મહાભારતની દ્રૌપદી અને મહા-ભારતની સુભદ્રાઓ

20 April, 2023 05:32 PM IST  |  Mumbai | JD Majethia

દ્રૌપદી આજની જ નહીં, પણ આવતાં બસો વર્ષ પછીની આધુનિક નારીનું પ્રતીક છે એમાં કોઈ મીનમેખ નથી

મહાભારતની દ્રૌપદી અને મહા-ભારતની સુભદ્રાઓ

મહાભારત જેવી ગાથામાં દ્રૌપદી ઉપરાંત પણ અનેક બીજી મહાન સ્ત્રીઓ છે. આપણે તેમનાં ભોગ અને દુઃખો સામે નજર કરીએ તો તેમની શક્તિ અને તેમના કમિટમેન્ટ માટે ખરેખર ગર્વ થાય. એ ક્ષમતા હાંસલ કરવાની ત્રેવડ આજની તારીખમાં કોઈની નથી. 

કુંતી એક મહાન માતા હતાં, ગાંધારી સર્વસ્વ ન્યોછાવર કરી શકે એવાં પત્ની હતાં એટલે આ બન્ને પાત્રો જેવાં થવાનું તમે હજી પણ સ્વીકારો; પણ જરા યાદ કરો દ્રૌપદી. ધારો કે તમારા દીકરાઓ પણ પાંડવો માફક તમારો પડ્યો શબ્દ ઉપાડી લેવા રાજી હોય પણ તમારી વહુનું શું? જરા કલ્પના તો કરો, આજના જમાનામાં આવી વહુ મળે ખરી, વહુ મળે તો શું એ દરેક શબ્દને હુકમ ગણીને સ્વીકારે ખરી? એ માટે દ્રૌપદી જેવી વહુ જોઈએ સાહેબ, દ્રૌપદી જેવી ક્ષમતા ધરાવતી એવી પારંગત અને દ્રૌપદી જેવી આદર્શવાદી પણ. ગયા અઠવાડિયે મેં કહ્યું હતું કે દ્રૌપદી આધુનિક સ્ત્રીનું પ્રતીક છે અને આ આધુનિકતા આજની કોઈ મહિલા અનુસરી પણ ન શકે એવી કઠોર છે એ પણ એટલું જ સાચું છે. દ્રૌપદીનો અહમ્, તેનું અભિમાન, તેનું સ્વાભિમાન મેળવવા આજે સૌકોઈ તૈયાર છે, દરેક મહિલા એવું ઇચ્છે પણ ખરી કે તેના સ્વાભિમાન માટે તેનો પતિ હથિયાર ઉપાડી લે પણ જરા વિચાર કર્યો છે ખરો કે દ્રૌપદીએ પોતાના પતિ માટે કેવા-કેવા અપમાનના ઘૂંટડા ભર્યા હશે? કેવા-કેવા સંઘર્ષો વેઠ્યા હશે અને કેવા-કેવા ઉધામાઓ સહન કર્યા હશે. સાસુ જોયા વિના જવાબ આપી દે અને પછી પોતાની જાતને પાંચ પતિ વચ્ચે વહેંચી દેવી. દ્રૌપદીની વાત જ્યારે પણ નીકળે ત્યારે હું એક્સાઇટ થઈ જતો હોઉં છું. મને થતું હોય છે કે આ પાત્ર પર ખરેખર સિરિયલ થવી જોઈએ. જો સીતાના જીવનકવન પર સિરિયલ શક્ય બને તો શું કામ દ્રૌપદીના પાત્ર પર ન બને, બનવી જ જોઈએ.

દ્રૌપદી એટલે જેના માટે સ્વયંવર થાય એવી પાંચ ગુણથી ભારોભાર ભરાયેલી મહિલા, શૌર્યમાં પારંગત અને સૌંદર્યની સૃષ્ટિએ અકલ્પનીય. દ્રૌપદીના પાંચ પતિઓ એકદમ અલગ છે, તેમના સ્વભાવ, તેમની રહેવાની રીતભાત બધું જ અલગ છે અને દ્રૌપદી આ પાંચેપાંચ સાથે એકસરખી લાગણી, એકસરખા પ્રેમથી રહી. કેવી રીતે દ્રૌપદીએ આ એકબીજાથી સાવ જ વિપરીત એવા પાંચ પતિ સાથે જીવન વિતાવ્યું હશે? ખબર છે મને કે આ સવાલ વિચિત્ર છે અને સવાલ સાથે જન્મેલો વિચાર પણ એટલો જ અળવીતરો છે, પણ માનવસહજ વિચાર છે આ. 
ધારો કે દ્રૌપદીને પાંચમાંથી એક પતિ સાથે ન ફાવે તો શું એ છૂટાછેડા લેવાનું વિચારી શકી હોત, શું એ શક્ય પણ હતું? જેટલો ઊંડાણથી હું આ વિશે વિચારું છું એમ-એમ મારી બુદ્ધિ બહેર મારી જાય છે. દ્રૌપદી એટલે એક આદર્શ નારીનું પ્રતીક એવું કહેવામાં મને જરા પણ અતિશિયોક્તિ નથી લાગતી અને એટલે જ આજનો આ લેખ મેં એને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. દ્રૌપદી પચાવવા માટે પણ છપ્પનની છાતી જોઈએ સાહેબ. જો તેના જેવી ક્ષમતા અને તીક્ષ્ણતા સાથે કોઈ મહિલા આજના સમયમાં આવી જાય અને ધારો કે એ તમારા જીવનમાં આવે તો તમે તેને જીરવી ન શકો, જરા પણ નહીં. જે રીતે વિષ પચાવવાનું કામ માત્ર મહાદેવમાં હતું એ રીતે દ્રૌપદીને પચાવવાનું કામ માત્ર મહાભારતમાં જ છે. વારંવાર કહીશ કે દ્રૌપદી આજની આધુનિક નારીનું પ્રતીક છે. કદાચ આજનું પણ નહીં, દ્રૌપદી આવતાં બસો વર્ષ પછીની નારીનું પ્રતીક હોઈ શકે છે. તેનામાં લાગણી હતી, તેનામાં કટુતા હતી, દ્રૌપદીમાં સહનશીલતા હતી, તેનામાં વેરને પચાવી શકવાની ક્ષમતા હતી. દ્રૌપદીમાં વટ માટે વંશને ખતમ કરી દેવા સુધીની જીદ હતી તો દ્રૌપદીમાં શ્રેષ્ઠ મિત્ર બનવાની ક્ષમતા પણ હતી. દ્રૌપદીમાં સેન્સ ઑફ હ્યુમર હતી અને દ્રૌપદીમાં અપમાન કરીને ઔકાત યાદ દેવડાવવાનું કૌવત પણ ભારોભાર હતું. કર્ણ અને દુર્યોધન માટે અપમાનજનક શબ્દો સરી પડ્યા હતા તેનાથી અને એ શબ્દો જ મહાભારતનું મૂળ છે, જે આપણે બધા જાણીએ છીએ. જો દ્રૌપદી ગમ ખાઈ ગઈ હોત, જો તેણે જતું કરી દીધું હોત તો મહાભારતનું સર્જન ન થયું હોત. પણ ના, કૃષ્ણલીલા. બધું કૃષ્ણલીલાને આભારી હતું અને એ લીલા પણ કેવી હતી! તેમના વસ્ત્રહરણ સમયે તેમની મર્યાદા અખંડ રાખી. પતિઓ જુગારમાં હારી જાય, વડીલોની હાજરીમાં, આજની ભાષામાં કહીએ તો સસરા, મામાજી સસરા અને વડસસરાની હાજરીમાં દિયર અને જેઠના હાથે અપમાનિત થઈ. માન્યું કે વસ્ત્રહરણ ન થયું પણ સાહેબ, ચીરહરણ થાય એ પળની યાતના તો તેણે ભોગવી જ અને એ યાતના પછી પણ વડીલો કંઈ બોલ્યા નહીં. ભૂલ તો પતિની પણ હતી. પત્નીની રક્ષાનું વચન ભૂલીને પતિઓએ જુગારમાં જણસ મૂકે એ રીતે તેને મૂકી અને હારી ગયા અને એ પછી પણ રક્ષા કરવાનું વચન યાદ કર્યા વિના જ તેમણે જુગારના નિયમોનું પાલન કર્યું.

તમે તટસ્થતા સાથે વિચારો તો તમને પણ લાગે કે આ એક વાત પર તેણે આખા પાંડવ કુટુંબ સાથે છેડો ફાડી નાખ્યો હોય તો પણ શાસ્ત્રોમાં તે ક્યાંય દોષિત ન ગણાઈ હોત. આવું કરવાનું કહેવાવાળા તેને પણ મળ્યા જ હશે. રામાયણ તો સતયુગનો ગ્રંથ કહેવાય છે. જો એમાં મંથરા હતી તો મહાભારત તો કળિયુગનું સર્જન છે, એમાં મંથરાઓનો તૂટો ન હોય એવું ધારી શકાય. આ મંથરાઓએ દ્રૌપદીને પણ કાન ભર્યા જ હશે પણ એમ છતાં દ્રૌપદી સપ્તપદીનાં વચનો પર અકબંધ રહી અને પાંડવોની બાજુમાં ઊભી રહી, વનવાસ પણ તેણે ભોગવ્યો અને એ દરમ્યાન આવનારી તમામ તકલીફો પણ તેણે હસતા મોઢે સહન કરીને પત્ની ધર્મ નિભાવ્યો. હવે બીજા દૃષ્ટિકોણથી જોઈએ. જો તમને એમ લાગ્યું હોય કે દ્રૌપદી દયાની મૂર્તિ હતી તો એવું પણ નહોતું. દ્રૌપદીએ જ પ્રણ લીધું હતું, સોગન લીધા હતા કે દુઃશાસનના લોહીથી તે તેના વાળ ધોશે. ભાઈઓના હાથે પિતરાઈની હત્યા કરવા જેવી આ વાત કહેવાય, પણ એમ છતાં સત્યના ત્રાજવે આ પ્રણમાં ક્યાંય અન્યાય નહોતો. અનીતિના નાશની જ વાત હતી અને આ નાશ માટે દ્રૌપદી મર્દાનગી ભરી શકે એવું વ્યક્તિત્વ હતું. પતિને પડનારી તકલીફ માટે આંખમાં આંસુ લાવી દે અને પોતાને થયેલી પીડાના બદલામાં ત્રાડ પાડી શકે એવું વિરલ વ્યક્તિત્વ હતું. તમે જ કહો, શું આજની તારીખમાં, આજના સમયમાં તમે દ્રૌપદી બની શકો ખરાં? 

મહાભારત જેવી ગાથામાં દ્રૌપદી ઉપરાંત પણ અનેક બીજી મહાન સ્ત્રીઓ છે. આપણે તેમનાં ભોગ અને દુઃખો સામે નજર કરીએ તો તેમની શક્તિ અને તેમના કમિટમેન્ટ માટે ખરેખર ગર્વ થાય. એ ક્ષમતા હાંસલ કરવાની ત્રેવડ આજની તારીખમાં કોઈની નથી. 

મને અત્યારે સુભદ્રા યાદ આવે છે. 

સુભદ્રા, એક એવી માતા કે જેને ખબર હતી કે તેનો પુત્ર યુદ્ધમાં જાય છે અને એ મૃત્યુ પામશે. એમ છતાં પણ પત્ની તરીકેની ફરજ અને એક કુટુંબની વહુ તરીકેની ફરજ વચ્ચે તેણે ક્યાંય વિખવાદ ઊભો ન થવા દીધો અને અભિમન્યુને યુદ્ધના મેદાનમાં જવા દીધો. શું આજે આવી માતાઓ છે ખરી? 

આ એક સવાલનો જવાબ છે આપણી પાસે. આજે પણ આપણી દેશની સરહદ પર એવા કેટલા બધા જવાનો છે કે તેમની માતાને, પત્નીઓને, બહેનોને, તેમનાં સંતાનોને અણસાર હોય જ છે કે બની શકે કે દુશ્મનની ગોળી આવે અને એ મારા દીકરા, પતિ કે ભાઈને લાગે અને મારું આ... જન ક્યારેય પાછું ન પણ આવે. આ તૈયારી છે આજની સુભદ્રાઓની અને આ સુભદ્રાઓને સલામ છે કે જે કાળજે પથ્થર મૂકીને પણ પોતાના દીકરાને યુદ્ધના મેદાને જવા માટે વિના સંકોચે મોકલી દે છે. મોકલી પણ દે છે અને કોઈ એવા સમાચાર આવે ત્યારે મર્દાનગી સાથે એ સમાચારને વધાવીને દીકરાની શહીદીને ગર્વથી સ્વીકારે છે. ધન્ય છે મહાભારતની એ સુભદ્રાને અને ધન્ય છે આજના આપણા આ મહા-ભારતની આ સુભદ્રાઓને પણ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists mahabharat JD Majethia