વગરવિચાર્યે બોલાતાં શબ્દો, વાક્યો, વિધાનોનો આતંક અટકે તો સારું

23 January, 2025 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પષ્ટ બોલીને નિર્મળ હૃદયે જીવતા લોકો હાંસિયામાં ધકેલાતા જ જાય છે. 

પ્રતીકાત્મક તસવીર

સ્ત્રી-પુરુષના દામ્પત્ય અને સાયુજ્યથી વિસ્તરતો માનવ સમાજથી સુરક્ષિત બને છે, તેને રહેવા માટે પાકું મકાન અને વહાલું કુટુંબ મળે છે. જીવનની શિક્ષા આપતાં અનુભવી કાકા, મામા, માસા, દાદા, જીજા, ફુઆ અને કાકી, મામી, માસી, દાદી, મોટીબહેન, ફઈ કે ફોઈ જેવાં આજીવન સાથે રહેનારાં સંબોધનો અને સગપણ  મળે છે. ઉંમર વધવા સાથે કમળની પાંખડીની જેમ એક પછી એક ખૂલતાં રહસ્યો અને એનો રોમાંચ અને આનંદ ભાઈ, ભત્રીજા, ભાણેજ અને ભાઈબંધ પૂરો પાડે છે. ઘરના ઉંબરાથી નિશાળનું આંગણું અને કૉલેજનો શામિયાણો અને વિશ્વનો આકાશરૂપી ચંદરવો બધું જ હાથવગું લાગે છે જાણે! ઉત્સાહથી થનગનતાં લવરમૂછિયા કિશોરો, જુવાનો, યુવતીઓ અવકાશ આંબવાના મહારથ સાથે મેદાનમાં ઊતરે છે. પોતાના પૂર્વજ કે વડીલો ન કરી શક્યા એ સિદ્ધિ હાથવેંતમાં જ છેનો આશાવાદ જીવનમાં પ્રાણ પૂર્યે જતો હોય છે ને ત્યાં જ!

‘અરે! એ તો અમેરિકા જાય જને ભણવા, તેના બાપને પૈસા છેને!’

‘આ નમ્રતાને જોઈ, મોટી ફૅશનનો ફડકો! મા-બાપે જ ચડાવી મૂકી છે, કોઈ સાથે ભાગી જશેને ત્યારે ખબર પડશે!’

‘આમ સીધેસીધું મોઢા પર બોલી નાખ્યું, સંસ્કાર જ ક્યાં આપ્યા છે મા-બાપે!’

‘જોયું, ક્યારેય એની વહુ મંદિરે કે ભજનસંધ્યામાં આવે છે ખરી? હા, બહેનપણી સાથે ભટકવામાં પહેલો નંબર!’

‘આ નોકરી કરવા જતી બાઈયું કાંઈ જવાબદારી નો સંભાળે, એવી વહુ ઘરમાં નો ઘલાય!’

‘આ પેલો રમેશભાઈનો છોકરો એક નંબરનો માવડિયો છે, એનામાં પોતાનો નિર્ણય લેવાની તાકાત જ ક્યાં છે?’

‘આ રસીલાબહેન! પોતાનાં સાસુને નો સાચવ્યાં તે હવે તેની ભાભીએ પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂક્યાંને! અહીંનું કર્મ અહીં જ છે.’

આ અને આવાં બધાં ઘણાં વાક્યો, વિધાનો હવામાં ઓગળી જતા, ન દેખાતા છતાંય શ્વાસ લેવામાં અડચણ ઊભી કરતા રજકણ જેવા છે! પેલી ધૂળની ડમરીના સૂક્ષ્મ રજકણ જેવા છે. પિતાના પૈસે કે મદદે અમેરિકા જતા દીકરાની છેલ્લાં ૨૦ વર્ષની સ્કૂલ કે કૉલેજની અવિરત મહેનતને કેટલી સરળતાથી ભુલાઈ જવાય છે. પોતાની જવાબદારી પૂરી કર્યા બાદ પ્રસંગાનુસાર તૈયાર થતી સ્ત્રીની ચીવટ અને સમય આયોજનનો છેદ તો શેષ ન રહે એમ ઉડાડી દેવાય છે. મનમાં વેરનો આથો ચડાવ્યા કરી અને આખું જીવતર ખાટુંબોળ કરી નાખતા લોકોની જગ્યાએ સ્પષ્ટ બોલીને નિર્મળ હૃદયે જીવતા લોકો હાંસિયામાં ધકેલાતા જ જાય છે. 

 

- વૈશાલી ​ત્રિવેદી (વૈશાલી ત્રિવેદી ગુજરાતી રંગભૂમિનાં અભિનેત્રી, લેખિકા અને આકાશવાણીનાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે.)

columnists gujarati mid-day all india radio