માનવસર્જિત આ પ્રકાશને પણ ઊજવીએ

16 May, 2023 03:33 PM IST  |  Mumbai | Jigisha Jain

સૂર્ય એ કુદરતી પ્રકાશ છે, પણ દરેક રંગની સરખી તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ એટલે કે લેઝર લાઇટની શોધ ૧૯૬૦માં પહેલી વાર થિઓડોર મૈમન નામના સફળ ફિઝિસિસ્ટ અને એન્જિનિયર દ્વારા થયો.

પ્રતીકાત્મક તસવીર

સૂર્ય એ કુદરતી પ્રકાશ છે, પણ દરેક રંગની સરખી તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ એટલે કે લેઝર લાઇટની શોધ ૧૯૬૦માં પહેલી વાર થિઓડોર મૈમન નામના સફળ ફિઝિસિસ્ટ અને એન્જિનિયર દ્વારા થયો. વિજ્ઞાનથી લઈને કળા અને મેડિકલ સર્જિકલ ક્ષેત્રે પણ કૅન્સરની સર્જરીથી લઈને હેર-રિમૂવલ સુધી દરેક જગ્યાએ લેઝરની બોલબાલા છે ત્યારે જાણીએ આ આર્ટિફિશ્યલ પ્રકાશના પુંજ વિશે

પ્રકાશ છે તો જીવન છે. એટલે જ સૂર્યની પૂજા થાય છે, કારણ કે એ છે તો આ દુનિયા છે. મનુષ્યએ આ પ્રકાશનું મહત્ત્વ ખૂબ સમજ્યું છે અને એનો પ્રયોગ અલગ-અલગ ઊર્જા સ્વરૂપે એ કરતો આવ્યો છે. પ્રકાશનું એક આધુનિક રૂપ એટલે લેઝર. Light Amplification by Stimulated Emission of Radiation પરથી LASER શબ્દ તારવવામાં આવ્યો છે. લાઇટ શબ્દ આવે એટલે સૂર્ય પછી આપણા મગજમાં ઘરને પ્રકાશિત કરતી ટ્યુબલાઇટ, બલ્બ કે બહુ-બહુ તો ફ્લૅશ લાઇટ મગજમાં આવે. પરંતુ આ બધાથી અલગ લેઝર એક અસામાન્ય પ્રકાશનો સ્રોત છે. લેઝર પ્રકાશનું એક અતિ સાંકડું બીમ ઉત્પન્ન કરે છે જે ઘણું ઉપયોગી છે. લેઝર લાઇટનું નામ પડે એટલે આપણા મનમાં લાલ અને લીલી લાઇટ મગજમાં આવે, જેને પૉઇન્ટર્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ લેઝરનું વિશ્વ એનાથી ઘણું વિશાળ છે. 

કૃત્રિમ રીતે ઉદ્ભવ 

પ્રકાશ તરંગોના સ્વરૂપમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ તરંગોથી એક તરંગનું માપ લઈએ એને તરંગલંબાઈ એટલેકે વેવલેંગ્થ કહેવાય છે. દરેક રંગની તરંગલંબાઈ જુદી-જુદી હોય છે. જેમ કે બ્લુ રંગની તરંગલંબાઈ લાલ રંગ કરતાં નાની હોય છે. જ્યારે આપણે સફેદ રંગ જોઈએ છીએ જેને તમે સૂર્યપ્રકાશ કે આપણા ઘરની લાઇટ પણ કહી શકો છો એ ઘણીબધી તરંગલંબાઈઓનું મિશ્રણ હોય છે. આ કુદરતી લાઇટ કરતાં લેઝર જુદી છે. લેઝર લાઇટ પ્રાકૃતિક રીતે ઉદ્ભવતી નથી. વૈજ્ઞાનિકોએ કૃત્રિમ રીતે આ લાઇટનો ઉદ્ભવ કર્યો છે જેમાં પ્રકાશના દરેક તરંગની તરંગલંબાઈ સરખી છે, જેને કારણે પ્રકાશના બધા તરંગો એકસમાન ગતિ કરે છે; જેને કારણે આ પ્રકાશનું બીમ એકદમ સાંકડું અને ખૂબ બ્રાઇટ હોય છે. એ સાધારણ પ્રકાશની જેમ ફેલાતી નથી. એક નાનામાં નાના સ્પૉટ પર પણ આ લાઇટ વડે ફોકસ કરી શકાય છે. ફોકસને કારણે એક નાનકડા ભાગમાં એ અઢળક એનર્જી ભેગી કરી શકે છે. આ લાઇટ ઘણા લાંબા અંતર સુધી ટ્રાવેલ કરી શકે છે. 

બહોળો ઉપયોગ

આ લેઝર લાઇટનો ઉપયોગ આમ તો ઘણા જ બહોળા પ્રમાણમાં થાય છે. હીરા કે ભારી મેટલ કાપવાથી લઈને ટીવી-ઇન્ટરનેટનાં સિગ્નલને લઈ જવા માટે એનો ઉપયોગ થાય છે. લેઝર પ્રિન્ટર, બારકોડ સ્કૅનર, રેકૉર્ડર્સ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રૉનિક્સના અલગ-અલગ પાર્ટ્સ બનાવવામાં પણ લેઝર અતિ ઉપયોગી છે. જો આપણને આજે પૃથ્વી અને ચન્દ્ર વચ્ચે કેટલું અંતર છે એ ખબર છે તો એનું કારણ લેઝર લાઇટ છે પણ લેઝરનું એક મહત્ત્વનું પ્રદાન મેડિકલ ફીલ્ડમાં પણ છે. મેડિકલ સર્જરીમાં લેઝરનું અનન્ય પ્રદાન છે. મૉડર્ન મેડિસિનમાં લેસ-ઇન્વેઝિવ એટલે સાદી ભાષામાં કહીએ તો ઓછી કાપાકૂપીવાળી સેફ અને અસરકારક સર્જરી માટે લેઝરનો ઉપયોગ દિવસે ને દિવસ વધતો જાય છે. વધુને વધુ સારાં મશીનો આવતાં જાય છે જેના દ્વારા સર્જરીમાં ઍડ્વાન્સમેન્ટ વધતાં જાય છે. સર્જરીના દરેકેદરેક ફીલ્ડમાં લેઝરનો ઉપયોગ થઈ રહ્યો છે. કૅન્સર, મગજ કે હાર્ટ જેવી મહત્ત્વની સર્જરીથી લઈને આંખ જેવી સેન્સિટિવ સર્જરી સુધી લેઝરનો ઉપયોગ થાય જ છે એટલું જ નહીં, લેઝરનો બહોળી માત્રામાં પ્રયોગ કૉસ્મેટિકમાં કે ચામડીના રોગોના ઇલાજ તરીકે પણ થાય છે.

ચોકસાઈને કારણે સેફ

લેઝરની શરૂઆત વિશે સમજાવતાં આંખના ડૉક્ટર ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘લેઝર જેટલી સેફ મેથડ છે એટલી જ અસરકારક પણ છે. આંખોની સર્જરીમાં લેઝર આપણે ત્યાં ૧૯૮૮ પછી શરૂ થયું. અમે લોકો અમારા ભણતરમાં એ ભણ્યા નથી કે એનો પ્રયોગ કેવી રીતે કરાય પરંતુ એ પછી ધીમે-ધીમે આ ટેક્નૉલૉજીએ હરણફાળ ભરી છે. સૌપ્રથમ ડાયાબેટિક રેટિનોપથીમાં એનો પ્રયોગ થતો હતો. પછી આજે તો લગભગ દરેક પ્રકારની આંખની સર્જરીમાં લેઝરનો પ્રયોગ થાય છે. એનું પ્રિસિઝન હાલમાં આવતાં નવાં-નવાં મશીનો સાથે ઍડ્વાન્સ થતું જાય છે.’ 

વિશ્વાસ વધ્યો 

કોઈ પણ નવી ટેક્નૉલૉજીની જેમ જ્યારે લેઝર મેડિકલ સર્જિકલ પ્રોસીજરમાં આવ્યું ત્યારે એના પર વિશ્વાસ કરવાવાળા ઓછા હતા. ખાસ કરીને કૉસ્મૅટિક વપરાશ માટે એનો ઉપયોગ શરૂ  થયો ત્યારે એને લઈને ઘણી આશંકાઓ લોકોના મનમાં હતી. એ વિશે વાત કરતાં લોખંડવાલાના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. નીરજા નેલોગી કહે છે, ‘હેર રિમૂવલ માટે લેઝરનો પ્રયોગ ૧૯૯૮માં શરૂ થયો પણ એ સમયે લોકો ખૂબ જ ડરતા. એમને લાગતું કે લેઝરથી જો વણઇચ્છિત વાળ દૂર કરાવ્યા તો એ સ્કિન પર કોઈને કોઈ સાઇડ ઇફેક્ટ કરશે. ઘણા લોકોને લાગતું કે એ ચામડીની અંદર જઈને કૅન્સરનું કારક બનશે. ધીમે-ધીમે આ ભ્રામિક વાતો દૂર થઈ. લોકોને આજની તારીખે સમજાયું છે કે લેઝરથી વાળ દૂર કરવાના હોય ત્યારે લેઝર ચામડીની પહેલી પરત સુધી જ જાય છે, એની અંદર જતું નથી. એટલે એ સેફ છે અને કરાવી શકાય છે.’ 

આ પણ વાંચો : આ ગુજરાતીઓની કલા જોવાનું ચૂકવા જેવું નથી

ઍડ્વાન્સ ટેક્નૉલૉજી 

આજના સમયમાં લેઝરનું સ્થાન સમજાવતાં ડૉ. નીરજા નેલોગી કહે છે, ‘લેઝર ટેક્નિકનો ઉપયોગ હેર રિમૂવલ કે પિગ્મેન્ટેશન જેવી કૉસ્મેટિક ટ્રીટમેન્ટ માટે બહોળા પ્રમાણમાં થાય છે. પહેલાંનાં મશીનો અને અત્યારનાં મશીનોમાં પણ ઘણો ફરક છે. પહેલાં જે મશીનો હતાં એના દ્વારા થોડી મોટી સપાટી પર લેઝર જતું, જેને લીધે વાળના મૂળની બાજુની ચામડી પણ અસરગ્રસ્ત થતી. આજે એવું રહ્યું નથી. આજનાં લેઝર મશીન વાળના મૂળ પર સીધી અસર કરે છે અને એની બાજુની ત્વચાના એક કણને પણ એની અસર થતી નથી. આમ ઍડ્વાન્સ ટેક્નૉલૉજી સાથે હવે એ વધુ ચોક્કસ પરિણામ આપે છે. આજની તારીખે સરકારી કૉલેજોમાં પણ લેઝરથી કઈ રીતે કૉસ્મેટિક કે ડર્મેટોલૉજિકલ ટ્રીટમેન્ટ કરાય છે એ શીખવાડવામાં આવે છે, જે પોતાનામાં એક મોટી વાત છે. આજની તારીખે કોરિયા, અમેરિકા, ઇઝરાયલ જેવા દેશોનાં લેઝર મશીનો કૉસ્મેટિક ટ્રીટમેન્ટ માટે ઘણા ડિમાન્ડમાં છે.’.

લેઝરના પણ પ્રકારો 

આપણે લેઝર એટલે લાલ-લીલી લાઇટ જ સમજીએ છીએ પરંતુ મેડિકલ સર્જરી માટે કામ આવતું લેઝર ઘણા જુદા-જુદા પ્રકારનું હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘આર્ગન લેઝર, ડાયોડ લેઝર, યેગ લેઝર, એક્ઝાઇમર લેઝર, સેમ્પ્ટોસેકમ લેઝર જેવાં અઢળક લેઝરો છે જે જુદા-જુદા પ્રયોગ માટે હોય છે. એ દરેક લેઝર એકબીજાથી ટેક્નિકલી અલગ પડે છે. એમની તરંગલંબાઈ જુદી-જુદી હોય છે. દરેક કામ માટે એક જ તરંગલંબાઈનું લેઝર કામ ન કરી શકે. જે લેઝર વડે મારે માયોપિયાનું એટલે કે સાદી ભાષામાં વ્યક્તિનાં ચશ્માં ઉતારવાનું કામ કરવાનું હોય એ લેઝર વડે હું આંખમાં વહેલું લોહી બંધ ન કરી શકું. વળી આ માટે જુદા-જુદા પ્રકારનાં મશીનો હોય છે જે મશીનમાં કોન્સોલ હોય છે, જેના દ્વારા નિશ્ચિત તરંગલંબાઈની લેઝર લાઇટ જનરેટ થાય છે. એ લાઇટને ડિલિવર કઈ રીતે અને કેટલા પ્રમાણમાં કરવી એ કામ અમારું છે. લેઝરને કારણે સર્જરીને એક ઍડ્વાન્સ લેવલ સુધી આપણે પહોંચાડી શક્યા છીએ. અત્યારે આજની પરિસ્થિતિમાં મેડિકલ સર્જરી ક્ષેત્રે જો લેઝર ન હોત તો... એ વિચાર શક્ય જ નથી.’

columnists Jigisha Jain