સભાનતા કે શરમિંદગી?

06 January, 2023 05:29 PM IST  |  Mumbai | Jigisha Jain

૧૦-૧૧ વર્ષે બાળકો હૉર્મોન્સને કારણે પોતાના શરીર પ્રત્યે સભાન બને છે. અચાનક એમને અરીસો ગમવા લાગે અને કપડાં કે ફૅશન પ્રત્યે તેઓ આકર્ષાય એ સહજ છે

પ્રતીકાત્મક તસવીર

૧૦-૧૧ વર્ષે બાળકો હૉર્મોન્સને કારણે પોતાના શરીર પ્રત્યે સભાન બને છે. અચાનક એમને અરીસો ગમવા લાગે અને કપડાં કે ફૅશન પ્રત્યે તેઓ આકર્ષાય એ સહજ છે. પરંતુ આટલી નાની ઉંમરે પોતે કેમ રૂપાળા નથી એ વાતે દુખી થાય, પેટ પર જામેલી ચરબી સારી નથી લાગતી એમ સમજીને બહાર જવાનું બંધ કરે કે રમવાનું છોડી દે ત્યારે પેરન્ટ્સે જાગવું જરૂરી છે

કિસ્સો ૧ - ૧૨ વર્ષની રિયા જેને ડાન્સનો ખૂબ શોખ છે તે સ્કૂલના ઍન્યુઅલ ડે પર ભાગ લેવા નથી માગતી. જ્યારે તેની મમ્મીએ તેને ખૂબ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું ખૂબ કાળી છું અને સ્ટેજ પર હું સુંદર નહીં લાગું એટલે મને ભાગ નથી લેવો. 

કિસ્સો ૨ - ૧૩ વર્ષનો આયુષ સ્કૂલમાં એક છોકરાની સાથે ઝઘડીને આવ્યો. તેને એટલો ગુસ્સો આવ્યો હતો કે તેણે એ છોકરાના માથા પર પોતાની વૉટર બૉટલ મારી. પેલાનું માથું ફોડી નાખ્યું. જ્યારે પ્રિન્સિપાલે રિમાન્ડ પર લીધો ત્યારે ખબર પડી કે આયુષને તે ઠીંગણો હોવાને લીધે લીલીપુટ કહીને ચીડવતો હતો, જેને લીધે તે ગુસ્સે ભરાયો હતો. 

કિસ્સો ૩ - નાની હતી ત્યારે કૉન્ફિડન્સથી છલકાતી અને ખૂબ બક-બક કરતી જાહ્નવી હાલમાં ૧૦ વર્ષની છે અને છેલ્લા ૬ મહિનાથી જાણે કે સાવ બદલાઈ ગઈ છે. 

સ્કૂલમાં તે એક ખૂણે બેસી રહે છે, તેના કોઈ મિત્રો નથી; કારણ કે તેને લાગે છે કે તેના જાડા શરીરની બધા હંમેશાં મજાક ઉડાવ્યા કરે છે. એકાદ એવા બનાવથી તે એટલી આહત થઈ ગઈ છે કે જૂના મિત્રોની તે સામે પણ નથી જોતી અને નવા મિત્રો તેને બનાવવા જ નથી. 

આ પણ વાંચો : રડવું એ તો સંવેદનશીલતાની નિશાની છે

યુકેમાં થેયલા એક રિસર્ચનાં તારણો અનુસાર ૧૨ વર્ષની નાની ઉંમરનાં ચારમાંથી ત્રણ બાળકો પોતાના દેખાવથી ખુશ નથી. પોતે જેવાં દેખાય છે એ દેખાવથી એ લોકો શરમિંદગી અનુભવે છે. તેમને પોતાની બૉડી ઇમેજથી પ્રૉબ્લેમ્સ થઈ રહ્યા છે. આ પ્રૉબ્લેમ દેખાય એટલો નાનો નથી, કારણ કે રિસર્ચ મુજબ જ્યારે આ ભાવના દૃઢ થતી જાય છે ત્યારે આગળ જતાં એમાંથી ઘણાં બાળકોએ પોતાના શરીરથી નાખુશ થઈને વધુપડતી એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે, બહાર જઈને લોકોને મળવાનું બંધ કર્યું છે અથવા ખુદને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડ્યું છે; કારણ કે તેઓ નિયમિત રીતે પોતાના દેખાવથી દુખી છે. આ અવસ્થાથી બાળકોને બચાવવાં જરૂરી છે. 

હૉર્મોન્સ 

ભગવાને દરેક બાળકને અલગ બનાવ્યું છે અને દરેકનું શરીર તે અલગ હોવાની નિશાની છે. આ સત્ય આપને બધા જાણતા હોવા છતાં સુંદરતાના એક જ પરિમાણ પર અટકી જતા હોઈએ છીએ. ગોરા, ઊંચા, પાતળા બાંધાના લોકો જ સુંદર હોય એ ભ્રાંતિની શરૂઆત ૧૦ વર્ષ પછીથી થાય છે. ત્યાં સુધી દરેક બાળક પોતાને સુંદર સમજતું હોય છે અને સમાજ પણ એને સુંદર જ ગણતું હોય છે. પરંતુ જેવા એ મોટા થાય અને એમના શરીર પ્રત્યે એ કૉન્શિયસ બને ત્યારે આ તકલીફ શરૂ થાય છે. આ કૉન્શિયસનેસ પાછળનું મુખ્ય કારણ સમજાવતાં ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘પ્યુબર્ટી શરૂ થાય એ પહેલાં શરીર પ્રત્યેની એક અવેરનેસ બાળકમાં આવે એ સહજ છે. આ હૉર્મોન્સનો ખેલ છે. શરીરમાં આવતા બદલાવોને કારણે એ શરીર પ્રત્યે આકર્ષાય છે અથવા તો કહીએ કે શરીર માટે એ કૉન્શિયસ બને છે અને એમાંથી જ જન્મે છે સારા દેખાવાની ઇચ્છા.’ 

શું છે નૉર્મલ? 

પણ જો હૉર્મોન્સને કારણે આ બધું થતું હોય તો એ નૉર્મલ જ ગણી શકાય. પરંતુ શું છે જે નૉર્મલ છે એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘જે બાળક લઘરવઘર ફરતું હોય એ અચાનક જ અરીસા સામે વધારે સમય પસાર કરતું થઈ જાય છે. ક્યાંય પણ જાય એને તૈયાર થવું ખૂબ ગમવા લાગે છે. છોકરીઓને મેકઅપ, કપડાં, જ્વેલરીમાં વધુ રસ જાગવા લાગે, છોકરાઓ મસલ્સ બનાવવાની કે વાળ સેટ કરવાની વાતો કરતા થઈ જાય, ગરમીમાં પણ જૅકેટ પહેરીને સ્ટાઇલ મારવી તેમને ગમે. નીચે રમવા જતા હોય તો પણ નવાં કપડાં પહેરીને જવું હોય, કારણ કે એમના ફ્રેન્ડ્સ સામે એમને સારું દેખાવું હોય, એમના ફેવરિટ કલાકારો જેવી હેરસ્ટાઇલ એમને કરવી હોય. આવું ઘણુંખરું વર્તન એકદમ નૉર્મલ છે. સહજ છે. એમાં એમને રોકટોક કરવામાં આવે તો એ લોકો આ બાબતો પર વધુ આકર્ષિત થાય એમ બને. પણ આ સારા લાગવાની કે તૈયાર થવાની કે નવાં કપડાં કે નવી ફૅશન જ્વેલરીની આદતોનો અતિરેક ૧૦-૧૪ વર્ષની ઉંમરે યોગ્ય તો નથી જ. એટલે એમને પ્રેમથી વાળવાં પડે.’ 

આ પણ વાંચો : માસ્ટરશેફમાં છવાઈ ગયાં આપણાં ગુજ્જુબેન

રોકાય કઈ રીતે? 

બાળકના જીવનમાં જે આદર્શ હોય એનું એ અનુકરણ કરતું હોય છે. મમ્મી મેકઅપ કરે તો હું કેમ નહીં? પપ્પા બ્રૅન્ડેડ શૂઝ પહેરે તો હું કેમ નહીં? આ પ્રશ્નો આજકાલ બાળકો આ ઉંમરે ઉઠાવે છે, કારણ કે એમને લાગે છે કે મેકઅપ કરવાથી કે આવાં શૂઝ પહેરવાથી સારા દેખાવાય. એ બાબતે સમજાવતાં કિંજલ કહે છે, ‘આ જગ્યાએ તમે સમજાવશો કે તું હજી નાની છે, તારે મેકઅપ ન કરાય કે હમણાં બે મહિનામાં તારો પગ મોટો થઈ જશે તો બ્રૅન્ડેડ શૂઝ ન લેવાય, મોંઘાં પડે એવું બાળક સમજશે નહીં. દરેક વખતે સમજણ કામ નથી લાગતી. ક્યારેક મૅનિપ્યુલેશન જરૂરી છે. જો તમે રેગ્યુલર મેકઅપ કરતા હો તો દીકરીની સામે ન કરો. બહાર જઈને કરો. એને ડરાવો કે મેકઅપના કેમિકલ એની સ્કિનને ખરાબ કરી નાખશે. એને ધરપત પણ આપો કે મોટા થઈને તું આ બધું કરી શકશે. બાળક બ્રૅન્ડ-કૉન્શિયસ ન બને એનું તમે ધ્યાન આપો. લોકલ પ્રોડક્ટ્સ પણ કેટલી સરસ છે અને એનું મહત્ત્વ શું છે એ સમજાવી શકાય. જો ન સમજે તો લોકલ શૂઝ એકને બદલે બે જોડી મળશેની લાલચ પણ આપી શકાય.’

ઘેરી અસર 

આ બધું નાના પાયે હોય ત્યાં સુધી ખાસ વાંધો આવતો નથી, પરંતુ આપણે જે ઉદાહરણ જોયાં એમાં બાળક પોતાના શરીર પ્રત્યે વધારે પડતું કૉન્શિયસ બને તો ભારે નુકસાન થાય છે, જેને અટકાવવા શું કરવું એનો જવાબ આપતાં કૉન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘જો તમારી દીકરી સમજતી હોય કે એ રૂપાળી નથી અને એના સ્કિન કલરથી એ શરમ અનુભવે છે તો એની સામેના રોલ મૉડલ બદલો. બૉલીવુડ હિરોઇન્સની જગ્યાએ એને મિશેલ ઓબામા વિશે જણાવો. જો તમારો દીકરો ઠીંગણો છે તો એની સામે સચિન તેન્ડુલકરનું ઉદાહરણ મૂકો. રોલ મૉડલ જેટલા વાસ્તવિક હશે એટલું જ બાળકોનું જીવન વાસ્તવિક રહેશે. ગ્લૅમર વર્લ્ડ અને એના બ્યુટી સ્ટાન્ડર્ડથી તમારું બાળક પ્રભાવિત ન થાય એની જવાબદારી તમારે લેવી પડશે. બીજું એ કે જ્યારે બાળક સામે મોટો ગોલ હોય ત્યારે એ આવી ક્ષુલ્લક બાબતોમાં ફસાતું નથી. મોટો ગોલ જીવનમાં ધીમે-ધીમે વણાય છે. ઍથ્લીટ બાળકોને જોશો તો સમજાશે એ ૧૨-૧૫ વર્ષની ઉંમરે તડકામાં ૪-૫ કલાક પ્રૅક્ટિસ કરે છે ત્યારે એ એવું નથી વિચારતાં કે કાળા થઈ જઈશું. ઊલટું એ એના પર્ફોર્મન્સને સારો કરવા મથતાં હોય છે.’

ધ્યાન રાખો 

નાનપણથી આપણે દીકરીને પ્રિન્સેસ અને દીકરાને પ્રિન્સ કહીએ છીએ. એમને પહેલેથી બૉલીવુડ સ્ટાઇલનાં કપડાં પહેરાવીને ફોટોશૂટ કરીએ છીએ. આવા નહીં ને તેવા પોઝ આપ અને તું આમાં વધારે સરસ લાગે છે અને પેલા ફોટોમાં ઠીક લાગે છે. રેડ કલર તારા પર વધુ ખીલે છે, તડકામાં જઈશ તો કાળી થઈ જઈશ. ચશ્માં કાઢીને ફોટો પડાવને, પછી ચશ્માં પહેરી લેજે. આ પ્રકારની કેટલીક વાતો આપણે નાનપણથી બાળકો સમક્ષ કરીએ છીએ, જેના વિશે વાત કરતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘આખું બાળપણ આપણે આવું કર્યું અને પછી ૧૨-૧૫ વર્ષના બાળક પાસેથી એ અપેક્ષા રાખીએ છીએ કે એ એના દેખાવ પ્રત્યે કૉન્શિયસ ન થાય, જ્યારે બીજ તો એમનામાં આપણે જ રોપ્યાં છે. એ તો સહજ હતાં, આપણે એમને કૉન્શિયસ કર્યાં અને થવા પણ દીધાં. આ બીજ આપણે ન રોપ્યાં હોય તો મોટા થયા પછી પણ બૉડી ઇમેજ સંબંધિત તકલીફો એમને નડતી નથી. આમ માતાપિતા એ પણ જાગૃત થવાની જરૂર છે.’

 છોકરીઓને મેકઅપ, કપડાં, જ્વેલરીમાં વધુ રસ જાગવા લાગે, છોકરાઓ મસલ્સ બનાવવાની કે વાળ સેટ કરવાની વાતો કરતા થઈ જાય, ગરમીમાં પણ જૅકેટ પહેરીને સ્ટાઇલ મારવી તેમને ગમે. ફ્રેન્ડ્સ સામે એમને સારું દેખાવું હોય તો એ એકદમ નૉર્મલ છે.  કિંજલ પંડ્યા, સાઇકોલૉજિસ્ટ

columnists Jigisha Jain