સતત બીજાઓ માટે જીવતા રહીશું તો પણ બીજાઓ ક્યારેય કાયમ ખુશ થશે નહીં

13 May, 2024 09:15 AM IST  |  Mumbai | Jayesh Chitalia

બધાને ખુશ કરવા-સંતોષવા આપણે પોતાને ગમતું કરવાનું, પોતાની ખુશી માટે જીવવાનું ચૂકી જઈએ છીએ.

પ્રતીકાત્મક તસવીર

બીજાઓને શું લાગશે? શું ગમશે, શું નહીં ગમે? બીજાઓ શું કહેશે? એ વિચારોમાં-ચિંતામાં જ આપણામાંથી મોટા ભાગના લોકો જિંદગી પસાર કરતા રહે છે, શું એ યોગ્ય છે? આવા સવાલ સમાજસેવા કે ત્યાગ માટે નથી, પરંતુ આપણા જીવન પર એક યા બીજી રીતે કે સ્વરૂપે હાવી થતા લોકો વિશે છે. આપણી આસપાસ અનેક લોકો આપણા પર પોતાનાં વિચારો, મત, મરજી થોપતા રહે છે અને આપણે એ લોકોને રાજી કરવા કે સંતોષવા એ મુજબનું જીવન જીવ્યે રાખીએ છીએ. આમ કરીને આપણને ખુદને જ અન્યાય કરતા રહીએ છીએ અને છેવટે ફરિયાદ કરતા રહીએ છીએ કે આપણને પોતાને ખુશી નથી મળતી. 

આપણા બધાના જીવન પર એટલાબધા લોકોની અસર સતત છવાયેલી રહે છે. એ બધામાં સૌથી વધુ તો આપણા પરિવારજનો, સગાંસંબંધી, મિત્રો (દુશ્મનો પણ), પાડોશીઓ, ઑફિસના કર્મચારીઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, તબીબો તેમ જ આપણી સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલા તમામ લોકો સામેલ હોય છે. જીવનમાં અનેક લોકો આપણા ન્યાયાધીશ બનીને બેઠા હોય છે અને કરુણતા એ છે કે આવા લોકોને સંતોષ આપવા આપણે દરેકને પસંદ પડે, સારું લાગે એવું વર્તન કરતા રહીએ છીએ. બીજાને શું લાગશે, લોકો શું માનશે, લોકો શું કહેશે, આપણી ઇમ્પ્રેશન ખોટી પડશે તો? આપણામાં વ્યવહારુ સમજણ નથી એવું લોકો માનતા થઈ જશે તો? વગેરે સવાલો આપણને સતાવતા રહે છે. મિત્રો આપણા વિશે શું માનશે? પત્નીને પતિ માવડિયો લાગે, માતાને દીકરો પત્નીઘેલો લાગે. આવાં તો અનેક અલગ-અલગ જજમેન્ટ આપણા પર લટકતાં હોય છે. આ બધાને ખુશ કરવા-સંતોષવા આપણે પોતાને ગમતું કરવાનું, પોતાની ખુશી માટે જીવવાનું ચૂકી જઈએ છીએ.

આપણે ક્યારેય એક જ સમયે એકસાથે બધાને સંતોષ આપી શકીએ નહીં. આપણે વાસ્તવમાં આપણા સત્યને પ્રાયોરિટી આપવી જોઈએ. ધર્મ, કર્તવ્ય, ફરજ, વ્યવહાર, પરંપરાના નામે આપણને કહેવામાં આવે છે કે આમ કરો, તેમ કરો, આ ન કરો, પેલું ન કરો; પરંતુ આપણે આ બધામાં અટવાતા રહ્યા તો આપણે સતત બીજાઓ માટે જીવતા રહીશું. એમ છતાં બીજાઓ ક્યારેય કાયમ ખુશ થશે નહીં. ખરેખર તો આપણી સૌથી પહેલી ફરજ, કર્તવ્ય કે ધર્મ આપણી જાતને આનંદિત રાખવાની છે. આપણે ખુદને  જ ખુશ નહીં રાખીએ તો બીજાને કેવી રીતે ખુશ રાખી શકાશે? આપણું જીવન આપણી વિવેકબુદ્ધિના આધારે સ્વાર્થી હોવું જોઈએ, આ સ્વાર્થીપણું એટલે સ્વનો અર્થ શોધવાની-જાણવાની વાત કેન્દ્રમાં રાખીને જીવવું.   

columnists life and style sex and relationships