જયદેવને જોઈએ એવો યશ અને જશ મળ્યા નહીં

11 February, 2022 04:16 PM IST  |  Mumbai | Rashmin Shah

સંગીતકાર જયદેવ અને પ્રવીણ જોષી વચ્ચે બહુ સારી દોસ્તી, જયદેવ પ્રવીણ પાસે બેસવા આવે અને આખેઆખી રાત બન્ને વાતો કરે. લતાજીને અફસોસ હતો કે જયદેવને જોઈએ એવી પ્રસિદ્ધિ અને પૈસો મળ્યાં નહીં

સંગીતકાર જયદેવજી સાથે લતાજી.

બેથી ત્રણ વાર હું મળી છું લતાદીદીને અને તેમને મળવામાં જો કોઈ નિમિત બન્યું હતું તો એ જયદેવ નિમિત્ત બન્યા હતા. સંગીતકાર જયદેવ. લતાદીદીને તેમના માટે બહુ માન. જો તમને ખબર ન હોય તો કહું કે જયદેવસાહેબ નાઇરોબીના, પંદર વર્ષની ઉંમરે તે મુંબઈ આવ્યા અને પછી મુંબઈના થઈને જ રહ્યા.
લતાજી વિશે વધારે વાત કરવાનો હક તો પ્રવીણ જોષીને છે પણ હું કહીશ કે પ્રવીણની ગેરહાજરીમાં એ કામ મારે કરવાનું છે. લતાજી અને પ્રવીણ વચ્ચે એક કડી હતી, જયદેવ. લતાજીને જયદેવ માટે ખૂબ માન તો જયદેવ અને પ્રવીણને પણ બહુ બનતું. પ્રવીણના નાટક ‘ધુમ્મસ’માં મ્યુઝિક પણ જયદેવે આપ્યું હતું. જયદેવ નિયમિત ઘરે આવે. પ્રવીણ અને જયદેવ બેસે. ઘણી વાર તો આખેઆખી રાત વાતો કરે. હું સવારે જાગું ત્યારે ખબર પડે કે બેઉ આખી રાત વાતો કરતાં બેઠા હતા. જયદેવ મને કહેતા કે પ્રવીણ સે બાત કરકે મુઝે ક્રીએટિવ સૅટિસ્ફૅક્શન મિલતા હૈ તો એ જ વાત મને પ્રવીણ પણ કહેતા.
‘જયદેવ સાથે વાત કરીને મને થાય છે કે એમનામાં જે સંતોષ છે એ ખરેખર કેળવવા જેવો છે, જે ધીરજથી એ કામ કરે છે એ ખરેખર કાબિલ-એ-તારિફ છે.’
લતાજીને પણ એવું જ લાગતું હતું જેવું પ્રવીણને લાગતું હતું. બહુ ઓછા લોકોને ખબર છે કે જયદેવને પ્રમોટ કરવામાં લતાજી પણ મહેનત કરતાં અને એ પછી પણ લતાજી અને જયદેવ વચ્ચે કોઈ બાબતમાં મિસઅન્ડરસ્ટૅન્ડિંગ થવાને લીધે એ બન્નેએ થોડો સમય સાથે કામ નહોતું કર્યું અને એ પછી પણ જયદેવ કે લતાજી ક્યારેય એ ચર્ચા કોઈની સાથે કરતાં નહીં, ક્યારેય નહીં. આ તેમની ખાનદાની હતી અને આ ખાનદાની તેમનામાં જ હોય જે મહાનતમ વ્યક્તિત્વ ધરાવતા હોય.
લતાજીને આજીવન એવું લાગ્યું કે જયદેવને તેમના હિસ્સાની પ્રસિદ્ધિ કે પૈસો મળ્યો નહીં, ક્યારેય નહીં. લતાજી અને પ્રવીણની એક ખાસ વાત કહું તમને. એ બન્ને જયદેવને છેક ત્યારથી ઓળખતાં જ્યારે જયદેવ સંગીતકાર એસ. ડી. બર્મનના અસિસ્ટન્ટ હતા. એ બન્નેને જયદેવની કમ્પોઝિશનની સ્ટાઇલ પણ આગવી લાગતી.
લતાજીને પોતાને એવું લાગતું કે જયદેવે તર્જબદ્ધ કરેલાં ગીતો ગાવાં એ એક પડકાર જેવું કાર્ય હતું. જયદેવે તૈયાર કરેલી ધૂન પર બીજા ગાયકે ગાયેલાં ગીતો લતાજીને ગમતાં તો તે સામેથી જયદેવને ફોન કરીને કહેતાં કે તમારું આ ગીત મને બહુ ગમ્યું. લતાજીની આ જે નિખાલસતા હતી એ નિખાલસતા જયદેવ અમારે ત્યાં આવે ત્યારે વર્ણવે અને કહે પણ ખરા કે મેં લતાજીને કહ્યું છે કે એ ગીત કેમ મેં બીજા ગાયક પાસે ગવડાવ્યું છે. 
તમને ખબર નહીં હોય કે લતાજીએ જયદેવ માટે નેપાલી ગીતો પણ ગાયાં છે. એ પણ એવા સમયે જે સમયે લતાજી અહીં પણ ખાસ્સાં બિઝી હતાં. નેપાલી ગીતો માટે હા પાડવાનું કારણ બીજું કંઈ નહીં પણ જયદેવ રહેતા. જયદેવ તેમને કહે એટલે લતાજી તરત જ પૂછે, ધૂન સરસ છેને! જયદેવ જવાબ આપે કે એટલે જ તમારો આગ્રહ છે અને લતાજી તરત જ હા પાડી દે. 
લતાજી અને જયદેવ વચ્ચે જ્યારે ગેરસમજણ હતી ત્યારે પણ જયદેવ તો તેમને ગાયન માટે અપ્રોચ કરતા જ અને લતાજી પણ જયદેવ સાથે ફોન પર વાત કરીને ધીમેકથી ના કહી દેતાં. અબોલા જેવું બેમાંથી કોઈએ નહોતું રાખ્યું. આ જ કારણે જ્યારે જયદેવે દેવ આનંદની ફિલ્મ ‘હમ દોનો’ માટે લતાજીનો સિન્ગિંગ માટે કૉન્ટૅક્ટ કર્યો ત્યારે લતાજીએ જયદેવ સાથે વાત કરીને ના પાડી દીધી, પણ દેવ આનંદ અને ફિલ્મના રાઇટર તથા દેવ આનંદના મોટા ભાઈ વિજય આનંદે લતાજી સાથે વાત કરી અને લતાજીને મનાવી લીધાં. એ ફિલ્મનું ડિરેકશન અમરજિતનું હતું પણ લતાજીએ જ આનંદ ભાઈઓ પાસે આગ્રહ રાખ્યો કે એ બેમાંથી કોઈ રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં હાજર રહે. આમ પણ નવકેતનની જ ફિલ્મ હતી એટલે ભાઈઓ હાજર જ રહેવાના હતા પણ અહીં કારણ જુદું હતું એટલે એક નહીં, બન્ને ભાઈઓ હાજર રહ્યા. 
જે દિવસે ગીતોનું રેકૉર્ડિંગ હતું ત્યારે એના બે દિવસથી જયદેવ બહુ ડિસ્ટર્બ હતા. તેમણે પ્રવીણ સાથે પણ વાત કરી હતી. એક વખત જયદેવ વિશે વાત ચાલતી હતી ત્યારે પ્રવીણે આ વાત મને કરી હતી.
એ બે સૉન્ગ પૈકીનું એક સૉન્ગ એટલે પેલું અમર ગીત, અલ્લાહ તેરો નામ... અને બીજું પણ અવ્વલ દરજ્જાનું ભજન પ્રભુ તેરો નામ... આ બન્ને ગીત એક જ દિવસમાં લતાજીએ રેકૉર્ડ કર્યાં હતાં અને અલ્લાહ તેરો નામ... સમયે તો રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં બેઠેલો એકેએક માણસ ભાવુક થઈ ગયો હતો.
હું લતાજીને મળી ત્યારે મેં જયદેવને યાદ કર્યા તો તેમણે બહુ સરસ રીતે કહ્યું હતું કે જયદેવ બનેલા નહીં પણ જન્મજાત સંગીતકાર છે. મને એક જ વાતનો અફસોસ છે કે તેમને જે મળવું જોઈતું હતું, જેટલું મળવું જોઈતું હતું એટલું મળ્યું નહીં. થોડા સમય પહેલાં જયદેવની પુણ્યતિથિ પર લતાજીએ ટ્‍‍વિટર પર પણ આ જ વાત લખી હતી અને કહ્યું હતું કે તેમને જેટલો યશ અને કામ મળવું જોઈએ એટલું મળ્યું નહીં. જોકે જયદેવને ક્યારેય એ વાતનો અફસોસ પણ નહોતો. એ તો વખાણથી અને પુરસ્કારથી જ રાજી થઈ જતા. 
પ્રવીણ જોષીના અવસાન પછીની વાત છે. જયદેવનો એક દિવસ મને ફોન આવ્યો. તેમને મધ્ય પ્રદેશ સરકારે સન્માનિત કર્યા હતા. જયદેવે બહુ સરસ રીતે મને કહ્યું કે એ અવૉર્ડ કોના નામનો છે ખબર છે, લતા મંગેશકરના નામનો! આ જ વાત તેમણે લતાજીને પણ ફોન કરીને કહી હતી અને કહ્યું હતું કે દીદી, તમારે કારણે હું લખપતિ બની ગયો, મને તમારા નામનો અવૉર્ડ મળ્યો.
હું અને લતાજી મળ્યાં ત્યારે અમને બન્નેને સૌથી વધારે ખુશી એ વાતની હતી કે બેઉ મરાઠીએ બીજી ભાષામાં કામ કરીને નામના મેળવી હતી. લતાજીએ હસતાં-હસતાં કહ્યું હતું કે તું તો સ્ટેજની મોર છો, તારી કળાથી આખા સ્ટેજને ભરી દે છે.

શબ્દાંકનઃ રશ્મિન શાહ

 લતાજીએ જયદેવ માટે નેપાલી ગીતો પણ ગાયાં છે. જયદેવને લતાજી પૂછે, ધૂન સરસ છેને! જયદેવ હા કહે કે લતાજી તરત જ હા પાડી દે. 

columnists Rashmin Shah