સંઘરજે ઉરની વરાળ એકલો

10 February, 2024 12:31 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

‘ચિત્રપટ’ સાપ્તાહિકમાં તેમનો પગાર હતો માસિક ૧૪૦ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

તારી આંખનો અફીણી, 
તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

એવો કોઈ ગુજરાતી જે પચાસ વળોટી ગયો હોય અથવા પચાસની અંદર બે-ચાર ઓછાં હોય આ પંક્તિ કાને પડે કે તરત જ તેનું મસ્તક ન ડોલવા માંડે અને હાથની આંગળીઓ કે પગનાં તળિયાં ઠેકો લેવા ન માંડે એવું ભાગ્યે જ બને. આ ગીતના રચયિતા કવિ હતા શ્રી વેણીભાઈ પુરોહિત. વેણીભાઈ એ દિવસોમાં કાંદિવલીમાં રહેતા અને ‘ચિત્રપટ’ નામનું સાપ્તાહિક, જે નાઝ કમ્પાઉન્ડમાંથી નીકળતું એની સાથે જોડાયેલા હતા. એ દિવસની એક આ વાત તેમના સ્વમુખેથી સાંભળેલી છે એ આજે યાદ કરવી છે.

‘ચિત્રપટ’ સાપ્તાહિકમાં તેમનો પગાર હતો માસિક ૧૪૦ રૂપિયા. બન્યું એવું કે એ જ દિવસોમાં તેમને ‘જન્મભૂમિ’ સાંધ્ય દૈનિક અખબારમાંથી પત્રકાર તરીકે જોડાવાનો અવસર મળ્યો. અહીં પગાર માસિક ૧૨૦ રૂપિયા હતો. વેણીભાઈને દૈનિક વર્તમાનપત્રમાં પત્રકાર તરીકે જોડાવાનું ગમતું હતું. દૈનિકમાં તેમને અભિવ્યક્તિનું બહોળું મેદાન મળે એમ હતું. આમ કરવાથી ૨૦ રૂપિયા માસિક જે નુકસાન થતું હતું એ પરવડે એમ નહોતું. વેણીભાઈ મૂંઝાયા. મન આમ પણ કહેતું હતું અને તેમ પણ કહેતું હતું. બે દિવસથી એ મનોમન મૂંઝાયા કરતા હતા. જન્મભૂમિને જવાબ આપવાનો આજે છેલ્લો દિવસ હતો. ઑફિસે જવા માટે જમવા બેઠા, પત્ની રેખાબહેને પીરસ્યું પણ વેણીભાઈનું ચિત્ત ખાદ્ય વાનગીઓમાં નહોતું. તેમણે પત્નીને પોતાના મનની આ ગડમથલ વિશે કહ્યું નહોતું. વેણીભાઈ જમી રહ્યા ત્યારે રેખાબહેને પૂછ્યું, ‘સાચું કહેજો, તમે કંઈ મૂંઝવણમાં છો?’ વેણીભાઈ તરત જવાબ ન વાળી શક્યા પણ બોલ્યા તો ખરા, ‘તેં શી રીતે જાણ્યું?’ ‘તમે, આજે તમારું ભાવતું રસાવાળું શાક કર્યું હતું એ પીરસ્યું હતું છતાં ભાણામાં પડતું મૂક્યું છે. કાલે સાંજે મસાલાવાળાં મૂઠિયાં કર્યાં હોવા છતાં તમે બીજી વાર લીધાં નહોતાં. એના ઉપરથી મને 
એમ લાગે છે કે તમારા મનમાં કંઈ ગડમથલ છે.’

વેણીભાઈ કહે છે, ‘રેખાના આ નિરીક્ષણથી હું લેવાઈ ગયો. મેં તેને કહ્યું નહોતું. તમારી મૂંઝવણ તેને કહેવાથી શું ફાયદો? એ બાપડી શું કરી શકે? જ્યારે મેં તેને કહ્યું ત્યારે તેણે સાવેસાવ હળવાશથી કહ્યું, ‘આમાં તમે શું મૂંઝાઓ છો? તમારું મન રાજી રહેતું હોય એ નોકરી જ તમે લ્યો. અને તમે મહિને ૨૦ રૂપિયા ઓછા આપશો તોય તમારા ભાણામાં કે આ ઘરની ગોઠવણમાં જરાય ફેર નહીં પડે. તમે ચિંતા નહીં કરો.’

અને પછી વેણીભાઈ જન્મભૂમિમાં જોડાયા. જોડાયા તે એવા તે જોડાયા કે જીવનના છેલ્લા શ્વાસ પણ તેમણે જન્મભૂમિની કચેરીમાં જ લીધા. 
મનની મૂંઝવણ - આ કે તે?

આપણા રોજિંદા જીવનમાં ક્યાંય ને ક્યાંય, કોઈને કોઈ આ કરું કે પેલું કરું એવો પ્રશ્ન પેદા થતો જ હોય છે. નફા-નુકસાનની ગણતરી આપોઆપ મંડાઈ જાય છે અને પછી સમજાતું નથી કે કયો માર્ગ લેવો એ હિતકારી કહેવાય. પ્રશ્નોના પહાડ વચ્ચે થોડો વખત આમતેમ ફંગોળાયા કરીએ અને પછી સમય જતાં આપોઆપ એનો રસ્તો ખુલ્લો થઈ જતો હોય છે. મૂંઝવણ પતી ગયા પછી સ્વજન, મિત્ર, પરિવારજન કે પછી અન્ય કોઈ સ્નેહી આ વાત જાણે ત્યારે તમને પૂછે છે - ‘ભલા માણસ, આવું હતું તોય તમે અમને કંઈ કહ્યું જ નહીં? એકલા-એકલા જ મૂંઝવણ વહોરી લીધી?’ 
એમની વાત સાચી. તમે એમને કહ્યું નહોતું. તમે આ વાત બીજા કોઈને પણ કહી નહોતી. મૂંઝવણમાંથી માર્ગ કાઢવા માટે જેમની મદદ લઈ શકાય એમ હોય અને જે મદદ કરી શકે એમ હોય એમને કહો તો એ તર્કસંગત કહેવાય. પણ જો નિકટના સંબંધને કારણે જ તમારી મૂંઝવણ એમની ઉપર ઠાલવી દો તો એ બિચારો શું કરે? તમારો એમની સાથેનો સ્નેહ સંબંધ સચ્ચાઈનો હશે તો એમને પણ તમારી વાત સાંભળીને થોડી મૂંઝવણ જ થશે. તે તમારી પીડાને હળવી કરી શકતો નથી. તમારી પીડાને જોઈને, તમારા પ્રત્યેની ભલી લાગણીને કારણે એ પણ થોડીક વાર વ્યથિત થાય છે. તમારી પીડા હળવી થતી નથી અને પેલા પાસે જે કંઈ પીડાઓ હતી એમાં તમારી વાત સાંભળીને ઉમેરો થાય છે. આમ અકારણ જ તમે કુલ વ્યથાના સરવાળામાં વધારો કરી નાખો છો.

હવે જુઓ આ નવો દિવસ  

બે-ચાર દિવસ પછી તમારી મૂંઝવણ પૂરી થાય છે. સમયની સાથે બધું સંકેલાઈ જતું હોય છે. અચાનક તમારા પેલા સ્વજન તમને પાછા મળી જાય છે. વાતવાતમાં તમે એમને જે વાત કહી હતી એ યાદ કરીને તમે કંઈક બોલી ઊઠો છો. ત્યારે એ તમને જવાબમાં કહે છે, ‘કઈ પેલી વાત?’ આનો અર્થ એ થયો કે એ તો પેલી વાત એટલે કે તમારી મૂંઝવણની વાત એ સાવ ભૂલી જ ગયા હતા. તમારા પ્રત્યે તેમને સ્નેહ હોય એ સાચી વાત પણ તમારી જેમ જ બીજા કેટલાક સાથે પણ તેમને એવો જ સ્નેહ સંબંધ હોય ખરો. પરિણામે એવુંય બને કે સાંજ પડ્યે તેમના કાને આવા પ્રશ્નો બીજા પણ અથડાયા કર્યા હોય. પરિણામે એ ભૂલી પણ ગયા હોય. તેમને આ બધી પીડાઓ સાથે સ્નાનસૂતકનો સંબંધ પણ હોતો નથી. એ ભલો માણસ છે, સજ્જન છે. તમારા માટે સ્નેહભાવ પણ રાખે છે પણ બધાની મૂંઝવણના ટોપલા પોતાના માથા પર લઈને એ ફરી શકે નહીં. બનવાજોગ છે કે દિવસ દરમિયાન પોતાનો પણ એકાદ ટોપલો બીજા કોઈના મસ્તક પર ઢોળી દીધો હોય.

આ તરફ નજર ફેરવો 
કેટલાક માણસો પોતાની અંદરની વાત અંદર રાખે છે કેમ કે બીજા બધા કંઈ તેમની સહાય માટે જ લાઇનમાં ઊભા હોતા નથી. પણ કેટલાક એવા પણ લોકો છે જેઓ પોતાના વાસ્તવિક પ્રશ્નો ઉપરાંત કાલ્પનિક પ્રશ્નોને ઉમેરીને તમારી સમક્ષ બયાન કરવા માંડે છે - ‘અરે! એક વાર મને પણ આવું થયું હતું.’ આવું એટલે કેવું એ તમે પૂછો એ પહેલાં જ એમની વિગતો શરૂ થઈ જશે. ‘હું  ફલાણા ડૉક્ટર પાસે ગયો હતો, આવું ઑપરેશન કરાવ્યું હતું, પેલા ભાઈ કે પેલી બહેન મારી પાસે આવ્યા હતા.’ હવે જે ભાઈ કે બહેન સાથે તમારે કશી લેવાદેવા ન હોય એ વિશેની વાત તે તમને વિગતે કહેવા માંડશે. તમે વચ્ચે બોલીને તેમને રોકાવાનો સંકેત સુધ્ધાં આપશો તો એ રોકાશે નહીં. તેમને તો બસ, વાત કહેવી છે એટલે કહેવી જ છે.

\ઉરના એકાંત

આ લેખનો આરંભ આપણે વેણીભાઈ પુરોહિતને સંભારીને કર્યો છે હવે એનો અંત, ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયર કહ્યા હતા એવા શ્રી ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ યાદ કરીને કરીએ : 
તુજ સુખની મહેફિલમાં 
તું સહુને નોતરજે, 
પણ જમજે અશ્રુની થાળી એકલો; હોંશીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની વરાળ એકલો

columnists gujarati mid-day