તમારું ડોગી ગરમીને હૅન્ડલ કરી શકે છે?

02 June, 2023 04:22 PM IST  |  Mumbai | Jigisha Jain

આગ ઝરતો ઉનાળો પાળતું જાનવરનું પાચન બગાડેે, હીટ સ્ટ્રોક પણ આપે, શરીરનું પાણી ઓછું થઈ જાય અને ઝાડા-ઊલટી જેવી બીમારીઓ પણ લઈ આવે ત્યારે તમારાં પેટ્સને સાચવવાની સાચી રીત શું હોઈ શકે એ વિશે આજે ચર્ચા કરીએ

ડૉ. જિનેશ શાહ, નયન શાહ, ડૉ. ચેતન પરમાર

ડૉક્ટર્સ પાસે અત્યારે ડીહાઇડ્રેશન, ફંગલ ઇન્ફેક્શન્સ, હીટ સ્ટ્રોક, ઝાડા-ઊલટીના કેસની લાઇન લાગેલી છે. આ તકલીફો દેખીતી રીતે ઉનાળાના કારણે થતી તકલ‌ીફો છે. એમાંય ગરમીનું અત્યારે છેલ્લું ચરણ ચાલી રહ્યું છે ત્યારે પરસેવામાં અધમરા થઈ ગયેલા મુંબઈગરાઓ વરસાદની રાહમાં પૂરા થઈ રહ્યા છે. પણ ગરમી શું ફક્ત માણસોને જ નડે છે? ગરમીમાં પશુઓ પણ અત્યંત હેરાન થતાં હોય છે. શેરી કૂતરાઓ તો બિચારા હજી પણ છાંયડો શોધીને પોતાની ગાડી ધકાવતા હોય છે પરંતુ પાળતુ પ્રાણીઓ થોડાં વધુ સેન્સિટિવ હોય છે. આજે જાણીએ કે ગરમીમાં પશુઓની કઈ રીતે સંભાળ રાખી શકાય. 

પરસેવો ન થાય |  ગરમી પશુઓને કઈ રીતે નડે એ સમજાવતાં અંધેરીમાં પ્રૅક્ટિસ કરતા પશુઓના નિષ્ણાત ડૉ. ચેતન પરમાર કહે છે, ‘માણસોના શરીરમાં સ્વેદ ગ્રંથિઓ છે જેમાંથી પરસેવો આવે છે. આ પરસેવા વડે શરીરનું તાપમાન કન્ટ્રોલમાં રહે છે. પરંતુ પશુઓમાં સ્વેદ ગ્રંથિઓ હોતી નથી. એને કારણે એમને ગરમી ખૂબ લાગે છે. એમની શરીરને ઠંડું કરવાની પદ્ધતિઓ જુદી-જુદી છે. જેમ કે કૂતરાની વાત કરીએ તો એ જોર-જોરથી મોઢાથી શ્વાસ લે છે. જીભ બહાર કાઢીને જ્યારે એ લાળ ટપકાવે છે એ સમયે એને ઠંડક મળે છે. આ સિવાય ઘરમાં રહેતું પાળતુ પ્રાણી મોટા ભાગે ગરમીમાં બાથરૂમમાં કે એની આસપાસ બેઠેલું જોવા મળે છે, કારણ કે ત્યાં ઠંડક લાગે છે એને. પણ બાથરૂમમાં આખો દિવસ બેઠું રહે તો એને પાણીને કારણે ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે. જેમ આપણે આપણી ઠંડકની ચિંતા કરીએ છીએ એમ એની પણ કરવી.’

ફર રહેવા દેવા | પશુઓને થોડી ઠંડક લાગે એ માટેના ઉપાય સૂચવતાં ડૉ. ચેતન પરમાર કહે છે, ‘કૂતરાઓની વાત કરીએ તો એ બે પ્રકારના હોય છે. એક ફરવાળા અને બીજા ફર વગરના. ખાસ વાત એ છે કે ફરવાળા કૂતરાઓ માટે અમે સલાહ આપીએ છીએ કે એમના સંપૂર્ણ ફર કઢાવી ન નાખવા જોઈએ. એકાદ લેયર બચાવી રાખવું, જેનાથી એ કૂતરાઓ તડકામાં જાય તો તડકો સીધો એમની ચામડી પર ન પડે અને ફરનું એક લેયર રહે. જે કૂતરાઓને ફર છે જ નહીં એમના માટે આપણે કંઈ ન કરી શકીએ, પણ જેમને છે એમના ફર સાવ કાપી ન નાખવા. આ સિવાય જરૂરી છે કે પ્રાણીઓને તમે અઠવાડિયામાં એક વાર તો નવડાવો જ. જો ખૂબ ગરમી હોય તો અઠવાડિયામાં બે વાર પણ કરી શકાય. એક વખત પાણીથી ફક્ત અને બીજી વખત શૅમ્પૂ અને પાણીથી.’

પાચનની તકલીફ | ગરમીમાં માણસની જેમ પશુઓની પાચનશક્તિ મંદ પડી જ જાય છે. એ વિશે વાત કરતાં ડૉ. ચેતન પરમાર કહે છે, ‘સૌથી મહત્ત્વનું છે એમના ખોરાકના ટાઇમિંગ. જેમ કે એમને બપોરે ૧૨ વાગ્યા પછી અને સાંજે પાંચ પહેલાં કશું જ ખાવા માટે ન આપવું. જેટલો ખોરાક છે એ એમને ૧૨ વાગ્યા પહેલાં ખવડાવી દેવો. બાકી પાંચ વાગ્યા પછી. આનાથી ઘણો ફરક પડે છે. પાચન સંબંધિત તકલીફો એમને ઉનાળામાં થતી નથી.’

શું ખવડાવવું? | ઉનાળામાં પેટ્સને શું ખાવા આપવું એની સ્પષ્ટતા કરતાં ડૉગ ફૂડ પ્રોવાઇડ કરતી પેટ શેફ બ્રૅન્ડના માલિક નયન શાહ કહે છે, ‘ડૉગને ઉનાળામાં લાલ માંસ ન આપવું જોઈએ. એ ખૂબ ગરમ પડે. સૌથી મહત્ત્વનું છે કે એને પાણીની કમી ન થવી જોઈએ. એ માટે પહેલાં તો એ સમજવું જરૂરી છે કે દરેક પ્રાણી અલગ છે અને એની પાણીની જરૂરિયાતો પણ. દિવસના આટલા લિટર પાણી જવું જ જોઈએ એવો રૂલ દરેકને બંધ ન બેસે. જો તમારા ઘરનું પ્રાણી ઍક્ટિવ ન રહે, થાકી જાય તો સમજવું કે એને પાણીની કમી થઈ રહી છે. જેમ માણસો મૂડ પ્રમાણે વર્તે છે એમ પ્રાણીઓ પણ એવાં જ હોય છે. માણસોની જેમ પ્રાણીઓને પણ યાદ દેવડાવવું પડે કે જબરદસ્તીથી પાણી પીવડાવવું પડે એવું બને છે. હાઇડ્રેશન માટે ઉનાળામાં પશુઓને છાસ કે દહીં આપી શકાય. અમુક પશુઓને ક્યારેક નારિયેળ પાણી પણ આપી શકાય.’ 

બચાવ | ઉનાળાની ભરબપોરે તમે કાપડનાં શૂઝ પહેરીને બહાર નીકળવાની ભૂલ કરી છે ખરી? ભરબપોરે એ રોડ ગરમ થઈ જાય છે. પશુઓ તો બિચારાં આ ગરમ રસ્તાઓ પર એમનેમ ચાલતાં હોય છે. જે કપડાનાં શૂઝમાંથી આવતી ગરમી આપણે સહન નથી કરી શકતા એ ગરમી એમણે ખુલ્લા પંજામાં ઝીલવાની હોય છે. આ માટે સમજાવતાં પશુઓના નિષ્ણાત ડૉ. જિનેશ શાહ કહે છે, ‘પગનાં તળિયાં પશુઓનાં પણ બળતાં જ હોય છે એટલું જ નહીં, એને કારણે શરીરનું તાપમાન પણ વધે છે. આવી પરિસ્થિતિમાં હીટ સ્ટ્રોક આવે એના કરતાં બપોરે ૧૨થી સાંજે પાંચ વચ્ચે એમને બહાર ન લઈ જવાં જોઈએ. એમને બહાર ફરવા લઈ જાઓ ત્યારે આ સમય ટાળવો.’ 

ગાડીમાં બંધ ન કરો 

ઉનાળામાં મોટા ભાગે બધા ટ્રાવેલ કરતા હોય છે અને પોતાના વહાલસોયા પેટને બધે સાથે લઈ જવાનો દુરાગ્રહ ઘણા લોકોનો હોય છે. આ પરિસ્થિતિમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ એમ સમજાવતાં ડૉ. જિનેશ શાહ કહે છે, ‘સૌથી મહત્ત્વની વાત જે લોકોએ ધ્યાનમાં રાખવાની છે એ ખાસ એ છે કે પેટને તમારે ગાડીમાં લૉક કરીને એકલાં મૂકીને કશે જવું નહીં. થાય છે એવું કે બધે પેટને લઈ જવાનું શક્ય નથી એમ વિચારીને જ્યારે આપણે એને કારમાં લૉક કરીને મૂકી દઈએ છીએ ત્યારે એ એકદમ ઍન્ગ્ઝાયટી અનુભવી શકે છે. બહાર જવાના નકામા પ્રયત્નોમાં એવું પણ થાય કે એ વધુ ગભરાઈ જાય. આ સિવાય ગરમી વધુ હોય તો એને કારણે કારમાં બફાઈ જઈને ગૂંગળાઈ જાય કે મૃત્યુ પણ પામી શકે છે. એટલે ગાડીમાં એને બંધ કરીને જવાની ભૂલ ગરમીનાં દિવસોમાં ક્યારેય ન કરવી.’ 

ઇલાજની જરૂર

આપણા શેરી કૂતરાઓને પણ ગરમી ખૂબ લાગે છે. એને લીધે જ દિવસ દરમિયાન તેઓ બહાર ફરતા દેખાતા નથી. પણ એ બહાર જ રહેતા હોવાને કારણે પાળતુ પ્રાણીઓ કરતાં તેઓ વધુ મજબૂત હોય છે અને ગરમીને સહન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. એટલે એમની સાથે સરખામણી ન કરી શકાય કે શેરી કૂતરાઓ તો સહન કરી શકે છે અને આપણા ઘરના કૂતરાઓ કેમ નહીં. ઘરના કૂતરાઓનાં લક્ષણો સતત ચકાસતા રહો. જો એ ખૂબ થાકી જતું હોય, પૉટીમાં તકલીફ હોય, એની ઍક્ટિવિટી પહેલાં કરતાં ઘટી ગઈ હોય તો તાત્કાલિક એને ડૉક્ટર પાસે લઈ જવું જરૂરી છે. એનો અર્થ એ થયો કે પ્રાણીને ગરમીને કારણે કોઈક તો તકલીફ છે અને એને ઇલાજની જરૂર છે. 

columnists Jigisha Jain