આ ૮૫ વર્ષનાં દાદી છે સુપરકૂલ

19 October, 2022 03:42 PM IST  |  Mumbai | Jigisha Jain

પોતાનાં બાળકો માટે મોટી ઉંમરે પણ દાદીઓ કેટલી પ્રોટેક્ટિવ હોય છે એનું તેઓ જીવંત ઉદાહરણ છે

નિર્મલાબહેન વજાણી

ફૅન્સી જૅકેટ હોય કે રેડ શૂઝ, આ દાદી બાળકોનું મન રાખવા બધું ટ્રાય કરે છે. આ ઉંમરે પણ ઘરના દરેક સદસ્યની કાળજી રાખનાર નિર્મલાબહેન વજાણી વહુના મિત્ર અને પૌત્રીને પત્તામાં હરાવનાર સુપર કૂલ દાદી પણ છે. પોતાનાં બાળકો માટે મોટી ઉંમરે પણ દાદીઓ કેટલી પ્રોટેક્ટિવ હોય છે એનું તેઓ જીવંત ઉદાહરણ છે

ભાષાશિક્ષક તરીકે નિર્મલાબહેન કાર્યરત હતાં અને એટલે જ તેમનાં પૌત્ર-પૌત્રીને પણ ગુજરાતી આવડે એવી તેમની ખૂબ ઇચ્છા છે.

ટીવી ઍક્ટર અનેરી વાજાણીના ઘરે તેના એક શોના પ્રોડ્યુસર મળવા આવ્યા ત્યારે ઘરના બધા તેમની આગતા-સ્વાગતામાં લાગેલા અને તેનાં ૮૫ વર્ષનાં દાદી નિર્મલાબહેન પેલા પ્રોડ્યુસરને ફરિયાદ કરવા લાગ્યાં, મારી દીકરી પાસે તમે આટલું કામ કરાવો છો, એ આટલી મહેનત કરે છે. સવાર-સવારમાં ઊઠીને સેટ પર ભાગતી હોય છે બિચારી, ખાવાની સૂધ પણ રહેતી નથી. તેના આવવાથી શોના ટીઆરપી કેટલા વધી ગયા! પણ તોય પૈસા ઘણા ઓછા આપો છો તમે... બે ક્ષણ તો પ્રોડ્યુસર પણ વિચારવા લાગ્યા કે આ અચાનક થયેલા અટૅકનો શો જવાબ આપે! પછી આ ક્યુટ દાદીને હસીને તેમણે કહ્યું કે તમારી વાત તો સાચી છે. તમારી દીકરી ખૂબ મહેનતુ છે અને જેના તમારા જેવાં દાદી હોય તેને ઓછા પૈસા અપાય? એના જવાબમાં દાદીએ વટથી કીધું કે એ જને... અને બધાં હસી પડ્યાં. 

પ્રોટેક્ટિવ દાદી 

કાંદિવલીમાં રહેતાં નિર્મલા વજાણી ૮૫ વર્ષે એક સુપરકૂલ દાદી છે. પોતાના પરિવાર માટે એ સુપર પ્રોટેક્ટિવ છે. ખાસ કરીને પરિવારની મોટી દીકરી અનેરી માટે. એ વિશે વાત કરતાં અનેરી વજાણી કહે છે, ‘હું ઘરનું પહેલું બાળક છું એટલે સૌથી વધુ લાડકી. નાનપણથી એ મારા માટે ખૂબ પ્રોટેક્ટિવ રહ્યાં છે. હજી પણ એવાં જ છે. મારા કામ અને મારી સૌથી વધુ દરકાર એ રાખે. તેમના જેટલો અને તેમના જેવો ગજબ પ્રેમ મને કોઈ ન કરી શકે. તેમનો આ પ્રેમ મારી તાકાત છે. દરરોજ નવી ચૅલેન્જિસ ફેસ કરવાની તાકાત મને તેમની પાસેથી જ મળે છે અને આજે પણ દરરોજ હું તેમની પાસેથી કંઈને કંઈ નવું શીખું છું.’

વહુ સાથે મિત્રતા 

નિર્મલાબહેન અનેરીના બધા જ શો જુએ. એકાદ એપિસોડમાં પણ તેને ફુટેજ ઓછું મળ્યું હોય કે કોઈ ખાસ લાંબો ડાયલૉગ ન હોય તો તેમને ન ગમે. તે દુખી થઈ જાય. અનેરીને કહેશે કે આજે તો તું કંઈ બોલી જ નહીં સિરિયલમાં. આવું નહીં ચાલે. ભાષાશિક્ષક તરીકે થોડો સમય નિર્મલાબહેન કાર્યરત હતાં અને એટલે જ તેમનાં પૌત્ર-પૌત્રીને પણ ગુજરાતી આવડે એવી તેમની ખૂબ ઇચ્છા. એ લોકોને ફક્ત બોલતાં જ આવડે છે, વાંચતાં-લખતાં નથી આવડતું તો ગુજરાતી છાપું પકડાવીને કહે કે કોશિશ કરો. ગુજરાતી તો લખતાં-વાંચતાં આવડવું જ જોઈએ. નિર્મલાબહેન એક સાસુ તરીકે પણ ઘણાં કૂલ છે એમ જણાવતાં નિર્મલાબહેનની વહુ ઊર્મિલાબહેન કહે છે, ‘એ કોઈ દિવસ ટિપિકલ સાસુ નથી બન્યાં. આટલાં વર્ષો અમે એકબીજા સાથે રહીને ઊલટા હવે તો અમે મિત્રો જ બની ગયાં છીએ. હું તેમની પાસેથી ઘણું શીખી છું અને શીખતી રહીશ.’ 

દાદી સ્પેશ્યલ વાનગીઓ 

સુપરકૂલ દાદીની અંદર એક ગુજરાતી ગૃહિણી છુપાયેલી છે અને ગુજરાતી ગૃહિણીઓને પોતાની કામવાળીનું અલગ જ મહત્ત્વ હોય. જો કોઈ સમય પર ન જમે તો ક્યારેય કોઈને ન ખિજાતાં દાદી ગુસ્સે થઈને કહેશે કે અરે! કામવાળી જતી રહેશે, એ પહેલાં જમી લો. જીવનભર તેમણે પોતાનાં સંતાનોને ગરમ જમવાનું જ ખવડાવ્યું છે. હજી પણ ૮૫ વર્ષે ઘરના લોકોને મન થાય ત્યારે દાદી કિચનમાં ઍક્ટિવ થઈ જાય અને બધા માટે તેમની ફેવરિટ ડિશ બનાવી દે. કિચનના કામમાં પર્ફેક્શન હજી પણ આ ઉંમરે પણ એવુંને એવું જ છે. વજાણી પરિવારમાં તેમનાં હાથનાં થેપલાં, દાળ-ભાત કે કઢી, ભાતનાં ડબકાં કે વઘારેલી રોટલી બધાનાં ફેવરિટ. તેમના હાથની પાંઉભાજીના બધા સુપર ફૅન અને દાદીની સ્પેશ્યલ ચાની ડિમાન્ડ તો મહેમાનો પણ કરે. એ વિશે વાત કરતાં નિર્મલાબહેન કહે છે, ‘મને એ જરાય ન ગમે કે બાળકો ઠંડી રોટલી ખાય. ગરમ ખાય તો જરા તેમના શરીરને પણ લાગે.’ 

મીઠાઈ પ્રેમ 

નિર્મલાબહેન હંમેશાં કહે કે જે ખાય એ ખવડાવે. પોતે પણ ખાવાનાં એટલાં જ શોખીન. ખાસ કરીને મીઠાઈઓ. વજાણીપરિવારમાં મીઠાઈ ફક્ત નિર્મલાબહેન અને તેમની નાની પૌત્રી પ્રિયા જ ખાય. બન્ને દાદી-પૌત્રી મીઠાઈ-પાર્ટી કરે. જોકે આજકાલ ડાયાબિટીઝને કારણે ઘરમાં બધા રોકે કે મીઠાઈ ન ખાઓ ત્યારે આ દાદીની અંદરનું બાળક જાગે. એ વિશે વાત કરતાં પ્રિયા કહે છે, ‘દાદી રાત્રે ૨-૩ વાગ્યે ઊઠે. તેમને ખૂબ ભાવતી એવી દૂધની મલાઈ ખાય. જે મીઠાઈ ઘરમાં હોય અને તેમને દિવસે ના પાડી હોય કે તમે નહીં ખાઓ, શુગર વધી જશે એ મીઠાઈ પણ ચુપકેથી બૉક્સમાંથી કાઢશે અને મલાઈ સાથે ખાશે. ઘણી વાર તો આખું બૉક્સ મીઠાઈ હોય એવું અમને ખબર હોય અને બીજા દિવસે ડબ્બો ખાલી મળે. મીઠાઈ તેમને એટલી પ્રિય. મને પણ ખૂબ પ્રેમથી ખવડાવે.’ 

ટ્રાય બધું કરે 

નિર્મલાબહેનને પત્તા રમવાં પણ ખૂબ જ ગમે. ઘરમાં જ્યારે બધાં રમવા બેસે ત્યારે દાદી અને અનેરી વચ્ચે રસાકસી થાય. બન્નેને જીતવું હોય અને બન્ને એકબીજાને જબ્બર ટક્કર આપે. આજકાલ ઘરની બહાર ખાસ નીકળી શકતાં નથી. તબિયત થોડી સાચવવી પડે છે. અઠવાડિયામાં એક વાર ભજન મંડળમાં તેઓ જાય છે, પણ અનેરી જો શૉપિંગ કરવા જાય તો દાદી તેની સાથે જવા એકદમ તૈયાર. ખાસ કરીને ફેસ્ટિવલમાં સાડી કે ઘરેણાનું શૉપિંગ બન્ને સાથે કરે. જીવનભર તેમણે ગુજરાતી સાડી જ પહેરી છે પરંતુ તેમને નવા ડ્રેસિસ કે શૂઝ કે વન-પીસ અનેરી ટ્રાય કરાવડાવે તો એ હોંશે-હોંશે કરે. ફોટોઝ માટે પોઝ પણ આપે. આજે પણ તે જ્યારે સ્માઇલ કરે ત્યારે તેમની અંદર રહેલી સાલસતા અને તેમનું બાળસહજ ભોળપણ મોઢા પર તરી આવે છે અને જ્યારે તે વાતો કરે ત્યારે અનુભવોનો જાણે પટારો ખોલીને બેસી ગયાં હોય એમ એક પછી એક ખૂબ જ રસપ્રદ કિસ્સાઓ તેમની પાસેથી સાંભળવા મળે, જે એક લહાવો છે. 

બદલાવ જરૂરી 

પરિવારના દરેક સદસ્યનું ધ્યાન રાખતાં દાદીને ઘરમાં દરેકના જીવનમાં શું ચાલી રહ્યું છે એની પૂરી માહિતી હોય. દરેક વ્યક્તિ એની દરેક વાત દાદીને કરે, જે વિશે વાત કરતાં નિર્મલાબહેન કહે છે, ‘સમય સાથે ચાલવું જરૂરી છે. તમારા પરિવાર માટે, તેમની જરૂરિયાત માટે તમારે નાના બદલાવ તમારી અંદર લાવવા પડે તો એમાં જરાય ખોટું નથી. વડીલ એને ન કહેવાય જે પરિવાર પર પોતાની જોહુકમી રાખે, પરંતુ વડીલ એ કહેવાય જેને પરિવારના દરેક સદસ્યના મનની સ્થિતિ ખબર હોય અને તેને એ સપોર્ટ આપી શકે. બાળકો તમારી પાસે આવીને તમને ક્યારે બધી વાત કરે? જ્યારે તેમને ખબર છે કે તમે તેને સમજશો. જ્યારે આપણે બાળકોને સમજીએ, તેમને સપોર્ટ  આપીએ ત્યારે તે તમારી સાથે જોડાયેલા રહે છે. એક ગુજરાતી તરીકે હું કહી શકું કે આ જોડાણમાં ખોરાક પણ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે તમે બાળકોને પ્રેમથી જમાડો ત્યારે તે તમારી પાસે ખૂલે છે.’

columnists Jigisha Jain