સમાજની વાડીઓએ કેટકેટલા પ્રસંગોને દીપાવી દીધા છે

29 February, 2024 08:50 AM IST  |  Mumbai | JD Majethia

કાંદિવલીની લોહાણા મહાજનવાડીએ અમારા જેવા કેટકેટલા લોકોના પ્રસંગો સાચવ્યા છે. એ સંસ્થા પાછળ પોતાનો સમય ખર્ચતા અને તન, મન, ધનથી ઘસાતા જે કાર્યકર્તાઓ છે, જે પદાધિકારીઓ છે એ બધાનો આભાર.

જમનદાસ મજેઠીયા તેમના માતા પિતા સાથે

મારા બાપુજીની આવડત, કુનેહ અને ગણતર વચ્ચે તે પ્રસંગોને બજેટ કરતાં પણ ઓછા ખર્ચમાં બહુ સરસ રીતે નિભાવી દેતા, જેમાં તેમને અમારી મહાજનવાડીનો પણ બહુ મોટો સાથ મળતો. દરેક સમાજમાં આ પ્રકારની સંસ્થાઓ હોય જે ઘરના સભ્યની જેમ પ્રસંગ સમયે પડખે ઊભી રહી જાય

આપણા વડીલોની વાતો તમે સાંભળો તો તમને પોતાને નવાઈ લાગે કે તેઓ કેવા દૂરંદેશી હતા કે નાનામાં નાની વાત પણ લાંબા ગાળે કેવી અસર કરે એની સમજ રાખતા. દરેકના વડીલો એવા જ હોય એવું હું માનું છું અને એટલે જ કહું છું કે જો તમને તેમની પાસે બેસવાનો મોકો મળે, વાતો સાંભળવાનો મોકો મળે તો એ સાંભળજો. ક્યારે એ વાતો તમને જીવનમાં કામ લાગી જશે એની તમે કલ્પના સુધ્ધાં નહીં કરી હોય. 

મારી વાત કરું તો બાપુજી વિશેની કેટકેટલીક વાતો મારી બા પાસેથી પછી જાણવા મળી છે. એ જાણ્યા પછી મને એમ થાય કે આવું પાત્ર મારી આસપાસ હતું, મારી સાથે હતું તો પણ હું કેમ તેમની પાસેથી ઓછું શીખી શક્યો? જોકે પછી હું એ અફસોસ કરવાનું છોડીને તેમની વાતોમાંથી લેસન લેવાનું કામ કરું અને એ વાતો બહુ ઇન્સ્પાયરિંગ પણ હોય, મને ઇન્સ્પિરેશન પણ બહુ આપે. પ્રસંગો કેમ સાચવવા, કેવી રીતે એને આગળ ધપાવવાના અને એ બધું કર્યા પછી પણ તમે ક્યાંય એક રૂપિયાનો ખોટો ખર્ચ ન કરો એ વાતની આવડત આપણા વડીલોમાં કૂટી-કૂટીને ભરી હતી.

અમારા ઘરના પ્રસંગોની જે વાતો મેં તમને કરી હતી એ જ વાતને હું અહીં કનેક્ટ કરીને કહું તો એ પ્રસંગો એવી રીતે સચવાયા હોય કે આપણે તો વિચારી પણ ન શકીએ. પ્રસંગોની બાબતમાં બન્ને પક્ષે સાથે મળીને ખર્ચ નક્કી કર્યો હોય. જ્યારે મારા બાપુજી બજેટ આપે ત્યારે તમે માની ન શકો એવા આંકડા હોય. પાંચ હજાર અને સાત હજાર રૂપિયામાં પ્રસંગનો ખર્ચ પતાવી દીધાનું તેમના હિસાબમાં દેખાતું હોય! આ હું સતયુગની વાત નથી કરતો, હમણાંની જ એટલે કે ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છે અને એ સમયે પણ આવા ખર્ચમાં કામ નહોતું થતું. અમારા તમામ પ્રસંગની વાત કરું જેમાં બાપુજીએ બધી જવાબદારી પોતાના હસ્તક રાખી હોય એ પ્રસંગોમાં હાઇએસ્ટ તેર હજાર રૂપિયામાં લગ્ન થઈ ગયાં છે.

એ બધી વાતો સાંભળીએ તો આપણે વિચારમાં પડી જઈએ કે આ કઈ રીતે શક્ય બને? જોકે એમાં કુનેહ, આવડત અને ગણતરીની સાથોસાથ શારી​રિક મહેનત પણ એટલી જ જવાબદાર હોય છે. રસોઇયાઓ પહોંચે એ પહેલાં વાડીના રસોડામાં ઊભા રહી જવાની તૈયારી હોય તો આ પરિણામ આવે. હા, મારે એ પણ કહેવું રહ્યું કે કાબૂમાં રહેલા આ ખર્ચની વાતમાં મહાજનવાડીનો પણ બહુ મોટો ફાળો રહ્યો છે.

અમારા પ્રસંગોમાં લગભગ લોહાણા મહાજનવાડી જ હોય અને સમાજને બધું એકદમ રીઝનેબલ ભાવમાં મળે. આજે સમાજમાં આવી બહુબધી સંસ્થાઓ છે જેઓ પોતાના જ્ઞાતિજનો માટે ખરેખર રાહતદરમાં કહેવાય એવા ભાવમાં બધી સુવિધાઓ આપવાનું કામ કરે છે. અરે, અનેક સંસ્થાઓ તો એવી પણ છે કે જે બીમારી દરમ્યાન નિઃશુલ્ક સારવારથી માંડીને અમુક સામાન પણ આપતી હોય છે. મારે એ તમામ સંસ્થાઓનો આભાર માનવો છે જેઓ સમાજની ખુશીમાં ખુશ રહીને સાથે રહે છે તો સમાજના લોકોની જરૂ​રિયાત સમયે હાથ પકડીને તેમની બાજુમાં ઊભા રહે છે.

કાંદિવલીની લોહાણા મહાજનવાડીએ અમારા જેવા કેટકેટલા લોકોના પ્રસંગો સાચવ્યા છે. એ સંસ્થા પાછળ પોતાનો સમય ખર્ચતા અને તન, મન, ધનથી ઘસાતા જે કાર્યકર્તાઓ છે, જે પદાધિકારીઓ છે એ બધાનો આભાર અને સાથોસાથ તેમનો પણ આભાર જેઓ સમાજનાં કામો માટે જરૂ​રિયાતના સમયે યથાશક્તિ આર્થિક મદદ પણ કરતા હોય છે. આ સમયે મને પેલું ગીત યાદ છે : સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, ​મિલ કર બોજ ઉઠાના...

આ ગીત આપણા આ સમાજના આગેવાનો સાથે અક્ષરશ: મેળ ખાય છે. મારા બાપુજી જેવી લાખો એવી ફૅમિલી હશે જેમને સમાજે આ પ્રકારે સહકાર આપ્યો છે. આ બધું હું અત્યારે યાદ કરું છું તો મને થાય છે કે હું બહુ નસીબદાર છું, ધન્ય છું કે મને આ બધું જાણવા, જોવા અને શીખવા મળ્યું છે. આપણે ત્યાં સમાજના આગેવાનો વિશે બહુ લખાતું નથી હોતું, પણ મને લાગે છે કે એ કામ થવું જોઈએ. આ પ્રકારના આગેવાનોને કારણે મોટા ભાગનાં ઘરોમાં પ્રકાશ પથરાતો હોય છે. દરેક સમાજમાં આ પ્રકારની સુવિધા હોતી જ હશે એવું હું ધારી લઉં છું તો એ પણ ધારી લઉં છું કે દરેક સમાજમાં આ પ્રકારના આગેવાનો હોય છે જેઓ માત્ર ને માત્ર પોતાના સમાજ માટે કંઈ પણ કરવા ખડે પગે ઊભા રહેતા હોય છે. 

સમાજ માટે ઊભા રહેવું, સમાજ માટે તિજોરી ખુલ્લી રાખવી એમાં પણ હિંમત જોઈએ. તમે તમારા પોતાના માટે કંઈ કરો એ તો સમજાય. સંબંધ છે કે પછી લાગણી છે એટલે તમે તેમના માટે કંઈ પણ કરવા માટે ઊભા રહી શકો, રહી જાઓ; પણ તમારે જેની સાથે કોઈ ઓળખાણ નથી, જેની સાથે તમારે પરિચય નથી તેના પડખે ઊભા રહેવું અને એ પણ ઉદાર મન સાથે એ મારે મન મોટી વાત છે. ઍનીવે, ફરી આવી જઈએ આપણે આપણી વાતો પર એટલે કે મારા બાપુજીની વાતો પર.

મારી દૃષ્ટિએ હું મારા ફાધરનું આખું જીવન જોઉં અને પછી એ લખવા બેસું તો એક ગ્રંથ પણ મને ઓછો પડે અને મને લાગે છે કે લગભગ દરેક સંતાનને પોતાના પિતાના ઇન્સ્પાયરિંગ જીવનના પ્રસંગોને લખવા માટે એક ગ્રંથ ઓછો જ પડે. જોકે અફસોસની વાત એ છે કે દરેક સંતાનને મને મળી છે એવી તક નથી મળતી અને કાં તો સમયની બાબતમાં ક્યાંક એ લોકો પાછા પડે છે. મારે અહીં એક વાત કહેવી છે. જો તમારી ઇચ્છા હોય તો તમે કોઈ પણ કામ કરી શકો છો અને ક્યારેય પણ કરી શકો છો. ભગવાને બધાને ચોવીસ કલાકનો જ દિવસ આપ્યો છે. એવું નથી બન્યું કે કોઈ ઈશ્વરને વહાલું હોય એટલે ભગવાન તેને ત્રીસ કલાકનો દિવસ આપે અને કોઈ ઓછું વહાલું હોય તો ભગવાન તેને વીસ કલાકનો દિવસ આપે. કેવું કહેવાય કે ભગવાન પુણ્યશાળીને પણ ચોવીસ કલાક જ આપે અને ખોટું કરનારાઓને પણ એ ચોવીસ જ કલાક આપે. હું તો માનું છું કે બધા પાસે ચોવીસ જ કલાક છે તો પછી આપણે એ સમયને કેવી રીતે મૅનેજ કરવો એ જોતા અને શીખતા રહેવાનું છે. આ બાબતમાં પણ હું મારા બાપુજીનો આભારી રહીશ.

તેઓ પોતાના સમયનો ચીવટપૂર્વક ઉપયોગ કરતા. જરૂરી હોય તો તેઓ કોઈની પાછળ કલાક ખર્ચી નાખે અને જરૂરી ન હોય તો તેઓ એક મિનિટ પણ માંડ વાપરે. સમય ક્યાં ખર્ચવો અને કેવી રીતે ખર્ચવો એની સમજણ જો આપણે આપણા વડીલો પાસેથી લઈએ તો એનો ફાયદો આપણી ફૅમિલીને જ થાય. મેં જોયું કે બાપુજી પોતાની બધી ઍક્ટિ​વિટી જાતે જ કરતા. સવારમાં સેવાપૂજા પણ કરે, દુકાને પણ જાય, રાતે આવતી વખતે તેઓ ઘરનાં કામો પણ કરતા આવે, ઘર માટે કંઈ લેવાનું હોય તો એની ખરીદી પણ કરી લે અને સમયસર રાતે ઘરે પણ આવી જાય. મને યાદ નથી કે બાપુજી ક્યારેય રાતે અગિયાર અને બાર વાગ્યે ઘરે આવ્યા હોય. ના અને બીજી વાત, મેં તેમના મોઢે ક્યારેય એવું સાંભળ્યું નથી કે ટાઇમ જ ન રહ્યો. ના, ક્યારેય નહીં.
સમય તમારા હાથમાં છે. જો તમે એને તમારી પાસે અકબંધ રાખો તો એ તમારા મુજબ ખર્ચાય, પણ તમારો સમય જો તમે અન્ય કોઈના હાથમાં મૂકી દો તો એ સામેવાળા મુજબ ખર્ચાય. બહુ અગત્યની છે આ વાત. જીવનમાં ઉતારશો તો ખરેખર લાભમાં રહેશો. મેં જીવનમાં ઉતારી છે અને એમાં પણ બાપુજી જ જવાબદાર રહ્યા છે.
મળીએ ત્યારે હવે આવતા ગુરુવારે.

columnists JD Majethia kandivli gujarati community news