15 December, 2022 05:49 PM IST | Mumbai | JD Majethia
પ્રતીકાત્મક તસવીર
ખુશીમાં સુખ છે એ બાળકોને શીખવવું ખૂબ જરૂરી છે. મોટાં થઈને તેમને પરિસ્થિતિ એ શીખવે એના કરતાં તો સારું છે કે એ કામ અત્યારે આપણે કરીએ. જો આજે આપણે સાચી રીતે બાળકોને ટ્રેઇન કરીશું તો મોટાં થયા પછી તેમને ચીજોની પ્રાઇસ નહીં, પણ એની કિંમત સમજાશે અને સમજાવું પણ જોઈએ જ..
ભગવાને અમુક વખત મુઠ્ઠી બંધ રાખવી પડે અને અમુક સમયે છપ્પર ફાડીને આપવાનું કામ પણ કરવું પડે. કહેવાય છેને કે આપણે આપણાં કરેલાં કર્મો ભોગવવાં પડે અને એટલે જ હું માનું છું કે જીવનમાં સદ્કર્મોની શ્રીમંતાઈ બહુ જરૂરી છે. કર્મ ઘણી વાર પૈસાનો દુરુપયોગ કરાવે. આ જે દુરુપયોગ છે, એમાંથી જ લાંચ-રુશવતનો પૈસો જન્મે, જેને આપણે કાળો પૈસો કહીએ છીએ. સવાલ એ છે કે આ કાળો પૈસો છે શું? આપણા દેશમાં થોડાં વર્ષોમાં ઘણી નવી કરન્સી આવી ગઈ અને એ કરન્સીનો કલર પણ મસ્તમજાનો છે, સાઇઝ પણ બદલાઈ છે. બે હજારની નોટ મહિલાઓના ફેવરિટ પિન્ક કલરની છે એટલે આપણા ઘરની મહિલાઓ આ પિન્ક નોટને ખર્ચવાને બદલે સંઘરવાનું કામ પણ બહુ કરતી હશે અને એ સારું છે. પુરુષોને એકાએક જરૂર પડે ત્યારે આ જ મહિલાઓ પોતાની બચતમાંથી પૈસા કાઢીને આપતી હોય છે.
ટૉપિક થોડો ચેન્જ થાય છે પણ એ જરૂરી છે એટલે એની વાત અહીં કરીએ. આપણે ત્યાં ઘણાં ઘરો એવાં છે જેમાં મહિલાઓને ઘરખર્ચ માટે પૈસા આપવામાં આવે એમાંથી તે પચાસ-સો, પચાસ-સો કરીને પૈસા બચાવે છે. તમને ઘરમાં ક્યાંય ખબર પણ ન પડે અને તે એવી રીતે આ પૈસો બચાવીને ભેગો કરે અને ભેગો કરેલો આ પૈસો બીજે ક્યાંય ખર્ચાય પણ નહીં, તમારા જ ઘર પાછળ એનો ખર્ચ કરવામાં આવે. મેં ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં હસબન્ડની સૅલેરી આવવાની વાર હોય તો વાઇફ પોતાની આ બચતમાંથી બાળકોની ફી ભરી દે કે પછી બાળકોના ક્લાસના પૈસા ભરી દે. ટૂંકી આવક હોય એવા ઘરમાં મમ્મીઓ પોતાની આ બચતમાંથી બાળકોને ક્લાસ કરાવે. મને આવા કિસ્સાઓ જ્યારે પણ જાણવા મળે ત્યારે મને આ મહિલાઓ પર પ્રાઉડ ફીલ થાય, ગર્વ થાય અને કહેવાનું મન પણ થાય કે તમે લોકો આ જે બચત કરો છો એ સારું છે, કરતા રહેજો. મહિલાઓની આ અને આવી બીજી બધી આદતો પર મેં એક આર્ટિકલ લખવાનું નક્કી કર્યું છે જે ખાસ હાઉસવાઇફ પર છે. હાઉસવાઇફ હકીકતમાં તો પુરુષોના સામાજિક સંબંધોનું કેન્દ્રસ્થાન છે જે સૌકોઈ પરિણીત પુરુષોએ સ્વીકારવું પડે. શું કામ અને કયાં કારણોસર એની વાતો આપણે આ હાઉસવાઇફનો લેખ આવશે ત્યારે કરીશું પણ અત્યારે આપણે વાત કરવાની છે એ છે કાળા પૈસાની.
પૈસા તો પિન્ક કલરના છે, સ્કાય બ્લુ રંગના છે, ભગવા રંગના છે તો પછી આ કાળા પૈસા એટલે શું? આ કાળા પૈસાની વ્યાખ્યા જરા ધ્યાનથી સમજીએ.
આપણી આવક અમુક રકમથી વધે એટલે આપણે એ વધેલી આવક પર જે શૅર સરકારમાં જમા કરાવીએ છીએ એને ટૅક્સ કહે છે. આ ટૅક્સની આવકમાંથી દેશની અર્થવ્યવસ્થા જાળવવાનું કે પછી નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કે પછી સરહદ પર આપણા જે સૈનિકો દુશ્મનો સામે હથિયારો લઈને ઊભા છે તેમની પાછળ કે પછી હથિયારો ખરીદવા માટે જે ખર્ચ થાય છે એ બધું આપણે ભરેલા ટૅક્સમાંથી જ આવે છે, પણ ઘણા લોકો ટૅક્સ નથી ભરતા અને પૈસા બચાવે છે. આપણા દેશમાં એક માન્યતા છે કે આપણી સરકાર આપણે જે ટૅક્સ ભરીએ છીએ એ પૂરેપૂરા આપણી પાછળ નથી વાપરતી અને ખાઈ જાય છે (આ ખાઈ જાય છે એ ખરેખર તો બહુ ખરાબ શબ્દ છે). બધા એવું માનતા રહે છે કે સરકાર પોતાનાં ખિસ્સાં ભરે છે અને સંપત્તિ એકઠી કરે છે એટલે શું કામ ટૅક્સ ભરવાનો. આવું માનનારાઓ સરકારી ટૅક્સથી બચવા માટે અવનવા રસ્તા વાપરે છે અને એ રસ્તેથી પોતાનો ટૅક્સ બચાવીને કૅશ પૈસો ઘરમાં રાખે છે. આ કૅશ પૈસો એટલે બ્લૅક મની, કાળો પૈસો. આ કાળા પૈસાની ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ અને બીજા ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ થતી રહે અને એ પછી જો એની ખબર પડે તો સરકાર એ લઈ પણ જાય અને સજા થાય, દંડ ભરવો પડે એ અલગ.
આ પણ વાંચો : મથુરા એટલે મથુરા, એના જેવું બીજું કંઈ નહીં
ટૅક્સ ભરવાનું કામ મોટા ભાગના વિકસિત દેશોમાં થતું રહ્યું છે, પણ આપણે ત્યાં આ પ્રમાણ ઓછું છે. ઓછું પણ ન કહેવાય, નજીવું જ કહેવાય. નરેન્દ્ર મોદી આવ્યા પછી ટૅક્સપેયર વધ્યા છે, પણ એમ છતાં હજી માંડ સાડાસાત કે આઠ કરોડ લોકો જ ટૅક્સ ભરે છે. જરા વિચારો તમે, સવાસો અબજનું પૉપ્યુલેશન આપણા દેશનું છે અને એમાં માત્ર સાત-આઠ કરોડ જ ટૅક્સ ભરે છે. આ જ વાતને બીજા શબ્દોમાં કહેવી હોય તો એમ કહેવાય કે વીસ વ્યક્તિએ એક જ વ્યક્તિ એવી છે જે ટૅક્સ ભરે છે એટલે કે એક વ્યક્તિ આગળ આવીને પોતાની આવકમાંથી ટૅક્સ ભરે અને બાકીની ઓગણીસ વ્યક્તિઓ એ પૈસામાંથી જે કોઈ ડેવલપમેન્ટ થાય એનો લાભ લે. બહુ ખરાબ વાત છે આ. હું કહીશ કે સંસ્કારની શ્રીમંતાઈથી સીંચતો માણસ ક્યારેય પોતાનાં સંતાનોને આવું નથી શીખવતો.
તમે પણ નહીં શીખવતા ક્યારેય ટૅક્સ બચાવવાનું કે ટૅક્સની ચોરી કરીને કાળાં નાણાં એકત્રિત કરવાનું. જો તમે સરકારે નક્કી કરેલી ઇન્કમથી વધારે કમાણી કરો તો જ તમારે ટૅક્સ ભરવાનો છે તો પછી શું કામ ચોરી કરવાની? સરકાર કંઈ બધી આવક પર ટૅક્સ નથી લેતી. બહુ એવું લાગતું હોય તો ટૅક્સ બચે એ પ્રકારનું વાજબી પ્લાનિંગ કરો પણ કાળાં નાણાં ઘરમાં સંઘરી રાખવાનું કામ ન કરો. પૈસો જીવનમાં જરૂરી છે, પણ પૈસો એ જીવનનું એકમાત્ર અંતિમ નથી, એકમાત્ર અનિવાર્ય આવશ્યકતા નથી. પૈસો મહત્ત્વનો હોઈ શકે પણ એ મયાર્દિત માત્રામાં હશે તો જ તમે એનો વપરાશ કરી શકશો અને તમે એનો આનંદ લઈ શકશો.
હું નાનપણમાં મારા પપ્પા પાસેથી શીખ્યો છું કે પૈસો ક્યારેય કોઈનો થયો નથી અને ક્યારેય કોઈનો થતો નથી. વ્યક્તિ ગમે એટલું કમાઈ લે તો પણ કમાયેલા પૈસાનો ટ્રસ્ટી માત્ર હોય છે. છેલ્લે એણે મૂકીને તો અહીં જ જવાનું હોય છે, ખાલી હાથે જ વૈકુંઠધામ જવું પડે છે. તમે તમારાં બાળકોને ખુશ રહેતાં શીખવો. જરૂરી એ છે. સુખ અને ખુશ આ બે શબ્દોમાં અક્ષરો સમાન છે પણ એમ છતાં બન્ને શબ્દોનું મહત્ત્વ અને એનો ભાવાર્થ જુદો છે. તમારી પાસે કંઈ ન હોય તો પણ તમે ખુશ રહી શકો છો અને જો તમે ખુશ હો તો તમે સુખી છો એવી કહી શકો છો પણ જો તમે સાધનસંપન્ન હો તો તમે ભૌતિકતાની દૃષ્ટિએ સુખી છો પણ એનો અર્થ એવો નથી કે તમે ખુશ છો.
બાળકોને ખુશીમાં સુખ છે એ શીખવવું ખૂબ જરૂરી છે અને આજકાલ આ વાત શીખવવાનું ક્યાંક ને ક્યાંક ભુલાઈ રહ્યું છે. મોટા થઈને તેમને પરિસ્થિતિ આ બધું શીખવે એના કરતાં તો સારું છે કે એ કામ અત્યારે જ આપણે કરીએ. જો આજે આપણે સાચી રીતે બાળકોને ટ્રેઇન કરીશું તો મોટા થયા પછી એ લોકોને ચીજોની પ્રાઇસ નહીં, પણ એની કિંમત સમજાશે અને સમજાવું પણ એ જ જોઈએ. બેચાર સગવડ ઓછી હશે તો ચાલશે પણ એવું આદર્શ માટે ન કહી શકાય કે બે-ચાર આદર્શ બાળકોના જીવનમાં ઓછા હશે તો ચાલશે. ના, જરા પણ નહીં.
આ પણ વાંચો : મથુરા, મર્કટ અને મતદાન
આપણે બધા ભગવાનમાં માનતા હોઈએ છીએ. મોટા ભાગના લોકો માને જ છે. હું પણ માનું છું. મારા, તમારા, આપણા જે કોઈ ભગવાન છે તેને ખબર જ હોય છે કે આપણને શેની જરૂર છે અને એ જરૂરિયાત માટે આપણી યોગ્યતા કેટલી છે. બની શકે કે સમય આવ્યે આપણે એ માટેની યોગ્યતા મેળવી લઈએ અને ભગવાન આપણને આપી દે. આમ જોઈએ તો આ આખો એક જુદો જ વિષય છે અને એના વિશે પણ મારે વાત કરવી છે, પણ આ વિષય પર ફરી ક્યારેક વાત કરીશું. આજે તો બસ આટલું જ કહેવાનું, ખુશ રહેશો તો સુખી આપોઆપ થવા માંડશો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)