૧૭ સપ્ટેમ્બર તો માનાં ચરણોમાં જ

26 January, 2023 07:58 PM IST  |  Mumbai | JD Majethia

મોટી ઉંમરે પહોંચેલી વ્યક્તિ અને પોતાની માતા સાથે ગાઢ બૉન્ડિંગ જોવા ન મળે અને એમાં પણ વ્યક્તિ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હોય ત્યારે દુનિયામાં તે કોઈ પણ સ્થાને હોય, પણ ૧૭ સપ્ટેમ્બરે તો તે માનાં ચરણોમાં જ હોય.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબા

જેમ માની ઉંમર વધે એમ આપણી પણ ઉંમર વધતી હોય છે અને એ વધતી ઉંમર સાથે મા પ્રત્યેની લાગણી અને પ્રેમ બેવડાતાં જતાં હોય છે. આ બેવડાતાં જતાં પ્રેમ અને લાગણીની સાથે જ્યારે જવાબદારી આવે ત્યારે મનોમન કેવી પરિસ્થિતિ ઊભી થાય એની કલ્પના કરશો તો ખરેખર રૂંવાડાં ઊભાં થઈ જશે

મા એટલે મા એટલે મા એટલે મા, બીજા બધા વગડાના વા. મૂળ કહેવતમાં એક વખત મા કહેવામાં આવ્યું છે, પણ મેં ચાર વખત મા કહ્યું છે અને એ એટલા માટે કે ખરેખર મા એટલે મા. તેની તોલે, તેની સરખામણીએ, તેના સ્તર પર કે પછી ક્યાંય પણ કહો, મા જેવું કોઈ ન થઈ શકે અને એટલે જ મા એટલે મા. તમારે માની સરખામણી પણ કરવી હોય તો સામે મા જ મૂકવી પડે. હું રોજ અને દિવસમાં અઢળક વાર મારી માને યાદ કરતો હોઉં છું અને એ દરેક યાદ મને કોઈક જુદી જ દુનિયામાં લઈ જવાનું કામ કરે છે. ‘મિડ-ડે’ના વાચકોથી સહેજ પણ છાનું નથી કે હું મારી માને કેટલો પ્રેમ કરતો હોઈશ. મેં બહુ વાર લખ્યું છે એટલે તમને લોકોને એ ખબર જ છે અને એ પણ ખબર છે કે હું મારાં માબાપથી બહુ જ અટૅચ છું. આમાં કોઈ મોટી વાત નથી. બધા જ માબાપથી અટૅચ હોય છે. બસ, મને મોકો મળે છે લખવાનો અને હું એનો સદુપયોગ કરું છું. બીજું એ કે લાગણીઓ વ્યક્ત કરવાની બાબતમાં કોઈની ડિગ્રી વધુ-ઓછી હોઈ શકે છે. 

કોઈ પોતાના મનની, પોતાના પ્રેમની, પોતાની લાગણીની વાત રજૂ કરી શકે તો કોઈ ન કરી શકે; પણ માબાપને પ્રેમ બધા જ કરતા હોય છે એટલે વિશિષ્ટતા સાથે હું તેમને વધારે પ્રેમ કરું છું એવું મારું કહેવું મારા માટે યોગ્ય ન કહેવાય. હા, હું એટલું તો કહીશ કે જ્યારે મારી માની વાત આવે ત્યારે હું બહુ ઇમોશનલ થઈ જઉં છું. એટલે જ હું કદાચ મારી માને આજે પણ નાનાં બાળકો કરે એમ જ વહાલ પણ કરું અને મારી માને તકલીફ થતી હોય તો રડી પણ જલદી પડું. 

સાચે જ, મારી માને લઈને મારું બહુ સ્પૉન્ટેનિયસ રીઍક્શન હોય છે. મારી માની ઉંમર ચોર્યાસી વર્ષની છે. ઉંમર થાય તો આપણને એમ થાય કે હવે ઉંમર થઈ; પણ ના, એવું ન હોય. માનાં ઇમોશન્સ અને મા સાથેનો સંબંધો જેમ માની ઉંમર વધતી જાય એમ-એમ મોટાં થતાં જાય. એ અટૅચમેન્ટ અને એ પ્રેમનો જે બહાવ હોય એને લીધે માને થતી તકલીફ જોઈને આપણા મનમાં વધારે તકલીફ ઊભી થતી જાય, કારણ કે આપણે પણ મોટા થતા જઈએ છીએ, આપણને પણ હવે સમજાતું ગયું છે કે પેરન્ટિંગ અને બીજું બધું કેટલું અઘરું છે. ઉંમર સાથે બધું જ સાચવવું એ એક મોટી અને બહુ અગત્યની કહેવાય એવી જવાબદારી છે અને આ જવાબદારી જ આપણને અંદરથી વધારે ને વધારે લાગણીમય બનાવતી જાય છે, પણ જવાબદારી તો જવાબદારી જ છે.
જવાબદારી. 

હવે મારે જે વ્યક્તિની વાત કરવી છે એ વ્યક્તિની જવાબદારી તો એટલી બધી છે અને એ સ્તરની છે જેની હું અને તમે તો કલ્પના સુધ્ધાં નથી કરી શકવાના. જરા વિચારો કે એ વ્યક્તિનાં માતુશ્રીની તબિયત બગડે કે પછી તેમનો દેહાંત થાય ત્યારે કેવું તેમના પર વીતે અને એ પછી પણ તેમને પોતાની લાગણી, પોતાના મનમાં ચાલતી ભાવના અને હૃદયમાં રહેલી પીડા દર્શાવવાનો લેશમાત્ર સમય મળે નહીં.

આ પણ વાંચો : વિશ યુ વેરી હૅપી ન્યુ યર

હા, હું વાત કરું છું નરેન્દ્ર મોદી અને તેમનાં બાની. જે સમયે હીરાબાની તબિયત બગડી એ સમયે મને અને તમને જેટલી ચિંતા જન્મે અને હું અને તમે જેટલા દુઃખી થઈએ એટલા જ દુઃખી તે થયા હોય; પણ એ દુઃખ, એ પીડા, એ યાતનાને મનમાં ભરી રાખવા સિવાય બીજો કોઈ છૂટકો પણ નહીં અને એનું પણ કારણ એ જ - જવાબદારી. મોદીસાહેબને તો પોતાના મનનો, પોતાના મન સાથેનો ખરખરો કરવાનો પણ સમય મળ્યો નહોતો. વાત તમે બરાબર સમજજો. ખરખરો લોકો બીજા સાથે કરે. આપ્તજનો, મિત્રો, કર્મચારીઓ, સહકર્મચારીઓ એ બધા આપણી પાસે આવીને ખરખરો કરે; પણ પોતાના મન સાથે જ્યાં સુધી આ ખરખરો ન થાય ત્યાં સુધી એ મનમાંથી જાય નહીં. એ જે ભાર હોય એ અકલ્પનીય હોય છે. એ વર્ણવી ન શકાય એવું વજન મન પર ઊભું કરે છે અને એવી પરિસ્થિતિમાં પણ આપણા માનનીય અને મારા ખૂબ જ વહાલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીસાહેબ... ખરેખર હૅટ્સ ઑફ.

મોદીસાહેબે કોઈ વાતને ક્યાંય દર્શાવ્યા વિના પોતાની જવાબદારીઓ જે રીતે આગળ વધારવાનું આરંભી દીધું એ જોઈને પણ દેશમાં સેંકડો લોકો એવા હતા જેમની આંખો ભીની થઈ ગઈ હતી. એનું કારણ પણ છે. એ મા છે. ઉંમર તેમની કોઈ પણ હોય, એનાથી લાગણી અને સંબંધોમાં કોઈ ફરક નથી પડતો અને હું તો કહીશ કે જ્યારે જનારી વ્યક્તિ વધારે ઉંમરવાળી હોય ત્યારે તેની સાથે લાગણી અને પ્રેમ વધારે અતૂટ રીતે બંધાઈ જતાં હોય છે.

આપણા મોદીસાહેબ અને તેમની માતાજીનો જે સંબંધ છે, એકબીજા પ્રત્યે જે વહાલ છે, નિકટતા છે, પ્રેમ છે, એ જે બૉન્ડિંગ છે એ તો જગજાહેર છે. આ ઉંમરે પહોંચેલી વ્યક્તિ અને પોતાની માતા સાથે આવું બૉન્ડિંગ જ પહેલાં તો જોવા ન મળે અને એમાં પણ આ ઉંમરે પહોંચેલી વ્યક્તિ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હોય ત્યારે પણ તમને ૧૭ સપ્ટેમ્બરે તો એક જ સ્થાને જોવા મળે. દુનિયામાં તે કોઈ પણ સ્થાને હોય, પણ ૧૭ સપ્ટેમ્બરે તો તે માનાં ચરણોમાં જ હોય.

મારું વાક્ય હું રિપીટ કરું છું. માનાં ચરણોમાં જોવા મળે, એ દિવસે તે ખુરશી પર ન બેઠા હોય. આ બહુ જ મોટી વાત છે ભાઈ. 

માનાં ચરણોમાં સ્વર્ગ છે એ વાત આથી વધારે સારી રીતે કેવી રીતે કહી શકાય અને કોણ કહી શકે? જન્મદિવસે માનાં ચરણોમાં બેસવું, એ માનો પ્રેમ પામવો અને મા સાથે વાતો કરવી. આપણને ઘણી વાર થાય કે આવું તે હોતું હશે; પણ હું કહીશ કે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ સિરિયલ બની તો એ બનાવવા પાછળ મારો મૂળ હેતુ એ જ હતો કે આજે સંતાનોને એમ લાગ્યા કરે છે કે આને કંઈ ખબર નથી પડતી કે પછી માને સમજાતું નથી અને આ જ ભાવ સાથે એ લોકો માને કહી પણ દે કે ‘મા તું ચૂપ રહે’, ‘તને ન આવડે, મને કરવા દે...’ કે પછી ‘મા, તું બેઠી રહે...’ તમે બહુ સારા ભાવથી આ આખી વાતને જોવા જાઓ તો ઍટ લીસ્ટ એટલું સાંભળવા મળે કે ‘તું રહેવા દે મા, તું આરામ કર...’

આ જ શબ્દો નીકળતા હોય છે અલગ-અલગ ઉંમરે; પણ આ વ્યક્તિ જેની આપણે વાત કરીએ છીએ તે મોદીસાહેબ, જે ફક્ત ભારતમાં શાળાના નાના વિદ્યાર્થીઓ જ નહીં, યુથ કે મોટી ઉંમરના, મિડલ એજ કે આધેડ વયના કે પછી એકદમ વયોવૃદ્ધ કહેવાય એવા લોકોથી લઈને દેશ-વિદેશના પ્રધાનો, વડા પ્રધાનો, મહાસત્તાના પ્રેસિડન્ટથી માંડીને દુનિયાના અન્ય દેશોના પ્રાઇમ મિનિસ્ટર સાથે સતત વાર્તાલાપ કરતા મોદીસાહેબ. તેમનું કેટલું બધું જ્ઞાન અને કેટલું જુદું વ્યક્તિત્વ હશે અને એ પછી પણ તે માનાં ચરણોમાં જે રીતે બેઠા હોય, જે રીતે બન્ને વાતો કરતાં હોય એ જોઈને આંખો ભરાઈ આવે. તેઓ જે રીતે મા સાથે વાત કરે, જે રીતે માના હાથના લાડ અનુભવે અને માને પણ લાડ લડાવતા રહે એ વિશે અત્યારે પણ આ લખતાં મારી આંખો ભીની થતી જાય છે. ખરેખર મને થાય છે કે આવી વ્યક્તિ આપણે ક્યાં જોઈ હોય?

તમે જ કહો, આવી વ્યક્તિ તમે જોઈ છે? તમને જોવા મળી છે? જો તમારો જવાબ હા હોય તો કહો મને કે કોણ આવી વ્યક્તિ છે જે આ સ્તર પર પહોંચ્યા પછી મા સાથે હોય ત્યારે સંપૂર્ણપણે તેમનો દીકરો બનીને રહે અને મા સિવાય બીજું કંઈ ન જુએ, ન વિચારે?

જોઈ છે તમે આવી વ્યક્તિ?

જવાબ વિચારજો અને જો હોય તો મને કહેજો, કારણ કે મેં અત્યારના સમયમાં તો આવી વ્યક્તિ નથી જ જોઈ. અગાઉ આવું વ્યક્તિત્વ, આવો માતૃપ્રેમ ક્યારે જોયો હતો એની વાત કરીશું આવતા ગુરુવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists narendra modi JD Majethia