ઇઝરાયલ-પૅલેસ્ટીન લોહિયાળ લડાઈનો... અંત છે, છતાં અંત નથી...

15 October, 2023 02:19 PM IST  |  Mumbai | Dr. Vishnu Pandya

જોકે આ હમાસના ચહેરા અનેક છે. એનો મૂળ ચહેરો કટ્ટર ઇસ્લામિક છે. એણે ૨૩ લાખ ‘ઘેટો’ (વસતિથી ખીચોખીચ) લોકોની બનેલી ગાઝા પટ્ટીમાં એકધારી સત્તા ભોગવી છે અને ચૂંટણીમાં ઝુકાવ્યું છે.

ફાઈલ ફોટો

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે પણ ગાઝા પટ્ટી, સિરિયા, ગોલન હાઇટ, વેસ્ટ બૅન્ક, ઇઝરાયલ અને હમાસની વચ્ચે આકાશી અને જમીની જંગ વધુ ને વધુ ઉગ્ર અને ઘાતક બની રહ્યો છે. મારો અને ખતમ કરો સિવાય બીજો કોઈ નારો જ નથી જાણે! હમાસ અને એના સાથી દેશોનો ઇરાદો ઇઝરાયલ અને યહૂદીઓને એવી દશાએ પહોંચાડવાનો રહ્યો છે કે એ ફરી પાછું બેઠું થઈ ન શકે. ઇઝરાયલનું સીધું નિશાન હમાસ છે. એને સંપૂર્ણ નષ્ટ કર્યા વિના આરો-ઓવારો નથી એ એણે સમજી લીધું છે. એટલે પહેલાં આકાશી યુદ્ધ, પછી રૉકેટ અને બૉમ્બાર્ડમેન્ટ અને પછી જમીનની સાથોસાથ ભૂગર્ભમાં આતંકવાદી હમાસે બનાવેલાં બન્કરોનો વિનાશ એ એની વ્યૂહરચના છે. અમેરિકા જેવી મહાસત્તા એની સાથે છે.

જોકે આ હમાસના ચહેરા અનેક છે. એનો મૂળ ચહેરો કટ્ટર ઇસ્લામિક છે. એણે ૨૩ લાખ ‘ઘેટો’ (વસતિથી ખીચોખીચ) લોકોની બનેલી ગાઝા પટ્ટીમાં એકધારી સત્તા ભોગવી છે અને ચૂંટણીમાં ઝુકાવ્યું છે. પીએલઓ અને હમાસ નામ જ અલગ છે. ભારતમાં અને બીજે કેટલોક વર્ગ એને પ્રગતિવાદી ગણાવે છે. યાસર અરાફત એનો ‘ક્રાંતિકારી’ નેતા હતો. પૅલેસ્ટીનની મુક્તિના નામે લાંબા સમયથી ત્યાં લડાઈ ચાલે છે, પણ કોઈ ફાવી શકતું નથી. મૂળમાં આ ઇસ્લામિક વિસ્તારોની વચ્ચે ૧૯૪૭માં ઇઝરાયલ નામે યહૂદીઓનો દેશ રચાયો એ સૌના દિમાગમાં ખટકે છે. હકીકતમાં જેરુસલેમમાં સૌથી પ્રાચીન પ્રજા યહૂદી હતી. પછી ઈસાઈ અને છેલ્લે મુસ્લિમો આવ્યા. આક્રમણ કરીને આવ્યા. યહૂદી પ્રજાની પનોતી હજાર વર્ષોથી બેઠી હતી. ક્યાંય એનો કોઈ દેશ નહોતો રહ્યો. બધે એને ધુતકાર મળતો. હિટલરે તો યહૂદી વંશને જ ખતમ કરવાનું યુદ્ધ આદર્યું. ગૅસ ચેમ્બર અને શ્રમ છાવણીઓમાં યહૂદીઓએ જેટલા જીવ ગુમાવ્યા એટલું બીજી પ્રજાએ ભાગ્યે જ સહન કર્યું હશે. દુનિયામાં એવી વાત ફેલાવવામાં આવી કે યહૂદીઓ ભારે કંજૂસ છે, નિર્મમ છે, દુષ્ટ છે. હવે એને બીજા વિશ્વયુદ્ધ પછી જમીનનો એક ટુકડો મિડલ ઈસ્ટમાં આપવામાં આવ્યો હોય તો એમાં ખોટું શું છે? આ પ્રજાએ ઉત્તમ વૈજ્ઞાનિકો, ચિંતકો, સાહિત્યકારો આપ્યા છે. પ્રાચીન વિરાસત છે તેમની. દુનિયા આખીમાં હડધૂત થયેલા યહૂદીઓની સરકાર આજે પણ યાદ કરે છે કે એકમાત્ર ભારત એવો દેશ હતો જેણે યહૂદી પ્રજાને આશરો આપ્યો હતો. બેન ગુરિયન એનો અડીખમ , દૂરદ્રષ્ટા નેતા હતો. ઇઝરાયલ તેના સ્વપ્નનું નિર્માણ છે. આ પ્રજાની પોતાની પ્રાચીન ભાષા છે હિબ્રૂ અને એ બાઇબલની પણ ભાષા છે. દુનિયામાં આ પ્રજા જુદી-જુદી જગ્યાએ જીવન ગુજરાન કરી રહી હતી ત્યારે પણ એની પ્રાર્થનાનું પહેલું વાક્ય રહેતું : ‘નેક્સ્ટ યર ઇન જેરુસલેમ...’ આજે આ પ્રાચીન નગર એના હસ્તક છે. દેશને પરિશ્રમથી બદલાવ્યો, વિકસિત કર્યો, સમુદ્રનાં ખારાં પાણી મીઠાં-પીવા જેવાં બનાવ્યાં, કિબુટ્ઝ નામે સહજીવનની નવી રચના કરી, પ્રત્યેક ઇઝરાયલી પરિવારમાંથી એક યુવક સેનામાં જાય એવી પરંપરા ઊભી કરી, ખેતી અને ઉત્પાદનમાં સમૃદ્ધ થયા. હવે કોઈ હમામ કે કોઈ હિઝબુલ્લા એવું કહે કે ઇઝરાયલ ખતમ થવું જોઈએ તો કોણ માને? શા માટે માને? પરંતુ એવા લોકો પણ હોય છે. ઇજિપ્તથી માંડીને જૉર્ડન, સિરિયા, ઈરાન જેવા દેશો આવું માને; એટલું જ નહીં આક્રમણ પણ કરે. એવા એક આક્રમણમાં ઇઝરાયલે ઇજિપ્તના દાંત ખાટા કરી દીધા પછી લડાઈનું નામ નથી લેતું. જોકે હમામ, સિરિયા, જૉર્ડન, ઈરાનનો રસ્તો અને ઇરાદો ઇઝરાયલને પૂરું કરવાનો છે.

એ માટે ફિલિસ્તીન અર્થાત્ પૅલેસ્ટીનનો મુદ્દો માફક આવી ગયો છે. તે બધાને ઇઝરાયલથી મુક્ત સ્વાધીન પૅલેસ્ટીન બનાવવું છે. એને અલ-અક્સા મસ્જિદ જોઈએ છે, કારણ કે ઇસ્લામને માટે દુનિયાની એ સૌથી ત્રીજી મોટી મસ્જિદ છે. જેરુસલેમ પીઆર યહૂદી, ઈસાઈ, મુસ્લિમ ત્રણેનો દાવો છે. ભારતમાં હમામવાદી કે લિબરલ્સ કે લેફ્ટિસ્ટ કે કૉન્ગ્રેસ જે ગણો તે ઇઝરાયલ પરના હમાસના હાહાકાર મચાવે એવા આક્રમણને વખોડવાને બદલે પૅલેસ્ટીન-ફિલિસ્તીન મુક્તિની પિપૂડી વગાડ્યા કરે છે અને કહે છે કે ગાંધીજીએ પણ એવી મુક્તિની તરફેણ કરી હતી. ગાંધીજીએ તો ભારતમાં ખિલાફતને તદ્દન વિચિત્ર ટેકો આપ્યો હતો, જેને અનેક નેતાઓ ‘ખિલાફતને આફત’ ગણતા હતા. પ્રગતિવાદી પાશાના નિર્ણયો સામે પુન: ખલીફાનું રાજ્ય બને એવા તુર્કીના આંદોલનને ભારતની સાથે કોઈ લેવાદેવા નહોતી તો પણ ગાંધીજીએ ‘ભારતના મુસ્લિમોને સાથે લાવવા’ આવું કર્યું અને એમાંથી મોપલા અત્યાચારોને વેગ મળ્યો.
ભારતે ફિલિસ્તીન મુક્તિને સિદ્ધાંતરૂપે ટેકો પણ આપ્યો છે જે આજે પણ ચાલુ છે. પીએલઓનો નેતા યાસર અરાફત ભારતની મુલાકાતે આવ્યો હતો. ઇન્દિરા ગાંધીને તે ‘બહેન’ તરીકે માનતો હતો. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફિલિસ્તીનની મુલાકાતે જનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન હતા.
 

જોકે એનો અર્થ એવો તો નહીં જ કે મુક્તિના બહાને કટ્ટર આતંકવાદ કરવા દેવો. હમાસનો હેતુ એવો જ છે. શું ગાઝા પટ્ટીમાં ઇસ્લામને માનનારો નાગરિક શાંતિથી જીવવો જોઈએ તો ઇઝરાયલમાં જીવનારાઓને શાંતિથી જીવવા દેવા જોઈએ કે નહીં? એને બદલે યહૂદી નાગરિકોને બાનમાં લેવા, તેમને મારી નાખવાની ચેતવણી આપવી, યહૂદી સ્ત્રીને નગ્ન કરીને ટ્રકમાં ખુલ્લી રીતે લોકોને દેખાડવી, બાળકોનાં માથાં કાપી નાખવા, ગીત-સંગીતમાં મગ્ન યુવકોને બંદૂકથી ઉડાવી દેવા... આ અસભ્ય, અમાનુષ, રાક્ષસી કૃત્યોની ખિલાફ લડવું એ ઇઝરાયલની ફરજ પણ બની જાય છે. જો કટ્ટરતાનું લોહિયાળ મથક અને એ પણ ઇસ્લામિક ધર્મના નામે પૅલેસ્ટીનમાં ચાલુ રહેવા માગતું હોય તો એની મુક્તિ-બુક્તિનો આલાપ પણ બંધ થવો જોઈએ. ઇઝરાયલ લોકશાહી દેશ છે. એની હેઠળ ફિલિસ્તીનની પ્રજા પણ સુખી થશે.

આ હમાસ છે શું? દેખીતી રીતે તો કટ્ટર ઇસ્લામિક સંસ્થા છે. એનું અરબી નામ ‘HARAKH-AL-MUQAWAMAH-AL-ISLAMIYYAH’ છે. અર્થાત્ એ ઇસ્લામની સુરક્ષા કરવાનો હેતુ ધરાવે છે. એની પોતાની અલ-અક્સા ટીવી-ચૅનલ છે. અલ ફત્તેહ છે જે ઇસ્લામિક બાળકોના દિમાગમાં ઝેર પેદા કરતી સામગ્રી આપે છે. ગાઝા પટ્ટીમાં ચૂંટણીમાં જીત્યા પછી ત્યાં અલ-કાયદાની માફિયાગીરી વધી. હમાસના ચાર વિભાગ છે : એક સૈનિકી, બીજો પ્રશાસન, ત્રીજો મઝહબી અને ચોથો મીડિયા. ૧૯૭૩માં મુસ્લિમ બ્રધરહુડમાંથી અલ-ઇસ્લામિયા થયું. એમાંથી હમાસ આવ્યું. એનું મૂળ કામ તો ગાઝામાં દાન, સહાય અને સેવાનું હતું. અત્યારે એનું ઝનૂન એને જ ભરખી જાય એવા સંજોગો છે. દેખીતી રીતે પાકિસ્તાન, ઓમાન,  ટ્યુનિશિયા,  ઈરાન,  કુવૈત,  કતાર, મલેશિયા, અફઘાનિસ્થાન, મૉરોક્કોનો હમાસને ટેકો છે. જોકે ઇસ્લામિક દેશો આ વખતે એવા ઝનૂની નથી રહ્યા કે હમાસને વગર વિચાર્યે ટેકો આપે. આરબ અમીરાત, મૉરોક્કો, બાહરીન, સુદાને તો ઇઝરાયલને માન્યતા પણ આપી છે. ૧૯૪૯માં તુર્કીએ માન્યતા આપી. એક મહત્ત્વની વાત એ પણ છે કે યહૂદી-મુસ્લિમ પૂરતો આ સંઘર્ષ નથી, શિયા અને સુન્ની વચ્ચેનો પણ છે. ઈરાન શિયાપંથી છે. ઇઝરાયલની આસપાસના દેશો મિસર, જૉર્ડન, લેબૅનન, સિરિયા, ઇરાક, તુર્કી, ઈરાન, મૉરોક્કો, સાઉદી અરબ, સુદાન છે.

સંઘર્ષ ઘણો જૂનો છે. ૨૩ લાખ લોકો ગાઝામાં વસે છે. ૧૯૭૩માં ઇઝરાયલ પર હુમલો થયો હતો એનાં ૫૦ વર્ષે એ જ પૂર્વસંધ્યાએ હમાસે હુમલાનું દુષ્કૃત્ય આચર્યું. ૧૯૭૩માં મિસર અને સિરિયાને પરાજયની બદનામી વેઠવી પડી હતી એવું જ નસીબ હમાસનું છે, પણ એ પહેલાં કેટલા લોકો મરશે? આંકડા વધતા જાય છે. ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં વીજળી, પાણી વગેરે બંધ કરી દીધાં. આતંકવાદીઓ તો બન્કરોમાં સલામત રહે છે! મોરચા એક નથી, અનેક છે. વેસ્ટ બૅન્ક, પૂર્વ જેરુસલેમ, સિરિયા, લેબૅનન પણ ઉમેરાતાં જાય છે. જલદી આ યુદ્ધનો અંત આવી શકે? હા, જો હમાસ તદ્દન ખલાસ થઈ જાય, ગાઝા પટ્ટી શરણે આવે, કેટલાક મુસ્લિમ દેશો યુદ્ધવિરામ કરાવે, અગાઉ જેમ કેટલાક કરારો થયા હતા જેને અબ્રાહમ કરાર તરીકે ઓળખવામાં આવે છે એવું કોઈક પરિણામ આવે. જોકે કટ્ટરતા સાથેનું યુદ્ધ તદ્દન નષ્ટ થતું નથી. એક યા બીજી રીતે, એક યા બીજા સ્થાને ચાલુ રહે છે. એટલે આનો ઉપાય એક જ છે - જેટલા દેશોને આવો આતંક નડે છે એ બધા એકત્રિત થાય અને સંયુક્ત રીતે આતંકવાદની સામે સખત પગલાં લે. ભારત સરકાર જુદાં-જુદાં વિશ્વ સંમેલનોમાં આ વાત કરી રહ્યું છે. વર્તમાન બે યુદ્ધો યુક્રેન-રશિયા અને બીજું ઇઝરાયલ-હમાસ મનુષ્યતાના બાલિશ સ્વભાવની ખતરનાક નિશાની છે.

columnists israel hamas gujarati mid-day