમારી મદદ કરશે.’
બુલડોઝર પર સુપ્રીમ કોર્ટનું સ્ટીમરોલર
આખરે સુપ્રીમ કોર્ટે અન્યાયકારી ‘બુલડોઝર જસ્ટિસ’ પર સ્ટીમરોલર ફેરવી દીધું છે. બુધવારે આ મુદ્દા પર અંતિમ ફેંસલો આપતાં કોર્ટે આ ન્યાયેતર વિધ્વંસને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કર્યો છે અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ માટે કોઈ પણ મિલકતને તોડી પાડતી વખતે અનુસરવાની વિગતવાર માર્ગદર્શિકા પ્રદાન કરે છે. એ ઉપરાંત ગેરકાયદે તોડફોડ કરતા અધિકારીઓ પર તેમના કૃત્ય બદલ વ્યક્તિગત જવાબદારી નક્કી કરી છે.
સુપ્રીમ કોર્ટે એના આદેશમાં કહ્યું છે કે એણે બંધારણમાં આપવામાં આવેલા અધિકારોને ધ્યાનમાં લીધા છે, જે લોકોને રાજ્યની મનસ્વી કાર્યવાહીથી રક્ષણ પૂરું પાડે છે. અદાલતે સ્પષ્ટપણે કહ્યું હતું કે કાયદાનું શાસન એ સુનિશ્ચિત કરે છે કે લોકોને એવો વિશ્વાસ હોવો જોઈએ કે તેમની સંપત્તિને કોઈ પણ વાજબી કારણ વગર છીનવી લેવામાં નહીં આવે.
કોર્ટે કહ્યું કે જો સરકારી અધિકારીઓ કાયદો હાથમાં લઈને આવી કાર્યવાહી કરે છે તો તેમને જવાબદાર ઠેરવવા જોઈએ અને ફરીથી ઘર બનાવવાનો ખર્ચો તેમના પગારમાંથી કાપવો જોઈએ. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે કારણદર્શક નોટિસ જારી કર્યા વિના કોઈ ડિમોલિશન ન થવું જોઈએ અને નોટિસ જારી થયાના ૧૫ દિવસની અંદર પણ કોઈ ડિમોલિશન ન થવું જોઈએ. તેમણે ધ્વંસ કરવાની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવાનો પણ આદેશ આપ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં આવી બુલડોઝર કાર્યવાહી અવિરત ચાલુ છે. ૨૦૧૭માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન બન્યા પછી ગુનેગારો પર લગામ લગાવવા માટે બુલડોઝરને એક મૉડલ બનાવવામાં આવ્યું હતું. એ પછી BJP શાસિત અન્ય રાજ્યોએ પણ એનું અનુકરણ કર્યું હતું.
જ્યારે આ કાર્યવાહી ખૂબ થવા લાગી ત્યારે અમુક લોકોએ એને ખોટી અને માન્ય કાનૂની પ્રક્રિયાની વિરુદ્ધ ગણાવી હતી, પરંતુ જનતાના એક વર્ગમાં અને વહીવટી વર્તુળોમાં પણ એને સમર્થન મળ્યું હતું. એટલે એની યોગ્યતાને લઈને સવાલો ઊભા થયા હતા, જે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે નાબૂદ થઈ ગયા છે.
કોર્ટનો આ ફેંસલો જરૂરી અને નિર્ણાયક છે. સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધીને કહ્યું હતું કે ‘કોર્ટે બુલડોઝરને કાયમ માટે ગૅરેજમાં ઊભાં કરી દીધાં છે. બુલડોઝર કાર્યવાહીના નામે ગરીબોનાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યાં છે.’