આજની ઇન્સ્ટા જનરેશનને જલસો પડે એવું આભાસી મ્યુઝિયમ ખૂલ્યું છે મુંબઈમાં

19 October, 2024 01:38 PM IST  |  Mumbai | Kajal Rampariya

પહેલું આવું મ્યુઝિમ ખૂલ્યું છે જે લોકોને ખરેખર કાલ્પનિક દુનિયામાં લઈ જશે

આભાસી મ્યુઝિયમ

મગજ ગોટે ચડી જાય એવી કાલ્પનિક દુનિયાની સેર કરાવતું ભારતનું સૌપ્રથમ પૅરૅડૉક્સ મ્યુઝિયમ આઝાદ મેદાન નજીક હજી થોડા દિવસ પહેલાં જ ખૂલ્યું છે. સાયન્સ, આર્ટ અને સાઇકોલૉજીના સ્માર્ટ સંયોજનથી બનાવવામાં આવેલું આ મ્યુઝિયમ મસ્ત અનુભવ લેવા જેવી જગ્યા છે.  અહીંથી બહાર નીકળશો ત્યારે તમારા મોબાઇલમાં એટલાબધા ફોટોગ્રાફ્સ ભેગા થઈ ચૂક્યા હશે જેનાથી તમે સોશ્યલ મીડિયા પર છાકો પાડી દઈ શકશો. જાણી લો આ મ્યુઝિયમમાં કેવા એક્સાઇટિંગ અનુભવો થશે એ

તમે પોતાની જાત સાથે જ ચેસ રમી છે? 
ભોજનની થાળીમાં તમારા પ્રિયજનને જ પીરસવામાં આવે તો? 
સોફામાં ધડ અને પગ અલગ-અલગ જોયાં છે? 
ધરતી પર જ ઍસ્ટ્રોનૉટની જેમ ઝીરો ગ્રેવિટી ફીલ થાય તો? 
બ્રિજ પરથી પસાર થાઓ ત્યારે બ્રિજ જ ગોળ ફરે એવું બને તો? 
કદાચ આ પ્રશ્નો એકદમ અતરંગી લાગતા હશે, કેમ કે હકીકતમાં તો આવું શક્ય નથી પણ આભાસી અને કાલ્પનિક દુનિયામાં તો કંઈ પણ થઈ શકે છે. આવી જ દુનિયાથી તમને અવગત કરાવશે પૅરૅડૉક્સ મ્યુઝિયમ. પૅરૅડૉક્સ એ ગ્રીક શબ્દ છે. એનો અર્થ આભાસ અને વિરોધાભાસ ઊભો કરીને મગજને કાલ્પનિક અને વાસ્તવિકતાની વચ્ચે મૂંઝવવાનો છે. આર્ટ, સાયન્સ અને સાઇકોલૉજીનો ઉપયોગ કરીને અલગ જ દુનિયાનો અનુભવ કરાવતા પૅરૅડૉક્સ મ્યુઝિયમનો કન્સેપ્ટ ગ્લોબલી પૉપ્યુલર થઈ રહ્યો છે પણ ભારતમાં તદ્દન નવો છે અને મુંબઈમાં દેશનું  પહેલું-પહેલું આવું મ્યુઝિમ ખૂલ્યું છે જે લોકોને ખરેખર કાલ્પનિક દુનિયામાં લઈ જશે. તો ચાલો મ્યુઝિયમની વર્ચ્યુઅલી લટાર મારીએ.

રિવર્સ રૂમની રિવર્સ સાઇકોલૉજી
અવાસ્તવિક દુનિયાનો સૌથી થ્રિલિંગ એક્સ્પીરિયન્સ રિવર્સ રૂમ કરાવશે. કલરફુલ રૂમમાં મિરર ઇફેક્ટ્સની સાથે દાદર અને દીવાલના ઇન્ટીરિયરની એ રીતે ગોઠવણી કરી છે કે ફોટો પાડ્યા બાદ એને રિવર્સ કરીને જોવામાં આવે તો આપણને એવું લાગશે જાણે આપણે ઊલટી દુનિયામાં આવી ગયા છીએ અને આ અનુભવ ખરેખર મનોરંજક સાબિત થશે.

લંચમાં સર્વ થશે તમારા પ્રિયજનો

થાળીમાં કોઈ વ્યક્તિને પીરસવામાં આવે તો શું થાય એનો આભાસ અહીં થશે. પૅરૅડૉક્સ ટેબલ તમને એવી જ અનુભૂતિ કરાવશે. વિશેષ પ્રકારે મિરરની ગોઠવણી કરી છે અને પાછળથી વ્યક્તિ અંદર જઈ શકે અને મોઢું બહાર કાઢે એટલે ટેબલ નજીક ઊભેલા લોકોને એવું લાગે કે જાણે એ વ્યક્તિને જ લંચમાં પીરસવામાં આવી છે. આ ફોટો જો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે તો બીજા લોકોનાં મગજ ચકરાવે ચડી જશે એ તો પાક્કું.

આ પૅરૅડૉક્સ ટનલમાં પ્રવેશતાં પહેલાં સાવધાન!

આ આભાસી ટનલ ખરેખર ડરામણી છે. જ્યારે તમે ટનલના પ્રવેશદ્વાર પર ઊભા રહેશો તો એવું લાગશે આખી ટનલ ગોળ ફરે છે, પણ તમે એ ટનલ પરના બ્રિજ પર પગ મૂકશો તો એવું લાગશે કે બ્રિજ જ ગોળ ફરે છે અને આ આભાસ તમારું બૅલૅન્સ બગાડી શકે છે. સીધા ચાલશો પણ એવું લાગશે જાણે બ્રિજ સ્પિન થાય છે. 

ધડ અને પગ અલગ થઈ જાય તો શું થાય?

તસવીરમાં દેખાય છે એ પ્રમાણે પૅરૅડૉક્સ સોફા વ્યક્તિનું ધડ અને પગ અલગ-અલગ હોય એવું ઇલ્યુઝન ક્રીએટ કરે છે. જોકે તમે ગોટે નહીં ચડી જતા! સોફામાં આ રીતનું ઇલ્યુઝન બે વ્યક્તિએ મળીને એવી રીતે ક્રીએટ કર્યું છે જાણે આપણને એવો આભાસ થાય કે આ એક જ વ્યક્તિના બે ભાગ થઈ ગયા છે જે હકીકતમાં બિલકુલ શક્ય નથી.

મ્યુઝિયમ વિશે જાણવા જેવું
પૅરૅડૉક્સ મ્યુઝિયમ અત્યારે એક ગ્લોબલ બ્રૅન્ડ બની ગયું છે જે નવીનતાની જગ્યામાં અલગ છે. અહીં આવનારા લોકોને કલા, વિજ્ઞાન અને ઑપ્ટિકલ ઇલ્યુઝનના સમન્વય સાથે મનોરંજનનો અનુભવ મળી રહેશે. ૨૦૨૨માં મિલ્ટોસ કમ્બોરાઇડ્સ અને સાકિસ તાનિમાનીડીસની ટીમે શરૂ કર્યું હતું. આજે પૅરૅડૉક્સ મ્યુઝિયમ ઝડપથી વિકસતું ગ્લોબલ સ્પૉટ બની રહ્યું છે. પહેલી વાર આ મ્યુઝિયમ ઑસ્લોમાં ખોલવામાં આવ્યું હતું. ત્યાર બાદ લંડન, પૅરિસ, માયામી, સ્ટૉકહોમ, બર્લિન, શાંઘાઈ, બાર્સેલોના અને અન્ય ઘણાં શહેરોમાં પહોંચ્યું અને વધતી લોકપ્રિયતા સાથે ભારતમાં પણ ડેબ્યુ કર્યો છે. વધુ એક ખાસિયત એ પણ છે કે દરેક મ્યુઝિયમમાં યુનિકનેસની સાથે લોકલ ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઇન્ફિનિટ વેલ તમારી હાર્ટ-બીટ સ્કિપ કરી શકે છે


જો તમે સૉફ્ટ હાર્ટેડ હો તો ઇન્ફિનિટ વેલમાં જવાની હિંમત નહીં કરતા! ઇન્ફિનાઈટ વેલ પર ઊભા રહેશો તો તમને એવો આભાસ થશે કે તમે જાણે ઉપરથી નીચે કૂવામાં પડતા હો. મ્યુઝિયમની દરેક ઍક્ટિવિટી તમને si-fi ડ્રીમની દુનિયામાં લઈ જતી હોય એવું જ લાગશે.

ઇન્ફિનિટી ટનલ, ઊડતાં પતંગિયાં ને બીજું ઘણું

લાઇટિંગ અને ડેન્સિટી અને દીવાલનાં પેઇન્ટિંગ બદલાય છે અને એ જોવાની પણ અલગ મજા છે. આ ઉપરાંત કલર શૅડો રૂમમાં એન્ટર થશો તો તમારા ત્રણ અલગ-અલગ કલરના પડછાયા દેખાશે. દીવાલમાં પતંગિયાં એ રીતે લગાવ્યાં છે કે એના પર પ્રકાશ પાડવામાં આવે તો જાણે એ ઊડતાં હોય એવું લાગે. સિલિન્ડર પૅરૅડૉક્સ પણ જોવા જેવી ચીજ છે. સ્ટીલની બૉટલ જેવા પોલ સામે એવા ઑબ્જેક્ટ રાખ્યા છે જેનું સ્ટીલ પર રિફ્લેક્શન પડે તો માછલી અને પ્લેટ જેવો આકાર બને અને નવું ઇલ્યુઝન ક્રીએટ કરે. ઇન્ફિનિટી ટનલ એવો આભાસ કરાવે જાણે એ ટનલનો કોઈ અંત જ નથી. સ્વતંત્રતા સેનાની બાળ ગંગાધર તિલકનું પણ વૉલ પેઇન્ટિંગ છે એમાં આંખોનું પ્લેસમેન્ટ એ પ્રકારે કરવામાં આવ્યું છે આપણે કોઈ પણ ઍન્ગલથી એને જોઈએ તો એવું લાગે જાણે એ આપણને જ જુએ છે. પૅરૅડૉક્સ બૉક્સમાં પણ એક બાજુથી જોશો તો કાળા રંગની બિલાડી દેખાશે અને બીજી બાજુથી જોશો તો સફેદ કલરની દેખાશે. આ ઉપરાંત લેઝર લાઇટિંગથી ડાન્સિંગ મૅન પણ બનાવાયો. પૅરૅડૉક્સ રિંગ અને સ્ટિક પણ જોવા જેવી ચીજ છે. વૉટર પૅરૅડૉક્સમાં પણ લાઇટ બંધ કરીને જોવામાં આવે તો પાણીનાં ટીપાં ઉપર જતાં હોય એવું દેખાતાં આવું શક્ય કેમ છે એવો પ્રશ્ન ઊભો થાય છે.

ફેસ બ્લેન્ડર જોયું?
બે વ્યક્તિ સામસામે ઊભી રહે ત્યારે અને મિરરની ગોઠવણીને લીધે ફોટોમાં બન્ને વ્યક્તિના ચહેરા બ્લેન્ડ થઈને નવો ચહેરો બને છે એવો આભાસ થાય છે.

પોતાનાં જ ત્રણ વર્ઝન સાથે ચેસ રમવી છે?


મ્યુઝિયમમાં ચેસરૂમ છે જેમાં ચેસની સામે બેસીએ તો એવો આભાસ થાય છે કે જાણે આપણે પોતાનાં જ ત્રણ વર્ઝન સાથે ચેસ રમી રહ્યા છીએ. 

ધરતી પર રહીને સ્પેસની ફીલ અપાવે ઝીરો ગ્રેવિટી રૂમ


ઝીરો ગ્રેવિટી ફીલ કરવા માટે પૃથ્વીની બહાર જવું તો આપણા માટે ઇમ્પૉસિબલ છે, પણ જો એ ફીલિંગને ફીલ કરવી હોય તો પૅરૅડૉક્સ મ્યુઝિયમ બેસ્ટ પ્લેસ છે એમ કહેવું ખોટું નથી. સતત ગોળ ફરી રહેલા વિશાળ બૉક્સમાં બૅલૅન્સ બનાવીને ચાલો તો આ ઍડ્વેન્ચરસ ફીલિંગ પણ આપે છે.

ભારતીય થીમ પર આધારિત મ્યુઝિયમ મ્યુઝિયમમાં આવેલાં તમામ 
પંચાવન પ્રદર્શન માઇન્ડને વિચારવા પર મજબૂર કરે છે કે આ કઈ રીતે શક્ય છે? વાસ્તવિકતામાં શક્ય ન હોય એવી દુનિયામાં લઈ જતા પૅરૅડૉક્સ મ્યુઝિયમમાં આવેલા ૧૫ રૂમને ભારતીય લોકોના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. સાયન્સ, આર્ટ અને સાઇકોલૉજીના સ્માર્ટ સંયોજનથી બનાવવામાં આવેલા આ મ્યુઝિયમમાં દરેક ઉંમરની વ્યક્તિને જોવા અને માણવા જવાનું ગમે એવું છે.

વ્યક્તિ એક, રિફ્લેક્શન અનેક
મ્યુઝિયમમાં પ્રવેશતાંની સાથે એક કલાઇડોસ્કોપ દેખાશે. ​ત્રિકોણાકાર પાઇપ જેવા દેખાતા આ પ્રૉપમાં એક બાજુથી જોઈએ અને બીજી બાજુથી ફોટો પાડીએ તો એક જ વ્યક્તિનાં અગણિત રિફ્લેક્શન સર્જાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે એ ફોટોમાં રિયલ વ્યક્તિ કઈ અને તેનું રિફ્લેક્શન કયું એ શોધવામાં ગોટે ચડી જવાય છે. કહેવાય છે કે ટ્રૂ મિરર નેવર લાઇઝ નાઇધર ડૂ વી. જેમ કલાઇડોસ્કોપમાં આભાસ થાય છે એવો જ આભાસ કરાવે છે અપસાઇડ ડાઉન મિરર. અરીસાની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે આપણું રિફ્લેક્શન ઊંધું દેખાય છે.

મ્યુઝિયમ જતાં પહેલાં આટલું ધ્યાનમાં રાખજો
દ​ક્ષિણ મુંબઈના આઝાદ મેદાન વિસ્તારમાં આવેલું પૅરૅડૉક્સ મ્યુઝિયમ વર્ષના ૩૬૫ દિવસ ચાલુ રહેશે. સોમવારથી શુક્રવારે સવારે ૧૧ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી અને વીક-એન્ડના સાડાઆઠ વાગ્યા સુધી મ્યુઝિયમ ખુલ્લું રહેશે. ફન ઍક્ટિવિટી અને નવો એક્સ્પીરિયન્સ કરવાના શોખીન હો તો આ મ્યુઝિયમ વિઝિટ કરવા જેવું છે. દર અડધા કલાકે નવા બૅચને એક કલાકની ટૂર કરાવવામાં આવશે. જો તમે પણ મ્યુઝિયમમાં જવાનું પ્લાનિંગ કરતા હો તો મોબાઇલ અને કૅમેરા તો મસ્ટ હૅવ થિંગ છે જ પણ સાથે પાણીની બૉટલ પણ લઈ જજો. ખાવાની ચીજ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મ્યુઝિયમની ટિકિટની વાત કરીએ તો ૧૨ વર્ષથી વધુની ઉંમરના લોકો માટે ૫૯૦ રૂપિયા ટિકિટ છે ત્યારે બાળકો (ત્રણથી ૧૧ વર્ષ સુધીનાં) અને સિનિયર સિટિઝન્સ પાસેથી પ્રવેશ ફી તરીકે ૫૫૦ રૂપિયા વસૂલવામાં આવશે. આ ઉપરાંત વિદેશી નાગરિકોને આ મ્યુઝિયમ જોવા અને માણવા માટે ૮૯૦ રૂપિયા ચૂકવવા પડશે.

કેવી રીતે જશો?

જો તમે સેન્ટ્રલ અને હાર્બર લાઇનથી ટ્રાવેલ કરતા હો તો CSMT સ્ટેશન નજીક પડશે અને વેસ્ટર્ન લાઇનથી આ મ્યુઝિમ જવાના હો તો ચર્ચગેટ સ્ટેશન નજીક થશે. સ્ટેશનથી ટૅક્સી પણ કરી શકશો. જોકે મ્યુઝિયમ બન્ને સ્ટેશનની વચ્ચોવચ સ્થિત હોવાથી ચાલીને પણ જઈ શકાશે.

કાલ્પનિક દુનિયાની સેર
પચાસ કરતાં વધુ ઇમ્પ્રેસિવ ઇલ્યુઝન્સ રાખવામાં આવ્યાં છે જે તમારા મગજને વાસ્તવિકતા અને કાલ્પનિક દુનિયા વચ્ચેના મતભેદ વિશે વિચારવા પર મજબૂર કરી દેશે.
મ્યુઝિયમ.માં ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરવાલાયક ૧૫ કરતાં વધુ એક્સપેરિમેન્ટલ ફન-રૂમ છે. વિરોધાભાસ કરાવતા મ્યુઝિયમમાં પ્રવેશતાંની સાથે અલગ અને કાલ્પનિક દુનિયામાં પ્રવેશ થયાની અનુભૂતિ તો થશે જ પણ આ સાથે સામાન્ય કરતાં હટકે, યુનિક અને કાલ્પનિક દુનિયાની સેર કરાવશે. મુંબઈની માર્કેટ, રાજસ્થાની મહેલ અને સંજય ગાંધી નૅશનલ પાર્ક જેવી થીમના આધારે પ્રદર્શનોનો સમાવેશ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે.

columnists gujarati mid-day exclusive mumbai news mumbai azad maidan