08 March, 2023 04:21 PM IST | Mumbai | Varsha Chitaliya
નિશા રૂપારેલ
હે નારી, તારા પર જઈએ વારી-વારી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હવે દેશ-દુનિયામાં ઉત્સવની જેમ મનાવાય છે, મનાવવો પણ જોઈએ. જે આખા બ્રહ્માંડનું જતન કરવા, પ્રકૃતિ બની પ્રત્યેક જીવનું પોષણ કરવા અને આખા સંસારને સ્નેહનું સિંચન કરવા સમર્થ હોય એ સ્ત્રીત્વનું તો સેલિબ્રેશન જ હોય. દુઃખદર્દ દૂર કરીને પોષણ આપનારી, પ્રેમ અને હૂંફથી સંબંધોમાં સુવાસ ભરનારી અને ડગલે ને પગલે જીવનને અનેરી આશાનાં કિરણો તરફ ગતિ કરાવનારી નારીની કૅપેબિલિટીને ‘મિડ-ડે’ નમન કરે છે. ‘મિડ-ડે’ સલામ કરે છે સ્ત્રીઓના સશક્ત અને સૌહાર્દમય અસ્તિત્વને. આ ખાસ દિવસે પ્રસ્તુત છે પ્રેરણામયી મહિલાઓની રોમાંચક દાસ્તાન લાઇફ પ્લસના મહિલા વિશેષાંકમાં
જૉબ્સ અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મના આંકડા કહે છે કે ભારતના ટિયર વન અને ટિયર ટૂ સિટીની મહિલાઓ હવે ટેક્નિશ્યન, ડ્રાઇવર અને ઑનલાઇન શૉપિંગની ડિલિવરી આપવા જેવી નોકરીઓ માટે બેજિઝક અપ્લાય કરે છે. ગયા વર્ષે ઑફબીટ જૉબ માટે અપ્લાય કરનારી મહિલાઓની સંખ્યામાં ૨૮ ટકા જેટલો વધારો થયો હતો. વર્કફોર્સમાં મહિલા કામદારોની રેકૉર્ડબ્રેક માગ અને ભરતીને લીધે નાણાકીય સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાના દરવાજા ખૂલ્યા છે ત્યારે મળીએ એવી મહિલાઓને જેમણે ઑફબીટ મનાતાં ક્ષેત્રોમાં પ્રવેશીને પુરુષોની મોનોપૉલી તોડવાનું સાહસ કર્યું છે.
દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયત પુરવાર કરવાનો મતલબ ઑફિસમાં બેસીને કામ કરવું જ નથી હોતું. પાર્સલની ડિલિવરી કરવામાં મને જરાય સંકોચ થતો નથી એવું ગર્વ સાથે જણાવતાં થાણેની નિશા રૂપારેલ પાંડે કહે છે, ‘સ્ત્રીઓ માટે આર્થિક રીતે પગભર થવું સમયની જરૂરિયાત છે. મારા હસબન્ડ ઑટો ચલાવે છે. એક્સ્ટ્રા ઇન્કમ ઊભી કરવા કંઈક એવું કરવા માગતી હતી જેમાં મરજી પડે એ રીતે કામ કરવાની સ્વતંત્રતા હોય. મારી પાસે ઍક્ટિવા હતું. હસબન્ડ અને ભાઈના સપોર્ટથી પાર્સલ ડિલિવરી કરવાનું કામ મળી ગયું. એક વર્ષથી વી ફાસ્ટ અને પોર્ટલ સાથે જોડાયેલી છું. મુલુંડથી પનવેલ એરિયામાં પાર્સલ ડિલિવરીનું કામ કરવાવાળી હું એકમાત્ર વુમન છું. પોર્ટલમાં ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી પાર્સલ ડિલિવર કરવાનાં હોય છે, જ્યારે વી ફાસ્ટમાં ઘરેથી પિકઅપ કરવાનું હોય. દરરોજ અંદાજે ૭૦ કિલોમીટર ગાડી ચલાવું છું. ઇન્ડસ્ટ્રિયલ પાર્સલનું વજન ખૂબ હોય. ટાયર, ઑટો સ્પેરપાર્ટ્સ, લોખંડ જેવી વસ્તુઓ હોય. સ્કૂટરમાં પાછળ બાંધીને લઈ જવું પડે.
દસથી પચીસ કિલો લોડ ઉપાડીને ક્યારેક ત્રણ-ચાર માળ દાદરા ચડીને સામાન પહોંચાડું. હવે તો ટેવાઈ ગઈ છું, પરંતુ શરૂઆતમાં ઘણા પ્રૉબ્લેમ્સ આવ્યા હતા. વરસાદમાં ગાડી ચલાવવી મુશ્કેલ લાગતી. ઇન્ટસ્ટ્રિયલ એરિયામાં સાંજના સમયે ભય લાગતો. લોકેશન પર જવા માટે મૅપ રીડિંગમાં સમજણ ઓછી પડતી. અનેક અવરોધો છતાં પોર્ટલના ઑર્ડર વધુ લેવાનું રાખ્યું, કારણ કે વી ફાસ્ટની તુલનામાં કિલોમીટરદીઠ ચાર રૂપિયા વધારે મળે છે. લોડ કૅરી કરીને પાર્સલ આપવા જાઉં ત્યારે લોકો રિસ્પેક્ટથી વાત કરે અને આવું કામ કરવા માટેની મારી હિંમતને દાદ આપે. કોઈક વાર ખરાબ અનુભવ પણ થાય. આ કામ તમારું છે કહીને વજન ઉપાડવામાં મદદ ન કરે. વાસ્તવમાં સ્ત્રીઓમાં ઘણી ક્ષમતા છે. તેમને મોટિવેટ કરવાની જરૂર છે. હું દૃઢપણે માનું છું કે સાહસ કરો અને આપત્તિનો ડર્યા વિના સામનો કરો તો રસ્તાઓ મળે છે.’
પારિવારિક જવાબદારીની સાથે બે છેડા ભેગા કરવા માટે થઈને એક નારી ધારે એ કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે વિલે પાર્લેની ૩૪ વર્ષની રિક્ષા-ડ્રાઇવર સોનલ પટેલ ખારવી. સોનલ કહે છે, ‘આજના જમાનામાં દરેક મહિલાને આર્થિક મોરચે લડવું પડે છે. લગ્ન બાદ હસબન્ડને ઘરખર્ચમાં મદદરૂપ થવા માટે પારકા ઘરે જઈને ઘરકામ કરતી હતી. પ્રથમ સંતાન વખતે તો બધું બરાબર ચાલ્યું. બીજી વાર સગર્ભા થઈ ત્યારે વારંવાર રજાની જરૂર પડવા લાગી. દીકરીના જન્મ પછી તેને જુદા-જુદા ડોઝ અપાવવા દવાખાને લઈ જવા રજા નહોતી મળતી એટલે નાછૂટકે ઘરકામ કરવાનું બંધ કરવું પડ્યું. ઘરની આવક ઘટી એટલે ચિંતામાં પડી ગઈ. મારા હસબન્ડ સ્વિગીમાં ડિલિવરી આપવાનું કામ કરે છે. તેમણે એ કામ કરવાની સલાહ આપી. પહેલાં તો તૈયાર થઈ ગઈ. જોકે મુંબઈનાં જૂનાં બિલ્ડિંગોમાં સીસીટીવી કૅમેરા હોતા નથી તેથી મને એમાં સેફ્ટી ન દેખાઈ. મારે એવું કામ કરવું હતું જેમાં ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકાય. મહિલા ડ્રાઇવરો વિશે સાંભળ્યું હતું. જોકે સાસરામાં અને પિયરમાં ઑટો ચલાવવાની પરમિશન મળશે કે કેમ એ શંકા હતી. અમારા એક રિલેટિવ પાસે ઑટો હતી. રાતના સમયે છુપાઈ-છુપાઈને ઑટો ચલાવતાં શીખી. કૉન્ફિડન્સ આવ્યા બાદ પરમિટ માટે અપ્લાય કર્યું. પરમિટ આવે એ પછી નિશ્ચિત સમયમાં ઑટો ખરીદી લેવી પડે. લોન લઈને એ કામ પણ કરી લીધું. ઑટો ચલાવીને ઘરકામ કરતાં વધારે રૂપિયા કમાઈ લઉં છું. મને લાગે કે આજે સંતાનોને મારી જરૂર છે તો કામ ન પણ કરું. ઑટો-ડ્રાઇવર બન્યા પછી આઝાદીનો એહસાસ થાય છે. પૅસેન્જરોનો અદ્ભુત સપોર્ટ મળે છે. લોકો મારી સાથે સેલ્ફી પડાવીને અને વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરે ત્યારે ખુશી થાય. ખરેખર ધારો તો કંઈ મુશ્કેલ નથી.’
આ પણ વાંચો: વાઇફને સ્પેશ્યલ ફીલ કરાવવું છે? તો આ રહી ટિપ્સ
મુંબઈની પ્રથમ વુમન રૅપિડો રાઇડર બનવાનું બહુમાન મેળવનારી નાલાસોપારાની મનીષા ઠાઠાગરનું જીવન ઉતાર-ચડાવથી ભરેલું રહ્યું છે, પણ તેઓ હિંમત નથી હાર્યાં એ તેમની સૌથી મોટી ખૂબી. પોતાની જીવનયાત્રાની વાતો કરતાં તેઓ કહે છે, ‘જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે ત્યારે સમાજમાં સન્માનપૂર્વક જીવવા માટે સાહસો ખેડવાં પડે છે. ડ્રાઇવરની નોકરી તે જ મહિલા સ્વીકારી શકે જેનામાં પડકારો ઝીલવાની હિંમત હોય. કોરોનામાં હસબન્ડને ગુમાવ્યા બાદ મારી સામે આર્થિક રીતે પગભર થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. જોકે સૌથી પહેલાં દીકરીને પરણાવવાની જવાબદારી પૂરી કરી. અન્ય મહિલાઓની જેમ ઑફિસમાં ખુરશી પર બેસીને કામ કરવા માગતી હતી એટલે ઘણીબધી જગ્યાએ અરજી કરી. પચાસ વર્ષની ઉંમર અને ભણતર ઓછું. નોકરી ન મળતાં હતાશા થઈ, પરંતુ હિંમત ન હારી. ત્યાર બાદ ઘરમાં નાસ્તા બનાવીને વેચવાનું શરૂ કર્યું. કોરોના બાદ આ બિઝનેસમાં ઘણી મહિલાઓ આવી જવાથી જીવનનિર્વાહ થાય એટલા ઑર્ડર નહોતા મળતા. સંઘર્ષનો દોર ચાલતો હતો એ ગાળામાં એક બહેનપણી પાસેથી રૅપિડો બાઇક વિશે જાણકારી મળી. મારી પાસે સ્કૂટર હતું અને ડ્રાઇવિંગ પણ સારું એટલે અપ્લાય કર્યું. રસ્તા પર લેડીઝ સ્કૂટર ચલાવે એ નવી વાત નથી, પણ પ્રોફેશનલ રાઇડર તરીકે કામ કરતી મહિલાઓની સંખ્યા ઘણી જ ઓછી છે. રાઇડ બુક કરાવનારા પ્રવાસીઓને કુતૂહલ થાય છે. લોકો મારી પ્રશંસા કરે છે. યંગસ્ટર્સ જુદાં-જુદાં સૂચનો પણ આપે છે. બધાની વાત ધ્યાનથી સાંભળું છું. નવેમ્બરમાં કંપનીએ પ્રથમ રૅપિડો વુમન રાઇડર તરીકે મારું સન્માન કરીને અવૉર્ડ આપ્યો હતો. જોકે કોઈક કારણસર હાલમાં આ સર્વિસ પર પ્રતિબંધ મૂકવાની વાત ચાલે છે, પણ બાંધેલા પ્રવાસીઓને કારણે મારું કામ ચાલી રહ્યું છે. રાઇડર બની જવાથી ઇન્સ્ટન્ટ મૅગીની જેમ ઇન્સ્ટન્ટ ઇન્કમ થઈ જતી હોવાથી નોકરી ન મળવાનો અફસોસ થતો નથી.’