બસ સમયને સાચવી લો કાચબા એ કહી ગયા

16 June, 2024 11:00 AM IST  |  Mumbai | Hiten Anandpara

જિંદગીને ટકાવવામાં યોગ્ય સમય ચૂકી જવાય છે. જે ત્રીસીમાં સાકાર કરવાનું હોય એ સાઠ પછી કરવાનું આવે ત્યારે શક્તિમાં ઓટ આવી ગઈ હોય.

પ્રતીકાત્મક તસવીર

સંકેતો આપણને સાનમાં ઘણું કહી જતા હોય છે, પણ આપણે કાં તો સમજી નથી શકતા અથવા તો અવગણીએ છીએ. એક વખત આવો અનુભવ ટ્રેનમાં થયો હતો. ટ્રેનમાં વર્ષોથી સેકન્ડ AC અને થર્ડ ACના જે ડબ્બા છે એમનો દરવાજો જડ અથવા જડભરત શ્રેણીમાં આવી શકે એટલો કઠોર હોય છે. વરિષ્ઠ નાગરિકોના તો હાથ હાંફી જાય. એક વાર વૉશરૂમ જતી વખતે વિચાર આવ્યો કે આવું ભારાડી બારણું બંધ થાય અને બિચારા કોઈની આંગળી આવી જાય તો! તરત ત્રીજી સેકન્ડે મારો અંગૂઠો આવી ગયો. છઠ્ઠી ઇન્દ્રિયે સંકેત આપ્યો, પણ એ સમજવામાં મોડું થઈ ગયું. પછી તો આ ઘટનાના વિચારોમાં જ રાત ગઈ. હરીશ ઠક્કર શું વિચારે છે એ જોઈએ...   

કરતો હતો હું વાતને બહેલાવીને જરા

કિસ્સા કોઈના કોઈને નામે ચડી ગયા

ક્યાંથી વિચાર આવે છે? ક્યાં જાય છે વિચાર?

એવું વિચારવામાં વિચારે ચડી ગયા!

વાત બહેલાવીને કહેવાની એક કળા હોય છે. કથાકથનમાં એની વિશેષ આવશ્યકતા રહે છે. દાદા-દાદી કે નાના-નાની બાળકોને પરીઓની, રાજા-રાણીની કે પંચતંત્રની વાર્તાઓ કરે ત્યારે બાળકની કલ્પનાશક્તિ ખીલવા લાગે અને તે અજાણ્યા પ્રદેશોમાં વિહાર કરીને રસતરબોળ થઈ જાય. આજકાલ ત્રીજી પેઢી અને નવી પેઢી વચ્ચે તકલીફ ભાષાની પડે છે. બાળકો ગુજરાતીતા સમજી નથી શકતાં અને વડીલો ગુજરાતીતા છોડી નથી શકતા. ઇચ્છે તો પણ ન છોડી શકે. તેમના લોહીમાં નરસિંહનાં પ્રભાતિયાં, મિયાં ફુસકી, છકો-મકો અદૃશ્યપણે વહેતાં હોય છે. પોતે જે જાણે છે એ બાળકોને કહી ન શકવાની મૂંઝવણ વડીલો ચોક્કસ અનુભવતા હશે. અગન રાજ્યગુરુ આવી જ કોઈ મૂંઝવણ વ્યક્ત કરે છે...

સાથમાં ચાલી શકાયું હોત પણ

વાતમાં ને વાતમાં અટકી ગયા

એક ઝટકે જીભ પર આવ્યા હતા

શબ્દ સઘળા બાદમાં અટકી ગયા

જીભ પર આવેલી વાત ઘણી વાર કહી નથી શકાતી તો ઘણી વાર કહેવી પણ ન જોઈએ. પ્રસંગ જોઈને વાત મંડાય. કોઈની વર્ષગાંઠ પ્રસંગે કે લગ્નપ્રસંગે જૂના ખટરાગના સંદર્ભે કોઈ વાત નીકળી જાય તો શ્રીખંડ પણ કારેલા જેવો લાગે. ખેલદિલી કેળવવી અઘરું કામ છે અને પાકટ થતાં એ આવે તો આવે. વિશ્વરથ આવા લોકોની શોધ આદરે છે...

મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા?

શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા?

મોજ માણો આજની, ના કાલની પરવા કરો

એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા?

અલગારી બનીને જીવનારાને જોઈએ ત્યારે થાય કે ખરું જીવન તો આ લોકો જીવે છે, આપણે તો માત્ર ફીફાં ખાંડીએ છીએ. મન થાય ત્યારે પ્રવાસે ઊપડી જનારા લોકો પોતાને દુનિયાથી કટ કરી કુદરત સાથે કનેક્ટ કરી લે છે. મંચસજ્જા માટે જાણીતા છેલ-પરેશમાંથી પરેશ દરુ ઘણી વાર આવી રીતે હિમાલય ઊપડી જતા. મોજ પડે ત્યાં હોમ-સ્ટેમાં પર્વતોના સાંનિધ્યમાં રહેતા. કલાકારોની આંતરસમૃદ્ધિ માટે આ અભિગમ ઉપકારક પણ નીવડે છે. પોતે જે જોયું છે, અનુભવ્યું છે એ સર્જનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દેખા દેવાનું. ભગવતીકુમાર શર્મા નિસર્ગથી દૂર જવાનો નિસાસો

વ્યક્ત કરે છે...  

લક્સની ફિલ્મી મહેક, ગીઝર ને શાવરબાથ આ

નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઈ ગયા

સિક્સ ચૅનલ સ્ટિરિયોફોનિક અવાજો છે અહીં

કે હદપાર પંખીઓના ટહુકા થઈ ગયા

જિંદગીને ટકાવવામાં યોગ્ય સમય ચૂકી જવાય છે. જે ત્રીસીમાં સાકાર કરવાનું હોય એ સાઠ પછી કરવાનું આવે ત્યારે શક્તિમાં ઓટ આવી ગઈ હોય. વ્યક્તિનું મનોબળ ગમે એટલું મક્કમ હોય, પણ ઉંમરની પોતાની મર્યાદા હોય છે. અવસર કૂદીને જવાનો આવે અને આપણા હાથમાં લાકડી હોય ત્યારે ઇચ્છાઓને બ્રેક મારવી પડે. ગની દહીંવાળા આવો જ કોઈ અફસોસ

નિરૂપે છે...

તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા

બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા

રાતની બેચેનીઓનું ચિત્ર આ ચાદરના સળ

કેટલી સહેલાઈથી સાકાર પડખાં થૈ ગયાં

લાસ્ટ લાઇન

વાત કરવાનું કહ્યું તો વારતા એ કહી ગયા

એકસાથે સાત પેઢીની વ્યથા એ કહી ગયા

 

એમને તો એક સહેલો માર્ગ પૂછ્યો’તો અમે

પણ મળ્યા તો પંચવર્ષી યોજના એ કહી ગયા

 

મેં કહ્યું બેસો જરા, મારી હતાશા દૂર થાય

સ્હેજ થોભ્યા ને પછી એની દવા એ કહી ગયા

 

માવજત જે રીતે કરશો એમ ફેલાઈશું અમે

આજ માળીને નવા સૌ છોડવા એ કહી ગયા

 

સ્વપ્ન એવું ના જુઓ, ક્યારેય ના સાકાર થાય

કોઈ તરસ્યા આદમીને ઝાંઝવાં એ કહી ગયાં

 

હોય જો કેવળ ઝડપ તો જીત નક્કી થાય નહીં

બસ સમયને સાચવી લો, કાચબા એ કહી ગયા

 

સુનીલ શાહ

ગઝલસંગ્રહ : વાદળો વચ્ચે સૂર્યોદય

columnists hiten anandpara