04 January, 2023 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માસ્ટરશેફમાં છવાઈ ગયાં આપણાં ગુજ્જુબેન
૭૮ વર્ષે ગુજરાતી ક્વિઝીનની માસ્ટરી સાથે આ ઊર્મિલાબહેન આશર માસ્ટરશેફ ઇન્ડિયામાં ચમકી ગયાં છે. ફક્ત ઉંમરમાં જ નહીં, પાકકલામાં પણ વડીલની પદવી આપીને માસ્ટરશેફના જજિસ રીતસર આ દાદીને પગે લાગ્યા. એક ગુજરાતી દાદી માત્ર પાકકલાના જોરે ક્યા સ્તરે પહોંચી શકે છે
જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ મુજબ હાલમાં સોની ટીવી પર શરૂ થયેલા માસ્ટરશેફ ઇન્ડિયામાં પણ ગુજરાત ઝળકશે. ગુજરાતી ક્વિઝીનને એક વાર ફરીથી એક અલગ માન આપવામાં આવશે, કારણ કે પોતાની પાકકલાના વર્ષોના અનુભવને લઈને પ્રાર્થના સમાજમાં રહેતાં ૭૮ વર્ષનાં ઊર્મિલાબહેન આશર એક પ્રતિયોગી તરીકે સ્થાન અને માન બન્ને પામ્યાં છે. તો માસ્ટરશેફ જેવા ઇન્ટરનૅશનલ સ્તરના ફૂડ શોમાં જ્યાં આખી દુનિયાનું ક્વિઝીન ભેગું થાય છે ત્યાં હવે ગુજરાતના ઘરે-ઘરે બનતી વાનગીઓ જેમ કે ખીચું, પાતરાં, પૂરણપોળી કે ઊંધિયું બનાવીને ગુજ્જુબેને જજિસને જ નહીં, સમગ્ર દુનિયાને ગુજરાતી વાનગીઓનું મહત્ત્વ સમજાવ્યું છે.
આ ઓન વાંચો : ઍડ્વેન્ચર અને વાઇલ્ડલાઇફની મજા લેવા આફ્રિકાથી બેસ્ટ એકેય નહીં
સફર લાજવાબ
ઊર્મિલાબહેન આશરે લૉકડાઉનમાં પોતાના પૌત્ર હર્ષને મદદ કરવા માટે ઘરે નાસ્તા બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું જેનું નામ અપાયું હતું ‘ગુજ્જુબેનના નાસ્તા’. એ સમયે ‘મિડ-ડે’એ આ દાદીના હૌસલાને સલામ કરી હતી. વર્ષોથી ગુજરાતી ગૃહિણીની જેમ ખાવાનો અને ખવડાવવાનો ભરપૂર શોખ ધરાવનાર દાદીનો નાસ્તો એ સમયે ખાસ્સો લોકપ્રિય બન્યો હતો. એ પછી તેમણે પૌત્ર હર્ષ આશરની મદદથી પોતાની યુટ્યુબ ચૅનલ ખોલી, જેના પર તેમણે પારંપરિક ગુજરાતી વાનગીઓના વિડિયો મૂકવાનું શરૂ કર્યું જે પણ ઘણા જ લોકપ્રિય થયા, કારણ કે દાદી ખાવાનું તો સારું બનાવતાં જ હતાં પરંતુ તેમની સહજતા પર લોકો ઓવારી ગયા. આ ઉંમરે પણ તેમની રેસિપી સમજાવવાની અને તેમની ઉંમર પ્રમાણે ઘણું સારું હિન્દી બોલવાની આવડતે સોશ્યલ મીડિયા પર તેમની રેસિપીઝ વાઇરલ થતી રહી.
કોશિશ જરૂર કરીશ
પરંતુ માસ્ટર શેફ સુધી કઈ રીતે પહોંચ્યાં એ વિશે વાત કરતાં ઊર્મિલાબહેન તેમની સહજતા સાથે કહે છે, ‘એક દિવસ હર્ષ મને કહે દાદી, તમારે માસ્ટરશેફમાં ભાગ લેવો જોઈએ. મેં પૂછ્યું, ત્યાં શું કરવાનું છે? તેણે કહ્યું, મસ્ત જમવાનું બનાવવાનું છે. મેં કીધું રસોઈ બનાવવાની હોય તો એમાં હું ના થોડી પાડું? પછી તેણે મને સ્પર્ધા વિશે પણ સમજાવ્યું. મેં તેને કીધું સારું, કોશિશ આપણે ચોક્કસ કરીશું, બાકી ઈશ્વર ઇચ્છા.’
દાદીનાં પાતરાંની કમાલ
જે દિવસે ઑડિશન હતું એ દિવસે મુંબઈમાં લગભગ ૫૦૦૦ લોકો આવેલા. લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે અને રાહ જોવી પડે એવી હાલતમાં દાદી સિનિયર સિટિઝન છે અને તેમને વધુ હેરાનગતિ ન થાય એ માટે હર્ષે રિક્વેસ્ટ કરી અને ૩-૪ કલાક લાઇનમાં ઊભા રહીને દાદીનો વારો આવી ગયો. શોમાં તો સીધો ફાઇનલ રાઉન્ડ જ દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ ખરેખર તો ૪ રાઉન્ડ પછી સ્પર્ધકોનું સિલેક્શન થયું જેમાં દાદીએ પાતરાં બનાવીને લોકોનું દિલ જીત્યું અને માસ્ટરશેફનું એપ્રન તેમને હસ્તક થયું. પોતાનાં પાતરાં વિશે વાત કરતાં દાદી કહે છે, ‘તેમણે પૂછ્યું કે પાતરાં બનાવશો? મેં કીધું હા, એ તો સાવ સરળ છે. તેમણે પૂછ્યું, એક કલાકમાં બનાવી લેશો? મેં કીધું હા, આરામથી. મેં ૪૦ મિનિટમાં પતરવેલિયાની નસો વ્યવસ્થિત કાઢીને મારાં પાતરાં તૈયાર કરી દીધાં હતાં. મોટા ભાગની વાનગીઓ બનાવવા માટે અમને ૧ કલાક જ મળતો અને મારું કામ લગભગ હંમેશાં વહેલા જ પતી જાય. વર્ષોથી રસોઈ કરતા હોય એટલે ઝડપ તો હોય જને!’
આ પણ વાંચો : ભલભલા રોગ પણ આ દાદીના વિલ પાવરને નબળો પાડી નથી શક્યા
માન મળ્યું
ગુજ્જુબેનના હાથની વાનગીઓ ખાઈને જજિસે શું રીઍક્શન આપ્યું એની વાત કરતાં ઊર્મિલાબહેન કહે છે, ‘એ લોકો ખૂબ ખુશ થયા. એમણે મારા હાથના કેટલા ફોટા પાડ્યા અને કહ્યું કે મારાં આંગળાંઓમાં જ રેસિપીઝ વસી છે. એ લોકો મને પગે પણ લાગ્યા. ફક્ત વડીલ તરીકે જ નહીં, પાકકલાના વડીલ તરીકે એમણે મને આ માન આપ્યું, જે મારા માટે મોટી બાબત છે. મને પહેલેથી જ ખવડાવવાનો શોખ છે. આટલા મોટા દરજ્જાના શેફ્સને હું મારા હાથનું ખવડાવી શકી એનો મને આનંદ હતો.’
જજ પહેલેથી હતા તેમના ફૅન
જાણીતા શેફ વિકાસ ખન્ના અને રણવીર બ્રાર સાથે શૂટિંગનો અનુભવ શૅર કરતાં ઊર્મિલાબહેન કહે છે, ‘હું તેના વિડિયોઝ બરાબર જોતી પહેલાં અને મને એમની રેસિપીઝ ગમતી. જેવા મેં એમને સામે જોયા કે મેં કહ્યું, હું તમારી ફૅન છું. તો એ બોલ્યા તરત કે અરે, હું તમારો મોટો ફૅન છું. ત્યારે મને ખબર પડી કે એમણે પણ મારા વિડિયોઝ જોયા છે. આ જાણી અમને ખૂબ મજા પડી. શેફ વિકાસે પણ મને પૂછ્યું કે તમારું કયું સપનું હજી બાકી છે? હું લંડન, દુબઈ અને પોર્ટુગલ જઈ આવી છું પણ અમેરિકા નથી ગઈ તો તેમણે કહ્યું કે તમે મારી સાથે ચાલજો.’
કરી બતાવ્યું
ગુજરાતી વાનગીઓ ખૂબ સારી બનાવવી અને માસ્ટર શેફમાં ભાગ લેવો એ બે જુદી બાબતો છે. ગુજ્જુબેને હંમેશાંથી ગુજરાતી ખાવાનું જ બનાવ્યું છે. માસ્ટર શેફમાં તમે જે બનાવો છો એની સાથે તમે નવું શું વિચારો છો એ પણ જરૂરી બને છે. ભારતનું કે બહારના પણ જુદા-જુદા ક્વિઝીનનું ફ્યુઝન, ભળતી જ વસ્તુઓને ભેળવીને બનાવવામાં આવતી નવી વાનગીઓનું મહત્ત્વ ત્યાં વધુ છે. ૭૮ વર્ષે આ નવું વિચારવું એ ચૅલેન્જિંગ બાબત છે, કારણ કે આપણામાં કહેવત છે કે પાકા ઘડે કાંઠા ન ચડે. પણ ગુજ્જુબેનની બાબતમાં આવું ન થયું. એ વિશે વાત કરતાં ઊર્મિલાબેન કહે છે, ‘ટાસ્ક ખૂબ અઘરા હતા પણ મેં જે બનાવ્યું એ બધાને ભાવ્યું. તામિલનાડુ અને ગુજરાતી ક્વિઝીનને ભેળવીને એક નવી ડિશ બનાવવાની હતી. કોળું, ચોખા, મરી, રોઝમેરી આપીને અમને કહ્યું કે તમારી પોતાની ડિશ બનાવો. એક વખત મારા ભાગે પાલક અને જરદાલુ આવેલાં. આ બન્નેનો ઉપયોગ કરીને મેં જે ડિશ બનાવી હતી એમાં મેં જરદાલુના ઠળિયામાંથી બદામ કાઢી અને એમાં સજાવેલી. એ સમયે તેમણે મને કહ્યું હતું કે આવું તમે જ વિચારી શકો. ખરી વાત તો છે કે અમારી ઉંમરની બધી જ સ્ત્રીઓને ખબર છે કે જરદાલુના ઠળિયાની બદામ મીઠી હોય, એને ખાઈ શકાય. અમે એ ઠળિયો ફેંકી ન દઈ શકીએ. પણ હા, કદાચ આજની પેઢીને એ ન ખબર હોય એમ બને.’