01 December, 2022 04:43 PM IST | Mumbai | JD Majethia
મથુરાની ભૂમિ પર મર્કટ વચ્ચે રહેવાનો જે નિર્દોષ આનંદ છે એ માણ્યા પછી જગતનું તમામ સ્ટ્રેસ દૂર-દૂર નીકળી જાય છે.
આપણે જ આપણું ભવિષ્ય વધારે સારું ઇચ્છીએ છીએ. એવા સમયે આપણે આળસ કરીએ, બરાબર સમયે જ આપણે ન જઈએ એ જરાય યોગ્ય નથી અને જો એવું કોઈ કરે તો તેને સમજાવો કે જીવનને વધુ બહેતર બનાવવાની આ જે તક મળી છે એ છોડ્યા પછી આપણે કોઈને ફરિયાદ પણ નહીં કરી શકીએ.
આજે તમારા માટે ગુરુવાર, પણ મારા માટે તો આ બધી વાત બુધવારની છે. કેમ, તો એ સમજાવું તમને.
હું તમારો આ આર્ટિકલ દિવસે લખતો હોઉં. ઘણી વાર ઍડ્વાન્સમાં લખું, પણ મારે જ્યારે કોઈ કરન્ટ મુદ્દો તમારી સાથે શૅર કરવો હોય, મારી વાત કરવી હોય કે પછી સમય અનુસાર મારે કોઈ કરન્ટ વિષય પર વાત કરવી હોય તો આગલા દિવસે લખવાનું બને. આગલા દિવસે લખવાનું બને તો નૅચરલી આપણો ‘મિડ-ડે’નો અમુક સ્ટાફ થોડો હેરાન થાય, છતાં સરસ રીતે કો-ઑપરેટ પણ કરે.
ઍની વેઝ, અત્યારે હું એવી જગ્યાએ છું જે મારે માટે સૌથી વધુ અને મોટી આનંદની ઘડી સમાન છે. વર્ષમાં ત્રણ-ચાર દિવસ બધું ભૂલી જઈને હું ક્યાંય રહી શકતો હોઉં તો એ છે મથુરા. માગસર સુદ સાતમ અને અમારો મહોત્સવ. મહોત્સવ હોય એટલે આખો પરિવાર, આખું કુટુંબ, દેશ-વિદેશથી આખો સમાજ અમારા મથુરામાં ભેગો થાય. અલગ-અલગ જગ્યાએથી વૈષ્ણવો આવ્યા હોય એ બધા મળે, વાતો થાય અને ખૂબ-ખૂબ આનંદથી દિવસ પસાર થાય. તમે જુઓ તો સાતમના દિવસે તો આખું મથુરા જમનાજીના કાંઠે દર્શન માટે લાઇન લગાવીને ઊભું હોય. વૈષ્ણવો ઊભા હોય અને એકધારી આવન-જાવન ચાલુ હોય.
૧૦૦ મીટરના રસ્તામાં લગભગ ૧૦૦-૨૦૦ મિનિમમ વાર ‘જે જે શ્રી ગોકુલેશ’ થાય. એકબીજાને મળે, વાતો કરે. એ વાતો ચાલતી હોય ત્યાં વચ્ચેથી કોઈ ત્રીજું જ તમને ચા પીવા માટે બોલાવે અને બસ, આ જ ચાલ્યા કરે. બહુ આનંદ આવે. આ આખું વાતાવરણ જુઓ ત્યાં જ તમારામાં ઉત્સાહ આવી જાય.
કોઈની તબિયત ડાઉન હોય, કોઈને બીજો કોઈ પ્રૉબ્લેમ હોય, જૉબનું ટેન્શન કે પછી કામકાજની ચિંતા કે પછી બીજું બધું સ્ટ્રેસ. બધું છોડીને બધા દર્શન કરવામાં અને એકબીજાને મળવામાં લીન થઈ જાય. ચારે તરફ આનંદ-મંગલનું વાતાવરણ હોય અને દરેકના ચહેરા પર ખુશી ઝળકતી હોય. અમારી જ વાત કહું...
ગઈ કાલે એટલે કે છઠની રાતે મારી બા સાથે મેં હિંચ લીધી. જે વૈષ્ણવ હશે તેમને સમજાઈ જશે કે હિંચ એટલે શું, બાકી તો તમે જુઓ તો તમને ખબર પડે કે કેવી મજા આવે એમાં. ટૂંકમાં કહું તો બહુ જ સરસ માહોલ હોય. અમારા ઘણા વૈષ્ણવો અલગ-અલગ જગ્યાએથી આવ્યા હોય. તેમની સાથે વાતો થાય તો ખબર પડે કે તે ‘વાગલે કી દુનિયા’ જુએ છે તો ખબર પડે કે તે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ જોતા હોય. એ જાણીને ખરેખર આનંદ થાય કે તમારું કામ દૂર-દૂર સુધી પહોંચ્યું છે ને લોકોને એમાં મજા આવે છે. તેમનાં બચ્ચાંઓ મળે, ફોટો પાડે. વૈષ્ણવો પણ સેલ્ફી લે. ખરેખર મને બહુ મજા આવે એ બધામાં.
કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ તો નાની-નાની સાંકડી ગલીમાં જૂના કન્સ્ટ્રક્શનની બ્યુટી તમારી આંખ સામે આવે અને એ જોઈને તમે ખોવાઈ જાઓ. તમે પણ તમારા દેવસ્થાને જતા જ હશો એટલે તમે પણ એ નાની સાંકડી ગલીઓ પણ જોઈ હશે અને એ જૂનું બાંધકામ પણ જોયું હશે. એ બાંધકામની, એ નાની ગલીઓની કંઈક અલગ જ મજા છે. મથુરાની વાત કરું તો આ મહિનામાં અહીં જે વેધર છે એ અનુભવો તો તમને એવું જ લાગે કે તમે યુરોપની કન્ટ્રીમાં ફરી રહ્યા છો.
અહીં ગુજરાતથી બહુ વૈષ્ણવો આવ્યા હોય તો તેમની સાથે ગુજરાતની વાતો થાય, ગુજરાતી. જેમ અત્યારે આપણે અહીં આનંદની વાત કરીએ છીએ, દેવદર્શનની વાત કરીએ છીએ તો અહીં લાઇનમાં ઊભો હતો એ દરમ્યાન એવા મેસેજ આવ્યા, ફોન આવ્યા કે ભાઈ, ગુજરાતમાં મતદાન છે તો લોકોને અપીલ કરવી છે કે મતદાન કરજો.
આ મેસેજ જ્યારે આવ્યો ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ એવું કામ હોય જે આપણું હોય, આપણી જવાબદારીમાં આવતું હોય, એ પછી પણ કેમ આપણને એ કામ માટે વારંવાર કહેવું પડતું હોય છે?
મારે સૌથી પહેલાં તો તમને બધાને કહેવું છે કે મતદાન એટલે શું એ ખ્યાલ છેને?
આપણા જીવનને વધારે સારું બનાવવાનો પાવર, આપણી લાઇફને વધારે શ્રેષ્ઠ બનાવવાની તક. તમે જુઓ, આપણે કેવી રીતે જીવતા હોઈએ છીએ. આપણે આપણું ઘર ચલાવીએ, નોકરી કરીએ અને આપણી ફૅમિલીને આપણે સાચવીએ, એનું ધ્યાન રાખીએ અને તેમને સુખાકારી આપવાની પ્રક્રિયા કરીએ. આ બધાં કામ વચ્ચે જ્યારે બહાર નજર કરીએ ત્યારે ત્યાં પણ ઘણું બધું ચાલતું હોય. આપણી આસપાસના રસ્તાઓ હોય એના કરતાં વધારે સારા અને મોટા બની ગયા. જે બધા બ્રિજ, મેટ્રો કે પછી બધા પ્રકારનું ડેવલપ જુઓ છો, એ કોણ કરે છે? આપણા ટૅક્સમાંથી થયેલી ઇન્કમનો પૈસો ક્યાં ખર્ચાશે અને કેવી રીતે એનાથી આપણે, કૉમનમૅનને લાભ થશે એનું પ્લાનિંગ અને એ બીજું બધું કોણ કરે છે? હૉસ્પિટલ ક્યાંય અટકે નહીં, ટ્રેનથી માંડીને બસ અને બીજાં ટ્રાન્સપોર્ટ નિયમિત રીતે ચાલતાં રહે, દેશ સુરક્ષિત રહે અને ક્યાંય કોઈ જાતની અછત દેખાય નહીં એ જોવાનું કામ કોણ કરે છે?
જવાબ છે, ગવર્નમેન્ટ.
આ જે ગવર્નમેન્ટ છે એ નક્કી કરવાની સત્તા તમારા હાથમાં છે. આ જે ગવર્નમેન્ટ છે એ કોની બને અને કેવી બને એ તક આપણા હાથમાં છે અને એ મતદાન થકી મળે છે. મતદાનનો હેતુ ક્લિયર છે કે આપણે આપણી જિંદગી વધારે સારી બનાવવા માટે તેમને મોકો આપી શકીએ, તક આપી શકીએ, જે આપણને યોગ્ય લાગતા હોય. એ તક આપવાની જ્યારે તક મળી છે ત્યારે આપણે એને જતી ન કરવી જોઈએ. હા, વોટ આપવો એ તક છે. એ તક છોડવી ન જોઈએ, કારણ કે આપણે જ આપણું ભવિષ્ય વધારે સારું ઇચ્છીએ છીએ અને વધુ સારા દિવસોની અપેક્ષા રાખીએ છીએ. એવા સમયે આપણે આળસ કરીએ, બરાબર સમયે જ આપણે ન જઈએ એ જરા પણ યોગ્ય નથી અને જો એવું કોઈ કરે તો તેને સમજાવો કે જીવનને વધુ બહેતર બનાવવાની આ જે તક મળી છે એ છોડ્યા પછી આપણે કોઈને ફરિયાદ પણ નહીં કરી શકીએ.
જમુનાજીનાં દર્શન માટે લાઇનમાં ઊભાં-ઊભાં હમણાં મારા એક મિત્ર સાથે મારે ગુજરાત ઇલેક્શનની વાત થઈ. તેણે મને આ વખતે થોડી નારાજગી લાગે છે એમ કહ્યું તો મારે કહેવું છે કે નારાજગી હોય કોની સાથે? આપણા લોકો પ્રત્યે અને જો એ થોડી હોય તો યાદ રાખજો કે આપણા લોકો હશે ત્યાં નારાજગીના રસ્તા નીકળી શકે છે અને એ નીકળશે જ માટે થોડી નારાજગીને કારણે એવું ન કરતા કે વોટ આપવા નથી જવું. ના, એવું બિલકુલ ન કરતા. નાની નારાજગી દૂર થઈ જાય, પણ મત નહીં આપીને જાત પ્રત્યે મોટી નારાજગી જન્માવતા નહીં. મતદાન કરવાનું છે અને સરકારમાં રહીને જેણે બેસ્ટ કામ કર્યું છે એ લોકોને ફરી પાછા ત્યાં બેસાડવાના છે, જેથી તેઓ આપણું જ સુખ વધારવાનું કામ કરે, આપણી જ સગવડમાં નવા ઉમેરા કરે. ગુજરાત આજે દેશનાં શ્રેષ્ઠ રાજ્યો પૈકીનું એક છે. આ શ્રેષ્ઠતા ભવિષ્યમાં પણ અકબંધ રહે અને સુવિધાની બાબતમાં બાકીનાં તમામ રાજ્યો કરતાં ગુજરાત હંમેશાં આગળ રહે એવું જો ઇચ્છતા હો તો આજે અને સોમવારે મતદાન કરવા જવાનું ચૂકતા નહીં.
હું તો મથુરામાં છું, પણ મોટી માત્રામાં થયેલું મતદાન મારી મથુરાની ખુશીને બમણી કરશે એ નક્કી છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)