મુંબઈની હવા કાંઈ દૂધે ધોયેલી નથી હોં

06 November, 2022 07:55 AM IST  |  Mumbai | Ruchita Shah

આજકાલ દિલ્હીની હવા સામે આપણા શહેરની હવા સારી હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે નિષ્ણાતો આ વાત સાથે સહમત નથી. ઝીણા રજકણોની માત્રાનો વિચાર કરીએ તો મુંબઈની ઍર ક્વૉલિટી હેલ્થ માટે વધુ જોખમી છે એવું આંકડાઓ કહે છે.

ચાંદિવલીના નાહર અમૃત શક્તિ કૉમ્પ્લેક્સના બિલ્ડિંગના ૧૬મા માળેથી લેવાયેલી તસવીરમાં સામે દેખાતા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી સતત નીકળતા ધુમાડા.

હવાના પ્રદૂષણની ભરપૂર ચર્ચા થઈ રહી છે ત્યારે મુંબઈની સ્થિતિનો વાસ્તવિક ચિતાર જાણીએ

ચાંદિવલીમાં નાહર અમૃત શક્તિ હાઉસિંગ કૉમ્પ્લેક્સ છે. ખૈરાની રોડની સામે આવેલી આ રેસિડેન્શિયલ સોસાયટી ઉપરાંત આસપાસ પણ કેટલીક સોસાયટી છે. બે સ્કૂલ પણ છે આ જ વિસ્તારમાં અને મસ્જિદ તથા ચર્ચ પણ આ જ વિસિનિટીમાં છે. ૨૦૧૭થી અહીં રહેતા લગભગ પાંચેક હજાર મુંબઈકર ત્રાહિમામ્ પોકારી રહ્યા છે, કારણ છે હવાનું પ્રદૂષણ. આ કૉમ્પ્લેક્સ જ્યાં છે એની સામેના રોડ પર ઇન્ડસ્ટ્રિયલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે જેનું આ કૉમ્પ્લેક્સ બન્યા ત્યારે નામોનિશાન નહોતું. આ ઇન્ડસ્ટ્રિયલ ફૅક્ટરીઓમાં ચીમનીઓ છે જેમાંથી સતત ધુમાડો નીકળ્યા કરે છે. ચોમાસા અને શિયાળામાં તો અહીં રહેતા લોકોનું જીવવાનું હરામ થઈ જાય છે. સ્કૂલની નજીક પણ એક ફૅક્ટરીની ચીમનીનો ભરપૂર ધુમાડો જાય છે, જેણે અહીંનાં બાળકોના સ્વાસ્થ્યને બગાડવાનું શરૂ કર્યું છે. અહીં રહેતા લોકો ૨૦૧૭થી આ સમસ્યાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પ્રશાસનને જગાડવા રૅલીઓ કાઢી છે, જુદી-જુદી ઑથોરિટીને મળીને આ સમસ્યાનું નિવારણ કાઢવા માટે દરખાસ્તો કરી છે, પરંતુ હજી સુધી કોઈ એટલે કોઈ પરિણામ આવ્યું નથી. ઊલટાનું હવે તો આ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. હજી દિવાળીના દિવસે જ આ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ લાગી હતી અને અને ૮થી ૧૦ ગાળાની દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. જે ગ્રીનરીથી આકર્ષાઈને આ એરિયામાં પ્રૉપર્ટી લીધી હતી ત્યાં શુદ્ધ હવાને બદલે ઝેરીલી હવા સિવાય કંઈ જ નથી મળી રહ્યું.

બે દિવસ પહેલાં એટલે કે ત્રીજી નવેમ્બરે આ વિસ્તારના અગ્રણીઓએ ત્યાંના એમએલએની મદદથી મુંબઈ મહાનગરપાલિકાના ટૉપ ઑફિસરો સાથે એક મીટિંગ કરી છે અને હવે કંઈક નિરાકરણ નીકળશે એવી તેમને આશા છે ત્યારે અહીં રહેતા અરુણકુમાર શ્રીવાસ્તવ કહે છે, ‘૨૦૧૭થી અત્યાર સુધી અમે અનેક લોકોને મળ્યા છીએ. મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સાથે વાત કરી અને તેમણે તપાસ કરી તો ખબર પડી કે આ ઇન્ડસ્ટ્રિયલ એરિયા ઇલીગલ છે એટલે તેઓ કોઈ ઍક્શન ન લઈ શકે. એને હટાવવાનું કામ બીએમસી કરી શકે. એ પછીયે ઘણા બીએમસીના ઑફિસરો સાથે વાત કરી, દરેકે ઍક્શન લેવા માટે પ્રૉમિસ કર્યાં, પણ થયું કાંઈ નહીં. ઘણા સિનિયર સિટિઝન અમારા કૉમ્પ્લેક્સમાં રહે છે. ઘર-ઘરમાં ઍર પ્યૉરિફાયર છે, કારણ કે એના વિના છૂટકો નથી. અમે કોઈ બાલ્કની ખોલી નથી શકતા. ઘણા લોકો ઘરનો દરવાજો પણ ખોલતા નથી, કારણ કે પ્રદૂષણવાળી હવા અંદર જશે અને ફેફસાંની બીમારીથી પીડાતા વડીલોને શ્વાસ લેવામાં તકલીફ પડશે. સ્કૂલનાં બાળકો ચીમનીમાંથી નીકળતા ધુમાડાને શ્વાસ વાટે પોતાનાં ફેફસાંમાં લઈ રહ્યાં છે. શિયાળામાં તો હાલત બદથી બદતર થઈ જાય છે. હવે કેટલું પ્રદૂષણ છે એનું કોઈ મેઝરમેન્ટ પણ અમને નથી મળતું, કારણ કે નિયરેસ્ટ ઍર ક્વૉલિટી કરતું મશીન આઇઆઇટી પવઈમાં લાગેલું છે. જે ત્યાંની હવાનું રીડિંગ આપે, પરંતુ અહીંની હવામાં રહેલા ટૉક્સિન્સનો કોઈ ડેટા આપણી પાસે નથી. અમે બીએમસીને અહીં એક આવું મશીન ઇન્સ્ટૉલ કરવાની ખૂબ રિક્વેસ્ટ કરી છે. આ વખતે અમે આશાવાદી છીએ.’

આ વાત થઈ રહી છે મુંબઈના એક વિસ્તારની, જ્યાં ધુમાડો હવામાં છે અને લોકો શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે, પરંતુ એનો કોઈ ડેટા તેમની પાસે નથી. મુંબઈમાં આવા કેટલા વિસ્તારો હશે જ્યાં હવાનું પ્રદૂષણ ચિક્કાર હશે, લોકો એને ભોગવી રહ્યા હશે, પરંતુ એની કોઈ વિગતો બહાર નહીં આવતી હોય, કારણ કે મેઝરમેન્ટ માટેનાં મશીન ત્યાં ઉપલબ્ધ નથી. દિલ્હીની હવા આજકાલ ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જુહી ચાવલાએ તેના ઘરની આજુબાજુ ગંધાતી હવાનો મુદ્દો સોશ્યલ મીડિયા પર ઉછાળ્યો હતો. સાઉથ મુંબઈમાં રહેતી આ અભિનેત્રીને જોકે ત્યારે ખ્યાલ નહીં હોય કે તેને ત્યાં આવતી દુર્ગંધ ટેમ્પરરી છે, દરિયા તરફથી આવતા પવનોની ફેરવાયેલી દિશાનું ‌પરિણામ છે. જોકે આજે મુંબઈમાં એવા વિસ્તારોની સંખ્યા પણ વધી રહી છે જ્યાં દુર્ગંધ બંધ થવાનું નામ જ નથી લેતી. બદબૂદાર હવા, ઝેરી તત્ત્વોથી અને કેટલાક એવા ઝીણા રજકણો ધરાવતી હવા જેને આપણા શરીરનું ડિફેન્સ મેકૅનિઝમ ફેફસામાં જતાં રોકી ન શકે અને લાંબા ગાળે જે અસ્થમા, લંગ્સ ફાઇબ્રોસિસ અને કૅન્સર જેવી તકલીફોમાં પણ ‌પરિણમી શકે એ બાબતને ખતરાની ઘંટડી ગણવી કે નહીં એ આપણે જાતે નક્કી કરવાનું છે. અત્યારની મુંબઈની હવા શું કહે છે એ વિશે આ દિશાના નિષ્ણાત ધુરંધરો સાથે વાત કરીએ.

દિલ્હીથી બદતર

સિસ્ટ ઑફ ઍર ક્વૉલિટી ઍન્ડ વેધર ફોરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ (એસએએફએઆર - સફર)ના સ્થાપક ડિરેક્ટર અને ‌વૈશ્વિક સ્તરે નામના ધરાવતા હવામાનશાસ્ત્રી સાયન્ટિસ્ટ ડૉ. ગુફ્રાન બૈગ છેલ્લાં ૪૦ વર્ષથી આપણા વાતાવરણમાં બદલાઈ રહેલી હવા પર અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે હવાનું પણ પ્રદૂષણ હોઈ શકે એ વિશે લોકોને કલ્પના નહોતી ત્યારથી ઍર ક્વૉલિટી મેઝર કરવાની દિશામાં સંશોધન કરનારા અને આ વિશે આપણા દેશમાં લોકજાગૃતિથી લઈને સરકારી પૉલિસી બનાવવામાં પણ મૂળભૂત ભૂમિકા ભજવનારા ડૉ. ગુફરાન બૈગ મુંબઈની હવામાં સતત વધી રહેલા પ્રદૂષણ માટે હવે જો નહીં જાગીએ તો દિલ્હી કરતાં વધુ બદતર હાલત થાય તો નવાઈ નહીં લાગે એવું દૃઢતાપૂર્વક આગળ કહે છે, ‘આપણે ત્યાં અત્યારે હવાની ગુણવત્તા એમાં રહેલા રજકણોની સાઇઝના આધારે મૂલવવામાં આવે છે. તમે મુંબઈમાં ઠેર-ઠેર ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ આપતાં મશીનો જુઓ છો એનું કામ હવાનાં અમુક સૅમ્પલ લઈને એને ફિલ્ટર કરીને એમાં રહેલા રજકણોની સાઇઝનો ડેટા આપવાનું છે. એમાં એ જાણવું જરૂરી છે કે આપણા શરીરની સિસ્ટમ મોટા રજકણો હોય તો એને ફેફસાં સુધી પહોંચતાં પહેલાં ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ બહુ જ ઝીણા રજકણો હોય તો એ શરીરની આ ડિફેન્સ સિસ્ટમને બાયપાસ કરીને આગળ નીકળી જાય છે એટલે ફેફસાં સુધી પહોંચે છે. આ રજકણોમાં કેમિકલ કયા છે એ પછીની વાત છે. આ રજકણો ઇટસેલ્ફ ફેફસાંના કામકાજ માટે વિઘ્નકર્તા છે. એમાં પણ જો એ પેટ્રોલ-ડીઝલના દહનમાંથી બાયપ્રોડક્ટ નીકળતાં ઝેરી કેમિકલ્સના રજકણો હોય તો એ ફેફસાંની શું હાલત કરે એ સામાન્ય માણસ સમજી શકે. અત્યારે આપણે ત્યાં પર્ટિક્યુલેટ મૅટર (PM - જે રજકણોની સાઇઝનો એક પૅરામીટર છે) ૨.૫થી નાની સાઇઝના રજકણો વધુ જોખમી માનીએ છીએ. આમ તો આ રજકણો PM10ની સાઇઝમાં પણ ફિલ્ટર થાય છે, પરંતુ તમારી હવામાં જો PM2.5નું પ્રમાણ વધારે હોય તો એ વધુ જોખમી ગણી શકાય. હવે એ સમજો કે શું કામ હું કહું છું કે દિલ્હી કરતાં પણ મુંબઈની હવા શું કામ બદતર પરિણામ આપી શકે. અત્યારે જે ડેટા જાહેર થાય છે એ ટોટલ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સના છે. એટલે કે PM10નું પ્રમાણ હવામાં કેટલું છે એની વાત થાય છે, પરંતુ આ PM10માં PM2.5નો કેટલો રેશિયો છે એ જાણવું મહત્ત્વનું છે. આગળ કહ્યું એમ જેટલા વધુ નાના રજકણો એટલું નુકસાન વધારે. ધારો કે PM10માં ૫૫-૬૦ ટકા પ્રમાણ PM2.5 રજકણોનું છે. મુંબઈમાં અને દિલ્હીમાં આ પ્રમાણ ૫૦ ટકા છે તો કઈ હવા વધુ હેલ્થને જોખમી નીવડશે? સ્વાભાવિક છે કે નાના રજકણો જે હવામાં વધારે હશે એ હવા. આ સામાન્ય વિજ્ઞાન સમજવું જરૂરી છે. કારણ કે હવાના રજકણોની માત્રા જ નહીં, પણ કયા કદના રજકણોનું પ્રમાણ કેટલું વધારે છે એના આધારે પણ ઘણી બાબતો નક્કી થતી હોય છે. એ દૃષ્ટ‌િએ મુંબઈની હવા વધુ ને વધુ જોખમી દિશામાં જઈ રહી છે. જે સ્તરે પ્રદૂષણ વધી રહ્યું છે એ જોતાં આગળ વધુ વિકટ સમય આવી શકે છે. સામાન્ય નાગરિકોથી લઈને સરકાર, હેલ્થ સેક્ટર, સામાજિક સંસ્થાઓએ જાગવું અત્યાંત જરૂરી છે.’

કયા કારણે પ્રદૂષણ?

સફર સંસ્થાએ મુંબઈમાં પ્રદૂષણનાં મુખ્ય કારણો શોધ્યાં છે. એની વિગત આપતા ડૉ. ગુફરાન કહે છે, ‘ગ્રોસ લેવલ પર જુઓ તો મુંબઈમાં અત્યારે ટ્રાફિકને કારણે સૌથી વધુ પ્રદૂષણ થઈ રહ્યું છે. એક વેહિકલ ૧૦ કલાક સડસડાટ રનિંગ મોડમાં રહે અને જેટલું પ્રદૂષણ ફેલાવે એટલું પ્રદૂષણ એક વેહિકલ એક કલાક ટ્રાફિકમાં ઊભું રહે એનાથી ફેલાતું હોય છે. બીજું મહત્ત્વનું કારણ આપણે ત્યાં છે બાયોફ્યુઅલ એમિશનનું. એટલે કે આજે પણ મુંબઈના ૭૦ ટકાથી વધારે ઝૂંપડપટ્ટીઓમાં રસોડામાં ચૂલો, સગડી, પ્રાઇમસ જ વપરાય છે. અહીં લાકડાં, કોલસા, છાણ વગેરેના દહનથી જે પ્રદૂષણ થાય છે એ બીજા નંબરે હવાને બગાડવાનું કામ કરી રહ્યું છે. એ પછી ઇન્ડસ્ટ્રિયલ ચીમનીઓ દ્વારા થતું પ્રદૂષણ, કન્સ્ટ્રક્શનને કારણે હવામાં માટીના ઝીણા રજકણોને કારણે થતું પ્રદૂષણ, ભઠ્ઠીમાં ઈંટ બનાવવાની પ્રોસેસમાં અને કચરો સળગાવવાથી થતું પ્રદૂષણ આમ આટલાં કારણો છે જે મુંબઈની હવાને ડૅમેજ કરવાનું કામ કરી રહ્યાં છે. બીજું સોલિડ વેસ્ટમાં જ્યારે પાણી અને હવા ભળે ત્યારે તેમાં અમુક પ્રકારનું કેમિકલ રિએક્શન થતું હોય છે જે વધુ ટોક્સિક હોઈ શકે. ગંદી દુર્ગંધ સાથે તે હવાને વધુ ટોક્સિક કરી શકે છે.’

મુંબઈને એક લાભ એ થયો છે કે એ કોસ્ટલ સિટી છે. ત્રણ બાજુ દરિયો છે જેને કારણે દરિયાની દિશામાં જ્યારે પવન વાય ત્યારે એ શહેરના પ્રદૂષણને દરિયા તરફ ખેંચી જાય. જોકે શિયાળામાં જ્યારે ઠંડકનું પ્રમાણ વધે, પવનો ઓછા વાય અને પવનોની દિશા પણ ફેરવાય ત્યારે હવામાં રહેલો કચરો આપણા વાતાવરણમાંથી ઝડપથી બહાર નથી જતો જે આ દિવસોમાં વધુ નક્કર રીતે લોકોની હેલ્થને ડૅમેજ કરી શકે છે.’

નાનાં બાળકો માટે જોખમ

ચેસ્ટ અને ઍલર્જી સ્પેશ્યલિસ્ટ અને લંગ ઇન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર, ઇન્ડિયન ચેસ્ટ સોસાયટીના ફાઉન્ડિંગ પ્રેસિડન્ટ ડૉ. સંજીવ મહેતાએ છેલ્લાં ૩૦ વર્ષમાં ફેફસાંને લગતા રોગોનું પ્રમાણ સતત વધતું જોયું છે. ડૉ. સંજીવ કહે છે, ‘મારી પાસે લોકો જ્યારે તેમની સમસ્યા ખૂબ વધી ગઈ હોય અને સ્પેશ્યલાઇઝ્‍ડ ઓપિનિયનની જરૂર પડે ત્યારે જ આવતા હોય છે. એ રીતે પણ છેલ્લાં થોડાં વર્ષોમાં શરદી, ખાંસી, રનિંગ નોઝ, થ્રોટ ઇન્ફેક્શનનું પ્રમાણ જે સ્તરે લોકોમાં વધ્યું છે અને જેટલું નિયમિતતાપૂર્વક લોકોએ એનો સામનો કરવો પડી રહ્યો છે એના પ્રમાણમાં પણ મબલક વધારો થયો છે. મુંબઈની બગડેલી હવાને કારણે લોકોની હેલ્થ ખૂબ વધારે અફેક્ટ થતી હોય છે એનું સીધું પરિણામ અમને કોવિડમાં જોવા મળ્યું. કોવિડ દરમ્યાન ઘરમાં રહેતા અસ્થમા, લંગ્સ ફાઇબ્રોસિસના પેશન્ટને હાર્ડલી કોઈ ઇમર્જન્સીનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ જેની માત્રા પહેલાં કરતાં હવે વધી છે. ગયા શિયાળા અને આ શિયાળામાં લંગ્સની સમસ્યાના કેટલા લોકો વધ્યા એની માત્રા પણ ચેક થાય તો ડેફિનેટલી પરિણામ જુદાં આવશે. જેવું બધું શરૂ થયું એટલે પ્રદૂષણની માત્રા વધી અને એનો સીધો પરચો આ લંગ્સની પહેલેથી જ સમસ્યા ધરાવતા લોકોમાં, સિનિયર સિટિઝન અને બાળકોમાં જોવા મળી. અત્યારે પણ હવાના પ્રદૂષણને કારણે નાનાં બાળકો ખૂબ ઝડપથી અફેક્ટ થઈ રહ્યાં છે. ઈવન, પ્રેગ્નન્ટ મહિલાઓ અને તેમનાં ન જન્મેલાં બાળકો પર પણ હવાના પ્રદૂષણની નેગેટિવ અસર થઈ રહી છે. તેમનાં ફેફસાં નબળાં થઈ રહ્યાં છે.’

આમાંથી કેમ બચવું એવું જ્યારે તેમના પેશન્ટ પણ પૂછે ત્યારે બહુ સહજ રીતે ડૉ. સંજીવ સલાહ આપતા હોય છે, ‘શક્ય હોય તો મુંબઈ છોડી દો. ખરેખર, મારાં સગાંસંબંધીઓને પણ મેં કહ્યું છે. નિવૃત્ત થઈ ગયા હોય અથવા તમારા સંજોગો કોઈ પણ રીતે તમને પરમિટ કરતા હોય તો જ્યાં પ્રદૂષણ ઓછું હોય ત્યાં શિફ્ટ થવામાં જરાય ખોટું નથી. મારા પોતાના પેરન્ટ્સ હૃષીકેશ શિફ્ટ થઈ ગયા. મારાં માસી લોનાવલામાં રહે છે હવે. અહીં લોકોને જ્યાં સુધી પાણી માથાની ઉપર ન જતું રહે ત્યાં સુધી સમજાતું નથી કે શું કરવું? ટ્રાફિકના કૉમન નિયમો નહીં પાળીને ફ્યુઅલ બર્નિંગને કારણે કેટલું બિનજરૂરી પ્રદૂષણ વધતું રહે છે, ખોટી રીતે પાર્કિંગ કરીને લોકો ટ્રાફિક વધારવાનું અને પ્રદૂષણ વધારવાનું કામ કરે છે. રસ્તામાં એક પથ્થર પડ્યો હોય અને લોકો જોતા હોય કે એને કારણે વાહનની ગતિ ધીમી પડી ગઈ છે તો એ પથ્થરને હટાવવાની તસ્દી તેઓ નથી લેતા. જાણે લોકોમાં એક જાતની ઇમોશનલ નંબનેસ આવી ગઈ છે. આમાં શું કહેવું? શહેર છોડીને સ્વચ્છ હવા સાથે સ્વસ્થ જીવવામાં જરાય ખોટું નથી. બાકી તો જે નબળી હેલ્થ ધરાવતા લોકો છે તેમણે પ્રદૂષણના સમયે ઘરની બહાર ન નીકળવું, ટ્રાફિકમાં બહાર ન જવું જેવા નિયમો પાળવા જોઈએ. હકીકત કહું છું કે મારી પાસે આવતા પેશન્ટને પણ આ વાત કહું કે ધ્યાન રાખો તો તેઓ કહે છે કે ડૉક્ટર દવા આપો, ભાષણ નહીં. કોઈએ બદલાવું ન હોય તો તબિયત કેમ સુધારી શકાય?’

સામાજિક જાગૃતિ લાવો જલદી

મુંબઈમાં એન્વાયર્નમેન્ટ માટે કામ કરી રહેલી કેટલીક સંસ્થાઓ દ્વારા હવાના વધી રહેલા પ્રદૂષણ વિશે સતર્કતા લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. ૨૦૨૨માં જ મુંબઈની કેટલીક અગ્રણી પ્રકૃતિ સંવર્ધન માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા ‘મુંબઈ ક્લીન ઍર ઍક્શન હબ’ કૅમ્પેનની શરૂઆત થઈ છે, જેના નેજા હેઠળ આ સંસ્થાઓના પ્રતિનિધિઓ નિયમિત મળીને ચર્ચા કરે છે, સરકાર અને સિટિઝન વચ્ચે સેતુ બનીને હવાના પ્રદૂષણને ઘટાડવામાં શું કરી શકાય એ માટે ઍક્ટિવ છે. આ કૅમ્પેનનો હિસ્સો બનેલી સંસ્થા સાથે સંકળાયેલા દહિસરના નેચર-લવર ઍક્ટિવિસ્ટ વિરાટ સિંહ કહે છે, ‘આપણે ત્યાં જે રીતે સિટીનું પ્લાનિંગ થયું છે એમાં જો હવે બદલાવ નહીં આવે તો પ્રદૂષણ કન્ટ્રોલને અમલમાં નહીં મૂકી શકાય. જેમ હવે દુનિયામાં વૉકિંગ અને સાઇક્લિંગ પાથને પ્રમોટ કરાય છે એમ આપણે ત્યાં પણ આ કલ્ચર અપનાવવું પડશે. આપણી પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમ ખૂબ નબળી છે. ચાલવા માટે ફુટપાથ નથી. ધારો કે કોઈને ચાલીને જવું હોય તો ચાલવાની જગ્યા નથી. સિટી પ્લાનિંગની દિશામાં આંતરાષ્ટ્રીય સ્તરે કામ કરવું પડશે આપણે. એસી ટ્રેન, મેટ્રો વગેરે પણ સિટીના ટ્રાફિકને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થશે જ. કોસ્ટલ રોડ બની રહ્યો છે એમાં જો વેસ્ટર્ન સબર્બ્સથી સીધું નરીમાન પૉઇન્ટનો રૂટ હોય એવા સ્પેશ્યલ કૉરિડોર બને, બેસ્ટની બસ માટે સ્પેશ્યલ કૉરિડોર સિસ્ટમ હોય તો બહુ ફરક પડશે ટ્રાફિકમાં.’

મુંબઈની હવા જ્યારે ખરાબ હોય ત્યારે મુંબઈ મહાનગરપાલિકા દરેકના ફોનમાં એનું નોટિફિકેશન મોકલે તો એ પણ મુંબઈકરોને પ્રદૂષણની આડઅસરથી બચવા માટે બહુ મોટી હેલ્પ કરી શકે. આવાઝ ફાઉન્ડેશનના સુમૈરા અબ્દુલ્લીએ આ વિચાર સાથેનો પત્ર મુંબઈના પોલીસ કમિશનરને મોકલેલો, પણ કોઈ રિપ્લાય નથી મળ્યો. તેઓ કહે છે, ‘પ્રદૂષણ ડાયરેક્ટલી આપણી હેલ્થને અસર કરે છે એ દીવા જેવી હકીકત હોય ત્યારે પ્રદૂષણથી ચપેટમાં જલદી આવી શકે એવા નબળી હેલ્થ ધરાવતા લોકોને પ્રોટેક્ટ કરવા માટે આ વસ્તુ બીએમસીએ કરવી જોઈએ. કેમ વરસાદ વધુ હોય તો એના વિશેના અવેરનેસ મેસેજ મોકલે છે બીએમસી, તો આ પ્રદૂષણ ગંભીર મામલો નથી લાગતો એને? દિવાળીમાં ફટકાડા ફૂટ્યા પછી, કચરો સળગાવ્યો હોય એ વિસ્તારોમાં જઈને મેં મશીન દ્વારા ત્યાંની ઍર ક્વૉલિટી ચેક કરીને એનો ડેટા સોશ્યલ મીડિયા પર લોકો સાથે શૅર કર્યો છે. લોકો હવે જાગી જાય એ બહુ જરૂરી છે.’

કન્સ્ટ્રક્શનની ધૂળનું શું?

મેટ્રો પ્રોજેક્ટ જ્યારે પાસ થયો ત્યારે મેટ્રોના ટનલિંગના ખોદકામ વખતે જે ડેબ્રીઝ નીકળશે એ દરિયાઈ માર્ગે શ્રીવર્ધન જશે એવું પ્રોજેક્ટ-રિપોર્ટ દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું. એનું કારણ એ હતું કે આ માટી લઈને ખટારા શહેરમાં ન ફરે અને હવાનું પ્રદૂષણ ન થાય. લગભગ ત્રણ લાખ ટન માટીની હેરફેર કરવાની હતી. અત્યાર સુધી અઢી લાખ ટન માટી નીકળી ચૂકી છે અને તમે માનશો નહીં, પણ આ બધી માટી ટ્રક દ્વારા આખા શહેરના માર્ગો દ્વારા કાંજુરમાર્ગના મૅનગ્રોવ્ઝમાં ઠાલવવામાં આવી છે અને એની હેરફેર વખતે ધૂળના જે રજકણો હવામાં ભળ્યા અને હવા વાટે લોકોનાં ફેફસાંમાં ગયાં એની અકાઉન્ટિબિલિટી કોની?

સાગર શક્તિ-વનશક્તિ નામની સામાજિક સંસ્થાના સ્ટાલિન દયાનંદનો આ પ્રશ્ન વાજબી છે. લોકોની હેલ્થ-કન્ડિશનનો એક સીધો હિસાબ આપતાં સ્ટાલિન ઉમેરે છે, ‘તમે મને કહો કે છેલ્લાં પચીસ વર્ષમાં મુંબઈથી ભારતનું મોટા પાયે પ્રતિનિધિત્વ કર્યું હોય એવા કેટલા ઍથ્લીટ તૈયાર થયા. આપણી હવામાં સત્ત્વ નથી અને હેલ્થને થઈ રહેલા એ સાઇલન્ટ ડૅમેજ પર કોઈની નજર પણ નથી. ભલે દિલ્હીના આંકડા ઊંચા દેખાતા હોય, પરંતુ આપણી બ્રીધિંગ સ્પેસમાં સતત પ્રદૂષણ છે. હેલ્થ ડેટાનું અધ્યયન થઈ શકે એવી કોઈ સેન્ટ્રલાઇઝ્‍ડ સિસ્ટમ આપણે ત્યાં નથી કે ડાયરેક્ટ એવા કન્ક્લુઝન પર આવી શકીએ.’

આટલી કાળજી રાખજો

હજારો લોકોનો ભોગ લેનારી ભોપાલ ગૅસ વિસ્ફોટમાં એક બૌદ્ધ સાધુ બચી ગયેલા, પણ જે લોકોએ ભાગાભાગ કરી હતી એ લોકો શ્વસનમાં એ ઝેરી ગૅસ જવાને કારણે મોતને શરણ થયેલા. કેઈએમ હૉસ્પિટલમાં ચેસ્ટ રિસર્ચ ઍન્ડ એન્વાર્નમેન્ટલ પૉલ્યુશન વિભાગનાં હેડ અને પ્રોફેસર ડૉ. અમિતા આઠવલે આ કિસ્સો હવાનું પ્રદૂષણ જ્યારે વધું હોય ત્યારે યાદ કરાવતાં કહે છે, ‘જ્યારે પ્રદૂષણ હોય ત્યારે તમારા શ્વાસ ઓછા લેવાય એ મહત્ત્વનું છે. પ્રદૂષણ હોય હવામાં તો બારીબારણાં બંધ રાખવાં મહત્ત્વનાં છે. જ્યારે બહાર ફટાકડાનો ધુમાડો હોય ત્યારે બારી બંધ હોય, એસી બંધ હોય, પંખો ચાલું હોય એ જરૂરી છે. ઘરમાં પણ ઘણી વાર તમે અમુક ધૂપ બાળો કે અમુક ફ્લોર ક્લીનર વાપરતા હો, ઍસિડ વાપરતા હો તો એ પણ હવાનું પ્રદૂષણ છે અને એ નુકસાન કરી શકે. હવાના પ્રદૂષણવાળી જગ્યાએ જતા હો ત્યારે પ્રૉપર પ્રોટેક્શનવાળો માસ્ક પહેરો તો એ પણ તમને અમુક હાનિકારક પાર્ટિકલ્સથી બચાવશે. હવાનું પ્રદૂષણ હોય ત્યારે રનિંગ કે વૉક પર જવાનું ટાળો. હાંફ ચડે એવાં એકેય કામ ન કરો.’

તમને ખબર છે?

મુંબઈમાં હવાનું પ્રદૂષણ વધારવામાં ૪૦ ટકા ફાળો અહીંના ટ્રાફિકનો છે. એક કલાકના ટ્રાફિક જૅમથી હવામાં ફેલાતું પ્રદૂષણ એક રનિંગ વેહિકલના ૧૦ કલાક જેટલું છે.

columnists ruchita shah air pollution