19 November, 2024 03:36 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
પુરુષ ખૂબ સ્ટ્રૉન્ગ છે એમ માનીને આપણે તેની સેન્સિટિવિટી સાથે અન્યાય કરીએ છીએ. પરિવાર માટે તેણે કમાવું તો પડે જને એમ તેના પર જવાબદારીઓ ઠોકી બેસાડીને આપણે તેના પર અઢળક બોજ લાદી દઈએ છીએ. જે પિતૃસત્તાને કારણે તે ગુનેગાર સાબિત થયો છે એ જ પિતૃસત્તાએ તેને પીડિત પણ બનાવ્યો છે એ આપણે ક્યારે સમજીશું? આજે ઇન્ટરનૅશનલ મેન્સ ડે પર જાણીએ પુરુષોના હક અને તેમની હાલત માટે લડતા મેન્સ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ પાસેથી આજના પુરુષની સમસ્યાઓ અને મૂંઝવણો વિશે રસ્તા પર એક સ્ત્રી અને પુરુષ બન્ને એકબીજા પર બરાડા પાડીને ઝઘડી રહ્યા હોય તો તેમને જોઈને મોટા ભાગની વ્યક્તિઓ એમ જ વિચારશે કે પુરુષનો જ વાંક હશે.
કોઈ સ્ત્રી જ્યારે કહે કે તેનો પતિ તેને મારે છે તો આ વાત પર સમાજ, પોલીસ અને કોર્ટ વિશ્વાસ કરે છે. કોઈ પુરુષ કહે કે તેની પત્ની તેને મારે છે તો આ વાત પર કોણ વિશ્વાસ કરશે?
એક છોકરીને PhD કરવું છે, જેને લીધે એ ૨૭ વર્ષની ઉંમરે પણ તે કમાઈ નથી રહી અને તેનાં માતા-પિતા પર જ નિર્ભર છે એ વાત જેટલી સહજતા સાથે સમાજમાં સ્વીકારાય છે એટલી સહજતા એક છોકરા માટે કેમ નથી આવતી? તેને કેમ એવું સંભળાવવામાં આવે છે કે ભાઈ ૨૭નો થયો, કમાવું તો પડેને!
પત્ની જો ઘરકામમાં વધુ આગળ પડતી હોય તો તે મહાન પણ જો પતિ પત્ની કરતાં વધુ કમાતો હોય તો એ તેની ફરજ. આજના મૉડર્ન પતિને ઘરકામ આવડવું જરૂરી છે. તેણે પત્ની સાથે મળીને ઘરની બધી ફરજ નિભાવવી જરૂરી છે પણ છતાં તેનો પગાર પત્નીથી ઓછો ન હોઈ શકે. એ તો બાય ડિફૉલ્ટ વધુ જ હોવો જરૂરી છે.
એક પરંપરાગત મા પસે ઊછરેલો અને એક મૉડર્ન પત્ની સાથે રહેતો આજનો પુરુષ સમજે તો છે કે તેણે તેની પત્નીને બરાબરના હક અને ફરજ આપવાના છે, તે આપવા પણ ઇચ્છે છે પરંતુ કઈ રીતે એ કરી શકાય એ તેને ખાસ સમજાતું નથી એટલે જૂના અને નવા સમયમાં હજી એ ગોથાં ખાય છે.
આ સમસ્યાઓ સમાજમાં ડોકિયું કરીએ તો ચારે તરફ દેખાઈ આવે છે. આ સમસ્યાઓ છે આજના પુરુષની. સ્ત્રી અને પુરુષ રથનાં બે પૈડાં છે જે સમાંતરે એકબીજાના તાલ સાથે તાલ મિલાવીને ચાલે તો જ બૅલૅન્સ જળવાય. દરેક સમયમાં અને દરેક સંબંધ મુજબ આ બૅલૅન્સ બદલાય છે. પિતૃસત્તાને લીધે સ્ત્રીઓએ ખૂબ સહન કર્યું પણ આજનો મૉડર્ન પુરુષ એ સમજે છે કે આ પિતૃસત્તાએ તેને ખુદને પણ એટલું જ નુકસાન કર્યું છે. આજે ઇન્ટરનૅશનલ મેન્સ ડે પર જાણીએ પુરુષોના હક અને તેમની હાલત માટે લડતા મેન્સ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ પાસેથી આજના પુરુષની સમસ્યાઓ અને મૂંઝવણો વિશે.
આપઘાત
ભારતમાં દર સાતમી મિનિટે એક પુરુષ આત્મહત્યા કરે છે જે આત્મહત્યા પાછળનાં કારણોમાં ૨૩ ટકા પારિવારિક કારણો જવાબદાર હોય છે તો ૨૨ ટકા એની બીમારી જવાબદાર હોય છે. આ આંકડાઓ સાથે વાત કરતાં પુરુષવાદી સંગઠન વાસ્તવ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અમિત દેશપાંડે કહે છે, ‘સ્ત્રીઓને સુરક્ષા આપવા માટે બનાવેલા જે કાનૂન છે એનો દુરુપયોગ કરનારી સ્ત્રીઓનું પ્રમાણ વધતું જ જાય છે. અમારી હેલ્પલાઇન છે જેના પર ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ બનનારા પુરુષોના પણ ઘણા ફોન આવે છે. તકલીફ એ છે કે તેમની વાત કોઈ સાંભળતું નથી. અમે એ માનીએ છીએ કે જે સ્ત્રીઓ સાથે અન્યાય થયો છે તેને ન્યાય મળવો જ જોઈએ પરંતુ એનો અર્થ એ નથી કે પુરુષો સાથે જો અન્યાય થાય તો એને નજરઅંદાજ કરવામાં આવે. ઘણી સ્ત્રીઓ પુરુષ અને તેના ઘરના લોકો સાથે બદલો લેવા માટે ખોટા કેસ ઠોકી બેસાડે છે જેને લીધે આજે ઘણા પુરુષો છે જેમણે ખૂબ સહન કરવું પડે છે. આવા લોકોની અમે મદદ કરીએ છીએ. જેમ કે ડિવૉર્સ કેસમાં સ્ત્રી પણ કમાતી હોય તો એનો ભરણપોષણનો ખર્ચ ઓછો આપવાની માગ કરી શકાય પરંતુ સ્ત્રીઓ ચાહીને કોર્ટ સામે કામ નથી કરતી એવું કહે છે ત્યારે અમે એવા પુરુષોને મદદ કરીએ છીએ કે તેઓ સબૂત કઈ રીતે ભેગા કરી શકે. જો ખરેખર સ્ત્રી પુરુષ કે તેના પરિવાર સાથે બદલો લેવા માગતી હોય તો આજની તારીખે તેની પાસે ઘણાં હથિયાર છે. આવું ન થાય એ માટે કઈ રીતે તેની પાસેથી હકીકત કઢાવવી, જેનું વિડિયો રેકૉર્ડિંગ કરીને કોર્ટમાં આપવું જેવી ઘણી બાબતોમાં અમે લોકોની મદદ કરીએ છીએ. થાય છે એવું કે ચાર્જિસ લાગે ત્યારે પુરુષની દલીલો અને એનો પક્ષ સાંભળવા અને સમજવા કોઈ તૈયાર નથી હોતું. અમારા ફાઉન્ડેશનમાં બધા જ પુરુષોએ કોઈ ને કોઈ અન્યાય સહન કર્યો છે જેથી દર રવિવારે અમે મુલુંડ, બોરીવલી અને વાશીમાં મીટિંગ કરતા હોઈએ છીએ જ્યાં એકબીજાને લોકો સાંભળે છે, સમજે છે અને બને એટલી મદદ પણ કરે છે.’
યુવાનો ડરેલા કેમ છે?
પુરુષોના હકો માટે કાર્યરત સંસ્થા સેવ ઇન્ડિયન ફૅમિલી ફાઉન્ડેશનની એક હેલ્પલાઇન છે જેના પર વર્ષના ૧ લાખ કૉલ આવે છે જેમાં મહારાષ્ટ્રમાંથી ૧૨,૦૦૦ કૉલ આવે છે. આ ફાઉન્ડેશનના વેસ્ટર્ન રીજનના કો-ઑડિનેટર ડૉ. અક્ષત ગુપ્તા કહે છે, ‘ઘણા યુવાન છોકરાઓ સાથે આજકાલ કામ કરી રહ્યા છે જે ખૂબ જ ડરેલા છે. ખાસ કરીને આજના યુવાન છોકરાઓમાં ઘણા એવા છે જે સ્ત્રીઓ સાથે કોઈ સંબંધ રાખવા માગતા જ નથી. એક નિયમ છે કે જો લગ્નના પ્રૉમિસ સાથે છોકરો છોકરી સાથે ઇન્ટરકોર્સ કરે અને પછી લગ્ન ન કરે તો એને પણ રેપ ગણવામાં આવશે. આજના સમયમાં જ્યાં લગ્ન પહેલાં શારીરિક સંબંધમાં સરળતાથી જોડાઈ જતા લોકો છે તેમના માટે પાછળથી ઘણી તકલીફ પડી રહી છે, કારણ કે પછી જ્યારે કોઈ પણ કારણસર સંબંધ તોડવામાં આવે તો છોકરી બદલો લેવા માટે એના પર કેસ કરી નાખે છે. આ જે ડર છે એ સમાજને ખૂબ જુદી દિશામાં લઈ જઈ રહ્યો છે. એટલે આ છોકરાઓને તેમની સાથે શું થઈ શકે છે અને કાયદો શું કહે છે એની જાગૃતિ અમે આપીએ છીએ. મોટા ભાગના છોકરાઓ જે અમારી હેલ્પલાઇન પર ફોન કરે છે તેમને ખબર જ નથી હોતી અને તેમને લાગે છે કે કાશ, અમને પહેલાં ખબર હોત તો આપણે ખોટા ફસાયા ન હોત.’
પિતૃસત્તાથી પીડિત
મેન્સ ડેની ઉજવણીમાં પુરુષોના જીવનમાં સ્ત્રીઓને લીધે કેટલી તકલીફ છે એ બાબતો પર જ વાત કરવી એ એકતરફી કે અપૂર્ણ વાત છે એમ જણાવતાં છેલ્લાં ૩૧ વર્ષથી પુરુષોના પ્રશ્નો પર કાર્યરત મેન અગેઇન્સ્ટ વાયલન્સ ઍન્ડ અબ્યુઝ (MAVA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હરીશ સદાની કહે છે, ‘આજે પુરુષત્વ ક્રાઇસિસમાં છે, કારણ કે જે પિતૃસત્તાને કારણે સ્ત્રીઓએ સહન કર્યું એને લીધે પુરુષોએ પણ એટલું જ સહન કર્યું છે અને કરી રહ્યા છે. પિતૃસત્તા કહે છે કે પુરુષ પ્રોવાઇડર છે એટલે કે પરિવારના ભરણપોષણની જવાબદારી તેની જ છે અને બીજું એ કહે છે કે એ જ પ્રોટેક્ટર છે. પરિવારને રક્ષણ આપવાનું કામ પણ તેનું જ છે. આ બન્ને કન્સેપ્ટ તેના પર એટલે ઠોકી બેસાડાયા છે કે જે આ કામ નથી કરી શકતા એ પુરુષોને પુરુષ જ ગણવામાં નથી આવતા. એને કારણે જ તેમનામાં ડિપ્રેશન અને આપઘાતનું પ્રમાણ વધ્યું છે. ઊલટું તેને એ જોતાં શીખવવાનું છે કે જો સ્ત્રી તારી આર્થિક જવાબદારીઓનો બોજો ઉઠાવવા તૈયાર છે તો એ તારા માટે સારું છે, ખરાબ નહીં. સ્ત્રીઓ માટે કહેવાય છે કે સ્ત્રીને સ્ત્રી સમાજ બનાવે છે પણ હકીકત એ છે કે પુરુષ માટે પણ એ એટલું જ લાગુ પડે છે. પુરુષ પણ જન્મથી પુરુષ નથી હોતો, તેને સમાજ પુરુષ બનાવે છે અને આ સમાજને આપણે ત્યારે નહીં બદલી શકીએ જ્યારે સ્ત્રી અને પુરુષ એકબીજાના દુશ્મન બનીને એકબીજાની સામસામે આવી જશે. તમે બન્ને એકબીજાના મિત્ર છો, સપોર્ટ સિસ્ટમ છો એ સિદ્ધાંત સ્થાપવાની જરૂર છે. ત્યારે પુરુષ અને સ્ત્રી બન્નેની તકલીફો દૂર થશે.’
ઉપાય: પુરુષો માટે સપોર્ટ ગ્રુપ
પુરુષોના વધતા ડિપ્રેશન માટેનો ઉપાય જણાવતાં હરીશ સદાની કહે છે, ‘વર્ષોથી પુરુષોને તાકતવર રહેવાનું પ્રેશર આપવામાં આવ્યું છે. સ્ત્રીઓ પર પણ ઓછું નથી વીતતું પણ તે ડિપ્રેશનનો ભોગ ઓછો બને છે એનું કારણ છે કે એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે સરળતાથી પોતાની વાત શૅર કરી શકે છે, જેનાથી દુઃખ ઓછું થાય છે. પુરુષો માટે આપણે સપોર્ટ ગ્રુપ ઊભાં કરવાની જરૂર છે. એક પુરુષ જ્યારે બીજા પુરુષ પાસે હળવો થશે ત્યારે ડિપ્રેશન રેટ ઘટશે એટલું જ નહીં, નવી પેઢી અને જૂની પેઢીના પુરુષો વચ્ચે પણ સંવાદ સ્થાપિત થવો જોઈએ. સમય ખૂબ જલદીથી બદલાય છે. પેઢીઓ વચ્ચે સૌહાર્દ સ્થપાય, અનુભવ અને નવા વિચારો બન્નેનું આદાનપ્રદાન થવાથી એક મજબૂત સપોર્ટ સિસ્ટમ ઊભી થાય એ જરૂરી છે. બીજું એ કે આજના પુરુષના વિચારો તો બદલાયા છે પણ એને આચારમાં બદલવા માટે તેને ટ્રેઇનિંગની જરૂર છે. ઉદાહરણ સાથે સમજાવું તો પૅટરનિટી લીવ તેને મળતી થઈ ગઈ છે. પોતાના બાળકના ઉછેરમાં તેણે સહભાગી થવું જોઈએ એવું તેને પણ લાગે છે પણ એ કઈ રીતે કરવું એ તેને સમજાતું નથી કારણ કે તેણે ક્યારેય એ જોયું નથી. તેને આ પરિસ્થિતિમાંથી ઉગારવા જરૂરી છે કે તેને કોઈ ટ્રેઇનિંગ મળે, તેને પ્રૅક્ટિકલી સમજાવવામાં આવે કે આમ નહીં, આમ કરવાનું છે. આ રીતે તેની મૂંઝવણ ઘટશે.’
ઉજવણીની શરૂઆત પાછળનો આશય
ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે ઊજવવાનું શરૂ થયું એ રીતે જ ઇન્ટરનૅશનલ મેન્સ ડે પણ ઊજવાય છે. જોકે એ બન્ને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ઇન્ટરનૅશનલ વિમન્સ ડેની શરૂઆત ૧૮૫૭માં ન્યુ યૉર્કમાં ટેક્સટાઇલ મિલમાં કામ કરતી સ્ત્રીઓ દ્વારા થઈ. આ કામકાજી સ્ત્રીઓને યોગ્ય વેતન મળતું નહોતું એટલે તેમણે આંદોલન કર્યું હતું. કામકાજી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલી પહેલી મોટા પાયાની લડત હતી એ જેના પરથી પ્રેરણા લઈને દુનિયામાં ઘણી જગ્યાએ સ્ત્રીઓ સામેના અન્યાય બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ થયું અને તેમના હક માટેની પેરવીઓ કરવામાં આવી. જ્યારે ઇન્ટરનૅશનલ મેન્સ ડે યુનિવર્સિટી ઑફ વેસ્ટ ઇન્ડીઝમાં કામ કરતા પ્રોફેસર જેરોમ તિલકસિંહ દ્વારા ૧૯૯૯ની ૧૯ નવેમ્બરે શરૂ કરવામાં આવ્યો છે કારણ કે આ તારીખે તેમના પિતાનો જન્મદિવસ હતો. જેરોમે તેની વેબસાઇટ પર નોંધ્યું છે કે મેન્સ ડે ઊજવવાનો આશય એ છે કે પુરુષો અને છોકરાઓ પોતે સમાજમાં કેવાં પૉઝિટિવ મૉડલ સ્થાપિત કરી શકે છે એ ક્ષમતાને ઓળખવામાં આવે. જેન્ડર રિલેશન પરસ્પર વધુ સારા બને, સમાજને વધુ સારા મેલ રોલ મૉડલ્સ મળે એટલે કે સમાજમાં આદર્શ પુરુષોની સંખ્યામાં વધારો થાય.