વિસર્જનમાં જ સર્જન સમાયેલું છે અને અનંતતામાં ભળી જવામાં જ શાશ્વતી છે

19 September, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિસર્જનની પ્રથા શા માટે? વિસર્જન બોધ આપે છે કે નવા સર્જન માટે તૈયારી કરો.

પ્રતીકાત્મક તસવીર

વિસર્જન વિષાદ જન્માવે છે. લગભગ અડધો વર્ષ સખત મહેનત કરીને બનાવેલી ગણપતિની સુંદર મૂર્તિનું દસેક દિવસ પૂજા-અર્ચના કર્યા પછી એક દિવસ વિસર્જન કરીએ છીએ. પ્રથા છે. નવ-નવ દિવસ જેની આસપાસ ગરબા રમીએ એ સુંદર રીતે સજાવેલી ગરબીને પણ અંતે પધરાવી આવીએ છીએ. પ્રથા છે. બંગાળમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી દુર્ગામાતાની મૂર્તિઓનું પણ અંતે વિસર્જન કરવામાં આવે છે. પ્રથા છે. વિસર્જનની પ્રથા શા માટે? વિસર્જન બોધ આપે છે કે નવા સર્જન માટે તૈયારી કરો. સમય જતાં ડાળીએથી પાન ખરવું જ જોઈએ. તો જ નવાં પર્ણ ફૂટશેને? તહેવારો આપણને જિંદગીના ઉત્તમ પાઠ પઢાવે છે.

ગણપતિ જ્ઞાનના દેવ. શિવજી વિલયના દેવ. પુત્ર અંતે પિતા પાસે જાય છે. જ્ઞાનનું પણ અંતે વિસર્જન થવું જોઈએ. અનંતતામાં ભળી જવામાં જ શાશ્વતી છે.

આ જ વાત ધંધામાં, ઘરસંસારમાં અને સંસ્થાઓમાં ન લાગુ પડે? ધંધા-વ્યાપાર-દુકાનમાંથી પિતા ધીરે-ધીરે ખસશે તો જ પુત્ર માટે જગ્યા થશેને? પુત્ર ઈ-મેઇલથી ક્વોટેશન મોકલી આપે છે, ઑર્ડર લે છે, આપે છે અને એક્ઝિક્યુટ પણ કરે છે. પિતાને કાગળ-પેન વગર ફાવતું નથી. ઘરમાં પણ કોઈ નિર્ણય લેવો હોય તો ‘જોઈએ, અઠવાડિયા પછી નક્કી કરીશું’ એમ કહેનારા નવી પેઢીને માફક નથી આવતા. ચાર દુકાને ફરીને ભાવ કઢાવનારી અને કસીને ખરીદનારી આ પેઢી નથી. સંજોગોની અસ્થિરતા તો પહેલાં પણ ક્યાં નહોતી? ભૂલો કઈ પેઢીએ નથી કરી? પરિવર્તન સ્વીકારવું જ જોઈએ.

સંસ્થાઓમાં પણ છ-આઠ વર્ષથી સ્થાન શોભાવ્યા પછી ખસી જવાથી શોભામાં અભિવૃદ્ધિ જ થશે. પોતાનાં જ નહીં, અન્યનાં પુત્રો-પુત્રીઓને પણ જવાબદારી સોંપવામાં વધુ માન મળશે. પોતાના હોદ્દાનું કરેલું વિસર્જન અન્ય કોઈ માટે નવા હોદ્દાનું સર્જન કરશે. ઘર-દુકાન-સંસ્થાઓને ઘણી સાચવી, ઘણી શણગારી, વિસ્તારી; પણ એક સમયે એમાંથી નિવૃત્તિ લેવામાં જ શાણપણ છે. વાનપ્રસ્થાન એટલે વનમાં જવું એમ નહીં, પણ ઘરમાં રહીને જ વન જેવી નિર્લેપતા કેળવવી એ. મમત છોડીને નિર્લેપ થઈશું તો જ તકલીફ નહીં પડે. રામકૃષ્ણ પરમહંસને કાલીમાની મૂર્તિથી અનહદ લગાવ હતો, પાગલપનની હદનો. તેમને સાચા ભક્તની કક્ષામાં લાવવા મૂર્તિનો પણ વિચ્છેદ જરૂરી હતો જે કરવામાં આવ્યો. સ્થાન, હોદ્દા વગેરે અંતે તો આપણે જ ઊભાં કરેલાં આભાસી આકાશી ફૂલો જ છેને? માન-મરતબાનાં જાળાં હોવાથી કે ન હોવાથી મૂળભૂત તો કોઈ જ ફરક નથી પડતોને? માટી અંતે માટીમાં જ ભળી જવાની હોય તો સ્વાન્તઃ સુખાય કેમ ન જીવીએ? અન્ય માટે ખસતા રહીએ, હસતા રહીએ.

 

- યોગેશ શાહ (યોગેશ શાહ ખડાયતા જ્ઞાતિની સૌપ્રથમ સ્થપાયેલી ૧૧૨ વર્ષ જૂની શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના પ્રમુખ છે.)

columnists