03 February, 2023 06:27 PM IST | Mumbai | Bhavini Lodaya
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગરીબી, બીમારી અને આર્થિક સંકડામણની મંદીનું વાતાવરણ ચારે બાજુ દેખાઈ રહ્યું છે. કારણો ભલે નોખાં-નોખાં હોય, પણ કોઈ ને કોઈ રીતે મોટા ભાગના લોકો આ કારણોસર નેગેટિવિટી, સ્ટ્રેસ અને ડિપ્રેશનનો શિકાર બને છે. જ્યારે ચોતરફથી કંઈ ન સારું થતું દેખાય એટલે લોકો અંધશ્રદ્ધા તરફ બહુ સહેલાઈથી દોરવાઈ જાય છે. સમસ્યા એ છે કે ભણેલા હોવા છતાં લોકોની આ માનસિકતાને કારણે પાખંડ અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને કહેવાતા બાબાઓ આ બાબતનો ભરપૂર ફાયદો ઉપાડી રહ્યા છે.
ધંધો નથી ચાલતો અથવા બીમારી આવે એટલે કોઈકે કંઈક કરી નાખ્યું હશે, નજર લાગી ગઈ છે, ટોકાઈ ગયા છીએ, આવી બધી કંઈક માન્યતાઓ માનવા લાગે અને પછી રાશિ, ભવિષ્ય અને ગ્રહોની દશા બતાવનાર ચૅનલો જોવાનું શરૂ કરે. એમાં પણ કોઈક કહે છે કે ફલાણા બાબા પાસે જાઓ, તરત જ નિરાકરણ થશે તો તરત તે બાબા પાસે ઊપડી જાય અને ત્યાં પૈસાના લાલચી પ્રોફેશનલ બાબા ફેસ-રીડિંગ દ્વારા ચાર-પાંચ કૉમન પ્રૉબ્લેમ આપણા વિશે કહે એટલે તરત જ વિશ્વાસ કરી દેશે કે આ બાબા મહાન છે અને પછી બસ બાબાને ફૉલો કરવાનું ચાલુ અને એક પછી એક બાબા દ્વારા બતાવેલા પૂજાપાઠ, હવનના ઉપાય પર ખર્ચા કરવાનું શરૂ કરે એટલે આર્થિક સમસ્યા ઘટવાને બદલે વધવા લાગે, જેના કારણે માનસિક તાણ પણ બમણી થઈ જાય એટલે બીમારી પણ ડબલ થાય અને બીજી તરફ બાબા પોતાના વાક્ચાતુર્યથી એવી રીતે ભ્રમિત કરતા જાય કે આ બધી વધતી સમસ્યાનું કારણ કોઈકે ખૂબ મજબૂતાઈથી કંઈક કરી નાખ્યું છે, એવી માનસિકતા બાંધવા લાગે અને આમ પછી પતન તરફ આગળ વધતા જાય.
જો સહેજ આંખો ખોલીને તટસ્થતાથી જોઈઅે તો તરત સમજાઈ જાય કે આ માત્ર માન્યતાથી દોરવાતી વર્તણૂંક છે. બાબાના વચનથી ઘડીભરની ભ્રામક શાતા મળે છે. મને લાગે છે કે લોકોઅે હવે સમજવાની જરૂર છે કે જો કંઈક ખરાબ થઈ રહ્યું છે તો એની પાછળ શું કારણ છે એ કારણને શોધો. બીમારી દૂર કરવા સારો ઇલાજ અને સારી જીવનશૈલીની જરૂર છે. ધંધો-વ્યાપાર નથી ચાલતો તો કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર છે. નોકરી નથી મળતી તો નાના-મોટા કંઈ પણ કામ કરવાની શરૂઆત કરવાની જરૂર છે. નેગેટિવિટી અને સ્ટ્રેસ-ડિપ્રેશન માટે સારા મનોચિકિત્સક પાસે જઈને સારવાર કરાવવાની જરૂર છે. બસ, આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. જાદુટોણાં અને બાબાભક્તિમાંથી બહાર આવો તો જ તકલીફો દૂર થશે.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)