08 February, 2024 08:49 AM IST | Mumbai | JD Majethia
જમનદાસ મજેઠીયા તેમના માતા પિતા સાથે
ડાયરેક્ટ કેટરિંગ સર્વિસવાળાને કૉન્ટ્રૅક્ટ આપી દેવામાં કામ પૂરું થઈ જાય અને આનંદથી પ્રસંગ કરી શકો, પણ એ રીતે પૂરા કરેલા પ્રસંગમાં યાદોનું પોત પાતળું હોય છે. બાપુજી કઈ રીતે પ્રસંગો પૂરા કરતા એ યાદ કરું છું ત્યારે સમજાય છે કે એ માત્ર પ્રસંગો નહોતા, યાદોનું મસ્તમોટું ગિફ્ટ-બૉક્સ હતું જે આજે પણ અમારી પાસે છે
સામાજિક, પારિવારિક, ધાર્મિક એમ મેં બધી વાતો કરી; પણ એમાં સૌથી અગત્યની વાત બાપુજી માટે જો કોઈ હતી તો એ કે તેઓ વૈષ્ણવ હતા. હા, બાપુજી માટે આ સૌથી મહત્ત્વનો, સૌથી અગત્યનો સંબંધ હતો. અમારા ઘરમાં અમારા વૈષ્ણવો સૌથી ઉપર અને સૌથી અગ્રિમ સ્થાન પર. તમને એક મજાની અને કદાચ માનવામાં ન આવે એવી વાત કરું. મારી બાને મારું બહુ. હું ઘરમાં સૌથી નાનો અને તમને ખબર જ છે કે જે સૌથી નાનો હોય તે હંમેશાં લાડકો હોય. જોકે બાને મારા માટે વિશેષ સ્નેહ એવું કહું તો ચાલે, પણ મારી બાને ક્યારેક મારા કરતાં પણ વધારે વહાલું કે વધારે કોઈ ગમતું હોય તો એ કોણ ખબર છે તમને?
ધોળ ભજન અને ભગવદ્-વાંચન કરતા અમારા બધા વૈષ્ણવો મારી બાને મારા જેટલા અને ક્યારેક લાગે કે મારા કરતાં ૦.૦૧ પર્સન્ટ વધારે વહાલા. ક્યારેક તો મારી સામે એટલો પ્રેમ અને આશીર્વાદ આપે કે મને એમ જ થાય કે આ મારો નાનો ભાઈ કે મારી નાની બહેન હશે. તેની હાજરીમાં જ મને કહે પણ ખરા કે જો, આને કેટલું સરસ ભગવદ્-ગાન આવડે છે. બાનો તેના પ્રત્યેનો આ સ્નેહ, આ લાગણી જોઈને મને ઘણી વાર થાય કે મારી બાને મારા કરતાં પણ વધારે પ્રિય તે હશે અને સાચું કહું તો મારી બા તેને એવો સ્નેહ પણ આપે અને એ જોઈને હું પણ બહુ દિલથી કહું કે મારી બા તને વધારે પ્રેમ કરે છે.
અમારો સંબંધ આવો, અમારી આવી લાગણી.
અમારા સમાજની એક ખૂબી છે. તમને ક્યારેય વૈષ્ણવોનો જે સ્નેહભાવ છે એ પરિવારથી ઓછો ન લાગે અને હું તો કહીશ કે ઘણી વાર તો પરિવારથી પણ વધારે લાગે. અમારો જે આખો સમાજ છે એ જ અમારો આખો પરિવાર છે અને અમે એવી જ રીતે રહીએ, એવી જ રીતે જોઈએ અને એવું સમજીએ. આપણી વાતનો ટૉપિક મારા બાપુજી હતા એટલે ફરીથી હું એ વાત પર પાછો આવું અને અહીં કનેક્ટ કરું તો કહી શકું કે મારા બાપુજી આ બાબતમાં મારી બા જેટલા જ અને કદાચ તેનાથી બે ડગલાં આગળ.
અમારા ઘરમાં મારા પહેલાં પાંચ લગ્નપ્રસંગ થયા. બાપુજીના માથે જ લગભગ બધી જવાબદારીઓ રહી. કારણ સમજાવું. મારા ત્રણ મોટા ભાઈનાં લગ્ન સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં એટલે કે ત્રણેય દીકરીઓ એટલે કે મારી ભાભીઓ અમારા વૈષ્ણવ સમાજમાંથી અને જામનગર જિલ્લાના જામખંભળિયા ગામથી તો મારી મોટી બહેન કમલનાં લગ્ન નાગપુર પાસે આવેલા છિંદવાડા ગામે થયાં અને મારી નાની બહેન ચંદ્રિકાનાં લગ્ન મુંબઈમાં થયાં. વધારે સ્પેસિફાય કરું તો કાંદિવલીના બહુ નામાંકિત એવા ડૉ. ખાલપરાના નાના દીકરા ડૉ. હેમંત સાથે થયાં. આ પાંચમાંથી ચાર પ્રસંગમાં લગભગ બધી જ જવાબદારીઓ બાપુજીએ લીધી, એકમાત્ર ચંદ્રિકાનાં લગ્નને છોડીને.
કાંદિવલીના એસ. વી. રોડ પર આવેલી મહાજનવાડીમાં બધાનાં લગ્ન થયાં અને બધાં રિસેપ્શન પણ ત્યાં જ. બે પ્રસંગ હોય એટલે નૅચરલી જમણવાર પણ બે થાય. બહુ સાધારણ વાત છે, જે તમે પણ નોટિસ કરી હશે કે લગ્નની દરેક વાડીમાં કોઈ એક કેટરરની મોનોપૉલી હોય. પૅનલ પર વધીને બે કે ત્રણ કેટરર હોય એટલે તમે તેમને જ મળી, તેમની સાથે પ્રસંગની વાત કરી મેનુ નક્કી કરો. પછી ભાવતાલની વાત આવે. થોડો ભાવતાલ કરવાનો. પચ્ચીસ-પચાસ રૂપિયા તમે વધો અને દસ-વીસ રૂપિયા તે ઘટે એટલે તમે એ કેટરરને કૉન્ટ્રૉક્ટ આપી દો. તમારું બધું કામ થઈ જાય. આનો ફાયદો પણ છે.
કેટરિંગ તમે આપી દીધું હોય એટલે તમે પોતે પણ શાંતિથી અને સારી રીતે પ્રસંગને માણી શકો, એમાં આનંદ સાથે ભાગ લઈ શકો; પણ હા, આ આખી વાતમાં પ્રૉબ્લેમ જે આવે એનો મેં તમને અણસાર આપ્યો. પચ્ચીસ-પચાસ રૂપિયા તમે વધો એટલે કે વધારે ખર્ચની તમે તૈયારી રાખો અને આનંદ સાથે પ્રસંગ પૂરો કરો, પણ આપણે વાત કરીએ છીએ મારા બાપુજીની. તેમની વિચારશૈલી હતી જ જુદી. બાપુજી માનતા કે બન્ને પક્ષની શક્તિ પ્રમાણે જ પ્રસંગો કરવા જોઈએ. તે એવું દૃઢપણે માનતા કે ફક્ત પૈસા કે બજેટને જ આ વાત લાગુ નથી પડતી; પણ પોતાની દરેક આવડત, અનુભવ અને સંપર્કોને પણ ઉપયોગમાં લઈ આખા પ્રસંગને વધારે રસપ્રદ, વધારે મજેદાર અને સાચી કરકસર સાથે આગળ વધારીએ એને જ સાચી શક્તિનો ઉપયોગ કર્યો કહેવાય. આ આખી વાતનું વાજબીપણું ક્યાં આવે એ પણ તમને સમજાવું.
બન્ને પક્ષે વૈષ્ણવ એટલે શુદ્ધતાની જે તકેદારી રાખવાની હોય એ પણ જાળવી શકાય તો સાથોસાથ તમામ પ્રકારની તકેદારી રાખવાની હોય, ચીવટ રાખવાની હોય એ પણ જાળવી શકાય. ખોટો પૈસો ખર્ચાય નહીં અને આ વાતને બાપુજી બહુ સરસ રીતે સમજાવતા. તે કહેતા કે પૈસો ખર્ચવો જ છે, પણ ખોટી જગ્યાએ એ ખર્ચાય નહીં એનું ધ્યાન પણ રાખવાનું હોય. જો તમે ધ્યાન ન રાખો તો એ ખોટો પૈસો ખર્ચાયો કહેવાય. બાપુજી એ પણ કહેતા કે પૈસો લક્ષ્મી છે, એને ખોટી રીતે વાપરો તો અનાદર થયો કહેવાય અને લક્ષ્મીજીનો અનાદર કરો તો એ ટકે નહીં.
ઍનીવે, પેલી પ્રસંગવાળી વાત પર આવી જઈએ.
બાપુજી પ્રસંગો જાતે કરવામાં કેવા-કેવા રસ્તાઓ કાઢતા એ જાણવા જેવું છે. એ જમાનામાં મહાજનવાડીમાં મોનોપૉલી જેવું હતું નહીં. અફકોર્સ, અત્યારની મને ખબર નથી. પ્રસંગની તૈયારીઓ શરૂ થાય એટલે મારા બાપુજી કંદોઈ અને રસોઇયાની પાસે જાય. એવા કંદોઈ-રસોઇયા પાસે જેમના હાથમાં સ્વાદ તો હોય જ, પણ સાથોસાથ તે પોતે પણ ધાર્મિક ભાવનો હોય અને એંઠા-જૂઠાનું ધ્યાન ચીવટ સાથે રાખે, જેથી જાનૈયાઓને કે ઘરના, સમાજના મહેમાનોએ કોઈનું પણ એક પણ પ્રકારનું એંઠું ન ખાવું પડે. બાપુજી તેને મળે અને પછી નક્કી કરે અને પછી બે-ચાર જણને બોલાવે અને પેલા રસોઇયા-કંદોઈને પણ બોલાવે અને પછી તેની પાસે બધું બનાવડાવે કે આમના હાથનું ચાખી જુઓ, આમના હાથનું ખાઈ જુઓ.
આવું શું કામ તો એ પણ કહું.
પોતે તો બહારનું ખાય નહીં એટલે જેના પર તેમને વિશ્વાસ હોય, ભરોસો હોય તેને બોલાવે અને એ લોકોના ટેસ્ટના રિપોર્ટ પર તે નક્કી કરે કે કોને રસોઈ માટે બોલાવવા છે. એક વાર નક્કી થાય એટલે પછી વાત આવે મેનુની અને એમાં પણ બાપુજીની જબરી ફાવટ. મેં તમને કહ્યું હતું એમ બાપુજીને સીઝન અને સીઝનલ વરાઇટીઓની પણ ખૂબ સમજણ એટલે મેનુ નક્કી કરતાં પહેલાં કઈ સીઝન છે અને એ સીઝનમાં શું સારું આવે છે, શું ખાવાલાયક છે એ બધું જોવામાં આવે અને એ જોયા પછી આવતાં એ શાકભાજી અને ફ્રૂટ્સમાંથી આઇટમો નક્કી થાય અને એને મેનુમાં બેસાડવામાં આવે.
આ અને આવું ઘણુંબધું છે જે કહેતી વખતે મને પોતાને અત્યારે સમજાઈ રહ્યું છે કે આ કામો જ પ્રસંગોની બ્યુટી વધારતા. કેટરર્સને બોલાવી લેવાથી માથાકૂટ ઓછી થતી હોય છે; પણ ભાઈ, કેટલીક માથાકૂટ જીવનમાં લો તો જ તમારી પાસે યાદોનું ભાથું મોટું અને વિશાળ બને, જે મારા બાપુજી પોતાની સાથે લઈને ગયા અને સાથોસાથ અમને પણ આપતા ગયા.
ફક્ત પૈસા કે બજેટને જ આ વાત લાગુ નથી પડતી; પણ પોતાની દરેક આવડત, અનુભવ અને સંપર્કોને પણ ઉપયોગમાં લઈ આખા પ્રસંગને વધારે રસપ્રદ, વધારે મજેદાર અને સાચી કરકસર સાથે આગળ વધારીએ એને જ સાચી શક્તિનો ઉપયોગ કર્યો કહેવાય. આ આખી વાતનું વાજબીપણું ક્યાં આવે એ પણ તમને સમજાવું.