એક દૂજે કે લિએ નહીં હૈં હમ...

16 January, 2023 05:28 PM IST  |  Mumbai | Jigisha Jain

કમ્પૅટિબિલિટી નથી એટલે પોતે બીજી વ્યક્તિ તરફ આકર્ષાયા એ વાતમાં ખરેખર સચ્ચાઈ હોય છે કે પછી પોતાનો દોષ પત્ની પર મઢી દેવાની તેમની દાનત હોય છે? બેવફાઈ માટે કમ્પૅટિબિલિટીનો પ્રશ્ન ઊભો કરવો કેટલો વૅલિડ છે એ જરા જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પુરુષો લગ્નેતર સંબંધો બાંધે ત્યારે કહેતા હોય છે કે મારી વાઇફને તો ઘર, બાળકો અને રસોડાની જ પડી છે. કમ્પૅટિબિલિટી નથી એટલે પોતે બીજી વ્યક્તિ તરફ આકર્ષાયા એ વાતમાં ખરેખર સચ્ચાઈ હોય છે કે પછી પોતાનો દોષ પત્ની પર મઢી દેવાની તેમની દાનત હોય છે? બેવફાઈ માટે કમ્પૅટિબિલિટીનો પ્રશ્ન ઊભો કરવો કેટલો વૅલિડ છે એ જરા જાણીએ

અંધેરીમાં રહેતા અને એક મોટી કંપનીમાં મૅનેજરની પોસ્ટ પર કામ કરતા ૪૫ વર્ષના ભાઈ મૅરેજ કાઉન્સેલરની કૅબિનમાં પોતાના લગ્નેતર સંબંધો પાછળનું કારણ જણાવતા કહી રહ્યા હતા કે મારી પત્ની અને હું ૧૭ વર્ષથી સાથે છીએ, પણ સાથે હોવા જેવું અમારી વચ્ચે કંઈ જ નથી. તે બસ છોકરા, ઘર અને રસોડામાંથી જ ઊંચી નથી આવતી. તેની પાસે ઘર અને છોકરા સિવાય કોઈ વાત જ નથી હોતી કે લાગે કે બે ઘડી પાસે બેસીએ. અમારી વચ્ચે કોઈ કમ્પૅટિબિલિટી નથી. એને કારણે હું ઑફિસમાં વધુ સમય રહેવા લાગ્યો. ઘરે આવવાની ઇચ્છા જ ન થાય. આવીને વાત શું કરું? કૂકરની સીટી ખરાબ થઈ ગઈ છે કે દીકરીના અક્ષર હમણાં બગડી ગયા છે કે વૉશિંગ મશીન આજકાલ ખૂબ અવાજ કરતું થઈ ગયું છે. આના સિવાય તેના જીવનમાં કંઈ છે જ નહીં. જેની સાથે મારો સંબંધ છે તેને મળીને હું હંમેશાં ખુશ હોઉં છું. મને લાગે છે કે તે જેવું મને સમજી શકે છે મારી પત્ની મને સમજી નથી શકતી. 
 
કાઉન્સેલર તેમને પૂછે છે કે તમને શું લાગે છે? તમારી પત્નીના જીવનમાં છોકરા, ઘર કે રસોડું ક્યાંથી આવ્યું? શું તે લગ્ન પહેલાં એને સાથે લઈને આવેલી? શું આ ઘર અને છોકરા ફક્ત તેનાં છે? જો ફક્ત તેનાં નથી તો તમે એ માટે શું કરી રહ્યા છો? શું કમાઈને ઘરે આપવું એટલું પૂરતું છે? આ પ્રશ્નોના જવાબ તમે ખુદને આપો અને પછી વિચારો કે તમે જે લગ્નેતર સંબંધોનું જસ્ટિફિકેશન આપો છો એ કેટલા અંશે વાજબી છે. 
 
એક-બે કલાકના લાંબા કાઉન્સેલિંગ સેશનની પાંચ મિનિટ તારવીને અહીં લખાયેલી છે. મૅરેજ કાઉન્સેલિંગમાં ઘણાબધા એસ્પૅક્ટ કવર થતા હોય છે, પરંતુ આ વાતચીત અહીં લખવાનું કારણ એ છે કે ‘મારી પત્ની સાથે મારે કમ્પૅટિબિલિટીનો ઇશ્યુ છે એને કારણે હું લગ્નેતર સંબંધ બાંધવા પ્રેરાયો’ એ કારણ ઘણા પુરુષો આપતા હોય છે. કોઈ કેસમાં એ ખરેખર મોટી સમસ્યા હોય છે તો કોઈ કેસમાં એ ફક્ત એક પાંગળું બહાનું. આ વાતની પુષ્ટિ કરતાં સાઇકિયાટ્રિસ્ટ અને મૅરેજ કાઉન્સેલર ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘એ હકીકત છે કે આજકાલ મોટા ભાગના પુરુષો લગ્નેતર સંબંધો માટે આ જ કારણ જણાવતા હોય છે. ખાસ કરીને મિડલ એજ મેનમાં આ જોવા મળે છે. સમસ્યા એ છે કે મોટા ભાગના કેસમાં તે પોતે જ આ કારણ ઊભું કરે છે અને પછી કહે છે કે અમે પીડિત છીએ. બાકી અમુક કેસમાં એવું પણ જોવા મળે છે કે તે આ બાબતથી ખૂબ દુખી હોય છે.’ 
 
વિરોધાભાસ 
 
‘અનુપમા’ સિરિયલમાં પણ આ સમસ્યા ઉજાગર કરવામાં આવી હતી. વનરાજ જ્યારે અનુપમાને પોતાને લાયક નથી ગણાવતો અને પોતાના લગ્નેતર સંબંધનો બધો દોષ અનુપમા પર ઢોળી દે છે ત્યારે અનુપમા એ જ પ્રશ્નો ઉઠાવે છે કે મારે ભણવું હતું, જીવનમાં આગળ વધવું હતું; પરંતુ તમે જ તો મને આગળ ન વધવા દીધી, કારણ કે તમે ઇચ્છતા હતા કે હું ઘર અને બાળકોને સંભાળું. મેં તો ફક્ત એ જ કર્યું જે તમને મંજૂર હતું. છતાં હું તમારે લાયક નથી? જે અનુપમાના હાથનું જમવાનું તેને ખૂબ ભાવે છે તે અનુપમાના હાથમાંથી આવતી મસાલાઓની ગંધથી તે ચીડે છે એ કેટલો મોટો વિરોધાભાસ દર્શાવે છે. આ પરિસ્થિતિ સમજાવતાં નીતા શેટ્ટી કહે છે, ‘આ પ્રકારના પુરુષોની એ ડિમાન્ડ હોય છે કે પત્ની તેમનું ઘર, તેમનાં માતા-પિતા અને બાળકોની પૂરી જવાબદારી એકલા હાથે નિભાવે. તે પોતાના જીવનની પ્રાથમિકતા અને ગ્રોથને બાજુ પર રાખે. સહજ રીતે આ જવાબદારીઓ સહેલી નથી. એને નિભાવવામાં સ્ત્રી ખુદને ભૂલી જતી હોય છે. પછી તેઓ ફરિયાદ કરે કે પત્નીને તેમના માટે સમય જ નથી, તેના પર તે ધ્યાન જ નથી આપતી, તેને નવા જમાના અનુસાર વર્તતાં નથી આવડતું. તો એ યોગ્ય નથી.’
 
અપેક્ષાઓનો ઢગ  
 
આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં પુરુષોના મોઢે ક્યારેય એવું નહોતું સાંભળવા મળતું કે મારી પત્ની મારે લાયક નથી. ઊલટું પહેલાંની ઘણી સ્ત્રીઓ તો હાઉસવાઇફ તરીકે જ જીવન જીવતી. તો અત્યારે શું થઈ ગયું છે? આ વિશે વાત કરતાં ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘આપણે બધા પહેલાં સાદું જીવન જીવતા હતા. લગ્નમાં પતિ પાસેથી સ્ત્રીને ફાઇનૅન્શિયલ અને સોશ્યલ સિક્યૉરિટી જોઈતી હતી. સ્ત્રી પાસેથી પુરુષને પ્રેમ અને કાળજી જોઈતાં હતાં. જો સ્ત્રી ઘર સંભાળતી હોય, તેનાં માતા-પિતાનું ધ્યાન રાખતી હોય, તેનાં બાળકોની પરવરિશ વ્યવસ્થિત કરતી હોય તો પુરુષને ખાસ ફરિયાદ હોતી નથી. જોકે આજનો પુરુષ સ્ત્રી પાસેથી એટલું જ નથી ઝંખતો. તે સ્ત્રીમાં કમ્પૅનિયન શોધતો હોય છે. સ્ત્રીનું પણ એવું જ છે. જ્યારે આ કમ્પૅનિયનશિપની ખોટ આવે ત્યારે તકલીફો ઊભી થાય છે.’
 
આ પણ વાંચો : જેવી ડૂંડી એવા ઘઉં, જેવી સાસુ એવી વહુ
 
આવું ક્યારે થાય? 
 
ઘર, પરિવાર અને બાળકોમાંથી જ સ્ત્રી ઊંચી નથી આવતી. પુરુષની આ ફરિયાદ વિશે વાત કરતાં એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશનના ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને સાઇકોથેરપિસ્ટ નરેન્દ્ર કિંગર કહે છે, ‘રિસર્ચ એવું જણાવે છે કે મોટા ભાગના પુરુષોના લગ્નેતર સંબંધો મોટા ભાગે લગ્ન પછી નહીં, બાળક પછી થતા હોય છે. એનું કારણ એ છે કે સ્ત્રી બાળક સાથે વધુ જોડાયેલી હોય છે. બાળક આવ્યા પછી સ્ત્રીનું ફોકસ તેનું બાળક જ હોય છે. એને કારણે મોટા ભાગના પતિઓ એકલા પડી જાય છે. ઘરે આવે તો મા અને  બાળકની એક ટીમ હોય એટલે પોતે  એક બાજુ થઈ ગયો છે એવો ભાવ જ્યારે તેના મનમાં ઘર કરે ત્યારે તે પ્રેમ અને લાગણીની શોધ બહાર શરૂ કરે છે. આ તકલીફથી ઘણા પુરુષો પીડામાં હોય છે.’ 
 
કરવું શું જોઈએ? 

તમને જ્યારે લાગે કે પત્ની સાથે તમારે સુમેળ નથી, કમ્પૅટિબિલિટી ઇશ્યુ શરૂ થઈ ગયા છે ત્યારે શું કરવું? જવાબ આપતાં નીતા શેટ્ટી કહે છે, ‘કમ્પૅટિબિલિટી જો ખરેખર ન હોય તો એ કોઈ કાયમી વસ્તુ નથી. આજે નથી, પણ બંને વચ્ચે એ લાવી શકાય છે. તમને જે વસ્તુની ખોટ સાલે છે કે જે વસ્તુ પ્રૉબ્લેમ લાગે છે એની જડ સુધી પહેલાં પહોંચવું જરૂરી છે. જેમ કે તમને લાગે છે કે પત્ની પાસે સમય નથી મારા માટે. તો ઘર અને બાળકો કે રસોડાની જવાબદારી સહેલી નથી. ઘણો સમય અને ઘણા પ્રયત્નો એ માગી લે છે. આ જવાબદારી તમે પણ થોડી ઉઠાવો તો પત્ની જલદી ફ્રી થઈ શકે અને તમે બંને સાથે સમય વિતાવી શકો. જો તમને લાગે કે તેને બહારના કામમાં ગતાગમ જ નથી પડતી તો તેને એવું એક્સપોઝર આપો. તેને ભણાવો કે કામ કરવા દો કે પછી ખુદની સાથે તમારા કામમાં તેને ઇન્વૉલ્વ કરો. તો તેને પણ સમજાશે. આ બાબતે પત્નીઓએ પણ સમજવું જરૂરી છે કે ઘર કે બાળકોની જવાબદારીને સાઇડ પર મૂકીને પતિ સાથેનો ક્વૉલિટી ટાઇમ મિસ ન કરો. એ ખૂબ જરૂરી છે. એને પ્રાધાન્ય આપો.’

પત્નીઓએ પણ સમજવું જરૂરી છે કે ઘર કે બાળકોની જવાબદારીને સાઇડ પર મૂકીને પતિ સાથેનો ક્વૉલિટી ટાઇમ મિસ ન કરો. એ ખૂબ જરૂરી છે. એને પ્રાધાન્ય આપો. : નીતા શેટ્ટી

ઊલમાંથી ચૂલમાં 

જો લાંબા ગાળાના લગ્નજીવન પછી બંને વચ્ચે પ્રૉબ્લેમ્સ આવ્યા છે તો એ વ્યક્તિને કારણે નહીં, પરિસ્થિતિઓને કારણે આવ્યા છે એમ સમજવું. એ વિશે જણાવતાં નરેન્દ્ર કિંગર કહે છે, ‘જે પુરુષો સમજે છે કે લગ્નેતર સંબંધોમાં તે ખુશ છે એનું એ કારણ છે કે એ નવો સંબંધ છે અને ત્યાં પરિસ્થિતિઓ ગૂંચવાયેલી નથી. સમય જતાં ત્યાં પણ એ જ હાલ થતા હોય છે. તકલીફ વ્યક્તિમાં નહીં, પરિસ્થિતિમાં છે એ જેને સમજાઈ જાય એ વ્યક્તિ ગૂંચવાડાથી બચી જાય છે. નહીંતર મોટા ભાગના બધા ઊલમાંથી ચૂલમાં જ પડતા હોય છે. જેટલો સમય અને પ્રયત્નો તમે નવા સંબંધને ડેવલપ કરવામાં આપો એના કરતાં ખુદના વર્ષો જૂના સંબંધનું સિંચન કરો અને પ્રૉબ્લેમ છે તો એને સૉલ્વ કરો.’

columnists Jigisha Jain