ખરેખર એચ-1બી વિઝા નાબૂદ થઈ જાય એવું સંભવ છે?

06 October, 2023 04:14 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

વિવેક રામસ્વામીએ એચ-1બી વિઝા નાબૂદ કરવાની એમની જે ઇચ્છા જાહેર કરી છે એ એમના ઇલેક્શનના પ્રચારનો એક ભાગ છે

પ્રતીકાત્મક તસવીર

રિપબ્લિક પક્ષના પ્રેસિડન્ટપદ માટેના આગામી ચૂંટણીના જેઓ ઉમેદવાર છે એ ભારતીય મૂળના વિવેક ગણપતિ રામસ્વામીએ હમણાં જ જાહેર કર્યું છે કે જો તેઓ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો વર્ષ ૧૯૯૦માં દાખલ કરાયેલા એચ-1બી વિઝા, જેની હેઠળ દર વર્ષે ૮૫,૦૦૦ પરદેશી સ્નાતકો જેઓ સ્પેશ્યલિટી ઑક્યુપેશન વર્કરો હોય છે અને જેમાં ૮૦થી ૯૦ ટકા ભારતીયો હોય છે, એ એચ-1બી વિઝા નાબૂદ કરશે. અમેરિકાના પ્રેસિડન્ટપદ માટેના ઉમેદવાર રામસ્વામી સેક્યુલરિઝમ એટલે સર્વ ધર્મને સમાનતા તેમ જ માન્યતા આપવાનું પસંદ નથી કરતા. તેમણે પોતે ભારતીય માતા થકી અમેરિકામાં જન્મ લીધો છે અને આથી તેઓ અમેરિકન નાગરિકત્વ પામ્યા છે. આમ છતાં તેઓ અમેરિકામાં જન્મ લેનાર દરેકે દરેક બાળકને અમેરિકાની સિટિઝનશિપ મળે એવું નથી ઇચ્છતા. અમેરિકાના બંધારણમાં આ પ્રકારની જે જોગવાઈ છે એ તેઓ જે એચ-1બી વિઝા રદ કરવા ઇચ્છે છે તેમ એ પણ રદ કરવાનો ઇરાદો ધરાવે છે. તેઓ વોટ આપવાની વયમાં પણ વધારો કરીને પચીસ વર્ષની વય થાય એમને જ વોટ આપવાનો અધિકાર મળે એવો ફેરફાર કાયદામાં કરવા ઇચ્છે છે. એમણે પોતે પોતાની કંપની માટે ૨૬ પરદેશીઓને એચ-1બી વિઝા ઉપર આમંત્ર્યા છે. આમ છતાં તેઓ એચ-1બી વિઝાનો વિરોધ શા માટે કરે છે? જો રામસ્વામી અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાય અને એમણે જે જાહેર કર્યું છે એ મુજબ એચ-1બી વિઝા નાબૂદ કરે તો ભારતીય કમ્પ્યુટર પ્રોફેશનલોને ખૂબ-ખૂબ નુકસાની જશે. આનો ઉપાય શું? આવું શું ખરેખર બની શકે? એચ-1બી વિઝા સાવ નાબૂદ થઈ શકે?

વિવેક રામસ્વામીએ એચ-1બી વિઝા નાબૂદ કરવાની એમની જે ઇચ્છા જાહેર કરી છે એ એમના ઇલેક્શનના પ્રચારનો એક ભાગ છે. તેઓ ચૂંટાઈ આવે પછી જ એચ-1બી વિઝા દૂર કરવાનો પ્રશ્ન ઊભો થાય છે અને એમ કંઈ અમેરિકાના પ્રેસિડન્ટ ધારે એટલે વર્ષો જૂના આ કાયદાને તેઓ ફટ દઈને રદ કરી ન શકે. એ માટે કાયદેસરનાં પગલાં લેવાં પડે અને જેમ ભારતીયો અને અન્ય પરદેશીઓને રામસ્વામીનું આ એલાન પસંદ નથી પડ્યું એમ અમેરિકામાં પણ અનેકોને રામસ્વામીનો આ વિચાર પસંદ નથી પડ્યો. આજે અમેરિકામાં ભણેલાગણેલા અનુભવી કાર્યકરોની ખૂબ જ અછત છે. આથી જ ૮૫,૦૦૦ એચ-1બી વિઝા માટે દર વર્ષે બેથી પાંચ લાખ અરજીઓ થાય છે એટલે એચ-1બી વિઝા રદ કરવા સહેલા નથી. ઉપરાંત જો એચ-1બી વિઝા રદ કરવામાં આવશે તો રામસ્વામીએ જાતે જ દર્શાવેલી બીજી રીતો વડે ભણેલાગણેલા અનુભવી સ્નાતકોને અમેરિકામાં કામ કરવા માટે આવવા દેવા માટે બીજા પ્રકારના વિઝા ઘડવામાં આવશે અને અમેરિકા જો ગ્રૅજ્યુએટોને ગમે ત્યાં કામ કરવા માટે આવવા ઉપર એચ-1બી વિઝા રદ કરીને પ્રતિબંધ નાખશે તો વિશ્ર્વના અન્ય દેશો એ સ્પેશ્યલિટી ઑક્યુપેશન વર્કરોને પોતાને ત્યાં આમંત્રશે. એટલે ભણેલાગણેલા સ્પેશ્યલિટી ઑક્યુપેશન વર્કરોને બિલકુલ ચિંતા કરવા જેવી નથી. જો એક દરવાજો બંધ થશે તો બીજા અનેક ખૂલી જશે.

હાલની સ્થિતિ જોતાં શું કૅનેડા જવાનું બંધ કરવું?

કૅનેડામાં હમણાં-હમણાં ભારતીયો ઉપર ખુલ્લેઆમ હુમલા થાય છે અને ભારત સરકારે આથી ભારતીયોને કૅનેડા ન જવાની સલાહ આપી છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી ભારતીયોનો અને ખાસ કરીને ગુજરાતીઓનો કૅનેડામાં ખૂબ જ ધસારો થયો છે. કૅનેડા ભણવા, ત્યાં નોકરી કરવા, ત્યાંનું પીઆર મેળવવા બહુ મોટી સંખ્યામાં ભારતીયો જઈ રહ્યા છે. શું એમણે બધાએ કૅનેડા જવાનું બંધ કરવું જોઈએ?

આવાં છમકલાં તો દરેક દેશમાં થતા જ રહે છે. થોડા સમય પહેલાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર ગુના થયા હતા. અમેરિકામાં પણ અવારનવાર ભારતીયો ઉપર આક્રમણ કરવામાં આવે છે. ઇંગ્લૅન્ડમાં પણ આવું થાય છે. કૅનેડામાં જે બનાવ બન્યા છે એનાથી ગભરાવાની જરૂર નથી પણ સાવધ રહેવાની જરૂર છે. તમે ત્યાં ભણવા જાઓ, કામ કરવા જાઓ, કાયમ રહેવા જાઓ તો તમારા અભ્યાસ અને કામકાજથી નિસબત રાખો. તમારા ધર્મનો ફેલાવો ત્યાં કરવાની ઇચ્છા ધરાવશો, ખાલિસ્તાનની માગણી કરતા ત્યાં વસતા સિખ લોકોનો વિરોધ કરશો, ત્યાંના રાજકારણમાં દખલ દેશો તો કદાચ તમને મુશ્કેલી નડી શકશે. તમે જે કામ માટે, જે ઉદ્દેશથી કૅનેડા ગયા હો એ જ કામ કરો અને અહીં બીજે માથું ન મારો તો તમારા ઉપર કોઈ આક્રમણ નહીં કરે. કૅનેડા ખૂબ જ સારો દેશ છે. તમે એ દેશમાં જે કાર્ય અર્થે જતા હો એ જ કરો.

columnists united states of america canada