06 May, 2023 04:50 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
દર ૬ મહિને એક નવી ડાયટ ટ્રેન્ડ કરે છે અને લોકો હેલ્ધી હોવાના નામે કે વેઇટલૉસ કરવાના નામે એને બ્લાઇન્ડ્લી અનુસરે છે. આજે ‘નો ડાયટ ડે’ના દિવસે સમજીએ કે ડાયટના નામે આપણે જે ધાંધિયા કરીએ છીએ એ યોગ્ય નથી
જો આ પ્રશ્નોનો જવાબ હા હોય તો તમે આજના સમયના દર થોડા દિવસે બદલાતા ડાયટ-કલ્ચરના શિકાર છો. આ ખાવાથી શુગર કાબૂમાં રહેશે અને પેલું ખાવાથી વજન ઊતરશે, આ ખાવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થશે અને પેલું ખાવાથી તમે સદાબહાર યુવાન રહેશો જેવા કેટકેટલા ટ્રેન્ડ અને નવી-નવી ડાયટના પ્રકારોથી આ ખવાય અને આ નહીં વિચારી-વિચારીને ખરા અર્થમાં અઢળક લોકો ત્રસ્ત થઈ ગયા છે. એ ત્રસ્તતાને વ્યક્ત કરવા માટે જ કદાચ ૧૯૯૨માં નો ડાયટ ડેની શરૂઆત કરવામાં આવી હતી.
માનસિકતા પર અસર
શું ખરેખર દરરોજ નવા-નવા આવતા ડાયટ-કલ્ચર અને વેઇટલૉસ ઇન્ડસ્ટ્રીએ સમાજના માનસ પર ગહેરી અસર કરી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ગ્લોબલ હૉસ્પિટલના સાઇકોલૉજિસ્ટ ડૉ. નરેન્દ્ર કિંગર કહે છે, ‘ખોરાકનો સીધો સંબંધ માનસિકતા સાથે છે. આપણા દેશમાં ખોરાક માટે કૃતજ્ઞતા લોકોના મનમાં હતી, થાળીને પગે લાગીને લોકો જમતા. જમતાં પહેલાં અને પછી પ્રાર્થના કરતા અને આજે એ જ ખોરાકને જોઈને એનાથી ડરે છે. એનાથી દૂર ભાગે છે. ફૂડ ઇન્ડસ્ટ્રી કે વેઇટલૉસ ઇન્ડસ્ટ્રીએ જે પ્રકારનું માર્કેટિંગ કર્યું છે લોકોના મનમાં ઘણી ગ્રંથિઓ ભરાઈ ગઈ છે. ઍનોરેક્સિયા જેવા રોગો એને કારણે જ જન્મ્યા છે. ખોરાક જોઈને જ ઊલટી થઈ જાય કે ખાઈને ઊલટી થઇ જાય એવાં લક્ષણો ડેવલપ થાય તો વિચારો કે કઈ હદ સુધી દૂબળા થવાનું ભૂત લોકો પર સવાર છે.’
દરેક લોકો પર અસર
પાતળા થવાનું પાગલપન ઘણાં વર્ષોથી લોકોમાં છે. ઝીરો ફિગર અને ૩૬-૨૪-૩૬ એવાં અનરિયલિસ્ટિક સ્ટાન્ડર્ડ્સને કારણે મોટા ભાગના વ્યક્તિઓને પોતાનો અરીસો ગમતો નથી. આ ટ્રેન્ડ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ નૈની શેતલવાડ કહે છે, ‘તમે તમારા કામવાળાની દીકરીઓ કે ઝૂંપડપટ્ટીમાં રહેતી છોકરીઓનાં મમ્મી-પપ્પા જોડે વાત કરશો તો ખબર પડશે કે પાતળા થવાનું કે સારા દેખાવાનું ભૂત ફક્ત અમીર લોકોમાં જ નથી, દરેક વર્ગમાં લોકો આ તકલીફનો ભોગ બન્યા છે. વિચારો તો ખરા, જે કુપોષણનો શિકાર છે એ છોકરીઓને પાતળાં થવું છે. એને લીધે તે ખાવાનું છોડી રહી છે. તેમની હેલ્થનું શું થશે? આ એક ગાંડપણ છે જે ક્યાં જઈને અટકશે એની ખબર નથી પડતી.’
કારણ શું?
‘નો-ડાયટ ડે’નો હેતુ એ છે કે લોકો પોતાની જાતને તે જેવા છે એવા અપનાવે, ખુદને પ્રેમ કરે. પરંતુ એનો અર્થ એ પણ નથી કે જો તમે ઓબેસિટીનો શિકાર હો તો પણ તમે એ વજન ઉતારવા માટે કંઈ ન કરો. એ વિશે સમજાવતાં નૈની સેતલવાડ કહે છે, ‘દેખાદેખીમાં સારા દેખાવા માટે, વધુને વધુ પાતળા થવા માટે, બીજા લોકો કરે છે એટલે આપણે પણ કરવું જેવા ટ્રેન્ડ આપણે ફૉલો કરવા માટે પ્રયત્ન નથી કરવાના. એ ખોટું છે. પરંતુ જો તમે ઓબેસિટીનો શિકાર હો તો તમે ઘણી બાબતોથી વંચિત રહી જાઓ છો. હું નાનપણમાં એકદમ નૉર્મલ હતી પરંતુ એક ઉંમર પછી મારું વજન ખૂબ વધી ગયું. હું ૧૬૦ કિલોની થઈ ગયેલી. એ સમયે ટ્રાવેલ કરવામાં, બેસવામાં, ઊઠવામાં પણ મને એટલી તકલીફ પડતી હતી કે મેં વિચાર્યું કે હવે તો કરવું જ પડશે. પણ એ સમયે પણ મેં કોઈ ટ્રેન્ડ ફૉલો નહોતો કર્યો. ખૂબ મહેનત અને યોગ્ય માર્ગે મેં ૧૦૦ કિલો વજન ઉતાર્યું અને ૬૦ કિલો સુધી પહોંચી.’
તકલીફ
મીરા રોડમાં રહેતી ૩૧ વર્ષની મૌલી રાઠોડનું વજન નાનપણથી જ વધારે હતું. એ વિશે વાત કરતાં મૌલી કહે છે, ‘મારાં મમ્મી જાડાં હતાં એટલે મારું વજન વધુ છે એમ માનીને મેં ઘણાં વર્ષો કાઢ્યાં. થોડી મોટી થઈ પછી નેચરોપથી દ્વારા મેં કોશિશ કરી કે વજન ઊતરે. એના સિવાય મેં એવી ડાયટ પણ ટ્રાય કરી જેમાં હું ફક્ત ફળો અને શાકભાજી પર જ રહી હોઉં. એટલે વર્ષો ખુદને ટૉર્ચર કર્યા પછી, અલગ-અલગ રીતે ખુદને ભૂખ્યા રાખ્યા પછી પણ ખાસ રિઝલ્ટ નહોતું મળ્યું ત્યારે મને લાગ્યું કે હવે બસ. હું જે છું એ આ જ છું. હું ખુદને પ્રેમ કરું છું. હવે આ બધું નહીં કરું. પરંતુ મારાં લગ્ન થયાં એ પછી મને ખબર પડી કે મને PCOD છે. એ દિવસ પહેલાંથી મને એટલે પાતળું થવું હતું, કારણ કે મને સારું દેખાવું હતું. પરંતુ PCOD આવ્યા પછી મારે પાતળા થવું જ પડે એમ હતું, કારણ કે એ મારી હેલ્થનો સવાલ હતો.’
પ્રોસેસ
દુનિયાભરની ડાયટ ટ્રાય કરી ચૂકેલી મૌલીને હવે શરીરને વધારે ત્રાસ આપવો નહોતો. સાચા માર્ગે આગળ વધીને તેને વજન ઉતારવું હતું. પોતાની આખી વેઇટલૉસ જર્ની સોશ્યલ મીડિયા થકી મૌલીએ લોકો સુધી પહોંચાડી હજારો લોકોને મોટિવેટ પણ કર્યા. આ જર્ની વિશે વાત કરતાં મૌલી કહે છે, ‘મેં વિચાર્યું કે હવે હું કોઈના પર વિશ્વાસ કરવાની નથી. હું ફક્ત ખુદ પર વિશ્વાસ કરીશ. એટલે મેં ખુદ ન્યુટ્રિશન સાયન્સ ભણ્યું. ન્યુટ્રિશનિસ્ટ બની અને ખુદનો ઇલાજ કર્યો. મેં બે વર્ષમાં ૧૨૦ કિલોમાંથી ૭૦ કિલો વજન કર્યું. પ્રેગ્નન્ટ બની અને બાળકને જન્મ પણ આપ્યો. આ વેઇટલૉસની જર્ની બિલકુલ સરળ નહોતી. ખૂબ-ખૂબ અઘરી છે. જેનું વજન વધારે છે એ વ્યક્તિના શરીરની તાસીર જ એવી છે કે તેમણે જીવનભર પોતાના શરીરનું ધ્યાન રાખવું પડે છે. બે વર્ષ ધ્યાન રાખ્યું અને પછી છોડી દીધું તો નહીં ચાલે. એટલે કોઈ એક ડાયટ અપનાવવાથી કામ બનવાનું નથી. એને એક લાઇફસ્ટાઇલ તરીકે જ તમારે અપનાવવું પડશે. આમ જો પ્રયત્ન કરવા હોય તો લાઇફસ્ટાઇલ બદલવા પર પ્રયત્ન કરો અને એને મેઇન્ટેન રાખતાં શીખો.’
શું કરવું?
ઝટપટ ડાયટની ચુંગાલમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ એની વાત કરતાં મુનમુન ગનેરીવાલ કહે છે, ‘ડાયટ તરીકે ટ્રેન્ડ્સ ફૉલો ન કરતાં દરેક વ્યક્તિએ પોતાની ટ્રેડિશનલ ડાયટ ફૉલો કરવી જોઈએ. એટલે કે જો તમે ગુજરાતી હો તો તમારા પ્રાંતનું ભોજન અને જે તમારા વડવાઓ ખાતા હતા એ ખોરાક તમારે ખાવો જોઈએ. એનું કારણ છે કે બાળક જન્મે ત્યારે તે તેના પેટમાં પોતાની માના પેટના બૅક્ટેરિયા લઈને જન્મે છે. આ બૅક્ટેરિયા સમજો કે પેઢી-દર પેઢી ટ્રાન્સફર થઈ રહ્યા છે. એટલે તેને એ જ ખોરાક માફક આવે છે જે તમારા ઘરમાં વર્ષોથી ખવાતો હોય. એ ખોરાકથી જ તમને પોષણ મળશે, કારણ કે એ બૅક્ટેરિયા એ ખોરાકના પાચન માટે બેસ્ટ છે.’
તો શું નવો ખોરાક લેવાની કોશિશ જ ન કરવી? આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ કરતાં મુનમુન ગનેરીવાલ કહે છે, ‘નવો ખોરાક લઈ શકાય, પણ એની માત્રા તમારી ડાયટમાં ૨૦ ટકા જ હોવી જોઈએ. એટલે કે ૮૦ ટકા તમે ટ્રેડિશનલ ખોરાક લો અને ૨૦ ટકા નવો ખોરાક ટ્રાય કરી શકો. નવો ખોરાક તમારા શરીરમાં નવા બૅક્ટેરિયાને જન્મ આપશે. આમ થોડો બદલાવ આવશે પણ એ મૅનેજ થઈ શકે છે. એક રીતે એ યોગ્ય પણ છે. પરંતુ આ રેશિયો ન ભૂલવો.’