નોકરી ક્યારે છોડવી?

27 February, 2023 01:28 PM IST  |  Mumbai | Jigisha Jain

નોકરી છોડવી એ કોઈ પણ માટે અતિ અઘરો નિર્ણય છે એટલે જ આ નિર્ણય સમજી-વિચારીને લેવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

 ઘણી વખત પ્લાનિંગ વગર જૉબ છોડી દેવાથી પાછળથી વધુ પસ્તાવો થાય છે અને ઘણી વખત વર્ષોથી જૉબ છોડવાનું વિચારવા છતાં એ છૂટતી જ નથી. એટલે જરૂરી છે કે આ બંને પરિસ્થિતિ વચ્ચેનું બૅલૅન્સ લાવવું જોઈએ

કેસ-૧ : ૪૨ વર્ષના હર્ષદભાઈ છેલ્લાં ૧૦ વર્ષથી એક જ કંપનીમાં કામ કરે છે. એ કંપની તેઓ છેલ્લાં ૪-૫ વર્ષથી છોડવા ઇચ્છે છે પરંતુ છોડી શકતા નથી. એવું નથી કે તેમને ક્યાંય બીજે કામ મળી શકે એમ નથી. અહીં તેઓ ઘૂંટાઈ રહ્યા છે પરંતુ બીજે જવામાં તેમને ડર પણ લાગે છે. તેઓ સતત હિંમત એકઠી તો કરે છે પરંતુ ખબર નહીં કેમ એ ભેગી નથી થઈ શકતી.

કેસ-૨ : ૩૩ વર્ષનો રિષભ ન ઇચ્છવા છતાં ઑફિસ પૉલિટિક્સમાં ફસાઈ ગયો છે. દરરોજ પોતાના આત્મસન્માનને નેવે મૂકીને કામ કરવું તેને પોસાય એમ નહોતું એટલે એકઝાટકે તેણે એ જૉબ મૂકી દીધી. પરંતુ થયું એ કે બીજી જગ્યાએ કોઈને કોઈ કારણસર તેને જૉબ મળી નહીં અને છેલ્લા ૬ મહિનાથી તે કામની શોધ કરી રહ્યો છે.

કેસ-૩ : છેલ્લાં ૪ વર્ષથી ૧૦ ટકાથી પણ નીચે સૅલેરીના વધારા સાથે ૪૪ વર્ષના નિતેશભાઈ પોતાની નોકરી સાથે ઍડ્જસ્ટ કરી રહ્યા છે. ખર્ચા એટલા વધુ છે કે પૈસા પૂરા પડતા નથી. દેવું વધતું જાય છે. પરંતુ બૉસ પ્રત્યેની તેમની વફાદારીને કારણે તેઓ આ જ જૉબમાં અટકી ગયા છે. ઘણા લોકોએ કહ્યું જૉબ બદલાવવાનું પણ નિતેશભાઈની હિંમત થતી નથી.

કેસ-૪ : બદલાવ લાવવા માટે ૩૮ વર્ષના પંકજે એક ધીકતી કંપનીમાં કામ શરૂ કર્યું. તેનો ડિપાર્ટમેન્ટ બદલાઈ ગયો. તેણે એ ન વિચાર્યું કે એ જે કામમાં નિષ્ણાત છે, જે કામ માટેની સ્કિલ તેણે છેલ્લાં ૧૫ વરસથી ડેવલપ કરી છે એનું શું? હવે નવેસરથી કક્કો ઘૂંટવાના ચક્કરમાં તેણે પોતાનું ઇન્ટેલેક્ચ્યુઅલ અને ટેક્નિકલ કૅપિટલ ગુમાવી દીધું, જે એક મોટો લૉસ થઈ ગયો.

નોકરી છોડવી કોઈ પણ વ્યક્તિ માટે એક અઘરો નિર્ણય છે. પૈસા વધુ મળે, ગમતું કામ મળે, તકો સારી મળે તો નોકરી બદલાય એવું મૂળભૂત જ્ઞાન તો દરેક પાસે હોવાનું જ. પરંતુ નોકરી ક્યારે છોડી જ દેવી જોઈએ અને એ છોડતાં પહેલાં શું-શું બાબતો ધ્યાનમાં રાખવી એ સમજવું જરૂરી છે. સૌથી પહેલી અને ખૂબ જ પ્રૅક્ટિકલ વાત એ છે કે જ્યાં સુધી તમારી પાસે હાથમાં બીજી નોકરી ન હોય ત્યાં સુધી નોકરી છોડવી નહીં. તમને ગમે તેટલા ત્રસ્ત થઈ ગયા હો એમ છતાં બૅક-અપ પ્લાન વગર નોકરી છોડી દેનારા મોટા ભાગે પસ્તાય છે. સબાટિકલ એક એવો સમય છે જે હંમેશાં કરીઅર ગ્રાફમાં નકારાત્મક ઇમ્પ્રેશન છોડે છે.

ઇન્સ્ટાગ્રામ પર ગૂગલના એક કન્સલ્ટન્ટ આશિષ કે. સિંહની એક નોકરી સંબંધિત રીલ વાઇરલ થઈ રહી છે, જેના અનુસાર જાન્યુઆરીથી માર્ચનો સમય એવો છે જ્યારે તમે નોકરી બદલવા વિશે વિચારી શકો છો, કારણ કે આ સમયે કંપનીઓનું ઍન્યુઅલ બજેટ નક્કી થતું હોય છે અને કેટલા નવા લોકોને તેમણે લેવા એનો પ્લાન તૈયાર થઈ રહ્યો હોય છે. ખાસ કરીને મલ્ટિનૅશનલ કંપનીઓમાં જે લોકો જૉબ કરવા માગે છે તેમના માટે આ નિયમ લાગુ પડે છે. એપ્રિલથી જૂન નોકરી બદલવા માટેનો બેસ્ટ સમય ગણાય ખાસ કરીને ભારતીય કંપનીઓમાં, કારણ કે ત્યારે જ મોટા ભાગની કંપની રિક્રૂટ કરી રહી હોય છે. જુલાઈથી સપ્ટેમ્બર ખાસ સારો સમય ન ગણાય, કારણ કે આ સમયે મોટા ભાગની કંપનીમાં જગ્યાઓ ભરાઈ ગઈ હોય છે. ઑક્ટોબરથી ડિસેમ્બર પણ એવો સમય છે જ્યાં મોટા ભાગે લોકો રજા પર હોય. તમે અપ્લાય પણ કર્યું હોય તો ઇન્ટરવ્યુ જલદી ન આવે એમ બને.

ક્યારે છોડી જ દેવી?

મોટા ભાગે લોકો નોકરી ક્યારે છોડવી એ બાબતે મુંઝાય છે, કારણ કે જૉબ કરનારી વ્યક્તિઓ જીવનમાં રિસ્ક લેવામાં માનતી નથી એટલે જ તો એ લોકો બિઝનેસ નહીં, જૉબ કરે છે. સિક્યૉરિટી, કમ્ફર્ટ અને રૂટીનમાં પૈસા આવ્યા કરે, જેનાથી ઘર ચાલ્યા કરે એ તેમના માટે ખૂબ જરૂરી છે. તો પછી જે વિશે વાત કરતા એક્ઝિક્યુટિવ કોચ અમિત કાપડિયા કહે છે, ‘એક ફોર્સ હોય છે જ્યારે તમે સવારે ઊઠો છો ત્યારે આ કામ છે અને એના માટે તમે ખેંચાઓ છો. એ ખેંચાણને અંગ્રેજીમાં ટ્રૅક્શન કહેવાય છે. જ્યારે તમે જીવનમાંથી કામ માટેનું આ ખેંચાણ અનુભવવાનું બંધ કરી દો એટલે કે ટ્રૅક્શન એકદમ ગાયબ થઈ જાય જીવનમાંથી ત્યારે સમજો કે નોકરી બદલવી જરૂરી છે. નોકરી એક એવી વસ્તુ છે જ્યાં માણસ આખો દિવસ પસાર કરે છે અને એ જ જગ્યા તમારા જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ગમે તેટલું ફિલોસૉફીભર્યું લાગે પણ એ હકીકત છે કે એ કામમાં મજા પડવી ખૂબ જ જરૂરી છે. જો તમને કામ કરવાની મજા ન આવે તો સમજો કે સમય થઈ ગયો છે છોડવાનો.’

ખુદનું મૂલ્યાંકન કરો

ઘણા લોકોને આપણે સાંભળીએ છીએ કે કંપની તેની કદર કરતી નથી. તેને જોઈએ એવું માન કે પગાર આપતી નથી. એ વિશે સમજાવતાં કોચ અમિત કાપડિયા કહે છે, ‘એ વાત ઘણા કેસમાં સત્ય હોય છે. તમે જો તમારા ૧૦૦ ટકા કંપનીને આપ્યા હોય છતાં તમારી કદર કંપનીને ન હોય તો જૉબ છોડી દેવી. પરંતુ એ પહેલાં એક વાત સમજી લેવી. દરેક વ્યક્તિને એવું હોય છે કે હું લાયક છું. હું ઘણું કામ કરું છું. પણ તેનો અંતરાત્મા જાણતો હોય છે કે ખરેખર આ સત્ય છે કે નહીં. ઘણી વાર વ્યક્તિ ખુદ લાયક નથી હોતી. કંપની તમને જે પૈસા આપે છે એ પૈસાથી વધુ વળતર જ્યારે તમે એ કંપનીને ચૂકવશો ત્યારે તમારો પ્રોગ્રેસ પાકો જ છે. વધુ તો શું, આજકાલ ઘણા લોકો તો ૭૦ ટકા વળતરમાં પણ ભયો-ભયો થતા હોય છે.  આવા લોકો ઑફિસે મોડા પહોંચે છે. ત્યાં જઈને પણ કૅન્ટીનમાં ગપ્પાં મારવાનું જ કામ કરે છે. આવી પરિસ્થિતિમાં જાતનું મૂલ્યાંકન કરો. હવામાં નોકરી છોડી દેશો તો એ તમને ભારે પડશે.’

પૈસા બાબતે

મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને નોકરી બદલાવવી હોય તો એનું એક મુખ્ય કારણ પૈસા હોય છે. જ્યાં પૈસા વધુ મળતા હોય ત્યાં વ્યક્તિ જતી રહે છે. એ બાબતે સમજાવતાં અચીવ થાય સેલ્ફના એક્ઝિક્યુટિવ કોચ અને ફાઉન્ડર અરવિંદ ખીંવેસરા જ્યારે તમે પૈસા વધુ મળે એ માટે જૉબ બદલાવવા ઇચ્છતા હો તો મહત્ત્વનું એ છે કે ઓછામાં ઓછો તમને ૩૦ ટકા જેટલો રાઇઝ મળવો જોઈએ, કારણ કે નવા વાતાવરણમાં કામ કરવાનો અને તમારી જાતને સાબિત કરવાનો જે ટાસ્ક છે એ માટે એટલો વધારો તો થવો જ જોઈએ, કારણ કે સામાન્ય કરતાં એ વધુ કોશિશ માગી લે છે. પણ સામે પક્ષે જો એ તમારી ડ્રીમ જૉબ હોય કે તમારું અત્યંત મનગમતું કામ હોય તો પછી ત્યાં પૈસા થોડા ઓછા મળે કે વધારો થોડો ઓછો હોય તો પણ ચલાવી જ શકાય, કારણ કે અહીં તમને કામનો સંતોષ મળવાનો છે. ધીમે-ધીમે અહીં તમે સારું કામ કરીને પૈસા મેળવી લેશો એટલે એ બાબતે ચિંતા નથી. મુંબઈ જેવા શહેરમાં લોકો જો તેમના ઘરની નજીક સારી જૉબ મળતી હોય તો એ લઈ લેતા હોય છે. એનાથી ટ્રાવેલિંગની તકલીફથી તેઓ બચી શકે છે. એ વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે, કારણ કે એનાથી વર્ક-લાઇફ બૅલૅન્સ સારું રહે છે.’

તમારી કિંમત

ખુદની કિંમત સમજતાં શીખો એમ જણાવતાં અરવિંદ ખીંવેસરા કહે છે, ‘જો તમારી જે સ્કિલ છે એ સ્કિલની માર્કેટમાં અત્યારે ખૂબ વધારે કિંમત છે તો આ ખૂબ જ સારો સમય છે. તમારે જૉબ બદલવી જ જોઈએ, કારણ કે જ્યારે ડિમાન્ડ વધુ છે ત્યારે રિઝલ્ટ ઘણું સારું મળી શકે છે. બીજું એ કે ઘણા લોકો ઑફિસની સાથે-સાથે મહેનત કરીને પોતાની સ્કિલ્સ અપગ્રેડ કરવા માટે કોઈ નવો કોર્સ કે નવી ડિગ્રી શરૂ કરે છે. આ વસ્તુ તમારા પ્રોફાઇલને મજબૂત બનાવે છે. પરંતુ જો તમારી કંપની તમારા એ કોર્સ કે સ્કિલની વૅલ્યુ ન કરતી હોય એને કારણે તમને કોઈ અપ્રેઝલ ન મળ્યું હોય તો કંપની બદલી નાખો. બીજી એવી કંપનીમાં જાઓ જ્યાં એની કદર થાય.’

પૉઝિટિવ

લોકો હંમેશાં કંપની એટલે છોડવા માગતા હોય છે કે તેઓ કોઈને કોઈ રીતે દુખી હોય છે. જ્યારે જૉબ છોડવાનાં પૉઝિટિવ કારણો પણ ઘણાં હોય છે. એ વિશે અરવિંદ ખીંવેસરા કહે છે, ‘જેમ કે તમને અંદરથી કોઈ અવાજ આવે કે મારે આ કામ જ કરવું છે તો તમે જૉબ છોડી દઈ શકો છો. જૉબ છોડીને જો તમને બિઝનેસ કરવાની પ્રેરણા મળે તો એ ઘડીએ જ પ્રૉપર પ્લાનિંગ કરો અને પછી જૉબ છોડો. તમને લાગે છે કે કોઈ કોર્સ કરવાથી તમે તમારી જાતને વધુ સ્કિલફુલ બનાવી શકો છો તો જૉબ છોડો. આમ નોકરી છોડવાનાં પૉઝિટિવ કારણો અને એનાં પૉઝિટિવ પરિણામો પણ હોઈ જ શકે છે.’

columnists Jigisha Jain