05 May, 2023 05:00 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
બૅન્ક, ઇ-મેઇલ, કમ્પ્યુટર, વેબસાઇટ્સ પર સિક્યૉરિટી સાચવવા માટે આંકડા કે શબ્દોનો પાસવર્ડ વપરાય છે. વારંવાર વપરાતા આ શબ્દો થકી જો સકારાત્મકતાનો ડોઝ વાગોળતા રહેવામાં આવે તો આ જ પાસવર્ડથી ઍફર્મેશન એટલે કે હકારાત્મક દૃઢતા આવે છે અને આપણા જીવનમાં મોટાં પરિવર્તનો આવી શકે છે
સવાર પડી અને મોબાઇલ દેવતાનાં દર્શન કરવા માટે પહેલાં જરૂર પડી પાસવર્ડની, સવાર-સવારમાં દૂધ નહોતું આવ્યું અને થોડી ગ્રોસરી મગાવવા ફાસ્ટ ડિલિવરી ઍપ ટ્રાય કરવાની ઇચ્છા થઈ, જેને વાપરવા માટે જરૂર પડી પાસવર્ડની. ત્યાં કામવાળીનો ફોન આવ્યો કે તેને અર્જન્ટ ૨૦૦૦ રૂપિયાની જરૂર છે તો તેને યુપીઆઇ કરવા માટે જરૂર પડી પાસવર્ડની, શૅરમાર્કેટની ઊથલપાથલ જોઈને અમુક શૅર વેચી કાઢ્યા; જેના માટે પણ જરૂર પડી પાસવર્ડની, ઑફિસમાં પહોંચીને કોઈની જોડે વાત કર્યા પહેલાં પોતાનું ડેસ્કટૉપ શરૂ કરવા માટે જરૂર પડી પાસવર્ડની. એ ડેસ્કટૉપ પર ત્રણ જુદાં-જુદાં મેઇલ અકાઉન્ટ અને બે સોશ્યલ મીડિયા સાઇટ ખોલવા માટે પછી જરૂર પડી બધાના અલગ-અલગ પાસવર્ડની. બપોરે એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે તેને OTT પર આવેલી નવી સિરીઝ જોવી છે. એના માટે તેને જરૂર હતી તમારા અકાઉન્ટના લૉગ ઇન અને પાસવર્ડની. રાત્રે ઘરે જતાં પહેલાં ATMમાંથી અમુક કૅશ લઈ જવાના હતા ત્યાં પણ જરૂર પડી એની પિન એટલે કે એક પ્રકારના પાસવર્ડની, આજના દિવસમાં ૪ નવી ઍપ ડાઉનલોડ કરી, જેને ચલાવવા માટે લૉગ ઇન કરવું જરૂરી છે. ફરી ૪ નવા પાસવર્ડ સેટ થયા અને કાલથી હવે એને વાપરવા પણ જરૂર પડશે પાસવર્ડની. પાસવર્ડની આટલી લમણાઝીક ન કરવી ગમતી હોય એ વ્યક્તિઓ પોતાના ડિવાઇસમાં જ પાસવર્ડ સેવ કરીને રાખે છે. પરંતુ આ લોકોનું ડિવાઇસ જો ખોવાઈ ગયું અને હૅકરે કોઈ રીતે ડિવાઇસ ખોલી લીધું તો તેમની હાલત ખરાબ થઈ જાય છે. આ સિવાય ઘણા લોકો આ પાસવર્ડની ઝંઝટમાંથી છૂટવા પાસવર્ડ મૅનેજરનો પણ ઉપયોગ કરતા થઈ ગયા છે. છતાં પણ દિવસના ઓછામાં ઓછી પાંચેક જગ્યાએ તો તેમને પાસવર્ડ વાપરવો જ પડે છે જેના માટે એને યાદ રાખવો પડે છે.
જુદા પ્રકારે ઉપયોગ
મોટા ભાગના લોકો પોતાની પ્રિય વ્યક્તિનું નામ કે ખુદની જન્મતારીખ કે લગ્નતારીખને પાસવર્ડ તરીકે રાખતા હોય છે, કારણ કે એ સરળ છે યાદ રાખવું અને એને લખવાનું પણ ગમતું હોય છે. યંગસ્ટર્સ એમના ક્રશનું નામ પાસવર્ડ તરીકે રાખતા હોય છે અને પછી પોતાનો પાસવર્ડ કોઈને ખબર ન પડે એની ચિંતામાં હોય છે. ઘણા લોકો માટે પાસવર્ડ લખવો એક મેકૅનિકલ બાબત છે. બસ, લખી નાખ્યો. ઘણાને એમાં પણ સંવેદના અનુભવતી હોય છે. પાસવર્ડ જરૂરી છે. એનો ઉપયોગ પણ આપણે ટાળી શકવાના નથી. ફરજિયાત આપણા જીવનમાં જે પાસવર્ડે ઘર કર્યું છે એ પાસવર્ડનો ઉપયોગ આપણે કોઈ એવી રીતે કરી શકીએ કે એ આપણને વધુ ઉપયોગી સાબિત થાય? શું આ પાસવર્ડનો ઉપયોગ આપણે આપણી અંદરની પૉઝિટિવિટી વધારવા કે આપણા ગ્રોથ માટે કરી શકીએ?
ઍફર્મેશન એટલે શું?
ઘણા લોકો આજના સમયમાં ઍફર્મેશન પ્રૅક્ટિસ કરતા હોય છે. એ શું છે એ સમજાવતાં લાઇફ કોચ વૈશાલી શાહ કહે છે, ‘ઍફર્મેશન એટલે એક ડિઝાઇન કરેલું હકારાત્મક વાક્ય, જે તમારા મનને એક ઢાંચામાં ઢાળે છે. જેમ કે જ્યારે તમે એક બાળકને કહો છો કે તું તો ખૂબ ડાહ્યું છે. અને આ જ વાક્ય દિવસમાં ૧૦ વાર ખૂબ વહાલ સાથે તમે એને કહો છો ત્યારે જો એ બાળક તોફાની પણ હશે તો ધીમે-ધીમે તેનાં તોફાન આપમેળે ઘટી જશે, કારણ કે તમે તેના મનમાં એ વાત ઠસાવી છે કે તું ડાહ્યું છે. એટલે તે ઇચ્છે છતાં તેનાથી તોફાન થાય નહીં. આવી જ રીતે ઍફર્મેશન પ્રૅક્ટિસ વ્યક્તિ પોતાના માટે પણ કરે છે. જેમ કે કોઈ એક વ્યક્તિને લાગતું હોય કે તેનો આત્મવિશ્વાસ ઓછો છે તો એ અરીસામાં જોઈને બોલે કે હું કૉન્ફિડન્ટ છું કે તેની ડાયરીમાં દરરોજ ૧૦ વાર લખે તો આ વસ્તુ તેના વ્યક્તિત્વ પર અસર કરે છે. અને એમાં સુધાર આવે છે.’
આ પણ વાંચો : અસ્થમા હોય તો પ્રેગ્નન્સીમાં ઇન્હેલર બંધ ન જ કરવાં
નિયમિત રહી શકાય
ઍફર્મેશનમાં એક બાબત મહત્ત્વની છે કે એ દરરોજ કરવું પડે અને વારંવાર કરવું પડે. પાસવર્ડની જરૂર પણ આપણને દરરોજ પડે છે અને એને વારંવાર આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો શું પાસવર્ડને ઍફર્મેશન તરીકે વાપરી શકાય ખરો? આ વાત સાથે સહમત થતાં વૈશાલી શાહ કહે છે, ‘ચોક્કસ વાપરી શકાય. એ ખૂબ સારી પદ્ધતિ છે. ઍફર્મેશન માટે તમારે હંમેશાં અલગથી સમય કાઢવો પડે. ક્યારેક વ્યસ્ત જીવનમાં એ શક્ય ન બને, એના કરતાં પાસવર્ડ જ ઍફર્મેશન તરીકે વાપરવાથી એ પ્રૉબ્લેમ જતો રહે છે. વ્યક્તિ એમાં નિયમિત રહી શકે છે. હું ખુદ પાસવર્ડને ઍફર્મેશન તરીકે વાપરું છું. હું સ્પિરિચ્યુલ ઝુકાવ ધરાવું છું તો મારી એ જર્નીમાં આગળ વધવા માટે મેં એ પ્રકારનું ઍફર્મેશન રાખ્યું છે, જેનો ઉપયોગ હું મારા પાસવર્ડ તરીકે કરું છું. આ રીત ખૂબ ઉપયોગી છે.’
પાસવર્ડનો ઉપયોગ કઈ રીતે?
પોતે પણ પોતાના પાસવર્ડનો ઉપયોગ ઍફર્મેશન તરીકે કરે છે એમ જણાવતા ટ્રાન્સફૉર્મેશન કોચ અરવિંદ ખિંવેસરા કહે છે, ‘મારી હમણાં ઍન્જિયોપ્લાસ્ટી થઈ એ પછી મેં પાસવર્ડ તરીકે ‘આઇ હૅવ અ સ્ટ્રૉન્ગ હાર્ટ’નું ઍફર્મેશન રાખ્યું હતું, જેને મેં જુદી-જુદી રીતે સિમ્બૉલમાં ઢાળીને પાસવર્ડ બનાવ્યા હતા. એ પછી મારી રિકવરીમાં ફરક પડ્યો. ઍફર્મેશનમાં આમ તો એક વાક્ય હોય આખું. પરંતુ જરૂરી નથી કે એ વાક્ય અને શબ્દ આખેઆખા હોવા જ જોઈએ. એને કોડવર્ડ તરીકે લઈ શકાય. જેમ કે ઇંગ્લિશના આઇ - ‘I’ની જગ્યાએ આશ્ચર્યચિહ્ન (!) મૂકી શકાય. ઇંગ્લિશના ઓ - ‘O’ની જગ્યાએ ઝીરો - ‘૦’ મૂકી શકાય. પૈસાની કંઈ વાત હોય તો ડૉલરની સાઇન રાખી શકાય. આલ્ફાબેટ ન લખીને એની જગ્યાએ એના નંબર કહી શકાય. જેમ કે ‘A’ની જગ્યાએ ૧ નંબર મૂકી શકાય. મતલબ ફક્ત એ છે કે એ લખ્યા પછી તમારું ઍફર્મેશન તમારા મનમાં સ્પષ્ટ રહે. સરળ વિધાન હશે તો પાસવર્ડ પકડાઈ જશે. પાસવર્ડ થોડો પેચીદો હોવો પણ જરૂરી છે.’
ધ્યાન રાખો
ઍફર્મેશન તરીકે પાસવર્ડનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખવું એ જણાવતાં અરવિંદ ખિંવેસરા કહે છે, ‘પાસવર્ડનો ઉપયોગ જો તમે ઍફર્મેશન તરીકે કરતા હો તો એક બાબત ધ્યાન રાખવી કે એને તમારા ડિવાઇસમાં સેવ ન કરો. જો એવું થશે તો તમારે લૉગ-ઇન કરવાની જરૂર જ નહીં રહે અને ઍફર્મેશનનો કોઈ અર્થ નહીં રહે. એને વારંવાર લખવો જરૂરી છે. વધુ નહીં તો દિવસમાં ૫-૧૦ વાર તો ખરો. વળી ફક્ત મેકૅનિકલી એ લખી નાખવાથી ઍફર્મેશન સિદ્ધ થતું નથી. એને સિદ્ધ કરવા માટે એની સાથે તમારી શ્રદ્ધા અને ભાવનાઓ જોડાયેલાં હોવાં જરૂરી છે. જેમ કે તમે I.M.PEACE જેવો પાસવર્ડ રાખ્યો હોય પણ બસ, એ તમે ખાલી લખી નાખો તો એ કામ નહીં કરે. એ લખતી વખતે તમારે માનવું પડશે કે સ્ટ્રેસ નથી. મારા મનમાં શાંતિ છે.’
પાસવર્ડનો ઉપયોગ જો તમે ઍફર્મેશન તરીકે કરતા હો તો પાસવર્ડ તમારા ડિવાઇસમાં સેવ ન કરો. જો એવું થશે તો તમારે લૉગ-ઇન કરવાની જરૂર જ નહીં રહે અને ઍફર્મેશનનો કોઈ અર્થ નહીં રહે. એને વારંવાર લખવો જરૂરી છે. વધુ નહીં તો દિવસમાં ૫-૧૦ વાર તો ખરો. - અરવિંદ ખિંવેસરા