04 May, 2023 04:50 PM IST | Mumbai | JD Majethia
સરિતા જોષી
સરિતાબહેન મને કહે કે જેડી, તું આવીશ તો મને બહુ ગમશે, તારી હાજરીથી હું કમ્ફર્ટેબલ રહીશ. મેં તેમને કહ્યું કે આવીશ એટલે આવીશ તો પણ મને કહે કે કામ વચ્ચે તારાથી ન અવાય તો કંઈ વાંધો નહીં દીકરા, પણ મારા માટે ટ્રાય કરજે.
છેલ્લા થોડા સમયથી આપણી વાત ચાલતી હતી મહાભારતનાં પાત્રોની; જેમાં આપણે કુંતી, ગાંધારી, દ્રૌપદી અને સુભદ્રા વિશે વાત કરી તો ગયા વીકે આપણે વાત કરી ભીષ્મ જેવા મહામાનવ વિશે. આમ તો મનમાં હતું કે એ વાતને આગળ ધપાવું, કારણ કે મહાભારતમાં અનેક એવાં પાત્રો છે જેના વિશે વધારે વિગતે ચર્ચા નથી થઈ અને થઈ છે તો એનાં અમુક પાસાં પર જ વાત થઈ છે. પણ પછી એક બ્રેકિંગ ન્યુઝ એવા આવ્યા કે થયું કે મહાભારતની ચર્ચા ભવિષ્યમાં ફરી ક્યારેક કરવાનું રાખીશું પણ અત્યારે તો આપણે વાત કરવી છે પેલા બ્રેકિંગ ન્યુઝની.
સમાચારમાં સૌથી વધારે મજા જો કોઈની હોય તો એ તાજા સમાચારની, બ્રેકિંગ ન્યુઝની, મોટી ખબરની હોય અને એ મજા ત્યારે બેવડાઈ જાય જ્યારે એ બ્રેકિંગ ન્યુઝ સૌથી પહેલાં આપણને મળે અને આપણે એ બીજા સાથે શૅર કરીએ. જો જો તમે, એવું જ્યારે પણ બન્યું છે ત્યારે આપણે જરા તાવમાં આવીને વાત શૅર કરીએ.
તમને ખબર પડી... એમ કહીને એ આપણે વાત શરૂ કરીએ અને આજે મારે એ જ રીતે વાત અત્યારે તમારી સાથે શરૂ કરવાની છે.
સામાન્ય રીતે હું આર્ટિકલ બુધવારે જ લખવા બેસું. બહુ પ્રયાસ કરું તો પણ સોમ-મંગળમાં મને મજા આવે જ નહીં. ડેડલાઇનનું પ્રેશર હોય, ફોન પર ફોન આવતા હોય અને એ પછી લખવાની મજા કંઈક જુદી હોય. અફકોર્સ એવું કરવું ન જોઈએ, પણ એમ છતાં એવું જ થાય એટલે હવે હું એ બાબતમાં બહુ વિચારતો નથી. ફરી આવી જઈએ આપણે મૂળ વાત પર.
બુધવારે આર્ટિકલ લખવાનો હતો અને મંગળવારની રાતે હું એક અવૉર્ડ ફંક્શનમાં ગયો. બહુ જાણીતો અવૉર્ડ કહેવાય એવા ઇન્ડિયન ટેલી અવૉર્ડના ફંક્શનમાં. ફિલ્મોમાં તો અવૉર્ડ મળતા જ હતા પણ ટીવીના અવૉર્ડ બહુ મોડેથી શરૂ થયા. અવૉર્ડ શરૂ પણ ક્યાંથી થાય, આપણે ત્યાં ચૅનલો હતી જ નહીં. એક જ ચૅનલ, દૂરદર્શન. નેવુંના દશકમાં બીજી ચૅનલો આવી અને પછી ધીમે-ધીમે કૉમ્પિટિશન ડેવલપ થઈ અને એ બધા વચ્ચે જે સૌથી પહેલા અવૉર્ડ શરૂ થયા એ અવૉર્ડ એટલે આ ઇન્ડિયન ટેલી અવૉર્ડ. હમણાં બહુ બધું કામ રહેતું હોવાથી હું મોટા ભાગે એવી જગ્યાએ જવાનું ટાળું છું જ્યાં જવું અનિવાર્ય ન હોય. મનમાં એમ કે આ અવૉર્ડમાં જવાનું પણ ટાળીશ, પણ બેત્રણ વાર ફોન આવી ગયા કે તમે બહુ બધી કૅટેગરીમાં નૉમિનેટેડ છો તો પ્લીઝ આવજો.
મારું જનરલી એવું કે જ્યાં નૉમિનેશન હોય ત્યાં જવું અને રૂબરૂ હાજરી આપવી. આપણને નૉમિનેશન આપ્યું છે તો નૅચરલી આપણી પણ ફરજ બને કે આપણે એ નૉમિનેશનનું રિસ્પેક્ટ રાખીએ પણ છેલ્લાં થોડાં, કહો કે પાંચ-સાત વર્ષથી અમે જવાનું ટાળતા રહ્યા છીએ એ પણ હકીકત છે. ‘બા, બહૂ ઔર બેબી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં લઈ-લઈને કેટલા અવૉર્ડ લઈએ? મન શાંત થઈ ગયું, હૈયાને સંતોષ થઈ ગયો. કન્ટેન્ટથી પણ સંતોષ હતો અને બીજાં પણ કેટલાંક કારણો હતાં પણ આ વખતે ફરી જવાનું શરૂ કર્યું કે નવા ઍક્ટરો છે, તેમને જવાનું મન હોય અને અમે ત્યાં હાજર હોઈએ તો તેમને મજા આવે અને એ બધામાં પાછો હું થોડો વધારે પડતો હરખપદૂડો. બધાને વધાવું, રાડો પાડીને ચિયરઅપ કરું, તાળીઓ મારું, બૂમો પાડું. એવી જ રીતે વર્તું જાણે કે મારા માટે કૉલેજના દિવસો પાછા આવી ગયા. આ બધાથી મારી ટીમને પણ લાગે કે સર સાથે છે, મજા આવે છે અને સાચું કહું તો મને પણ એ બધામાં મજા આવે છે.
હું બધાને કહું કે અવૉર્ડ મળે કે ન મળે, એનાથી દુખી નહીં થવાનું. ન મળે તો પણ મજા કરવા ગયા છીએ, મજા કરવાની. એ બહાને બધા જોડે રહી શકીએ. કલાકારો, ટેક્નિશ્યન સાથે રહી શકીએ અને એ પણ કોઈ પણ જાતના કામ વિના. એની પણ મજા છે. તમે કામ કરતી વખતે તો સાથે રહેતા જ હો પણ કામ વિના સાથે રહો તો આત્મીયતા વધે, લાગણી ઉમેરાય, સંબંધોમાં ધીમે-ધીમે આવતો જતો તનાવ દૂર થાય. કૉર્પોરેટ કંપની તો રીતસર પ્લાનિંગ કરીને પોતાની ટીમને બહાર મોકલીને ખુલ્લામાં એકઠા કરે છે જેથી ઑફિસના બંધિયાર વાતાવરણમાંથી બહાર આવે અને હસીમજાક વચ્ચે બૉસ અને તેની ટીમ વચ્ચે આત્મીયતા બંધાય.
અમે પણ ગયા પણ અમારી ટીમમાંથી બહુ ઓછા લોકો આવ્યા હતા. પર્ટિક્યુલર વાત કરું તો ‘વાગલે કી દુનિયા’માં અથર્વ પ્લે કરે છે તે આવ્યો અને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માંથી સાત-આઠ જણ આવ્યા. અમને એમ કે અવૉર્ડ બહુ મળવાના નથી પણ ઠીક છેને, ઑડિયન્સ તમારા કામને વધાવે એનાથી મોટો કોઈ અવૉર્ડ હોતો જ નથી. ઍનીવેઝ, અવૉર્ડની વાત પર પાછા આવીએ.
કુલ ૩૮ નૉમિનેશન હતાં અમારાં. અલગ-અલગ કૅટેગરીમાં અમે નૉમિનેટ થયા હતા. હૅટ્સ ઑફ માટે ઘણા વખતે આટલાં નૉમિનેશન હતાં. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને ‘વાગલે કી દુનિયા’ એમ બન્ને શોનાં ખૂબબધાં નૉમિનેશન હતાં અને આ બધા અવૉર્ડ વચ્ચે સૌથી મહત્ત્વનો જે અવૉર્ડ હતો એ હતો સરિતા જોષીને મળનારો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ. સરિતાબહેન, મારાં ઑલટાઇમ ફેવરિટ. મારાં બા છે એ. તેમને પહેલેથી જાણ કરવામાં આવી હતી કે આ અવૉર્ડ માટે તેમણે આવવાનું છે એટલે સરિતાબહેનનો મને ફોન આવ્યો હતો કે શક્ય હોય તો તું આવજે અને મેં કહ્યું હતું કે બહેન હું આવીશ જ.
બહેન બહુ સારાં છે. મને કહે કે જેડી, તું આવીશ તો મને બહુ ગમશે, તારી હાજરીથી હું કમ્ફર્ટેબલ રહીશ. મેં તેમને કહ્યું કે આવીશ એટલે આવીશ તો પણ મને કહે કે કામ વચ્ચે તારાથી ન અવાય તો કંઈ વાંધો નહીં દીકરા, પણ મારા માટે ટ્રાય કરજે.
‘આવીશ જ અને મારે આવવાનું જ હોય... કોઈ સવાલ જ નથી.’
બહેન સિવાય મહત્ત્વની કહેવાય એવી આપણી પુષ્પા પણ નૉમિનેશનમાં હતી. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં લીડ કૅરૅક્ટર કરતી કરુણા પાંડેએ મને કહ્યું કે સર, મારું નામ અવૉર્ડમાં હોય અને તમે ન હો તો કેમ ચાલે? ત્રીજું નૉમિનેશન આપણી રાશિનું. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં જે રાશિનું કૅરૅક્ટર કરે છે એ દેશના દુગડ નૉમિનેટેડ તો અથર્વનું કૅરૅક્ટર કરતો શીહાન કપાહી નૉમિનેટેડ અને સુમિત રાઘવન, અંજન શ્રીવાસ્તવ, ભારતીજી અને બીજાં અનેક નૉમિનેશન. આ તો થઈ સ્ટારકાસ્ટની વાત. ટેક્નિકલ ટીમની વાત કહું તો અમારા ડિરેક્ટર પ્રદીપ યાદવ, કાસ્ટિંગ ટીમનું નૉમિનેશન અને આ બધામાં હૅટ્સ ઑફ પ્રોડક્શન પણ પ્રોગ્રામ માટે ચાર-પાંચ કૅટેગરીમાં નૉમિનેશનમાં. વાત આગળ વધારતાં પહેલાં કહીં દઉં, સૉરી જો કોઈનું નામ ભૂલી ગયો હોઉં તો પણ બહુ બધાં નૉમિનેશન હતાં.
મને થયું કે ચાલો જઈ આવું; બધાને સેટ સિવાયની જગ્યાએ મળવાનું બનશે, મજા આવશે. કામ પતાવતાં-પતાવતાં મોડું થયું એટલે જવાની ઇચ્છા સહેજ ઘટવાનું શરૂ થઈ ગયું હતું પણ એના પર કન્ટ્રોલ કરી હું રવાના થયો અને પહોંચ્યો અવૉર્ડ ફંક્શનમાં.
અવૉર્ડ ચાલુ થયા અને કેટલીક કૅટેગરી પૂરી થઈ, પણ અમને કોઈ અવૉર્ડ મળ્યા નહીં એટલે મને થયું કે ચાલો હવે નીકળી જાઉં પણ ત્યાં જ મને યાદ આવ્યું કે હજી બાને અવૉર્ડ મળવાનો છે એટલે થોડી વાર હું રોકાયો અને પછી સરિતાબહેનનો અવૉર્ડ આવ્યો. એ પછી મને થયું કે હવે હું નીકળી જાઉં પણ મને દેશનાએ રોક્યો કે અમારી કૅટેગરી હજી આવવાની બાકી છે તો અમારા માટે તો રોકાઓ. મને થયું કે આટલી વાર રોકાયા તો ચાલો, બચ્ચાંઓ માટે થોડી વધારે વાર રોકાઈ લઈએ અને એ પછી જે બન્યું એણે તો અમને બધાને રીતસર હેબતાવી દીધા. શું બન્યું અને કેવું બન્યું એ બધાની વાત માટે હવે જગ્યા નથી એટલે નાછૂટકે આપણે આવતા ગુરુવાર સુધી રાહ જોવી પડશે.
મળીએ આવતા ગુરુવારે, આ જ જગ્યાએ.
ટેક કૅર.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)