માતાના પર્વથી નારીની સુરક્ષા, સન્માન, સ્વાધીનતાનાં કિરણો ફેલાય તો સારું

07 October, 2024 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવરાત્રિના શુભ દિવસોમાં સારી-સારી સુષ્ઠુ-સુષ્ઠુ વાતોને બદલે આવી વાતો યાદ આવવાનું કારણ છે દરરોજ છાપામાં વાંચવામાં આવતા યૌનશોષણના, ગૅન્ગરેપના, સાવ નાની અબુધ બાળકીના શોષણના સમાચાર

હેલ્લારો ફિલ્મનું દ્રશ્ય

નવરાત્રિ આવે એટલે ગરબા અને ‘હેલ્લારો’ ફિલ્મની પરાધીન સ્ત્રીનું હૃદયદ્રાવક ચિત્ર યાદ આવે. અંબામાતાને વંદન કરીએ અને સાથે જ આપણા સમાજમાં ધર્મના ઓઠા હેઠળ જ સતીપ્રથા, સ્ત્રીભ્રૂણહત્યા, વિધવાવિવાહ નિષેધ, સ્ત્રીશિક્ષણ નિષેધ અને બહુપત્નીત્વ જેવી અમાનવીય પ્રથાઓ સદીઓ ચાલી એ યાદ આવે. વધુ દુઃખની વાત એ છે કે સમાજની એમાં સ્વીકૃતિ હતી. 

વૈદિકકાળનાં ગાર્ગી અને મૈત્રેયી અને એવાં થોડાં ઉદાહરણોથી ખુશ થવા જેવું નથી જ. વૈદિકકાળમાં જો સમાનતા હતી તો ક્યારથી અને કયા કારણથી એનું શીર્ષાસન થઈ ગયું? ક્યારથી સ્ત્રી એક જણસ, એક સંપત્તિ બની ગઈ? અંગ્રેજો અને મુસ્લિમ શાસકોને દોષ આપી હાથ ખંખેરી ન શકાય. મહાભારતકાળમાં દ્રૌપદીને એક સંપત્તિ ગણીને જ દાવમાં મૂકવામાં આવી હતી. અગ્નિપરીક્ષા સીતાએ આપવી પડી હતી. અહલ્યા જ શીલા બની હતી. 

નવરાત્રિના શુભ દિવસોમાં સારી-સારી સુષ્ઠુ-સુષ્ઠુ વાતોને બદલે આવી વાતો યાદ આવવાનું કારણ છે દરરોજ છાપામાં વાંચવામાં આવતા યૌનશોષણના, ગૅન્ગરેપના, સાવ નાની અબુધ બાળકીના શોષણના સમાચાર. વિધાનસભામાં બેસતા નેતાઓ દ્વારા અને શિક્ષણ સંસ્થાઓમાં કે પોલીસ-સ્ટેશનમાં થતા અત્યાચારના સમાચાર મનને મજબૂર કરે છે એ દિશામાં પણ જોવા વિચારવા માટે. સ્પષ્ટ દેખાય છે કે ગુનેગારોને સમાજનો અને કાયદાનો ડર નથી અને સવારના ચાના કપ સાથે વાંચવામાં આવતા આવા સમાચારો સાંજે દાંડિયા રમવામાં ભુલાઈ જાય એટલા સહજ થઈ ગયા છે. આપણાં નારીવાદી લેખિકા સુશ્રી હિમાંશી શેલતની એક વાર્તા યાદ આવે છે. વાર્તાનું શીર્ષક છે, ‘કોઈ બીજો માણસ.’ શકુ નામની  ૭ વર્ષની બાળકી પર બળાત્કાર થાય છે અને પછી તેના ખૂનની ઘટના કરતાં પણ વધુ ભયાનક ઘટના બને છે એ છે તેના કાયર બાપની મૂંગા બની રહેવાની ઘટના. સંતરામ ખૂનીનું નામ નથી આપતો. અને મૂંગો રહેવામાં સલામતી શોધે છે. સંતરામની જેમ જ આપણે પણ સલામતીની અદૃશ્ય કેદમાં તો પુરાઈ નથી ગયાને? વૃંદાવનમાં મરવાને વાંકે જીવતી વિધવાઓના જીવનને સાંકળી લેતી હિમાંશીબહેનની અન્ય વાર્તા ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’નું પણ અનાયાસ સ્મરણ થાય છે. કેવા સમાજમાં આપણે રહીએ છીએ? આપણામાંનો આક્રોશ જાગતો કેમ નથી? કલકત્તાની ડૉક્ટર પર થયેલા પાશવી કૃત્યના સમાચારથી જ શું આપણે જાગીશું?

માતાનાં નવ-નવ સ્વરૂપોની પૂજા કરતી વખતે કેન્દ્રમાં મૂકેલી માતાની ગરબીમાંથી નારીની સુરક્ષા, આત્મસન્માન, સ્વાધીનતા અને સ્વ-અધિકારનાં કિરણો ફેલાય એવી શુભ ભાવના.

navratri Rape Case festivals news columnists hellaro mumbai news