23 January, 2023 04:10 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
ન્યુ યૉર્કના તાજેતરના વેલ્થ વૉચ સર્વે અનુસાર ૨૦૨૨માં સ્ત્રીઓ કરતાં પુરુષોએ બમણું સેવિંગ કર્યું હતું. જ્યાં સ્ત્રીઓએ ઍવરેજ ૩૧૪૬ ડૉલર બચાવ્યા હતા ત્યાં પુરુષોએ ૭૦૦૭ ડૉલર બચાવ્યા હતા, જેને કારણે ૨૦૨૩ બાબતે ૩૭ ટકા પુરુષો આશાવાદી હતા કે આ વર્ષ સારું જશે. ૩૯ ટકા સ્ત્રીઓ આર્થિક બાબતોને લઈને ચિંતામાં હતી, જ્યારે આ આંકડો પુરુષોમાં ૨૬ ટકા જેટલો હતો. એટલે કે પુરુષો આ બાબતે ઓછી ચિંતામાં હતા. ૧૭ ટકા સ્ત્રીઓની સામે ૨૬ ટકા પુરુષો ૨૦૨૩માં તેમના આર્થિક ગોલ પૂરા કરી શકવા માટે હાલમાં ટ્રેક પર છે એવું અનુભવતા હતા. હાથમાં સેવિંગ્સ હોય તો માણસની ચિંતા ઓછી અને ખુદ પર વિશ્વાસ આપોઆપ વધી જાય છે. પરંતુ જો પુરુષોની વાત કરીએ તો આપણે ત્યાં વર્ષોથી બચતનું શ્રેય ગૃહિણીઓના ખભે જ જતું હતું. એક ગૃહિણી જેવી બચત કોઈને ન આવડે એવું આપણો સમાજ વર્ષોથી અનુભવે છે. જોકે સમય બદલાયો છે અને એની સાથે આપણાં પુરુષો પણ અને સ્ત્રીઓ પણ. પુરુષ પણ બચત કરતો થયો છે. તમારા ભાઈના હાથમાં તો પૈસો ટકતો જ નથી એવું કહેનારી સ્ત્રીઓનો વર્ગ ઘટ્યો છે એ વાત તો સાચી. તો શું આજનો પુરુષ બચત કરતાં શીખી ગયો? પુરુષ કમાઈ જાણે છે એ વાત તો સાચી, પરંતુ શું તે બચાવી પણ જાણે છે? આ પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવીએ
પર્સનલ ખર્ચા ઓછા
જે પૅની ખર્ચાઈ નથી એ પૅની આપણી બચત ગણાય. એ રીતે પુરુષો આજથી નહીં, વર્ષોથી બચત કરતા આવ્યા છે એવું ભારપૂર્વક જણાવતાં સાંતાક્રુઝમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પંકજ મજીઠિયા કહે છે, ‘પુરુષોનો પર્સનલ ખર્ચો ખૂબ ઓછો હોય છે. કપડાંમાં ગણીને ૪ રંગ પહેરતો પુરુષ ખર્ચો જ એટલો ઓછો કરે છે કે બચત તો ત્યાં જ થઈ જાય છે. સ્ત્રીઓને જેટલા શોખ હોય એટલા પુરુષોને હોતા નથી. કોઈ પણ ઘરમાં તમે જોશો તો મોટા ભાગે સૌથી ઓછી જરૂરત પુરુષની જ હોય છે. એવું પણ નથી કે તે મન મારીને રહે છે. હકીકત તો એ છે કે જરૂરતો ઓછી હોય તો મન મારવાની જરૂરત જ પડતી નથી. એક ઉંમર પછી તે ફક્ત તેના પરિવાર માટે કમાવા ઇચ્છતો હોય છે. તેમની ઇચ્છા પૂરી થાય એટલું તેના માટે પૂરતું હોય છે.’
કન્ડિશનિંગ
આમ તો બચત એક પ્રકારનું કન્ડિશનિંગ છે એમ જણાવતાં વિદ્યાવિહારના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કિરણ તુરખિયા કહે છે, ‘તમે જીવનમાં કેવીક ગરીબી જોઈ છે અને કેવા કપરા દિવસો જોયા છે એના પર નિર્ભર કરે છે કે તમે બચતમાં કેટલું માનો છો. બીજું એ કે ઘણી વાર પુરુષે ખૂબ જાહોજલાલી જોઈ હોય પરંતુ એમાંથી આવતો ખરાબ સમય જ્યારે જોવા મળે ત્યારે તે આપોઆપ એ સમજ કેળવે છે કે થોડી બચત જરૂરી છે. મોટા ભાગે ગુજરાતી ઘરોમાં પુરુષોને બચતનો પાઠ જન્મથી ભણાવવામાં આવે છે. એક બાપ પોતાના દીકરાને એ સમજ ગળથૂથીમાં આપે છે કે તું જેટલું કમાય છે એના ૨૦ ટકા તું બચત કરીને રાખજે. આ કન્ડિશનિંગનો જ પ્રતાપ છે કે આપણે બચત કરી શકીએ છીએ.’
મોટા ભાગે ગુજરાતી ઘરોમાં પુરુષોને બચતનો પાઠ જન્મથી ભણાવવામાં આવે છે. એક બાપ પોતાના દીકરાને એ સમજ ગળથૂથીમાં આપે છે કે તું જેટલું કમાય છે એના ૨૦ ટકા તું બચત કરીને રાખજે. આ કન્ડિશનિંગનો જ પ્રતાપ છે કે આપણે બચત કરી શકીએ છીએ - કિરણ તુરખિયા, સીએ
કોરોનાની અસર
પુરુષ હોય કે સ્ત્રી, પોતપોતાની રીતે બચત કરતા હોય છે પણ તેમની બચત કરવાની પૅટર્ન ઘણી જુદી હોય છે. જે સ્ત્રીઓ ગૃહિણી છે કે ઘરની જવાબદારી તેના પર છે તે કરિયાણું સુપર માર્કેટથી એટલે લાવતી હોય છે કે ત્યાં ઑફર મળે, શાકભાજીવાળા જોડે ૧૦ રૂપિયા ઓછા કરવા પણ ધડ કરતી હોય છે, ખૂબ જ ગમતી હોવા છતાં સાડી એટલે નથી ખરીદતી અને સેલની રાહ જોતી હોય છે. પુરુષોની બચત જુદી હોય છે. તે જેટલું કમાય છે એમાંથી કેટલા પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા, કેટલા ફિક્સ ડિપોઝિટમાં રાખવા, કેટલા શૅરબજારમાં રોકવા કે કેટલાનો હેલ્થ ઇન્શ્યૉરન્સ લેવો એ પ્રકારનું વિચારે છે. આમ બચત તો બંને કરે છે પણ બંનેનાં ફલક જુદાં-જુદાં છે. બચતની ગંભીરતા થોડા સમયથી સમાજમાં વધુ જોવા મળે છે. એનું કારણ જણાવતાં કિરણ તુરખિયા કહે છે, ‘કોરોનાએ બધાને બચતનો પાઠ ભણાવ્યો છે. જીવનમાં અચાનકથી આવતી આ પ્રકારની ઇમર્જન્સી જે તમારું કામ છીનવી લે, સોર્સ ઑફ ઇન્કમ બંધ કરાવી દે અને મેડિકલ ખર્ચાઓ વધારી દે ત્યારે બચત જ છે જે કામ લાગી શકે છે. એ આજના પુરુષને સમજાઈ ગયું છે.’
આ પણ વાંચો : મેમરીઝને મૉલ્ડમાં ઢાળીને મમળાવો
રોકાણ એ જ બચત
એક સમય હતો જ્યારે આવક લિમિટેડ હતી અને ઘરના ખર્ચામાંથી કશું બચે તો એ સાચવીને માણસ તરત ફિક્સ ડિપોઝિટ કરાવી લેતો. એ ફિક્સ ડિપોઝિટ જ બચત હતી. બહુ-બહુ તો સોનું ખરીદી લેતા. પણ આજની તારીખે આવક વધી છે અને નાની આવકમાં પણ એવી કઈ જગ્યાએ પૈસા રાખવા કે જેને કારણે બચતમાં પણ એની મેળે વૃદ્ધિ થાય એવું વિચારાય છે. આમ આજની તારીખે ઇન્વેસ્ટમેન્ટના નામે બચત એક ડગલું આગળ વધી છે. એ વિશે સમજાવતાં બિઝનેસ કોચ અમિત કાપડિયા કહે છે, ‘બચત એ સારી કરી શકે જે ફાઇનૅન્શિયલ નૉલેજ ધરાવતું હોય. પહેલાંના સમય કરતાં આજના સમયમાં આ નૉલેજ લોકો પાસે વધારે છે. બીજું એ કે એક ગાડરિયો પ્રવાહ છે જેમાં તણાઈને પણ લોકો ઇન્વેસ્ટ કરતા થયા છે. આજે શૅરબજાર, સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ, રિયલ એસ્ટેટ, બૉન્ડ્સ, મ્યુચ્યુઅલ ફન્ડ, રિયલ એસ્ટેટ જેવી અઢળક જગ્યાઓ છે જ્યાં રોકાણ કરીને પૈસા બચાવવાનું શરૂ થયું છે.’
જલદી નિવૃત્તિના ચક્કરમાં
આવી જગ્યાઓએ પુરુષોનું રોકાણ વધારવાનું એક બીજું પણ કારણ છે. આજે એક એવો પુરુષ વર્ગ ઊભો થઈ રહ્યો છે જે ૬૦ વરસ સુધી કામ કરવા નથી ઇચ્છતો. એ લોકો ૪૦ વર્ષ અને વધુમાં ૪૫ વર્ષ સુધી જ નોકરી કે બિઝનેસ કરવા ઇચ્છે છે. પછી તેઓ શાંતિનું જીવન વ્યતીત કરવા માગે છે. તેમને અનુકૂળ હોય એવું જ કામ કરવા માગે છે. આવા પુરુષો ખૂબ નાની ઉંમરથી ઇન્વેસ્ટમેન્ટના નામે બચત શરૂ કરી દે છે. જીવનનાં અમુક વર્ષ મહેનત કરીને, પ્રૉપર ઇન્વેસ્ટ કરી પછીનું જીવન સુખેથી જીવવા આજના ઘણા પુરુષો બચત કરી રહ્યા છે. એ બાબતે પંકજ મજીઠિયા કહે છે, ‘બચત આમ જોઈએ તો જૂનો કન્સેપ્ટ છે. પહેલાંના લોકો બચતમાં ખૂબ માનતા. પરંતુ આજનો પુરુષ જીવનને માણવા ઇચ્છે છે. પરંતુ એ કઈ રીતે માણવું એનું પ્લાનિંગ તે કરી જાણે છે. આજની તારીખે ઘણા એવા પણ છે જે આજમાં જીવે છે અને પૈસા ખર્ચ કરી કાઢે છે પણ સામે પક્ષે એવા પણ છે જે પ્લાનિંગ કરે છે, ઇન્વેસ્ટ કરે છે. ખર્ચ કરવા માટે, શોખ પૂરા કરવા માટે અને જીવન સારી રીતે જીવવા માટે તે ઇન્વેસ્ટ કરીને બચત કરે છે.’
પંકજ મજીઠિયા
પૈસા વેડફાય ક્યાં?
અમિત કાપડિયા
પુરુષ પૈસા કઈ જગ્યાએ વેડફે છે? આ પ્રશ્નનો જવાબ સમાજનાં ઘણાં ઘરોમાંથી મળી આવે છે અને એ છે તેની ખરાબ આદતો. પુરુષનો પૈસો વેડફાય છે પાન, સિગારેટ કે દારૂ પર. આ આદતો એવી છે જ્યાં પુરુષ સ્ત્રી જેવો જ ઇમોશનલ બાયર બની જાય છે, જે વિશે વાત કરતાં અમિત કાપડિયા કહે છે, ‘બચત ત્યારે નથી થતી જ્યારે આપણે ઇમોશનલ બાયર બની જઈએ. સ્ત્રીઓ જેમ સાડીનું સેલ જોઈને ખર્ચો કરી નાખે છે એમ પુરુષો પણ ઇમોશનલ બાયર છે. દારૂની દુકાને તે ઇમોશનલી ખર્ચો કરે છે. ત્યાં તેની પ્રૅક્ટિકાલિટી બહેર મારી જાય છે. આવું જ મોંઘીદાટ કાર કે ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સનું માની શકાય. પણ એ વનટાઇમ ખર્ચો છે. એટલે વેડફવા જેવું નથી હોતું એમાં. પણ એ વાત નક્કી છે કે જે પુરુષમાં કોઈ સિગારેટ, દારૂ કે તમાકુની ખરાબ આદત ન હોય એ ઘરની બચત વધુ હોય છે.’