27 April, 2023 05:21 PM IST | Mumbai | JD Majethia
પિતામહ જેવો પુત્ર આજના સમયમાં શક્ય છે?
મતભેદ હોય તો એનો અર્થ એવો નથી કે સંબંધો કોરાણે મુકાઈ જાય. મનભેદ હોય ત્યાં જ આ બનતું હોય છે. મહાભારતની સૌથી સારી વાત એ જ છે કે એમાં લડ્યા પછી બધા સાંજે ફરીથી એક થઈ શકતા હતા, બધાએ એકબીજાને ઘરે જવાનું ઔચિત્ય અકબંધ રાખ્યું હતું પણ આજના સમયે એ શક્ય નથી બનતું.
બે વીકથી આપણે વાત કરીએ છીએ મહાભારતની. આ સિરીઝના પહેલા એપિસોડમાં કુંતી, ગાંધારી વિશે વાત થઈ તો બીજા એપિસોડમાં દ્રૌપદી અને સુભદ્રા વિશે વાત કરી. હવે આપણે વાત કરવાની છે મહાભારતના મહારથી પુરુષોની.
આ મહારથીઓ વિશે અગાઉ પુષ્કળ લખાઈ ચૂક્યું છે અને એ પછી પણ વાચકોની ડિમાન્ડને કારણે આપણે આ ટૉપિક આગળ વધારીશું, પણ દૃષ્ટિકોણ જુદો રાખવાનો છે.
બહુ મોટા ગજાના લોકોએ મહાભારતના આ મહારથીઓનાં પાત્રોને ઊંડાણથી અને તલસ્પર્શી રીતે રજૂ કર્યાં છે, સમજાવ્યાં છે. અલગ-અલગ સમયે અને અલગ-અલગ કારણોસર તેમની વાતો થતી રહી છે પણ આજે તેમને જોવાની નજર આપણી છે અને આપણી નજરમાં આ મહારથીઓને જોવાનો પ્રયાસ અગાઉ કોઈએ નથી કર્યો.
વાત મહાભારતની હોય ત્યારે સૌથી પહેલાં જો કોઈ યાદ આવે તો એ છે ભીષ્મ.
પિતામહ તરીકે વધારે પૉપ્યુલર થયેલા ભીષ્મની પ્રતિજ્ઞાએ મહાભારતનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ છે અને આપણી આ માનસિકતા બી. આર. ચોપડાની ‘મહાભારત’ સિરિયલના કારણે બંધાઈ એ પણ એટલું જ સાચું છે. ભીષ્મ પિતામહે લીધેલી પ્રતિજ્ઞા અને એની પાછળની વાતો જો આજના સમયમાં રિલેટ કરવા જઈએ તો હાસ્યાસ્પદ લાગે, પણ પુરાણોમાં આવી વાતો હતી અને આવાં પાત્રો પૂજનીય પણ હતાં. આ જ કારણે હું કહેતો હોઉં છું કે જીવનમાં કેટલીક બાબતોમાં તર્કને બદલે શ્રદ્ધાને મહત્ત્વ આપવાનું. અહીં પણ આપણે એ જ કરવું છે, આપણે પૂજનીયતા પર જ વધારે ધ્યાન આપવું છે.
શાંતનુ અને ગંગાના આ શક્તિશાળી ગુણવાન પુત્રએ પોતાના પિતાને વિરહમાં જોઈને સામે ચાલીને પોતાના આખા જીવનને પ્રેમવિહોણું રાખ્યું. આ પ્રેમવિહોણા જીવનમાં પિતા પ્રત્યેની ફરજ અને તેના માટેની પ્રેમની પરાકાષ્ઠા દેખાય છે અને પિતાપ્રેમનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. ભીષ્મએ આખું જીવન વચન અને પ્રતિબદ્ધતા સાથે વિતાવ્યું છે. પિતાના પ્રેમને મેળવી આપવાથી લઈને ભાઈઓનાં લગ્ન અને કૌરવોને આપેલો સાથ. દ્રૌપદીના ચીરહરણથી લઈને અજુર્નની સામે યુદ્ધ અને અંતે બાણશૈયા પર દેહત્યાગ.
બાણશૈયા.
જરા વિચાર તો કરો, આપણી પથારીમાં એક કીડી કે એક કાંકરી આવે તો આપણી તો ઠીક, બીજાની પણ ઊંઘ ને રાત બન્ને બગડે. જ્યારે આ તો બાણશૈયા. બાણ પણ કયાં અને કેવાં, કુરુક્ષેત્રના યુદ્ધમાં વાપરવામાં આવતાં ધારદાર અણીવાળાં બાણની શૈયા. કલ્પના પણ ન થઈ શકે આ પ્રકારની શૈયાની અને એ પછી પણ એવી શૈયા પર ભીષ્મ રહ્યા અને તેમણે એ જ શૈયા પર અંતિમ શ્વાસ પણ લીધા.
શૂરવીર.
શું કહેવાનું બીજું!
આજના સમયમાં કોઈ હોય તો એ પહેલાં તો પોતાના પિતાને સમજાવે કે મૂકો આ બધી લપ અને પહેલાં મારાં લગ્ન કરાવો. જરા વિચાર તો કરો, ક્યારેય કોઈ લે એવી પ્રતિજ્ઞા કે પોતે આખું જીવન પ્રેમ અને સંતાનમુક્ત રહેશે અને એ પણ પોતાના પિતાના જીવનમાં તેમને તેમનો પ્રેમ મળી રહે એ માટે? કોઈ કાઢે આવાં ગાંડાં અને ધારો કે કદાચ પુત્રપ્રેમ એવો દેખાઈ પણ આવે તો કોઈ પણ પિતા આવી પ્રતિજ્ઞા લેનારા પુત્રની પાસે પ્રતિજ્ઞા તોડાવવાનો રસ્તો વિચારે અને પુત્રની જિંદગીને રંગીન બનાવવાની જવાબદારી લે, પણ એવું તો બન્યું જ નથી તો પછી કેવી રીતે એવું લાગે કે આ સત્ય હકીકત હશે?
જેમના લીધે પોતાની આવી કુંવારા રહેવાની પરિસ્થિતિ થઈ છે એવા સાવકા ભાઈઓ માટે સ્વયંવરમાંથી પત્ની જીતીને લાવવાની અને આખું જીવન સંતાનવિહોણા થઈને દુર્યોધન જેવા કુપાત્રની વાત મને-કમને માનવાની અને પોતાની સામે પોતાના જ કુટુંબની વહુ દ્રૌપદીનું ચીરહરણ ચૂપચાપ જોયા કરવાનું? ધારો કે, ધારો કે આ ઘટનામાં તમે પિતામહ છો તો તમે શું કરો? તમને વિચાર ન આવે કે દુર્યોધન આણિ આખી મંડળીને એક લાફો ઠોકવો જોઈએ? એ બધાને એક અને યુધિષ્ઠિરને બે લાફાઓ ઠોકવા જોઈએ; પણ આ આજના સમયની વાત છે, આ આજના જમાનાની વાત છે અને આજના સમય મુજબ યુધિષ્ઠિરને શું કામ બે લાફા મારવા જોઈએ એની વાત પણ કરીએ પણ એ વાત કરતાં પહેલાં અત્યારે આપણે ભીષ્મ પિતામહની વાત પૂરી કરીએ. ભીષ્મ પિતામહની કેવી પીડા રહી હશે એનો વિચાર કરવાનો છે. કેટકેટલા ભોગ તેણે આપ્યા, પોતાના હિસ્સામાં હતું એ રાજ પણ તેમણે જવા દીધું, સંસાર તો છોડ્યો જ છે અને આપણે એ વાત પણ કરી. આટલું ઓછું હોય એમ તેમણે આખું જીવન પોતાનાં આ બધાં સગાંઓની સુરક્ષામાં વિતાવ્યું અને આ એવાં સગાં હતાં, એવો પરિવાર હતો જેણે એ જ રાજને જુગારમાં દાવ પર લગાડી દીધું હતું. એ લગાડ્યા પછી બન્ને ભાઈઓનાં સંતાનો વચ્ચે એવો તે મતભેદ ઊભો થયો કે છેલ્લે બધા કાપાકાપી પર આવી ગયા.
મહાભારતમાં દર્શાવવામાં આવેલા મતભેદો એ ઍક્ચ્યુઅલી આજની સિસ્ટમને રેપ્રિઝેન્ટ કરે છે.
કેવું વિશાળ જૉઇન્ટ ફૅમિલી છે આ! આ જૉઇન્ટ ફૅમિલીમાં પહેલાં છ ભાઈઓ અને તેમના પરિવારો, પછી ચાર ભાઈઓ અને તેમનો પરિવાર અને એ પછી તેમનાં સંતાનો આમ કુલ ત્રણ પેઢી સાથે રહી. સંપ અને જંપ સાથે બધા પ્રેમભાવથી રહ્યા અને એક વડીલ આખું ઘર ચલાવતા. બધા એક જ ક્ષેત્રમાં અને એ પછી પણ સંપ અકબંધ હતો. ઝઘડો તો શું, ઊંચા અવાજે વાત પણ નહોતી થઈ શકતી.
આજે આવી કલ્પના પણ થઈ શકે ખરી? અરે, માબાપ અબજો રૂપિયા મૂકીને ગયા હોય ને બે જ ભાઈઓ હોય તો પણ તેમની વચ્ચે માબાપની પ્રૉપર્ટીના ભાગ વખતે પ્રૉબ્લેમ થાય એવી શક્યતા વધારે છે. સમય બદલાઈ ગયો છે. પહેલાંના સમયમાં લોકો માટે જે આસાન હતું એ આજે આપણા માટે અઘરું જ નહીં, ઇમ્પૉસિબલ બની ગયું છે. મહાભારતને કળિયુગનો આરંભ કહેવાય છે. જો એ હકીકત હોય તો પણ જોવાનું એ જ છે કે કળિયુગના આરંભ પછી પણ જીત તો અંતે સત્યની જ થઈ હતી અને ઈશ્વર પણ સત્ય સાથે જ રહ્યો હતો. ભલે મહાભારત જીવનમાં ચાલતું હોય, પરિવારમાં ચાલતું હોય અને ભલે કજિયો થવાના આરે હોય પણ સત્યનો સાથ છોડતા નહીં, ખોટી માગ કરતા નહીં અને જીદ તથા વટને પ્રથમ હરોળમાં બેસાડતા નહીં. જે સમયે એ ભૂલ કરી બેસશો એ સમયે તમે, માત્ર તમને જ નહીં બધાને દુખી કરવાના રસ્તે ચડી જશો અને એવું બનશે તો હવેના કુરુક્ષેત્ર માટે કોઈ મેદાન મળવાનું નથી. હવે કુરુક્ષેત્ર ડ્રોઇંગ રૂમમાં અને ત્યાંથી ર્કોટમાં પહોંચશે અને પછી એકબીજાની સામે જોવાના વ્યવહારો પણ નહીં રહે.
મતભેદ હોય તો એનો અર્થ એવો નથી કે સંબંધો કોરાણે મુકાઈ જાય. મનભેદ હોય ત્યાં જ આ બનતું હોય છે. મહાભારતની સૌથી સારી વાત એ જ છે કે એમાં લડ્યા પછી બધા સાંજે ફરીથી એક થઈ શકતા હતા. બધાએ એકબીજાને ઘરે જવાનું ઔચિત્ય અકબંધ રાખ્યું હતું, પણ આજના સમયે એ શક્ય નથી બનતું. આજે મતભેદ તરત જ મનભેદમાં ફેરવાઈ જાય છે અને તરત જ એકબીજા સામે મોઢાં ચડાવી લેવામાં આવે છે, વાતો બંધ થઈ જાય છે, વ્યવહાર અટકી જાય છે અને સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે છે. આ પૂર્ણવિરામ મૂકી દેવાની ભૂલ જીવનમાં ક્યારેય કરવી નહીં. જો એવી ભૂલ અજાણતાં પણ થઈ તો તમે માત્ર અહમ્ જીતશો પણ સંબંધ અને લાગણીની બાબતમાં હાર તમારા પક્ષે હશે એ નિશ્ચિત છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)