રત્ના પાઠક શાહ અને સતીશ શાહનું સુપરહિટ કૉમ્બિનેશન રિપીટ કેમ નહીં?

06 April, 2023 05:54 PM IST  |  Mumbai | JD Majethia

‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની એ પેર રિપીટ નહીં કરવાનો જવાબ અમારી પાસે અઢળક લોકો માગે છે પણ એવું નહીં કરવા પાછળ એક ચોક્કસ કારણ હતું, જે તમને આ આર્ટિકલ વાંચ્યા પછી સમજાશે

રત્ના પાઠક શાહ અને સતીશ શાહનું સુપરહિટ કૉમ્બિનેશન રિપીટ કેમ નહીં?

શૂટ પહેલાં વર્કશૉપ હોય પણ એ વર્કશૉપની પહેલાં જ રાજ બબ્બરે પોતાનું કામ શરૂ કરી દીધું. કહે કે મને આ લાઇન્સ કોઈએ કરાવવી પડશે. પહેલાં તો એકાદ-બે વાર આતિશ કરાવવા બેઠો, પણ પછી તેમણે જ કહ્યું કે કે હવે કોઈ અસિસ્ટન્ટ આપી દો જેથી હું બધા ડાયલૉગ સમજીને યાદ કરી લઉં અને કેમ બોલવું એ ટોનેશન શીખી લઉં.

આપણે વાત કરીએ છીએ ‘હૅપી ફૅમિલીઃ કન્ડિશન્સ અપ્લાય’ના કાસ્ટિંગની, જેમાં અમે હેમલતાના કૅરૅક્ટરમાં રત્ના પાઠક શાહ, દીકરા રમેશના પાત્રમાં અતુલ કુલકર્ણી, રમેશની વાઇફ પલ્લવીના રોલમાં આયેશા ઝુલ્કાને અને તિસ્કાના રોલમાં મીનલ શાહુને કાસ્ટ કરી પણ એ બધા પછી સૌથી ઇન્ટરેસ્ટિંગ કાસ્ટિંગની વાત કરું તો એ છે રાજ બબ્બરનું કાસ્ટિંગ પણ એ પહેલાં મારે કહેવું છે કે જો આવું આઉટ-ઑફ-બૉક્સ કાસ્ટિંગ થયું હોય તો એની પાછળ ઍમેઝૉનની ટીમના પણ અમે આભારી છીએ.

રાજ બબ્બરનો અપ્રોચ અમે કર્યો એ પહેલાં અમારા મનમાં હતું કે જે બહુ સારી રીતે કૉમેડી કરી શકે એવાં નામો વિચારીએ પણ ઍમેઝૉને અમને કહ્યું કે તમે થોડુંક એ વિચારો કે આ ફૅમિલીની ઑથોરિટેટિવ પર્સન છે અને તમારી વન-લાઇન્સ, તમારા સીનમાં તો ઑલરેડી હ્યુમર છે એટલે એ તો આવવાનું જ છે પણ આવું નામ હશે તો એ સીન આખો નવી હાઇટ પર પહોંચશે અને જે રત્ના પાઠકને ઇનફ કહીને ચૂપ કરી શકે એવ઼ું બનશે તો જુદું જ ઇન્ટરેસ્ટિંગ કૉમ્બિનેશન બનશે. રાજ બબ્બર અને રત્ના પાઠક શાહને કાસ્ટ કર્યાં એ જોઈને ઘણાએ અમને પૂછ્યું કે ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના સતીશ શાહ અને રત્નાબહેનના આવા અદ્ભુત કૉમ્બિનેશન પછી પણ તમે તેમને કેમ રિપીટ ન કર્યાં. જવાબ છે, આવું જો કરીએ તો એ એક જુદી જ ફૅમિલી ઊભી કરવામાં બાધારૂપ બની જાય એવા હેતુથી. સતીશ શાહ અદ્ભુત છે એમાં કોઈ શંકા નથી, પણ અમને અહીં બીજાં નામો જોતાં હતાં એટલે રાજ બબ્બરજીનો અપ્રોચ કર્યો અને તેમનો પહેલો સવાલ હતો, ‘મૈં કૉમેડી કૈસે કરુંગા?’

અમે તેમને કન્વિન્સ કર્યા કે તમે આવો, એક વખત આતિશનું નરેશન સાંભળો. એ પછી આપણે નક્કી કરીએ કે આગળ શું કરવું. 

જેમને આપણે ‘ઇન્સાફ કા તરાઝૂ’થી માંડીને ‘અગર તુમ ન હોતે’, ‘પ્રેમગીત’, ‘યારાના’ જેવી સેંકડો ફિલ્મોમાં જોયા છે એ ઉચ્ચ કક્ષાના અદાકાર. હોઠોં સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો... સૉન્ગ કોને યાદ ન હોય? નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના સ્કૉલર.

બધા મળ્યા અને આતિશે નરેશન આપ્યું. નરેશન સમયે તો ઠીક, નરેશન પછી પણ એ એટલું હસે, એટલું હસે કે તમે વિચારી ન શકો. રાજજી હસે છે ત્યારે નાના બચ્ચા જેવા ક્યુટ લાગે. રાજજી મળવા આવ્યા એ સમયની મારે તમને એક વાત કહેવી છે, જે સાંભળીને તમને અમારા પર માન થશે.

રાજજી આવ્યા એટલે અમે અમારી ઇન્ટ્રોડક્શન આપવાની શરૂ કરી કે તરત જ તેમણે અમને રોક્યા કે પ્લીઝ, આવું કરીને મને શરમાવો નહીં. મારી વાઇફ નાદિરાથી લઈને દીકરી જુહી, જમાઈ અનુપ, મારા દીકરાઓ આર્ય અને પ્રતીક બધા તમારા બહુ મોટા ફૅન છે અને મારા ઘરમાં તમારા કામની હંમેશાં તારીફ થતી હોય છે. મારી આખી ફૅમિલી કહે છે કે હું આ કામમાં તમારી સાથે જોડાઉં. બસ, મને માત્ર એક જ ચિંતા છે કે આ થશે કેમ?

આ પણ વાંચો : માયા સારાભાઈ, હેમલતા ધોળકિયા અને રત્ના પાઠક-શાહ

મેં કહ્યું, સર તમે બેફિકર રહો, સારી રીતે કામ થશે. બસ, તમે હસ્યા એ જ લુક અમને જોઈએ છે. નાનીમોટી બીજી વાતો સૉર્ટઆઉટ થઈ અને તે બોર્ડ પર આવ્યા. રાજજીના ભાઈ કિશન બબ્બર, જે તેમનું કામ સંભાળે છે તેમનો પણ ધન્યવાદ ઘટે. 

શૂટ પહેલાં વર્કશૉપ હોય, પણ એ વર્કશૉપની પહેલાં જ રાજજીએ પોતાનું કામ શરૂ કરી દીધું. કહે કે મને આ લાઇન્સ કોઈએ કરાવવી પડશે. પહેલાં તો એકાદ-બે વાર આતિશ કરાવવા બેઠો, પણ પછી તેમણે જ કહ્યું કે કે હવે કોઈ અસિસ્ટન્ટ આપી દો જેથી હું બધા ડાયલૉગ સમજીને યાદ કરી લઉં અને કેમ બોલવું એ ટોનેશન શીખી લઉં. રાજજી આજે પણ એવી જ રીતે કામ કરે જાણે કે કોઈ નવોદિત કલાકાર હોય. દરેક કલાકારે તેમની પાસેથી આ વાત શીખવા જેવી છે. પોતે પણ એટલા જ વ્યસ્ત અને એ પછી પણ તે પોતાના કામમાં સહેજ પણ પાછા પડે નહીં. તેમને ટ્રાવેલિંગ પણ બહુ રહે, પણ ટ્રાવેલિંગ હોય તો ત્યાં પણ પોતાનું આ કામ ચાલુ રાખે અને પાછા આવીને તેમણે જે તૈયારી કરી હોય એ પણ દેખાડે.

એક દિવસ અમને બધાને બહુ મજા આવી. તેમણે જરા મસ્તી સાથે ગુજરાતીમાં એક નૉટી શબ્દ બોલવાનો હતો પણ બોલવામાં એટલા શરમાય, માંડ-માંડ મને કહે કે આ ન બોલું તો ન ચાલે અને પછી પોતે પેલો ગુજરાતી શબ્દ બોલ્યા અને હસાહસી. એટલું ક્યુટ લાગે છે, તમે સિરીઝમાં જોશો તો તમને પણ એટલું જ હસવું આવશે. 

રાજજી અને રત્નાબહેનની જોડી બહુ મજા આવે એવું કામ કરી ગઈ છે. રાજજીની વાતો સાંભળવાની મજા આવે. અમે બહારગામ શૂટ પર ગયા ત્યારે અમને તેમની કરીઅર અને સ્ટ્રગલથી માંડીને પૉલિટિકલ કરીઅર, પર્સનલ લાઇફની ઘણી વાતો થઈ. તેમની લાઇફમાં બહુ ડ્રામા થયા છે એ બધી વાતો પણ થઈ. હું કહીશ કે એકદમ સિન્સિયર અબીડિઅન્ટ વ્યક્તિ. હા, તેમને સવારે આવવામાં થોડી તકલીફ પડે, પણ સેટ પર આવ્યા પછી કોઈ સ્ટાર-ટૅન્ટ્રમ નહીં. વાતચીતમાં પણ એકદમ હમ્બલ. જનરલી સ્ટારને ઈગો બહુ હોય. આનો રોલ આવો છે અને મારો રોલ આવો છે. આની લાઇન્સ વધારે છે, મારી લાઇન્સમાં દમ નથી જેવી વાતો ઊભી જ હોય; પણ રાજજીની સૌથી મોટી વાત કહું તમને. 

વેબ-શો માટે પ્રેસ-કૉન્ફરન્સ હતી એમાં તેણે કહ્યું કે મેં તો જે કહ્યું એમ કર્યું, પણ રત્ના પાઠક શાહ અને તેની બરોબરીમાં કોઈ હોય તો અતુલ કુલકર્ણી. એ બેનો આખો શો છે. આપણને થાય કે બીજું નામ પોતાનું બોલશે, પણ ના. રાજજી સેટ પર હાજર હોય તો સતત તે બીજા કલાકારોને બિરદાવ્યા કરે. હું ખરેખર તેમનાથી બહુ જ ઇમ્પ્રેસ થયો છું. તેમની આખી જર્નીથી બહુ શીખવા મળે, સફળતા સાથે હમ્બલ કેમ રહેવું, કો-ઑપરેટિવ કેમ બનવું એ બધું તેમની પાસેથી શીખવા જેવું છે. અરે હા, સેટ પર તેમને સૌથી વધારે આયેશા ઝુલ્કા સાથે ટ્યુનિંગ હતું એ પણ મારે કહેવું જોઈએ. બન્નેએ અગાઉ કામ કર્યું હોવાથી આ ટ્યુનિંગ પહેલા જ દિવસથી બની ગયું હતું. ઘણી વાર એવું બનતું કે સેટ પર હું, આતિશ અને રત્નાબહેન બેઠાં-બેઠાં વાતો કરતાં હોઈએ, ગુજરાતીમાં અને રાજજી બાજુમાં બેઠા હોય તો એ બસ, અમને જોયા કરે. અમુક શબ્દો તેમને સમજાય અને મોટા ભાગના શબ્દો તેમને સમજાય નહીં પણ એ સમયનાં તેમનાં જે એક્સપ્રેશન હોય એ ખરેખર જોવા જેવાં હતાં. 

એક વાત નક્કી છે કે ભવિષ્યમાં રાજજી સાથે હું કામ કરીશ તો ભવિષ્યમાં રાજજીની પરમિશન લઈને તેમની સાથે થયેલી વાત પણ હું તમારી સાથે શૅર કરીશ. મોટિવેશન આપે એવી એ વાતો છે. મોટિવેશનની સાથોસાથ એ વાતો એવી પણ છે જે ખરેખર જીવનની સ્ટ્રગલને હળવી કરી દે, પણ એ ફરી ક્યારેક. અત્યારે તો બસ, એટલું જ કહેવું છે કે આપણે બહુ લકી છીએ કે આપણી પાસે રાજજી જેવા હમ્બલ અને ખરેખર ક્યુટ કહેવાય એવા સજ્જન છે.

મળીએ, આવતા ગુરુવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists satish shah ratna pathak JD Majethia