13 April, 2023 05:16 PM IST | Mumbai | JD Majethia
મહાભારતની મહિલાઓ : હિરોઇનિઝમનું બેસ્ટ એક્ઝામ્પલ
કુંતીમાતાના જીવનમાં બનેલી એક મોટી ઘટના પણ આપણે યાદ કરવી પડે. કર્ણને ત્યજી દેવાની ઘટના. જો કર્ણને તેમણે ત્યજી ન દીધો હોત તો તે પાંડવોનો સૌથી મોટો ભાઈ હોત અને તો ક્યારેય પાંડવ કહેવાયા જ ન હોત. જરા વિચારો, જો તેઓ છ ભાઈઓ હોત તો એ છ ભાઈઓ શું નામે ઓળખાતા હોત?
હિરોઇનિઝમ આપણે ત્યાં બહુ કૉમન છે. બધાને હીરો કે હિરોઇન બનવાનું મન હોય છે. મન હોય કે સપનું હોય, પણ ઇચ્છા તો હોય જ છે અને આ જે ઇચ્છા છે એ તેની આજીવન અકબંધ રહે છે. મારે આજે એક વાત કહેવી છે. હીરો કે હિરોઇન માત્ર મોટા પડદે જ હોય એવું નથી હોતું. હીરો અને હિરોઇન ટીવી પર જ જોવા મળે એવું પણ નથી હોતું. હીરો અને હિરોઇન લોકકથાઓમાં, વાર્તામાં, ઇતિહાસમાં કે પછી આપણે જીવીએ છીએ એ સામાન્ય જીવનમાં પણ હોય છે. કેટલીક વખત આપણે તેમને ઓળખી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને તેમના જેવા થવાનો પ્રયાસ પણ કરીએ છીએ તો ઘણી વખત આપણે તેમને ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ.
ઇતિહાસ સૌથી વધારે ગૌરવપ્રદ પાત્રો જો ક્યાંય જોવા મળતાં હોય તો એ મહાભારતમાં છે. મહાભારત આમ પણ ગૌરવગાથા છે અને એટલે જ મને મહાભારત હંમેશાં ગમ્યું છે. જીવનમાં જ્યારે પણ કોઈ પ્રશ્નનું નિરાકરણ શોધવું હોય ત્યારે હું મહાભારત અને ગીતા પર નજર મૂકતો હોઉં છું અને મોટા ભાગે મને જવાબ ત્યાંથી મળી પણ જતો હોય છે. એક અંગત વાત મને કહેવાનું મન થાય છે. મહાભારતની મહિલાઓ મને હંમેશાં ગમી છે. તમામેતમામ મહિલાઓમાં હિરોઇનિઝમ છે. આમ જોઈએ તો જગતની તમામ સ્ત્રીઓ પોતપોતાની દુનિયા, પોતપોતાની વાર્તા કે પછી જીવનની હિરોઇન હોય છે. આ વાત પુરુષોને લાગુ નથી પડતી. આપણે કૉમેડિયન પણ હોઈ શકીએ અને સહાયક અભિનેતા પણ હોઈ શકીએ; પણ મહિલાઓ... મહિલાઓ હિરોઇન જ હોય અને તેમના ભાગમાં આ જ પાત્ર ભજવવાનું આવ્યું છે. ફરી મૂળ વિષય પર આવીએ. મહાભારત, મહાભારતનાં તમામ મહિલા પાત્રો હિરોઇન સમાન છે, પણ પ્રશ્ન એ છે કે શું આજના સમયમાં તમને એવી હિરોઇન બનવું ગમશે ખરું?
મહાભારત આખી ગાથાનો જન્મ હસ્તિનાપુરના રાજા શાંતનુના સત્યવતી તરફના આકર્ષણથી થયો એમ કહેવું હોય તો કહી શકાય ખરું. મેં મહાભારત નાનપણમાં વાંચી હતી એટલે કાળક્રમે એ મને થોડી ભુલાઈ ખરી, પણ મને હજીયે યાદ છે કે મહાભારત સિરિયલની શરૂઆત લગભગ આ જ વાતથી થાય છે. સત્યવતી માછીમાર હતી અને શાંતનુ રાજા. જોકે સુંદરતા અને કામણથી મોટી કોઈ જાગીર નથી હોતી અને એનાથી વિશેષ કોઈ જ્ઞાતિ-જાતિ નથી હોતી. વચ્ચે એક વાત કહું તમને કે મહાભારતથી વિશેષ મોટો જૉઇન્ટ ફૅમિલી ડ્રામા આ જગતમાં બીજો કોઈ નથી અને એનું સ્થાન ક્યારેય કોઈ લઈ શકવાનું નથી. સત્યવતી અને શાંતનુ જેવી અનેક ઘટનાઓ આજે પણ ઘટે જ છે અને એ સમયે આપણે કહીએ પણ છીએ કે આ લવસ્ટોરી કેવી રીતે શક્ય બને? પણ સાહેબ, શક્ય બને છે અને આપણે પણ એ સ્વીકારી જ લઈએ છીએ. તમે જુઓ તો ખરા કે મહાભારતની મહિલાઓનાં એકેએક પાત્રો કેવાં છે? શું આજના સમયમાં આપણી મહિલા ગાંધારીની જેમ જીવી શકે ખરી? તમારા પતિદેવને એવી બીમારી કે એવી ઊણપ આવી જાય તો શું તમે એ રીતે જીવી શકો ખરા? એવી રીતે જીવવાની કલ્પના પણ તમારાથી થઈ શકે ખરી?
આપણે એક પણ જાતના તર્કવિતર્ક પર નથી જવાનું કે એ યોગ્ય હતું કે નહીં. ગાંધારીની ગરિમાને અકબંધ રાખીને જ જો કહેવાનું હોય તો કહેવું પડે કે પોતાના પતિના દુખમાં સહભાગી થવાનો રસ્તો તેણે કઈ રીતે અપનાવ્યો એ ખરેખર મોટી અને મહાન વાત છે. છતી આંખે આજન્મ અંધ તરીકે જીવવું એ તેમના મનની મક્કમતા અને તાકાત દર્શાવે છે. ૧૦૦ પુત્રો. આ યુગમાં બે પુત્રો સચવાતા નથી, પણ તેણે તો આંખે પાટા બાંધીને ૧૦૦ પુત્રોને સાચવ્યા. મને ઘણી વાર વિચાર આવે કે તેમણે કેવી રીતે ૧૦૦ પુત્રોને પ્રેમ આપ્યો હશે અને કેવી રીતે જોયા વગર ઉછેર્યા હશે? જવા દો, આપણે ગોટાળે ચડી જઈશું અને ગોટાળે ચડવું નથી એટલે આપણે મૂળ વાત પર પાછા આવીએ.
ગાંધારીએ આંખે પાટા બાંધીને પતિની તકલીફને અનુભવવાની કોશિશ કરી, પણ આ વાતને જુદી રીતે જોઈએ. ધારો કે તેમણે આંખો પર પટ્ટી બાંધવાને બદલે ધૃતરાષ્ટ્રની આંખો બનવાનું નક્કી કર્યું હોત તો? જો એવું કર્યું હોત તો ધૃતરાષ્ટ્રને કેટલો ફાયદો થાત. પત્ની દેખાડી શકે અને એમાં પણ ગાંધારી જેવી મહાન પત્ની જે દેખાડી શકે એવી દુનિયા બીજું કોઈ દેખાડી ન શકે. સંજયભાઈ હતા ખરા, પણ ગાંધારીની તોલે કોઈ ન આવે. જો ગાંધારી જોઈ શકતાં હોત તો તે ભાઈ શકુનિની ચાલબાજી જોઈ શક્યાં હોત અને દુર્યોધનને પણ બચાવી શક્યાં હોત અને કેટકેટલું પોતાના પરિવાર માટે કરી શક્યાં હોત. પણ હા, એક વાત છે. જો એવું કર્યું હોત તો મહાભારતનું આખું દૃશ્ય જુદું હોત અને કુરુક્ષેત્રથી આપણે વંચિત રહ્યા હોત અને એવું તો કૃષ્ણ કરવા દે નહીં. કૃષ્ણને તો પોતાની લીલા કરવી હતી અને આપણે કૃષ્ણલીલાને ક્યારેય ચૅલેન્જ નહીં કરવાની.
કુંતી માતા. કેવું હશે તેમનું પણ જીવન જ્યારે તેમણે અનાયાસ જ પોતાના પાંચ પુત્રોને કહી દીધું હશે કે જે લાવ્યા છો એ સરખે હિસ્સે વહેંચી લો? મિત્રો, જુઓ તો ખરા એ પાંચ કહ્યાગરા પુત્રોને, જેમણે એ એક જ યુવતી સાથે પાંચ પતિ બનીને આખી જિંદગી પસાર કરી હશે. આ જ પ્રસંગથી હું કહીશ કે જોયા વગર જીવનમાં ક્યારેય કોઈને કંઈ કહેવું નહીં.
કુંતીમાતાના જીવનમાં બનેલી એક મોટી ઘટના પણ આપણે યાદ કરવી પડે. કર્ણને ત્યજી દેવાની ઘટના. જો કર્ણને તેમણે ત્યજી ન દીધો હોત તો તે પાંડવોનો સૌથી મોટો ભાઈ હોત અને તો તેઓ ક્યારેય પાંડવ કહેવાયા જ ન હોત. છ ભાઈઓ હોત તો તેઓ શું કહેવાત? જો કર્ણને ત્યજી દેવામાં ન આવ્યો હોત તો તે દુર્યોધન સાથે ન ભળ્યો હોત અને તો દ્રૌપદીએ ક્યારેય તેને નકાર્યો ન હોત. ફરી પાછી એ જ વાત આવી જાય છે. જો એવું ન થયું હોત તો મહાભારત આગળ જ ન વધ્યું હોત અને કૃષ્ણની લીલા અધૂરી રહી ગઈ હોત. પ્રશ્ન એ છે કે શું આજની તારીખે કોઈ મહિલા કુંતી જેવી મહિલા બની શકે ખરી? એ રીતે જીવન જીવી શકે ખરી અને આ પ્રકારે નિર્ણય પણ લઈ શકે ખરી? કુંતી એક મહાન માતા હતાં એટલે ધારો કે તમે બનો પણ ખરાં અને તમારાં સંતાનો પણ પાંડવો માફક તમારો પડ્યો શબ્દ ઉપાડી લે; પણ તમારી વહુનું શું? આજના જમાનામાં આવી વહુ મળે ખરી? વહુ મળે તો શું તે દરેક શબ્દને હુકમ ગણીને સ્વીકારે ખરી? એના માટે દ્રૌપદી જેવી વહુ જોઈએ સાહેબ. દ્રૌપદી જેવી ક્ષમતા ધરાવતી, એવી પારંગત અને દ્રૌપદી જેવી આદર્શવાદી પણ. દ્રૌપદી આધુનિક સ્ત્રીઓનું પ્રતીક છે અને આ આધુનિકતા આજની કોઈ મહિલા અનુસરી પણ ન શકે એવી કઠોર છે એ પણ એટલું જ સાચું છે.
મહાભારતની મહિલાઓ અત્યંત મહત્ત્વની છે અને તેમના જેવી મહિલાઓનો સામનો કરવો પણ અસંભવ છે. મહાભારતની મહિલાઓમાં માત્ર દ્રૌપદી જ નહીં, દરેક મહિલામાં અનેક ગુણ છે અને એ ગુણના આધારે જ કૃષ્ણ પોતાની લીલા કરી શક્યા એ કોઈએ ભૂલવું ન જોઈએ.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)