10 December, 2023 10:37 AM IST | Mumbai | Chandrakant Sompura
જામ દિગ્વિજયસિંહ
દરેક શહેરની પોતાની ટૉપોગ્રાફી હોય છે. આજે એના વિશે બહુ વિચારવામાં કે મગજ કસવામાં નથી આવતું, પણ પહેલાંના સમયમાં એ દિશામાં ખાસ્સો વિચાર કરવામાં આવતો અને એ ટૉપોગ્રાફી મુજબ જ નગરની રચના કે પછી એનો વિકાસ કરવા વિશે વિચારવામાં આવતું. આપણી વાત ચાલી રહી છે આઝાદી સમયના નવાનગરના મહારાજા જામ દિગ્વિજયસિંહ જાડેજાની. નવાનગર રાજ્યના પાટનગર એટલે કે આજના જામનગરની વાત કરીએ તો જામસાહેબે આ જામનગરની રચના પણ ટૉપોગ્રાફીના આધારે કરી હતી. જામનગર શહેરની રચના જે પ્રકારે કરવામાં આવી છે એનો જો તમે ધ્યાનથી અભ્યાસ કરશો તો તમને દેખાશે અને સમજાશે કે ત્યાં ઊભા કરવામાં આવેલા તમામ ઉદ્યોગો કે પછી ફૅક્ટરીઓને પશ્ચિમ તરફ રાખવામાં આવી છે, જે દિશામાં અરબી સમુદ્ર છે. આ ઉપરાંત તમે જોશો તો તમને એ પણ દેખાશે કે માત્ર શહેર જ નહીં, સમગ્ર જિલ્લાનાં મોટાં જળાશયો બધાં જ પૂર્વની દિશામાં છે. પશ્ચિમથી પૂર્વ તરફનો ઢોળાવ ધરાવતી ધરતી હોવાને કારણે આ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પૂર્વ તરફના ઢાળને લીધે એ બાજુએ તૈયાર કરવામાં આવેલાં જળાશયો એક તો ચોમાસા દરમ્યાન જલદી ભરાય છે તો બીજી અગત્યની વાત એ કે એ વિસ્તાર સમુદ્રકિનારાથી દૂર હોવાને કારણે જમીનમાં ખારાશ ભળવાની સંભાવના પણ ઘટી જાય છે, જેને લીધે પૂર્વમાં રહેલા પાણીના સ્ટોરેજને લીધે જમીનની ફળદ્રુપતા અકબંધ રહે છે.
આજે જ્યારે ટેક્નૉલૉજીનો વ્યાપ આ સ્તર પર વધી ગયો છે અને હવે જ્યારે જાણકારી મેળવવી બહુ સરળ થઈ ગઈ છે એવા સમયે પણ આટલી ચીવટ સાથે કામો થતાં નથી, પણ જે સમયે ટેક્નૉલૉજીનો અવકાશ નહોતો એ સમયે રાજા-મહારાજા આટલી ચીવટ દાખવીને કામ કરતા અને એને લીધે જ તેમનાં રાજ્યોમાં સુખાકારીનો ઇન્ડેક્સ આજે મળતાં ઇન્ડેક્સ કરતાં અનેકગણો વધારે રહેતો.
નવાનગર રાજ્યની રચનામાં જે કોઈ વિકાસ કરવામાં આવ્યો એ તમામ વિકાસ આર્કિટેક્ચર ફીલ્ડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો તો સાથોસાથ વાસ્તુને પણ એમાં જોડવામાં આવ્યું હતું. વાસ્તુશાસ્ત્રને આજે મોટા ભાગના લોકો ધાર્મિક શાસ્ત્ર તરીકે જોતા થઈ ગયા છે એટલે એના માટે ઘણાખરાને એવું જ લાગે છે કે એમાં વિશ્વાસ કરવાનો અર્થ સીધો એટલો જ થાય કે તમે અંધશ્રદ્ધાળુ છો. જોકે એવું નથી. વાસ્તુશાસ્ત્ર હકીકતમાં બાંધકામ અને દિશા દર્શાવતું એક એવું શાસ્ત્ર છે જે જીવનને વધારે સુખમય અને ખુશીઓ આપનારું બનાવે છે. પહેલાંના સમયમાં વાસ્તુને મહત્ત્વ આપવામાં આવતું અને એને ધ્યાનમાં રાખીને જ નગરથી લઈને મકાન અને મંદિરની રચના કરવામાં આવતી. આજે મંદિર માટે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે છે, પણ એ સિવાય બહુબધી બાબતોમાં વાસ્તુશાસ્ત્ર વિશે વિચાર સુધ્ધાં નથી કરવામાં આવતો.
તમે જુઓ. જે શહેરો આપબળે આગળ વધ્યાં છે એ તમામ શહેરોનો વિકાસ પશ્ચિમની દિશામાં થયો છે, પણ જે શહેરોને પરાણે મોટાં કરવામાં આવ્યાં છે એ શહેરોના વિકાસમાં અનેક પ્રકારનાં વિઘ્નો આવ્યાં છે. આપણી પાસે એનાં નામો પણ છે અને આપણી પાસે એના માટે તર્કબદ્ધ દલીલો પણ છે, પણ વિષયવસ્તુ ફંટાઈ ન જાય એટલે આપણે એ ચર્ચામાં ઊતરવાને બદલે વાત કરીએ નવાનગરની.
નવાનગરના વિકાસમાં આર્કિટેક્ચર સેન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સાથોસાથ આપણા પરંપરાગત કહેવાય એવા વાસ્તુશાસ્ત્રનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કદાચ આ જ કારણ છે જેને લીધે જામનગર શહેરમાંથી માઇગ્રેટ થનારા લોકોનું પ્રમાણ અન્ય શહેરો કરતાં ઘણું ઓછું રહ્યું છે. વાસ્તુનો આ પ્લસ પૉઇન્ટ છે. જો એ સારું હોય તો એ તમને સંતોષથી માંડીને સુખ આપવાનું કામ કરે, પણ જો એ દૂષિત હો તો એ વાસ્તુ તમને અનેક રીતે અજંપામાં રાખે. મંદિર બનાવતી વખતે આ જ કારણે વાસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે, જેથી મંદિરમાં પ્રવેશ કરનારી વ્યક્તિને માનસિક સુખ-શાંતિ મળે અને તે પોતાનો અંજપો ત્યાં જ છોડીને બહાર નીકળે.
જામ દિગ્વિજયસિંહ જાડેજાના રાજકાળમાં નવાનગરમાં બનેલાં તમામ મંદિરોની પણ આ જ ખાસિયત હતી તો સાથોસાથ વેપાર-ઉદ્યોગની પણ એ જ ખાસિયત હતી કે એમાં વાસ્તુને ધ્યાનમાં રાખીને બજારથી માંડીને વસાહતો બનાવવામાં આવી હતી, જે રાજ્યના રહેવાસીઓને માનસિક રાહત આપવાની સાથોસાથ તેમને આર્થિક વિકાસની દિશામાં લઈ જવાનું કામ પણ કરે તો સાથોસાથ ત્યાં બનેલા એકેએક મંદિરની પણ એ જ ખૂબી હતી કે એમાં વાસ્તુ સાથે એક ટકાભાર પણ બાંધછોડ કરવામાં આવી ન હોવાને લીધે રાજ્યમાં સુખાકારીનું પ્રમાણ પણ ખાસ્સું ઊંચું રહેતું, જે આજે પણ અમુક અંશે ટકેલું જ રહ્યું છે.